ગરીબોની પ્રમાણિકતા કદીક તો દાટ વાળે છે કથા અંગત હતી એને જગત આખું નિહાળે છે

યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિાક
ગેટ પાસે એક એમ્બ્યુલન્સ અને પોલીસની બે જીપ ઊભી હતી. બંગલાના ગેટ પર ત્રણ પોલીસ કોન્સ્ટેબલ ઊભા રહીને કોઈને અંદર જવા નહોતા દેતા… આ બધું શું હશે? બંગલામાં શું થયું હશે ?
(ગયા બુધવારનો ટૂંક સાર :)
ખાનગી પેઢીનો પટાવાળો અશોક સાઈકલ લઈને ઘેર જતો હતો ત્યારે એરપોર્ટ રોડ પર એક યુવાન શેઠિયો સિગારેટ લેવા માટે ટેક્સીમાંથી ઊતર્યો. ત્યારે પાનના ગલ્લે એની બ્રીફકેસમાંથી એક પાઉચ નીચે પડી ગયું. એ શેઠિયો રવાના થઈ ગયો અને અશોકે એ પાઉચ ઉઠાવી લીધું. ઘેર જઈને ખોલ્યું તો એમાં પાંચેક તોલા સોનાનો નેકલેસ, ચિઠ્ઠી અને વિઝિટિંગ કાર્ડ હતું. એની પત્ની સવિતાની ઇચ્છા એ નેકલેસ રાખી લેવાની હતી, પણ વર્ષો અગાઉ અશોકના બાપાને સોનું જડેલું અને એ વેચીને એમણે નવી સાઈકલ ખરીદેલી. પંદર દિવસ પછી અકસ્માત થયો અને અશોકના બાપા મરી ગયેલા. એટલે સોનુ જડવાને અશોક અપશુકન માને છે અને બીજા દિવસે સેટેલાઈટ રોડ પરના શેઠના બંગલે એ પાઉચ શેઠાણીને સોંપે છે. શેઠાણી રત્નાબા આ ગરીબની પ્રમાણિકતાથી ખુશ થઈને જે જોઈએ એ માગવાનું કહે છે. અશોક કહે છે કે મને સારી નોકરી આપો. રત્નાબા કહે છે કે સોમવારે રાત્રે શેઠ આવશે, તું મંગળવારે સવારે અહીં આવી જજે. હું કહીશ એટલે શેઠ તને સારી નોકરીમાં રાખી લેશે : હવે આગળ વાંચો)
અશોક ઉત્સાહભેર ઘેર આવ્યો ત્યારે સવિતા એની રાહ જોઈને જ બેઠી હતી.
'સાડા સાત લાખ રૂપિયાની વસ્તુ તમે પાછી તો આપી દીધી…' સવિતાએ પૂછ્યું. 'તમને ઇનામમાં એમણે શું આપ્યું ?'
'અરે આલિશાન બંગલો છે અને શેઠાણી તો જોરદાર રાજપૂતાણી છે…' અશોકના અવાજમાં આશાનો રણકાર હતો. 'એ રત્નાબાએ ઇનામ માગવાનું કહ્યું ત્યારે મેં કહી દીધું કે શેઠને કહીને સારી નોકરીમાં સેટ કરાવી દો. એમણે રાજી થઈને વચન આપ્યું છે. મંગળવારે સવારે શેઠને મળીશ એટલે એમની ઓફિસ કે ફેક્ટરીમાં સારી નોકરી સો ટકા મળી જશે. તેજતર્રાર રત્નાબા કદર કરવામાં પાછા પડે એવા નથી…' એણે હસીને ઉમેર્યું. 'એમણે કહ્યું કે હું કહીશ એ પછી ના પાડવાની શેઠની તાકાત નથી !'
'હાશ ! વધુ પગારવાળી નોકરી મળે તો અંબાજી દર્શન કરવા જઈશું. આ મોંઘવારીમાં તમારા આટલા પગારમાં ઘર કઈ રીતે ચલાવું છું, એ મારું મન જાણે છે. ભગવાનનું નામ લઈને મંગળવારે સવારે
પહોંચી જજો.'
શનિ, રવિ અને સોમ - એ ત્રણેય દિવસ અશોક અને સવિતા નાના નાના પ્લાનિંગની પળોજણમાં જ પરોવાયેલાં રહ્યાં. પગાર વધે એ પછી નવો પંખો લાવવાનો છે, રસોડું રીપેર કરાવવાનું છે, હપ્તાથી મળે તો ફ્રીઝ પણ વસાવવું છે, આટલા વર્ષથી ફ્રીઝની ઇચ્છા હોવા છતાં ટૂંકા પગારમાં મેળ પડતો નહોતો.
સવિતાની સ્ત્રી સહજ સમજદારી પોતાનાથી વધુ સારી છે, એ હકીકત અશોક સમજતો હતો અને એની વાત સ્વીકારતો હતો.
સોમવારે રાત્રે સવિતાએ રમેશની પાસે બેસીને સમજાવ્યું, 'મારી વાત માનો અને જમાના પ્રમાણે જીવતા શીખો. તમે નેકલેસ પાછું આપવા ગયા ત્યારે કઈ રીતે ગયા હતા ? ઓફિસમાં રોજ પહેરો છો એ લઘરવઘર કપડાં, ચાર-પાંચ દિવસની વધેલી દાઢી અને પગમાં સ્લીપર પહેરીને સાઈકલ લઈને ગયા હતા… બરાબરને ?'
સવિતાએ પૂછ્યું અને અશોકે હકારમાં માથું હલાવ્યું.
'હવે કાલે શેઠને મળવા જવાનું છે ત્યારે આવી લઘરવઘર દશામાં નથી જવાનું…' સવિતાએ પ્રેમથી આદેશ આપ્યો. 'દિવાળીએ નવા શર્ટ-પેન્ટ ખરીદ્યા છે એ પહેરજો. તમારા બૂટ પણ મેં રીપેર કરાવી રાખ્યા છે એ પહેરીને બસમાં જજો. સાઈકલ લઈને છેક ત્યાં સુધી તૂટતા તૂટતા જવાનું નથી. વહેલા ઉઠીને અપટુડેટ તૈયાર થઈને બસમાં જજો. શેઠ તમને જોવે ત્યારે સારી છાપ પડવી જોઈએ. જો તમે લઘરવઘર જશો તો પટાવાળાની જ નોકરી આપશે… મારી વાત સમજાય છે ? કહેવાનું કે મને બધું કામ આવડે છે, કારકૂની કરવામાં વાંધો નહીં આવે…'
સવિતાની સલાહ સાચી છે.. અશોકે સ્વીકારી લીધું. મંગળવારે સવારે સવિતાએ કહેલું એ રીતે તૈયાર થઈને આઠ વાગ્યે સેટેલાઈટ રોડ પરની આલિશાન બંગલાઓની સોસાયટીમાં પહોંચી ગયો.
શ્રીકાંતના બંગલા પાસેનું દ્રશ્ય જોઈને અશોક ગૂંચવાઈ ગયો. આ બધું શું છે એ એને સમજાયું નહીં. સોસાયટીના બધા બંગલાવાળા ટોળું બનીને શ્રીકાંતના બંગલા પાસે ઊભાં હતાં. ગેટ પાસે એક એમ્બ્યુલન્સ અને પોલીસની બે જીપ ઊભી હતી. બંગલાના ગેટ પર ત્રણ પોલીસ કોન્સ્ટેબલ ઊભા રહીને કોઈને અંદર જવા નહોતા દેતા… આ બધું શું હશે ? બંગલામાં શું થયું હશે ?
હિંમત કરીને અશોક આગળ વધ્યો અને ભીડમાં ભળી ગયો. ટોળામાં બધાના ચહેરા ઉપર ગજબની ઉત્તેજના અને જિજ્ઞાસા હતી. બાજુમાં ઊભેલા પ્રૌઢના ખભે હળવેથી હાથ મૂકીને અશોકે પૂછ્યું, 'શું થયું છે ? પોલીસ કેમ આવી છે ?'
પેલાએ ગરદન ઘૂમાવીને અશોક સામે જોયું. 'અમને ય પૂરી ખબર નથી. શ્રીકાંતનું મર્ડર થઈ ગયું છે એટલી જાણકારી મળી…' સામેના બંગલા સામે નજર કરીને એણે ઉમેર્યું. 'શ્રીકાંતની સામે રહે છે એ લલિત લંબૂને બધી ખબર હશે. એને ધંધામાં શ્રીકાંત સાથે હરિફાઈ હતી. વળી, એના ને શ્રીકાંતના બંગલામાં કામવાળા એક જ છે એટલે એ લંબૂને રજેરજની ખબર હશે. એ હમણાં બહાર આવે એની જ અમે રાહ જોઈએ છીએ. એ આવીને પૂરી જાણકારી આપશે. બાકી મર્ડરનો કેસ છે એટલે પોલીસ તો આવે જ ને ?'
અશોક ડઘાઈ ગયો. શ્રીકાંતભાઈનું જ મર્ડર થઈ ગયું તો હવે નોકરીની તો વાત જ ભૂલી જવાની… છતાં રત્નાબા દયા કરીને કંઈક સેટિંગ કરી આપે તો મેળ પડી જાય.. હતાશામાં ગરકાવ થઈને એ ભાંગી પડયો હતો.
એ જ વખતે સામેના બંગલામાંથી પેલો લંબૂ યુવાન બહાર આળ્યો. પાઉચ પરત કરવા આવ્યો ત્યારે પણ અશોકે એને જોયો હતો. એ લંબૂ આવ્યો કે તરત બધા એને ઘેરી વળ્યાં. એક પછી એક પ્રશ્નોની ઝડી વરસી એટલે લંબૂએ હાથ ઊંચો કરીને બધાને શાંતિ રાખવાનું કહ્યું. બધા શાંત થઈને એની સામે જોઈ રહ્યા. વધુ ધ્યાનથી સાંભળી શકાય એ માટે અશોક પણ હળવે રહીને એ લંબૂની છેક નજીક પહોંચીને ઊભો રહી ગયો.
'શ્રીકાંતનું ગઈ રાત્રે દોઢ વાગ્યે મર્ડર થઈ ગયું..' લંબૂએ જાણકારી આપવાનું શરૂ કર્યું. 'એની હત્યા બીજા કોઈએ નહીં ખુદ રત્નાબાએ જ કરી છે !'
ભીડમાં સન્નાટો છવાઈ ગયો. જાણે માનવામાં ના આવતું હોય બધાના ચહેરા પર આશ્ચર્ય હતું.
'વાંક તો શ્રીકાંતનો જ હતો. મુંબઈમાં એણે એક રખાત રાખી હતી. દર મહિને ચારેક દિવસ એના માટે થઈને એ મુંબઈ જતો હતો અને રત્નાબાને સમજાવી દેતો હતો કે ધંધાના કામ માટે મુંબઈ જવું પડે છે !…' લગીર અટકીને લંબૂએ બધાની સામે જોયું. 'કામવાળા ગંગાબહેન અગાઉ ચોવીસેય કલાક મારા બંગલે રહેતાં હતાં. ડબલ પગાર આપીને શ્રીકાંત એમને લઈ ગયો હતો એ છતાં, ગંગાબહેન મારે ત્યાં કચરા-પોતા-વાસણ અને કપડાં માટે તો આવે જ છે. અત્યારે ગભરાયેલા ગંગાબહેન મારા ઘેર મારા મિસિસની જોડે જ બેઠાં છે. એમણે તો જે બન્યું એ બધુંય નજરે જ જોયું છે… શ્રીકાંતના મુંબઈ ચેપ્ટરની રત્નાબાને ક્યારેય જાણ ના થાત, પરંતુ શુક્રવારે શ્રીકાંત એરપોર્ટ જતો હતો ત્યારે એની ભૂલથી રખાતને ભેટ આપવા માટે ખરીદેલું પાંચ તોલાનું નેકલેસ રસ્તામાં પડી ગયું. પાઉચમાં નેકલેસ ઉપરાંત પેલી પર લખેલ પ્રેમપત્ર અને શ્રીકાંતનું કાર્ડ પણ હતું. એક ગરીબ યુવાનને એ જડી ગયું. એ પ્રમાણિક યુવાન ખાનદાની બતાવીને શ્રીકાંતના બંગલે આવ્યો અને એ પાઉચ એણે રત્નાબાના હાથમાં આપ્યું. ગંગાબહેન પણ એ સમયે ત્યાં હાજર હતા. રત્નાબા તો જોરદાર જાડેજા પરિવારનાં દીકરી. કાચી સેકન્ડમાં જ એમને અણસાર તો આવી ગયો પણ ઝેરનો ઘૂંટડો એ પળે ગળે ઉતારી ગયાં. પેલા ગરીબ યુવાનની પ્રમાણિકતા જોઈને એ લાગણીવશ બની ગયાં હતાં. એમણે ઇનામ આપવાનું કહ્યું પરંતુ પેલા યુવાને નોકરી માટે વાત કરી એટલે રત્નાબાએ એને મંગળવારે-આજે સવારે આવવાનું કહેલું…' બધાની સામે નજર ફેરવીને એ ફિક્કું હસ્યો. 'એ બાપડો કદાચ આત્યારે આવ્યો પણ હશે પણ આ બધું જોઈને નિરાશ થઈને જતો રહ્યો હશે… સોમવારે-ગઈ રાત્રે દસ વાગ્યે શ્રીકાંત મુંબઈથી આવ્યો ત્યારે રણચંડીનું રૂપ લઈને એનું સ્વાગત કરવા માટે રત્નાબા તૈયાર હતા. ગંગાબહેન પણ ગભરાઈને એક ખૂણામાં ઊભા રહી ગયા હતા. શ્રીકાંતની ફેંટ પકડીને રત્નાબાએ ભયાનક ગુસ્સાથી નેેકલેસ અને ચિઠ્ઠી બતાવીને પૂછ્યું કે આ વંતરી કોણ છે ? ભાંડો ફૂટી ગયા પછી શ્રીકાંતે નફ્ફટ બનીને કબૂલાત કરીને કહી દીધું કે મારી મુંબઈ યાત્રા તો ચાલુ જ રહેશે ! રત્નાબાએ હાથ ઉપાડયો એટલે સામે શ્રીકાંતે પણ મારઝૂડ શરૂ કરી. રત્નાબાએ એને ધમકી આપી કે મારા ઉપર હાથ ઉઠાવવાનું બંધ કર ! પરિણામ સારું નહીં આવે ! છતાં શ્રીકાંત અટક્યો નહીં. રત્નાબાએ ફરી ધમકી આપી કે હવે હાથ ઉપાડીશ તો હું તને મારી નાખીશ… તારાથી થાય એ કરી લે…. એમ કહીને શ્રીકાંતે ફરીથી તમાચો માર્યો.. વિફરેલી વાઘણની જેમ રત્નાબા રસોડામાં ગયા અને લોખંડનો દસ્તો લઈને શ્રીકાંતની સામે ઊભાં રહ્યાં. જાણે મશ્કરી કરતો હોય એમ શ્રીકાંત હસ્યો અને તમાચો મારવા એણે હાથ ઉગામ્યો. રત્નાબાએ આખા શરીરની સમગ્ર તાકાત ભેગી કરીને બંને હાથથી પકડીને દસ્તો શ્રીકાંતના માથામાં કચકચાવીને માર્યો ! નાળિયેર ફૂટે એમ ધડામ અવાજ સાથે શ્રીકાંતની ખોપરીના ટૂકડા થઈ ગયા અને લોહીથી લથબથ બનીને એ ઢળી પડયો !'
સહુ શ્રોતાઓ સ્તબ્ધ હતા. ગંગાબહેને જે કહેલું એના આધારે લંબૂ બોલી રહ્યો હતો.
'લોહીવાળા હાથે ખુદ રત્નાબાએ જ એકસો આઠને ફોન કર્યો અને ગંગાબહેન સામે હાથ જોડીને કહ્યું કે એ સીડી પરથી ગબડી પડયા છે એવું બધાને કહેજો…. ગંગાબહેન હબકી ગયાં હતાં પણ અંતરાત્મા જાગ્રત હતો. એમણે સામે હાથ જોડીને કહી દીધું કે રત્નાબા, પોલીસ પૂછશે તો હું તો જે જોયું છે એ જ કહીશ… રત્નાબાએ ફોન કરીને એમના ભાઈને બોલાવી લીધા.
એમના ભાઈએ આવીને રત્નાબાને એક લાખ રૂપિયાની ઓફર આપી, પણ ગંગાબહેન ના માન્યા. રકમ વધારીને ભાઈએ દસ લાખ રૂપિયા આપવાનું કહીને સમજાવ્યું કે તમે તો અહીં હાજર જ નહોતા - એટલું જ કહેવાનું છે, બાકીનું હું ફોડી લઈશ.
આ શ્રીકાંત તો નાનો હતો ત્યારે મેં એને રમાડેલો… એનું આવું મોત ? મારાથી જુઠ્ઠું નહીં બોલાય એમ કહીને એ ગરીબ સ્ત્રીએ દસ લાખની લાલચ પણ ફગાવી દીધી અને જે બન્યું હતું એની વિગતવાર માહિતી પોલીસ અધિકારીને આપી અને એ પછી મારા બંગલામાં આવી ગયાં છે….'
લંબૂએ હતાશાથી માથું ધૂણાવ્યું. 'પોલીસને નજરે જોનાર સાક્ષી મળી ગયો છે એટલે રત્નાબા માટે જેલવાસ નક્કી છે.. નેકલેસ પાછું આપવા આવનાર ગરીબ યુવાને અજાણતાં જ શ્રીકાંતને મોત આપી દીધું !…'
બે મહિલા કોન્સ્ટેબલ વચ્ચે રત્નાબા બહાર આવ્યાં અને પોલીસની જીપમાં ગોઠવાયાં. પાછળ સ્ટ્રેચરમાં શ્રીકાંતની લાશને એમ્બ્યુલન્સમાં પી.એમ. માટે પોલીસ લઈ ગઈ.
બસમાં બેસીને ઘેર જઈ રહેલો અશોક પારાવાર પીડાથી વલોવાઈ રહ્યો હતો. સવિતાની સલાહ માનીને નેકલેસ પોતે રાખી લીધું હોત તો આવી કરૂણ ઘટના ના બનતી ! (સમાપ્ત)
(શીર્ષક પંક્તિ : લેખક)









