અનેક મુસ્લિમ દેશોમાં ભવ્ય હિન્દુ મંદિરોની પતાકા લહેરાય છે

- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- ઇન્ડોનેશિયામાં અનેક મંદિરો છેક નવમી સદીમાં બંધાયેલાં છે અને અહીં ભગવાન શિવ, માતાજી, વરુણદેવથી માંડીને વિવિધ દેવદેવીઓ પૂજાતાં રહ્યાં છે
વ ડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને ઇન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી. એ મુલાકાત દરમિયાન મિડિયાએ સૌથી વધુ કવરેજ ઇન્ડોનેશિયાને આપેલું કારણ, મુસ્લિમ દેશ હોવા છતાં ઇન્ડોનેશિયામાં એકસોથી વધુ હિન્દુ મંદિરો છે. એમાંય એક મંદિર તો એક હજાર વરસનું પ્રાચીન છે. વડા પ્રધાને ત્યાં ઇન્ડોનેશિયાના પ્રમુખની હાજરીમાં ઔપચારિક રીતે પૂજા કરી હતી. રસપ્રદ વાત એ છે કે આજનું પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક સમયે અખંડ ભારતનો હિસ્સો હતા અને ૧૯૪૭માં દેશના ભાગલા પડયા ત્યારે અસ્તિત્વમાં આવ્યા. આમ છતાં આ બંને દેશોમાં કોણ જાણે કેમ, પણ મંદિરો પ્રત્યે એટલી નફરતની ભાવના છે કે હિન્દુ અને જૈન મંદિરો ઉપરાંત શીખોના ગુરુદ્વાર પણ તોડી પાડે છે. બીજી બાજુ ઇન્ડોનેશિયામાં અનેક મંદિરો છેક નવમી સદીમાં બંધાયેલાં છે અને અહીં ભગવાન શિવ, માતાજી, વરુણદેવથી માંડીને વિવિધ દેવદેવીઓ પૂજાતાં રહ્યાં છે.
તમે દૂબઇ, મસ્તક કે યુનાઇટેડ આરબ અમીરાતનો પ્રવાસ ક્યારેય કર્યો હોય તો તમને ખ્યાલ હશે. આ દેશો પણ ઇસ્લામ ધર્મના અનુયાયી છે. પરંતુ આ આરબ દેશોમાં પણ હિન્દુ-જૈન મંદિરો અને ગુરુદ્વારોનો ખૂબ આદર કરવામાં આવે છે. યુનાઇટેડ આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં તો થોડા સમય પહેલાં એક વિરાટ સ્વામીનારાયણ મંદિર બંધાયું જેની પ્રાણપ્રતિષ્ઠામાં ખુદ દેશના શાસક શેખ પરિવારે હાજરી આપી હતી એટલું જ નહીં, પ્રેમથી મહાપ્રસાદ પણ આરોગ્યો હતો. ઓમાનમાં પણ ગુલાબી આરસપહાણ પથ્થરોથી સજેલું સ્વામીનારાયણ મંદિર છે જે દુનિયાભરના પર્યટકો માટે અનેરું આકર્ષણ બની રહ્યું છે. આ મંદિર સત્તાવીસ એકરમાં વિસ્તરેલું છે અને એ જમીન પણ શેખ પરિવારે આપેલી છે.
હકીકત એ છે કે મોટા ભાગના મુસ્લિમ દેશોમાં પણ હિન્દુ મંદિરો એના શિલ્પ-સ્થાપત્ય માટે વખણાયા છે અને જે તે દેશની સરકારો આ ધર્મસ્થાનોનો આદર જાળવે છે. સેક્યુલર શબ્દનો સાચો અર્થ સમજવો હોય તો આવા મુસ્લિમ દેશોની મુલાકાત લેવી પડે. એક યાદગાર મંદિર ઓમાનના મસ્કતમાં છે. આ એક શિવાલય છે. આરબ વિશ્વમાં આ સૌથી પ્રાચીન મંદિર ગણાય છે જે કૈલાસવાસી ભગવાન શિવનું મંદિર છે અને એની જાળવણીમાં પણ ઓમાનના શેખ પરિવાર દ્વારા ધ્યાન અપાય છે. દૂબઇના સતત ધમધમતા બૂર દૂબઇ જિલ્લામાં ભગવાન કૃષ્ણનું એક આકર્ષક મંદિર છે. દૂબઇ જનારા મોટા ભાગના વિદેશી પર્યટકો આ મંદિરની મુલાકાત અચૂક લે છે.
મલેશિયા નામ પરથી જ સમજાઇ જાય કે આ મુસ્લિમ દેશ છે. સાવ અજાણ્યાને ખ્યાલ પણ ન આવે કે અહીં કોઇ હિન્દુ મંદિર હશે. કુઆલા લુમ્પુરની ભાગોળે સેલંગર નામના વિસ્તારમાં લાઇમસ્ટોન (ચૂનાના પથ્થરોથી બનેલો) પહાડી વિસ્તાર છે જ્યાં આપણી અજંતા ઇલોરા અને એલિફન્ટા જેવી બાટુ ગુફાઓ તેમજ સંખ્યાબંધ મંદિરો આવેલાં છે. ટીકાકારો કહી શકે કે આ સ્થાપત્યો તો પર્યટકોને આકર્ષવા અને ટુરીઝમ દ્વારા કમાણી કરવાનો નૂસખો છે. ધારો કે એેવું હોય તો પણ એની જાળવણી તો કરવી પડે ને ! ઇસ્લામને દ્રઢપણે વરેલા શાસકો હિન્દુ સ્થાપત્યોની જાળવણી કરે એ સાચી ધર્મનિરપેક્ષતા ગણાવી જોઇએ. આ બાટુ ગુફાઓ વિસ્તારમાં ૧૪૦ ફૂટ ઊંચી ભગવાન મુરુગનની પ્રતિમા બિરાજમાન છે. આ ભગવાન મુરુગન એટલે શિવ-પાર્વતીના પુત્ર કાતકેય, વિઘ્નહર્તા ગણપતિના મોટાભાઇ. તમિળ પ્રજામાં એ ભગવાન મુરુગનના નામે ઓળખાય છે.
પાકિસ્તાન અને બાંગ્લાદેશ સિવાય કોઇ પણ મુસ્લિમ દેશમાં ઇસ્લામ સિવાયના ધર્મસ્થાનો પર હુમલા થયાનું કદી સાંભળ્યું નથી. દુનિયાભરના મિડિયામેન આ હકીકતના સાક્ષી છે. સર્વધર્મસમાનની સાચી વિભાવના જ મુસ્લિમ દેશોમાં જોવા મળી છે એ પણ એક વિરલ આશ્ચર્ય ગણાય.









