શાસ્ત્રીય સંગીતની પ્રાચીન ગુરુ-શિષ્ય પરંપરાનું દિવ્ય પ્રજ્વલન

એક જમાનામાં શિષ્યો પારંગત બનવા ગુરુ જ્યાં રહેતા ત્યાં જ જીવન સમર્પિત કરતા પણ હવે બદલાવની જરૂર
પંડિત ઓમકારનાથ ઠાકુર અને ગુજરાતના અન્ય દિગ્ગજોની સાધના
સ્વામી વિવેકાનંદના મતે 'સંગીત એ સર્વોચ્ચ કળા છે અને જેઓ તેને સમજે છે, તેમના માટે સર્વોચ્ચ ઉપાસના છે'. એક પ્રશિક્ષિત શાસ્ત્રીય સંગીતકાર તરીકે તેઓ માનતા હતા કે સંગીત મનને શાંત કરી શકે છે, ચેતનાને ઉન્નત કરી શકે છે અને માનવીને દૈવી શક્તિ તરફ અગ્રસર કરી શકે છે. ભારતીય શાસ્ત્રીય સંગીત, ૬૦૦૦ વર્ષથી વધુના આપણા વૈદિક વારસામાંથી ઉદભવેલું એક પ્રાચીન અને આધ્યાત્મિક રીતે મૂળ ધરાવતું કલા સ્વરૂપ છે.
આપણી, આ સદીઓ જૂની પરંપરાને જીવંત રાખવાના ઉદ્દેશ્યને અનુલક્ષીને શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં ગાન અને વાદ્ય સંગીતના શ્રોતાઓ માટે ઘણા નાના, મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અજોડ ઉત્સાહ અને ઉમંગ સાથે શ્રોતાઓ મધરાત સુધી આવા કાર્યક્રમો માણતા હોય છે.
પ્રેક્ષકોમાં એકજ પરિવારની ત્રણે પેઢીનો, ખૂબજ સક્રિય સમાવેશ જોવા મળે છે અને તમામ કલાકારોની સંબંધિત કલા સ્વરૂપોથી સમાન રીતે મંત્રમુગ્ધ થાય છે.
આયોજકો કેટલાક ઉભરતા અને ઘણા સુખ્યાત કલાકારોને મંચ પ્રદાન કરવા માટે પથપ્રદર્શક પગલું ભરી રહ્યા છે.
સંગીત, નૃત્ય, રંગમંચ, લલિત કલા, ચિત્રકળા, શિલ્પકારી વગેરે જેવી તમામ શાસ્ત્રીય કળાઓની તાલીમ, ભારતમાં સદીઓ જૂની પ્રથા 'ગુરુ શિષ્ય પરંપરા' હેઠળ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. પ્રાચીન સમયથી વિદ્યાર્થીઓ, નાની ઉંમરથી ગુરુકુલમાં ગુરુથી પ્રેરિત થઇને સંબંધિત કલા સ્વરૂપનો ઊંડો અભ્યાસ કરે છે. પરોઢ પૂર્વેથી મધરાત સુધી, દિવસો, મહિનાઓ અને વર્ષો દરમ્યાન, ચારે ઋતુ ચક્રોથી પ્રેરિત થઇ અને માનવજીવનના અનેક ભાવોના રંગે રંગાયેલ અનોખી યાત્રા સાથે જોડાયેલ આનંદ-દુ:ખ, આશા-નિરાશા, પ્રેમ-વિરહ જેવી વિવિધ મનોદશાઓથી પ્રેરિત થઇ, અથાક પરિશ્રમ અને ખંતથી, સાધના અવિરત ઝરણા સમાન સતત ચાલુ રહેતી હોઇ છે. શ્રવણ, મનન અને અભ્યાસ દ્વારા શીખવું અને પછી ગુરુ સમક્ષ અભિવ્યક્ત કરવું એજ એક પરિપકવ કલાકારની પ્રગતિ અનેવિકાસના તબક્કા છે. આને જ 'ગુરુના ચરણોમાં શિક્ષણ' તરીકે ઓળખવામાં આવતું હતું અને આ પ્રણાલીનું આજ પણ અક્ષરશ: પાલન કરવામાં આવે છે.
સદીઓ પસાર થઈ, છતાં ગુરુ-શિષ્ય પરંપરામાં' મોટો ફેરફાર આવ્યો નથી, માત્ર આજનો વિદ્યાર્થી ગુરુ ગૃહે રહેતો નથી. સમકાલીન યુગને વિદ્યાર્થી-વર્ગ ઘણો ધ્યાનકેન્દ્રિત અને બુદ્ધિશાળી બન્યો છે અને ઉપલબ્ધ સમયનો સદુપયોગ કરવામાં નિપુણ છે. એટલે તે મોટાભાગો સમય ગુરુ પાસે, વર્ષો સુધી નિયમિત તાલીમ લે છે અને એક સફળ કલાકાર બનવા તરફ અગે્રસર થાય છે. એક આધુનિક વિદ્યાર્થી, સંબંધિત કલા સ્વરૂપમાં પ્રભુત્વ મેળવવાની સાથે, સ્વગૃહે શૈક્ષણિક અભ્યાસ કરી, ઉચ્ચ શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે અને તે મોટા ભાગે અખૂટ પ્રયત્નો વડે પ્રાપ્ત કરે છે.
પ્રાચીન સમયથી, ગુજરાતમાં, માત્ર શાસ્ત્રીય સંગીત વિશે વાત કરીએ તો, સાધકોને શીખવા માટે ગુરુની શોધમાં મુંબઈ, ઇન્દોર, બનારસ, ગ્વાલિયર, દિલ્હી વગેરે પર આધાર રાખવો પડતો હતો. વિદ્યાર્થીઓને કુશળ કલાકાર બનવાની સફર અત્યંત પડકારરૂપ સાબિત થતી હતી કારણ કે તેમને શીખવા માટે દૂરદૂરની મુસાફરી કરવી પડતી. ફળસ્વરૂપે ઘણા કિસ્સાઓમાં, તે અપૂર્ણ અને નિરાશાજનક નીવડતી. શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં ગુજરાતી કલાકારોના ઇતિહાસની થોડી ઝલક લઈએ તો, સ્પષ્ટ સમજાશે કે શીખવા માટે અને સિદ્ધ કલાકારો બનવા માટે માઇલો દૂર જવાની તેમની દુર્દશા ને કારણે બહુ જૂજ વ્યકિતઓ સફળ કલાકારો બની શક્યા.
પં. ઓમકારનાથ ઠાકુર (૧૮૯૭-૧૯૬૭) ખંભાત, આણંદ ડિસ્ટ્રિકટમાં જન્મેલા અને એક પારસી પરોપકારી શાપૂરજી મંચેરજી ડુંગાજી દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યા હતા અને ગ્વાલિયર ઘરાનાના પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરજીની હેઠળ શાસ્ત્રીય સંગીતની ઉપાસના કરવા ગોઠવણ કરી હતી.
ગોંડલના પ્રતિષ્ઠિત અને જાણીતા શાસ્ત્રીય ગાયક પં. શિવકુમાર શુકલ (૧૯૧૮-૧૯૯૮) મુંબઇના ભેંડી બજાર ઘરાનાના ઉસ્તાદ અમન અલી ખાન પાસેથી શીખ્યા હતા.
નોંધપાત્ર એ છે કે આ બંને પ્રતિભાઓનું સ્થળાંતર થયું હતું.
આ સિવાય, ભાવનગરના શ્રી બળવંતરાય ભટ્ટ એ બનારસ જઇને પં. ઓમકારનાથ ઠાકુર પાસે શાસ્ત્રીય સંગીતની શિક્ષા ગ્રહણ કરી. તેઓ એક ખ્યાતનામ કલાકારની સાથે ઊચ્ચકોટીના સંગીતકાર (કોમ્પોઝર) હતા. આ સાથે તેઓ, ત્રણ દાયકા ઉપરાંત, બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સંગીત ફેકલ્ટીના ગુરુ સ્થાને રહ્યા હતા.
તદુપરાંત શ્રી અતુલ દેસાઇ અને શ્રી પ્રદીપ દીક્ષિત એ ગુજરાતથી બનારસ જઈને પં. ઓમકારનાથ ઠાકુર પાસે તાલીમ લેવાની જહેમત ઉઠાવી હતી. શ્રી કૃષ્ણકાંત પરીખ એ શાસ્ત્રીય સંગીતની તાલીમ મેવાતી ઘરાનાના પ્રણેતા પંડિત જસરાજજી પાસે લીધેલ. સાણંદ પણ શાસ્ત્રીય સંગીતના સંદર્ભમાં કેમ ભૂલાય.
શ્રી રસિકલાલ અંધારિયા, ભાવનગર નિવાસી હતી અને એમને પ્રાથમિક તાલીમ એમના મોટાભાઈ શ્રી બાબુલાલ અંધારિયા પાસે લીધેલ અને ત્યાર બાદ, એકલવ્યની જેમ સ્વ-અભ્યાસથી કિરાના ઘરાનાની (ઉસ્તાદ આમિર ખાન સાહેબ થી પ્રભાવિત થઈ) ગાયકી અપનાવીને દેશ-વિદેશમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
અમદાવાદમાં જન્મેલા એક માત્ર વાદ્ય શાસ્ત્રીય સંગીતકાર શ્રી અરવિંદ પરીખ ૧૭ વર્ષની વયે મુંબઇ ગયા અને ઉચ્ચ શિક્ષણની સાથે, સુપ્રસિદ્ધ શ્રી વિલાયત ખાન સાહેબ પાસે સિતાર વાદનની ૬૦ વર્ષો સુધી શિક્ષા લીધી અને દેશ-પરદેશમાં અનેક સંગીત ફેસ્ટિવલ્સમાં પોતાના સિતાર વાદનથી લોકોને પ્રભાવિત કર્યા છ.ે
આ ઉપરાંત, ગુજરાત, રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત પ્રદર્શન કરનારા કોઇ પણ બહુમુખી કલાકારને પોષી શક્યું નથી. પરિણામે, સાધકને કોઈ માર્ગદર્શન આપવા માટે, છેલ્લી સદીની શરૂઆતથી જ કોઈ ગુરુઓ (શિક્ષકો) ગુજરાતમાં સ્થાયી થયા નથી.
આ સંદર્ભમાં ગુજરાતમાં, યુવા પેઢી માટે શાસ્ત્રીય ગાયન, વાદ્ય સંગીત અને નૃત્ય નાટય અને અન્ય કલા સ્વરૂપોનોવિકાસ, પ્રચાર-પ્રસાર કરવો એ નિકટવર્તી જરૂરિયાત છે. આ કળાના સ્વરૂપોને આપણા સમાજના યુવાન ઉમેદવારોમાં વિકસાવવા માટે એક અસરકારક તાલીમ પ્રણાલીનું ગઠન કરવું આપણી આવશ્યક સામાજિક જવાબદારી છે.
પરોપકારી સંસ્થાઓ, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને ઉદ્યોગના આગેવાનો શાસ્ત્રીય સંગીત, નૃત્ય રંગમંચ અને અન્ય કલા સ્વરૂપોના ક્ષેત્રમાં, એક સામાજિક જવાબદારી નિભાવતાં ગુરુકુળ સંકુલની સ્થાપના કરીને યુવાન વિદ્યાર્થીઓ માટે ગુરુ-શિષ્ય પરંપરાને કાયમ રાખતી તાલીમ પદ્ધતિ અને અત્યાધુનિક ટેકનોલોજીના મિશ્રણ વડે ગુજરાતની ભાવિ પેઢીઓમાંથી સારા કલાકારો ઉભરે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી શકે. જેમાં વિવિધ ઘરાનાના પ્રતિષ્ઠિત કલાકારો અને ગુરુઓ સ્થાયી થાય અને વિદ્યાર્થીઓ પણ દેશભરમાંથી આવી સ્થાયી થાય તેવું માળખું ઊભું કરવું જોઇએ.
રાજીવ હ. નાણાવટી




