Shatdal

હદ થઈ : પાણી સુકવવા પંખા મુકાયા

By GS Team
11 Aug 20267 mins read
હદ થઈ : પાણી સુકવવા પંખા મુકાયા
  • વિવિધા-ભવેન કચ્છી
  • દેશના હજારો કરોડના ખર્ચે બનેલા એક્સપ્રેસ રસ્તાઓમાં ઉદ્ધાટન પહેલા કે તે પછી તરત જ ખાડા પડી જાય છે અને તેમાં પાણી ભરાઈ જાય છે : ભ્રષ્ટાચાર પૂરપાટ વેગે દોડે છે
  • અમેરિકામાં જાહેર સેવાની સાઈટ પર 'આ કામ તમારા ટેક્ષની રકમમાંથી થઈ રહ્યું છે' તેવું બોર્ડ જોઈ શકાય છે
  • ભારતના લાચાર નાગરિકોને તેમના ગામ કે શહેરના રસ્તાઓમાં તો સહન કરવું પડે છે પણ એક્સપ્રેસ હાઈ વેમાં પણ રસ્તા ધોવાઈ જતાં હાલાકી

લ ગભગ ૪,૨૦૦ કરોડ રૂપિયાના જંગી ખર્ચે આકાર પામી રહેલા કાનપુર-લખનઉ એક્સપ્રેસવે પર વાદળો વરસ્યા અને રસ્તા પર પાણી ભરાઈ ગયા. પરંતુ એનાથી પણ વધુ હાસ્યાસ્પદ અને આશ્ચર્યજનક બાબત એ બની કે કોન્ટ્રાક્ટરે રસ્તા પર પડેલા ખાડા અને ભરાયેલા પાણીને સૂકવવા માટે ટેબલ ફેન (પંખા) મૂક્યા! વિદેશમાં આ તસ્વીર અને ભ્રષ્ટાચાર અંગેની પોસ્ટ વાયરલ બની અને આપણી આબરૂ પણ ગઈ.
આ ચિત્ર માત્ર એક કોન્ટ્રાક્ટરની મૂર્ખામી નથી, પરંતુ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વ્યાપેલી ગંભીર બેદરકારી, ટેકનિકલ પતન અને ભ્રષ્ટાચારની જીવતી-જાગતી
મિસાલ છે.
કેટલાક એવા ઉદાહરણો જોઈએ જે સિસ્ટમના ભ્રષ્ટાચારને છતો કરે છે:
બુંદેલખંડનો રસ્તો
જુલાઈ ૨૦૨૨ માં વડાપ્રધાન મોદી દ્વારા ઉત્તર પ્રદેશમાં બુંદેલખંડ એક્સપ્રેસવેનું ઉદ્ધાટન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ઉદ્ધાટનના માત્ર ૫ જ દિવસમાં પડેલા ભારે વરસાદમાં જાલોન પાસે આ એક્સપ્રેસવે પર મોટા-મોટા ખાડા પડી ગયા હતાં અને રસ્તો ધસી પડયો હતો ત્યારે કામચલાઉ થીગડાં મારવામાં આવ્યા હતાં. વરસાદની સીઝનમાં ૧૪,૮૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા રોડ દરેક વખતે તૂટી જાય છે. વાહન ચાલકો લાચારીથી આવા રસ્તા પર સાવચેતી પૂર્વક તેઓનો માર્ગ શોધી લે છે. આ દશા દર્શાવે છે કે રસ્તાના નિર્માણમાં વપરાતા ડામર અને મટિરિયલમાં કેવા સ્તરનો ભ્રષ્ટાચાર થયો હશે.
પૂર્વાંચલ એક્સપ્રેસવે
અંદાજે ૨૨,૪૯૭ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ઉત્તર પ્રદેશના પૂર્વાંંચલ એક્સપ્રેસવે પર સુલતાનપુર પાસે રસ્તો એટલી હદે ધસી ગયો હતો કે ૧૫ ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો અને એક કાર તેમાં ખાબકી હતી. સુપરકાર અને ફાઇટર જેટના લેન્ડિંગ માટે દાવાઓ કરતા એક્સપ્રેસવે પર જ્યારે સામાન્ય ગાડીઓ ખાડામાં પડે છે ત્યારે એન્જિનિયરિંગ અને સુપરવિઝનના નામે થયેલો ભ્રષ્ટાચાર ઉઘાડો પડે છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે
ભારતનો સૌથી મોટો અને મહત્વાકાંક્ષી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (ગુરુગ્રામ અને રાજસ્થાન સ્ટ્રેચ) પણ આમાંથી બાકાત નથી. નિર્માણ પૂર્ણ થયાના થોડા જ સમયમાં ગુરુગ્રામ અને દૌસા નજીકના ભાગોમાં મોટા ખાડા અને તિરાડો જોવા મળી હતી. પ્રથમ વરસાદમાં જ રસ્તા પર ભુવા પડવા તે સ્પષ્ટ કરે છે કે ડ્રેનેજ સિસ્ટમ (પાણીના નિકાલની વ્યવસ્થા) અને સોઇલ ટેસ્ટિંગમાં ભયાનક ગોલમાલ કરવામાં આવી છે.વડોદરાથી ભરૂચ જતા રસ્તા પર ઉદ્ધાટન પહેલા જ ઠેર ઠેર ગાબડા પડતા જોઈ શકાય છે.
બિહારમાં તો હદ થઈ
બિહારમાં તો સ્થિતિ એ હદે પહોંચી છે કે છેલ્લા કેટલાક સમયમાં ૧૫ થી વધુ પુલ અને એપ્રોચ રોડ ઉદ્ધાટન પહેલાં જ નદીમાં ગરકાવ થઈ ગયા અથવા ધસી પડયા. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ સ્ટ્રક્ચર ચોમાસાના સામાન્ય પૂરને પણ સહન કરી શકતા નથી, કારણ કે નિર્માણ સામગ્રીમાં સિમેન્ટ અને સળીયાનું પ્રમાણ ઓછું અને ભ્રષ્ટાચારનું પ્રમાણ વધારે હોય છે.
બેંગલુરુ-મૈસૂર એક્સપ્રેસવે
કર્ણાટકમાં ૮,૪૦૦ કરોડથી વધુના ખર્ચે બનેલા આ એક્સપ્રેસવે પર પહેલા જ વરસાદમાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા અને અનેક જગ્યાએ રોડ બેસી ગયો હતો. ટેકનિકલ ખામીઓ એટલી હદે હતી કે સ્થાનિક લોકોએ ભારે વિરોધ કરવો પડયો હતો.
કાનપુર-લખનઉ રસ્તો
કાનપુર-લખનઉ એક્સપ્રેસવે પ્રોજેક્ટ એ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણનો એક મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. ૪,૨૦૦ કરોડથી વધુની કિંમતના આ પ્રોજેક્ટમાં ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ક્ષમતાના મોટા દાવો કરવામાં આવ્યા હતા.
પરંતુ જ્યારે વરસાદે ખાડા પાડયા, ત્યારે કોન્ટ્રાક્ટરે પાણી સૂકવવા માટે પંખા મુકાવ્યા!
શું પંખાથી રસ્તો સુકાઈ જાય?? ભારતની કમનસીબી છે કે રોડ નિર્માણની ટેકનોલોજી એવી કક્ષાએ પહોંચી ગઈ છે કે હવે આપણે ડ્રેનેજ કે ગુણવત્તાયુક્ત એસ્ફાલ્ટ (ડામર)ના બદલે પંખા પર નિર્ભર રહેવું પડે છે.
આ ઘટના માત્ર એક રમુજી સમાચાર નથી, આ દેશના કરદાતાઓના ટેક્સના પૈસાની ખુલ્લેઆમ મજાક છે. આ ઘટના દર્શાવે છે કે કોન્ટ્રાક્ટરો અને જવાબદારી ધરાવતા અધિકારીઓમાં ઉત્તરદાયિત્વનો કેટલો અભાવ છે.
ભ્રષ્ટાચારનું નેટવર્ક
ભારતમાં હાઇવે નિર્માણમાં ભ્રષ્ટાચાર માત્ર એક જ સ્તરે નથી, પરંતુ તે એક આખી સાંકળ છે.
ટેન્ડર પ્રોસેસ : ઘણીવાર સૌથી ઓછી રકમની બોલી લગાવનાર (L1) ને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. વાસ્તવિક ખર્ચ કરતા ખૂબ ઓછી કિંમતે કામ લેનાર કોન્ટ્રાક્ટર નફો રળવા માટે નબળું મેટિરિયલ્સ
વાપરે છે.
કમિશન પ્રથા : રાજકારણીઓ, મહાનગર પાલિકાના અમલદારો અને મકાન, રસ્તા બાંધકામ વિભાગ, જાહેર સેવા વિભાગ ના અમુક ભ્રષ્ટ અધિકારીઓ વચ્ચે ૧૫% થી ૩૦% સુધીનું કમિશન વહેંચાઈ જતું હોવાના આક્ષેપો વારંવાર થાય છે. જો બજેટનો મોટો હિસ્સો લાંચમાં જતો રહે, તો રસ્તો મજબૂત કેવી
રીતે બને?
ડ્રેનેજ સિસ્ટમનો અભાવ : રસ્તાઓ તૂટવાનું સૌથી મોટું કારણ પાણી છે. જો રોડની બંને બાજુ પાણીના નિકાલની યોગ્ય ગટર કે ડ્રેનેજ ન હોય, તો પાણી ડામરના સ્તરમાં ઘૂસીને તેને ઉખાડી ફેંકે છે. ભારતમાં ડ્રેનેજ માટેનું બજેટ કાગળ પર જ વપરાઈ જાય છે.
લેબોરેટરી રિપોર્ટમાં સેટિંગ : રોડ બનતી વખતે તેના સેમ્પલ પાસ કરાવવા માટે લેબોરેટરીઓ સાથે સેટિંગ કરી લેવામાં આવે છે.તેવી જ રીતે ઓડિટરો પણ તમામ ખર્ચ યોગ્ય રીતે ઉપયોગમાં લેવાયો છે તેવા સર્ટીફિકેટ આપી દે છે.
વિદેશમાં રસ્તાનું નિર્માણ
અમેરિકા, જર્મની અને જાપાન જેવા દેશોમાં પણ રસ્તાઓ બને છે અને ત્યાં પણ નાગરિકોના ટેક્સના પૈસા વપરાય છે. પરંતુ ત્યાંના રસ્તાઓ દાયકાઓ સુધી કેમ ટકી રહે છે? અમેરિકામાં Interstate Highway Systemનું ઉદાહરણ સરખામણી કરવા જેવું છે.
કોંક્રીટ અને કમ્પાઉન્ડિંગ સ્ટાન્ડર્ડ્સ : અમેરિકામાં રસ્તાઓ મોટે ભાગે પોર્ટલેન્ડ સિમેન્ટ કોંક્રીટ અથવા અત્યાધુનિક સુપરપાવ કમ્પાઉન્ડેડ અસ્ફાલ્ટથી બનાવાય છે. ત્યાં રસ્તાના તળિયા (Sub-grade layer) થી લઈને ઉપરના સ્તર સુધીની જાડાઈ અને મજબૂતી માટે કડક કાયદાકીય માપદંડો છે.
૧૦૦ વર્ષની ગેરંટી : અમેરિકામાં બ્રિજ અને હાઇવે ૪૦ થી ૧૦૦ વર્ષના આયુષ્યને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવે છે. નિર્માણ પહેલાં જમીનની ભૂગર્ભીય સ્થિતિ અને હવામાનની આત્યંતિક પરિસ્થિતિઓ જેમ કે અતિશય ગરમી, બરફ અને ભારે વરસાદનો સઘન અભ્યાસ કરવામાં આવે છે.
ડ્રેનેજ સફેસિએન્સી : અમેરિકન હાઇવે એન્જિનિયરિંગમાં સૌથી વધુ ભાર પાણીના આયોજન પર આપવામાં આવે છે. રસ્તાની ડિઝાઇન જ એવી હોય છે કે પાણી એક સેકન્ડ માટે પણ રોડ પર રોકાય નહીં. ઓટોમેટિક કેમ્બર (ઢાળ) અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ દ્વારા પાણી તુરંત જ બહાર નીકળી જાય છે.
સખત કાયદા : અમેરિકા કે યુરોપમાં જો કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવેલા રસ્તામાં નિર્ધારિત સમય પહેલાં ખામી સર્જાય, તો : કોન્ટ્રાક્ટરને ભારે દંડ ફટકારવામાં આવે છે. તેની કંપનીને કાયમ માટે બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે છે.
ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ગુનાહિત બેદરકારીનો કેસ ચલાવીને જેલભેગા કરવામાં આવે છે.
ટેક્સપેયર્સનું સન્માન : અમેરિકામાં નાગરિકો જાગૃત છે. ત્યાં રોડ ટેક્સ કે ઇનકમ ટેક્સ તરીકે વસૂલાતો એક-એક ડોલર પબ્લિક પ્રોપર્ટી છે. જો નાગરિકના વાહનને રોડના ખાડાને લીધે નુકસાન થાય, તો નાગરિક સરકાર કે સ્થાનિક કાઉન્સિલ પાસે વળતર ક્લેમ કરી શકે છે! એટલું જ નહીં રસ્તાનું, નિર્માણ, રીપેરીંગ કે કોઈપણ જાહેર સેવાની સાઈટ પર બોર્ડ મૂકેલું જોઈ શકાય છે કે 'હાલ ચાલી રહેલ કામ તમારા ટેક્ષના અમને મળેલ નાણાંમાંથી થાય છે.'
ભારતમાં નાગરિકોનો દ્રોહ
ભારતમાં સામાન્ય નાગરિક દરેક વસ્તુ પર ટેક્સ આપે છે. કાર કે બાઇક ખરીદતી વખતે અમુક વર્ષનો રોડ ટેક્ષ એડવાન્સમાં વસૂલવામાં આવે છે. પેટ્રોલ-ડીઝલ પર ભારે ટેક્ષ અને 'સેસ' લેવામાં આવે છે. આટલું ઓછું હોય તેમ, એક શહેરથી બીજા શહેર જવા માટે ભારે ટોલ ટેક્ષ ચૂકવવો પડે છે.? સવાલ એ થાય છે કે આટલો બધો ટેક્સ આપ્યા પછી નાગરિકને બદલામાં શું મળે છે?
જીવ ગુમાવવા : નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા અનુસાર, ભારતમાં દર વર્ષે હજારો લોકો માત્ર રસ્તા પરના ખાડાને કારણે થતા અકસ્માતોમાં જીવ ગુમાવે છે. આ કોઈ કુદરતી આપત્તિથી થતા મોત નથી, આ સિસ્ટમ દ્વારા કરવામાં આવતી સંસ્થાગત હત્યા છે.
ઉકેલ શું?
જો ભારતને ખરેખર ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવું હોય અને વિકસિત દેશોની હરોળમાં ઊભા રહેવું હોય, તો નિર્માણ ક્ષેત્રે વ્યાપેલ આ સડો દૂર કરવો પડશે. તેના માટે કડક પગલાં લેવા અનિવાર્ય છે.
કોઈપણ હાઇવે કે એક્સપ્રેસવે માટે કોન્ટ્રાક્ટરની જવાબદારી ઓછામાં ઓછી ૧૫ વર્ષની હોવી જોઈએ. જો આ સમયગાળામાં રોડ તૂટે, તો તેનો સંપૂર્ણ ખર્ચ કોન્ટ્રાક્ટરની સંપત્તિ જપ્ત કરીને વસૂલવો જોઈએ.
આ ઉપરાંત ? સરકારી એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોની ભાગીદારી તોડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્વતંત્ર એજન્સીઓ દ્વારા રોડના નિર્માણનું અને મેટિરિયલનું ઓડિટ થવું જોઈએ.
રોડ બનાવતા પહેલા તેની બંને બાજુ પાણીના નિકાલની યોગ્ય ગટર અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું કામ ૧૦૦% પૂરું થવું જોઈએ.
જે એન્જિનિયર કે અધિકારીના સુપરવિઝનમાં બનેલો રોડ એક વર્ષમાં તૂટી જાય કે પુલ પડી જાય, તેઓની અને કોન્ટ્રાક્ટરની સામે માત્ર સસ્પેન્શન નહીં પરંતુ ગુનાહિત બેદરકારીનો કેસ નોંધવો જોઈએ.
જો ખરાબ રોડ કે ખાડાના કારણે કોઈ નાગરિકના વાહનને નુકસાન થાય કે અકસ્માત થાય, તો સંબંધિત ટોલ કંપની કે નેશનલ હાઈ વે ઓથોરિટી પાસે વળતર વસૂલ કરવાનો કાયદો બનાવવો જોઈએ.
જ્ઞાન પોસ્ટ
દેશને કાગળ પરના આંકડા અને હાસ્યાસ્પદ પંખાઓની નહીં, પરંતુ મજબૂત, ટકાઉ અને સુરક્ષિત રસ્તાઓની જરૂર છે.હાઈ વે કે ગામ અને શહેરની દુર્દશા મત આપવા માટે નિર્ણાયક નહીં બંને ત્યાં સુધી ભારતમાં આવું જ ચાલશે.