કડું તો ત્યાં પડયું છે!

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
શી ખ ધર્મગુરૂ ગુરુ તેગબહાદુરના પુત્ર ગોવિંદસિંહ વીર યોદ્ધા અને ઉત્તમ કવિ હતા. યુદ્ધ સમયે શૌર્ય જગાવવા માટે તઓ સ્વયં કવિતાની રચના કરતા હતા. બાર વર્ષની વયે 'માર્કન્ડેય પુરાણ'નો અનુવાદ કરનાર ગુરુ ગોવિંદસિંહ પાસે કલમ અને તલવાર બંનેને માન મળતું હતું. આવા વીર અને સંત ગુરુ ગોવિંદસિંહ એક વાર યમુનાનાં ઘાટ પર બેઠા હતા. યમુનાના નિર્મળ નીર અતિ વેગે વહી રહ્યાં હતાં. ચોતરફ વૃક્ષાચ્છાદિત કિનારો હતો.
ગુરુ ગોવિંદસિંહ યમુનાના તીરે ધર્મશાસ્ત્રના અધ્યયનમાં લીન હતા, ત્યારે એમનો એક શિષ્ય રઘુનાથ આવ્યો. રઘુનાથે ગુરુ ગોવિંદસિંહનું શિષ્યત્વ સ્વીકાર્યું હતું, પણ એનો અહંકાર લેશમાત્ર ઓછો થયો ન હતો. પોતાની ધનસંપત્તિનો આડંબર કરવાની એકેય તક રઘુનાથ ચૂકતો નહીં.
એક દિવસ ગુરુ ગોવિંદસિંહ પાસે આવીને શિષ્ય રઘુનાથે વંદન કર્યા અને પછી હળવેથી કહ્યું કે, 'આપના ચરણે ધરવા માટે હું એક તુચ્છ ભેટ લાવ્યો છું. આપ કૃપા કરી તેનો સ્વીકાર કરો.'
આમ કહીને શિષ્ય રઘુનાથે ચમકતા, મોંઘા હીરા જેના પર જડયા હતા એવાં બે કડાં ગુરુચરણે સમર્પિત કર્યાં.
ગુરુ ગોવિંદસિંહ શિષ્યનો અહંકાર પામી ગયા. એમણે એક હીરાજડિત કડું હાથમાં લઈને એને આંગળી વચ્ચે રાખી ચક્રની જેમ ઘુમાવ્યું. શિષ્ય રઘુનાથ તો ગુરુ શું કરે છે તે સમજી શક્યો નહીં અને વિશેષ કંઈ વિચારે એ પહેલાં તો એ કડું ગુરુએ આંગળીમાંથી ઉછાળ્યું અને તે યમુનાના નીરમાં પડયું.
રઘુનાથના તો હોશકોશ ઊડી ગયા. એણે ધાર્યું હતું કે, આવી કીમતી ભેટ જોઈને ગુરુ પ્રસન્ન થશે એને બદલે એમણે હીરાજડિત કડાને ઊંડા પાણીમાં નાખી દીધું. રઘુનાથે યમુનાના જળમાં ઝંપલાવ્યું. જે જગાએ મૂલ્યવાન કડું પડયું હતું ત્યાં એણે ઘણી ડૂબકી લગાવી, પણ કડું મળે ક્યાંથી ?
યમુનાના તટે બિરાજેલા ગુરુ ગોવિંદસિંહ પુન: ધર્મધ્યાનમાં લીન બની ગયા હતા. રઘુનાથ કલાકો સુધી યમુનાના જળમાં કડું શોધવા મથ્યા, પરંતુ મૂલ્યવાન કડું હાથ ન લાગતાં પાણીની બહાર આવ્યા.
રઘુનાથે જોયું તો ગુરુ અધ્યયનમાં લીન હતા. એણે ગુરુને વિનંતી કરતાં કહ્યું, 'કડું પાણીમાં ક્યાં પડયું છે, તે બરાબર કહો તો હજી પણ શોધી લાવું. હીરાજડિત કડું અતિ મૂલ્યવાન છે.'
ગુરુ ગોવિંદસિંહે બીજું કડું હાથમાં લીધું. હીરાને કારણે એ કડું ચમકતું હતું. ગુરુ ગોવિંદસિંહે એ લઈને આંગળીમાં ભરાવીને ચક્રની જેમ ફેરવીને યમુનાના પાણીમાં નાખ્યું અને રઘુનાથને કહ્યું, 'બરાબર ત્યાં જ પડયું હતું.'
સંત અને સંસારીની દ્રષ્ટિનો મુખ્ય ભેદ જ એ છે કે સંસારી જેમને મૂલ્યવાન માને છે, સંત તેને તુચ્છ માને છે. જગતમાં બાહ્ય ઐશ્વર્યનો મહિમા છે, જ્યારે સંતની પાસે આંતરિક, આધ્યાત્મિક અનુભવોનો વૈભવ હોય છે. આથી જ ગુરુ ગોવિંદસિંહ સમક્ષ સંપત્તિ-ઐશ્વર્યનો આડંબર કરવા આવેલો રઘુનાથ સાવ હતાશ થયો.




