Shatdal

મનમોહક મંડોર બાગ - સ્થાપત્યોનો મનમેળ

By GS Team
6 Oct 20265 mins read
મનમોહક મંડોર બાગ - સ્થાપત્યોનો મનમેળ
  • રસવલ્લરી-સુધા ભટ્ટ

ઘણી ખમ્મા… ખમ્મા ઘણી… પધારો મ્હારે દેસ….
ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન દેશની ઉત્તર પશ્ચિમે આવેલું છે. અહીં થાર રણના વિશાળ પટમાં વર્ષભર સૂરજદાદા પોતાની કૃપા વરસાવે છે. પરંતુ ઋતુચક્રના નિયમ અનુસાર અહીં શ્રેણીબદ્ધ વાદળો નથી સર્જાતા. તેથી જ વર્ષારાણી પોતાની ફરજના ભાગરૂપે અહીંના કૂવા, વાવ કે સરોવરને છલકાવી નથી દઈ શકતાં. કે નથી એવી કોઈ બારમાસી નદી આ પ્રદેશમાં - જે તેનાં કાંઠા લીલાછમ્મ રાખી શકતી હોય. તાપ હોય, વાદળ થાય પણ ખરા - પરંતુ વૃક્ષોય નામ પૂરતાં જ અને પહાડો ! એ તો સૂકા ભઠ ! તો આ પ્રદેશની પ્રજા જીવી કેવી રીતે શકે ? હા, એમની પાસે સંતોષ છે, ધીરજ છે, અસામાન્ય સંજોગો સામે બાથ ભીડીને લડવાની તૈયારી છે. 'ચલાવી લેવાની ગતાગમ' પણ એમની પાસે છે. તેથી જ પાંખી ખેતી, વિપરીત ભૌગોલિક વાતાવરણમાં તેઓ જીવતા જ પાંખી ખેતી, વિપરીત ભૌગોલિક વાતાવરણમાં તેઓ જીવતા જ માત્ર નથી તેઓ જીવી જાય છે - જીવી જાણે છે. ભડભડતી ભઠ્ઠીમાં ઘઉંના લોડના લાડવાને શેકીને દાળ સાથે જમી લે છે. શાક…? બહુ ઓછો સમય લીલાં શાક મળે તેને 'કેર-સાંગરી' નામે સૂકવી આખું વર્ષ સાચવે ને ગાડર અને ઊંટ સાથે સુખેથી જીવી જાય. પણ તો…ય… દેશમાં સૌથી વધુ પર્યટકો આ રાજ્યમાં જ આવે છે એ એનો માનાંક છે ! તો એવી તે કઈ વિશિષ્ટ ખાસિયત અહીં છે જેને કારણે રાજસ્થાન સતત પોંખાતું રહે છે ? એ છે એમની પરંપરા, સંસ્કૃતિ, વૈવિધ્યપૂર્ણ લોકકલાઓનો અખૂટ વારસો. લોકોની વિનમ્રતા અને આતિથ્ય… હા, એમાં ભળ્યું છે હવે ચારેકોરનું શિક્ષણ-સોનામાં સુગંધ !
અભાવોમાં પણ ભાવનિરૂપણના હુનર
કોઈ કહે કે ન કહે, માને કે ન માને - પણ નોંધપાત્ર હકીકત એ છે કે રાજસ્થાનના ભૂતપૂર્વ - ગૌરવશાળી, પ્રજાવત્સલ ઉદાર રાજા-મહારાજાઓ અને એમના પરિવારોએ પોતાની રૈયતને હજારો વર્ષોથી સાચવી લીધી છે. રાજવી વંશોમાં શિક્ષિત અને માયાળુ મહિલાઓના હૃદય પણ કૂણાં ઘણાં - તેથી ઘૂંઘટમાંથી મુખારવિંદ હળવેથી બહાર કાઢી તેઓ ચોમેરનું નિરીક્ષણ કરતાં અને પ્રજાને ન્યાય તોળતા. અસંખ્ય મહેલો, કિલ્લા, સ્મારકો, મંદિરો, સ્થાપત્યો, છતરડીઓ, શિલ્પો આજની ઘડીએ પણ કિંમતની દ્રષ્ટિએ અને કળાની નજરે અવ્વલ નંબરે આવે એવા આ રાજ્યની માટી અને હવા - બન્ને નિરાળાં છે. રાજા-રજવાડાં ગયાં પણ એમના ખમીર અને વટ ટકી ગયાં. તેથી જ સ્વતંત્ર ભારતમાં દેશહિતને પ્રાધાન્ય આપી દેશભરના રાજવંશોએ ગરવાઈથી સમયને વધાવી લીધો. એ જ તો ઉત્તમ કુલિનતાનો પુરાવો છે. જોધપુરના રાજા રાણા જોધા જ્યારે જોધપુરથી નવ કિ.મી. છેટે મંડોર ગામે વસ્યા ત્યારે ત્યાં પ્રાચીન રાજાઓના રાજવંશ પરિવારો ત્યાં હતા જ. 'મંડોર ગાર્ડન્સ' નામે પ્રખ્યાત એક એવું સ્થાપત્ય સંકુલ હજી ત્યાં છે જ્યાં લાલ રેતિયા પથ્થરના જીવંત સ્થાપત્યો છે. અસંખ્ય છત્રીઓ છે, પ્રાચીન મંદિરના ભગ્નાવેશો છે. હા, મારવાડ રાજવંશની એ ભૂતપૂર્વ રાજધાની હતી. મંડોર એક પ્રાચીન ગામ છે જ્યાં માડવ્યપુરના પ્રતિહાર રાજાઓ રાજ કરતા હતા. છઠ્ઠી સદીમાં મજિયારા છૂટા પડયા પછી પણ ગુર્જર પ્રતિહાર પરિવારોની અહીં હાક વાગતી. આ પરિવારે રાઠોડ વંશ સાથે હસ્તધૂનન કરી દિલ્હી સલ્તનતના તુઘલખ રાજવંશ સામે હામ ભીડી હતી. રાઠોડ રાવચુંડા રાજાએ પ્રતિહાર રાજકુંવરી સાથે લગ્ન કર્યાં અને એમને મંડોરનો કિલ્લો દહેજમાં મળ્યો ! રાજગાદી પણ સર કરી લીધી.
રાજાઓના કલાપ્રેમની પ્રતીતિ કરાવતી કૃતિઓ
જોધારાણા તો મંડોરથી બધું સમેટી જોધપુર સ્થિર થઈ ગયા અને મંડોર બની ગયું રાજવી પરિવારોની અંતિમ સંસ્કાર ભૂમિ ! - પરંપરા હજુ ચાલુ છે. બાકી, મંડોર ગામની ઐતિહાસિક ભૂમિ ઉપરનાં સ્થાપત્યોને મળવા જેવું છે. હાલ જે કિલ્લો છે તેની દીવાલો જાડી અને નક્કર છે. એનું કદ વિવિધ તબક્કાઓમાં ચણાયેલું. 'આર્કિટેક્ચરલ માર્વેલ' તરીકે એ ઓળખાતો. કિલ્લાની બાહરી બાજુએ નક્શી - કોતરણીયુક્ત વનસ્પતિ શાસ્ત્રને લગતી ભાત છે. પક્ષીઓ, પ્રાણીઓ અને વનરાજી. મહેરાન ગઢે આ વારસાને દત્તક લીધો છે અને જનાના મહેલ દ્વારા એનું સંચાલન થાય છે. ૧૯૬૮માં પુરાતત્વ વિભાગે અહીં બાગ અને સંગ્રહસ્થાન બંધાવ્યા. આથી કુદરતી સંપત્તિની વિરાસત જળવાઈ ગઈ. દેશભક્ત રાજાઓએ બહાદુરીથી પરદેશી આક્રમણોને ખાળ્યા. આ ભવ્ય રજવાડા જેવા સંકુલમાં ઊંચા-માળવાળા મંદિરોને સ્તંભોનો શણગાર છે. અહીં તળાવ, ફુવારા અને કિલ્લાના ભવ્યતમ મહાકાય પ્રવેશદ્વારો નિરાળાં છે. ફૂલવાડીઓ અને લીલોતરીની વચ્ચે ખુલ્લા-હવાદાર મંદિરો વસે છે. જે મહેલ જેવા ભાસે છે. ઊંચા ઓટલા ઉપરના મંદિરોના ગુંબજ, વિશાળ ઉપર ઢળતી ધજાઓ વચ્ચે મદલ, સ્તંભો, જગતી, કુંભી, આમલક, ગોખલા, ઝરૂખા, દેવી-દેવતાઓનાં પ્રસંગને વ્યક્ત કરતા શિલ્પો વાર્તા કહે છે. શિખરો પર પણ જીવતી કથાઓને જાગતી રાખે છે. એના ખુલ્લા પ્રવેશદ્વારો ખંડો, સભાખંડો, નૃત્ય મંડપ, પ્રાસાદ, ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથને જાણે કે ઉપસાવે છે ! મુખ્ય મંડપની અંદરની છત વર્તુળમાં અષ્ટકોણીય આકારમાં નક્શી-કોતરણી સજાવે છે - તો, સ્તંભો અલંકૃત અને જાળીદાર દીવાલો પણ કહાની સભર સમૃદ્ધ લાગે ! અહીં ૩૩ કરોડ દેવતાઓનું મંદિર અને રાવણ મંદિર ધ્યાનાકર્ષક છે. મંદોદરીનું પિયર પણ છે મંડોર ગામ.
લસરકો :
મંડોર ફોર્ટ અને મ્યુઝિયમમાં મલકતા ભગ્નાવેશોમાં પણ કળા છલકાય. ગરવાં શિલ્પો, અપ્સરાઓ, ચિત્રો સંવાદ કરે. ગજથર, હયથર, નરથર હડી કાઢે !

આ તે છત્રી કે મંદિર ? મિશ્ર સ્થાપત્ય
પ્રસ્તુત પરિસરમાં રાજવીરોની સોળ 'રૉક કટ' કૃતિઓ છે. જેને એકલશિલામાં કંડારવામાં આવી છે. સ્થાનિક લોકકથાના નાયકો ઘેરા રંગથી રંગાયેલા છે. મુખ્ય આકર્ષણ તો અહીં રાજવી છત્રીઓ-છત્તરડીઓનું છે. ઇસ્લામિક અસરની આ રાજસ્થાનની સ્મૃતિ છે જે અન્ય સ્મારકોથી ભિન્ન છે. કેટલીક છત્રીઓ તો બહુમાળી - લાલ રેતિયા પથ્થરની છે. એની સ્થાનિક શૈલી હિંદુ મંદિરની છે. મહારાજા અજિતસિંહના આ ગ્રાન્ડ મેમોરિયલ સંકુલમાં અનેક છત્રીઓ મોટા ગુંબજ નીચે બાલ્કની, ગોળાકાર પરસાળ સહ શોભે ! સ્તંભો પર ભૌમિતિક અને કલાત્મક લાલિત્યપૂર્ણ ભાત કોતરણી - નક્શી થકી શુકન કરે. મદલ મજેદાર, સામસામા પથ્થરો પર જાળી જાણે કે ચામર ઢોળે. ગૉથિક જેવા લાગતા વળાંકદાર દ્વારો અને ચૈત્યો અને છત્રીઓમાં, પણ કમાનદાર, વળોટદાર ઝરૂખા ઉપરની કમાનો રાજસ્થાની કળા સૌંદર્યમાં સેહ પૂરે ! ૧૭૯૩ માં બંધાયેલ અજિતસિંહ મહારાજની છત્રી મુખ્ય છે. આ છત્રીઓ મંડોરનો દિલખુશ સંગ્રહ છે. કેટલીક છત્રીઓ તો મંદિર જેવી આકૃતિ ધરાવે છે. એની જાળીદાર સંરચનામાં ઝરૂખા, કઠેડા, અગાશી, ગુંબજ, વળિયા, તોરણ, ફૂલપત્તી, પુષ્પચક્ર અને હંસભાત ભવ્યાતિભવ્ય નઝારો પેશ કરે. એક સરખા લાલાશ પડતા ગુલાબી પથ્થરો આ કળાનું હૃદય છે. મુઘલ અસરની કારીગરી ધરાવતી એક વિશિષ્ટ છત્રી જાળીદાર, આડી વાડ, સ્તંભો, બારી, બારણાં, ફૂલટોડલા, બારસાખ અને ઢળતો ગુંબજ ધરાવે છે. ઢળતા વૃક્ષ જેવા આકારો પાંદડાં જેવા અણીદાર છે. જે વૃક્ષની અદાથી છવાયેલા છે. બહાર પડતી બાલ્કનીઓ પણ અત્યંત અલંકૃત ! અનેક કળાઓનું ઘર છે રાજસ્થાન.