સિરિયલ કિલરનો સાવ અજાણ્યો ચહેરો!

- રજનીગંધા-વિભાવરી વર્મા
- 'ડેડી… હું તમને મારી આંખો સામે મરતા નહીં જોઈ શકું… એટલે હું આ ફ્લડ લાઇટ બંધ કરું છું.'
ઇ ન્સ્પેક્ટર દેસાઈ આ બંધ પડેલી જૂની ફેક્ટરીમાં એકલા દાખલ થયા ત્યારે રાતના બે વાગી રહ્યા હતા. ચારેબાજુ સન્નાટો હતો, ફેક્ટરીમાં ચારે બાજુ અંધકાર હતો.
અચાનક એક ખૂણેથી એક ફ્લડ લાઇટનો શેરડો ઇન્સ્પેક્ટરના ચહેરા ઉપર પડયો, એમની આંખો સ્હેજ મીંચાઈ ગઈ.
'એકલા આવ્યા છો ?'
એ જ ખૂણેથી એક યુવતીનો અવાજ સંભળાયો. તેનો ચહેરો તો શું, તેનું શરીર પણ દેખાતું નહોતું.
'હા એકલો જ છું.'
'કોઈ હથિયાર ?'
'તમે જ ના પાડી હતી, છતાં
જોઈ લો…'
ઇન્સ્પેક્ટરે પોતાનો બેલ્ટ કાઢી નીચે મુકી દીધો. બન્ને ખાલી ખિસ્સાં બહાર કાઢીને બતાડયાં. પીઠ ફેરવીને પેન્ટના પાછળના ખિસ્સાં ખાલી છે એવું બતાડયું.
'બૂટ… બૂટ ઉતારો !'
ઇન્સ્પેક્ટર દેસાઈએ બૂટ પણ કાઢી નાખ્યા અને મોજાં પણ. વધુ ખાતરી કરાવવા માટે માથા ઉપર પહેરેલી કેપ પણ કાઢીને ભોંય ઉપર ફેંકી દીધી.
'ગુડ. હવે તમે પેલી ખુરશી પર બેસી શકો છો.'
ફેક્ટરીના ફ્લોરની વચ્ચોવચ એક લોખંડની ફોલ્ડીંગ ખુરશી હતી. ઇન્સ્પેક્ટર દેસાઈ તેની ઉપર બેઠા. ફ્લડ લાઇટની પાછળથી યુવતીનો અવાજ આવ્યો ઃ
'વેરી ગુડ…' લાઇટની પાછળથી એક હાથ આગળ આવ્યો. એમાં એક રિવૉલ્વર પકડેલી હતી.
'તમે જાણો છો, આ શું કામમાં આવે છે… જો તમે સ્હેજ પણ ચાલાકી કરી હોત તો આમાંથી છૂટેલી ગોળીએ ક્યારનો તમારો જીવ લઈ લીધો હોત.'
'થેન્ક યુ… પણ હવે કામની વાત કરીએ ? તમે મને ફૉન કરીને કહ્યું હતું કે-'
'હા… મેં જ કહ્યું હતું કે, છેલ્લા ત્રણ વરસમાં જે એક પછી એક હત્યાઓ ભેદી રીતે થઈ છે એ મારા જ હાથે થઈ છે ! હું કોણ છું, અને આ હત્યાઓ મેં શા માટે કરી છે એ કહેવા જ મેં તમને અહીં બોલાવ્યા છે.'
ઇન્સ્પેક્ટર દેસાઈ સામેથી આવતા તીવ્ર પ્રકાશમાંથી આંખો ઝીણી કરીને જોવાની કોશિષ કરી રહ્યા હતા કે, ફ્લડ લાઇટની પાછળ જે ઉભું છે તે આખરે છે કોણ ?
'ઇન્સ્પેક્ટર સાહેબ, તમે અને તમારું આખું પોલીસ ડિપાર્ટમેન્ટ છેલ્લા ત્રણ વરસથી ગોથાં ખાય છે કે, આખરે આ હત્યાઓ કોણ કરી રહ્યું છે ? રાઇટ ?'
ઇન્સ્પેક્ટર દેસાઈ ચૂપ રહ્યા.
'પહેલાં પેલો મ્યુનિસિપલ કોર્પોરેટર… એ એક હૉટલના રૂમમાં એક સુંદરી સાથે જલસા કર્યા પછી ઘસઘસાટ ઊંઘતો હતો. છોકરી જતી રહી હતી, પણ સવારે એ માણસની લાશ હૉટલના બૅડ ઉપર સૂકાઈ ચૂકેલા લોહીના ડાઘા વચ્ચેથી મળી આવી હતી. યાદ છે ?'
'હા, કોર્પોરેટર જગન્નાથ પાંડે.'
'એના ત્રણ મહિના પછી પેલો એક લાલચુ, ભ્રષ્ટ, બદમાશ મિનિસ્ટર… એના પોતાના ફાર્મ હાઉસમાં મોડી રાત સુધી દારૂ પીતાં પીતાં ઢળી પડયો હતો. સવારે ખબર પડી કે એની દારૂની બાટલીમાં ઝેર હતું ! યાદ છે ?'
'હા, શબ્બીર શેખ, મહિલા વિકાસ ખાતાનો મંત્રી.'
'યાદ તો બરાબર રાખો છો, દેસાઈ સાહેબ ! ત્યારબાદ એક લંપટ અને કરુબાજ બિઝનેસમેનનો વારો હતો… એ પોતાના જ બંગલાના ટેરેસ પર ઇલેક્ટ્રિકના વાયર વડે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળ્યો હતો. યાદ આવ્યું ?'
'ઝેનિથ ઇન્ડસ્ટ્રીઝવાળો હજારીમલ સેઠના.'
'ત્યારબાદ એક બુટલેગર, એક કહેવાતો સમાજસેવક, એક સરકારી ઓફિસર… અને છેલ્લે, નાની નિર્દોષ સગીર છોકરીઓના અપહરણ કરાવીને તેમને દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાનું રેકેટ ચલાવનારો પેલો ભડવો…'
'મોમીનખાન પઠાણ !' ઇન્સ્પેક્ટર દેસાઈ હવે ચોંકી ગયા હતા. 'આ તમામ હત્યાઓ તેં કરી છે ? કોણ છે તું ? અને શા માટે ?'
'શા માટેનો જવાબ પછી આપું છું. પહેલાં હું કોણ છું તે જોઈ લો.'
ફ્લડ લાઇટની પાછળ ઉભેલી યુવતી બે ડગલાં આગળ આવી. તેણે ચહેરા પર બાંધી રાખેલી બુકાની ખોલી, આંખો પર પહેરેલા કાળા ચશ્મા હટાવ્યા.
'હવે પડે છે ઓળખાણ ?'
ઇન્સ્પેક્ટર ટગર ટગર જોઈ રહ્યા. એમની નજર સામેથી એક સાથે ડઝનબંધ એવા ચહેરા પસાર થઈ ગયા જેમના ફોટા પોલીસ સ્ટેશનની 'વૉન્ટેડ' ફાઇલમાં જોયા હતા.
'નથી પડતી ને ઓળખાણ ? તો હવે આ જુઓ !'
યુવતીએ નજીક આવીને તેના કાળા ટી-શર્ટની લાંબી બાંય કોણી સુધી ઉપર ચઢાવીને હાથ લાંબો કર્યો… હાથ ઉપર એક 'રાધા-કૃષ્ણ'નું ટેટુ જોઈને ઇન્સ્પેક્ટરની આંખો ફાટી ગઈ !
'કૃષ્ણા… તું ! મારી દીકરી ?'
ઇન્સ્પેક્ટર દેસાઈના માન્યામાં નહોતું આવતું ! એક બાજુ એમનું હૃદય ઉમળકાથી ઉછાળા મારી રહ્યું હતું તો બીજી તરફ એમની આંખોમાંથી આંસુઓની ધાર વહી રહી હતી. તે ગળગળા અવાજે માંડ બોલી શક્યા
'કૃષ્ણા ? તું તું જીવતી છે?'
'હા જીવતી છું ! પણ લાશ બનીને જીવી રહી છું. કેમ કે, આ બધાનું મૂળ તમે છો !'
'હું ? બેટા કૃષ્ણા ? મેં શું કર્યું છે ?'
'તમે ભૂલી ગયા' કૃષ્ણા હવે એક સ્ટૂલ ખેંચીને ઇન્સ્પેક્ટર દેસાઈની સામે બેસી ગઈ.
'યાદ છે ? આજથી પંદર વરસ પહેલાં તમે એક તૉફીક એહમદ નામના ગેંગસ્ટરની ધરપકડ કરી હતી ? તે વખતે તમારી ઉપર એક ફોન આવ્યો હતો…'
'હા, એ માણસ કહેતો હતો… કે તમારી દિકરી કૃષ્ણા અમારા કબજામાં છે ! જો તમે તૌફીક અહેમદને નહીં છોડી મૂકો તો અમે તમારી દિકરીની કતલ કરી નાખીશું !'
'અને છતાં તમે પેલા ગેંગસ્ટરને છોડયો નહીં ! શા માટે ? તમારી ડયુટી… તમારી ફરજ… તમારી કર્તવ્ય નિષ્ઠા…!'
ઇન્સ્પેક્ટર દેસાઈ કોઈ જવાબ આપવાની સ્થિતિમાં નહોતા. કૃષ્ણાએ વાત આગળ વધારી…
'એ લોકોએ મારી કતલ કરવાને બદલે એનાથી પણ મોટી સજા કરી… એમણે મને મુંબઈના એક વેશ્યાલયમાં વેચી દીધી ! ત્યાં સળંગ સાત- સાત વરસ લગી મારા શરીર અને દિમાગ પર થતા અત્યાચારો સહન કરતી રહી… અને ડેડી, એકે એક પળે હું તમને યાદ કરીને તમને ધિક્કારતી હતી ! આઇ હેટેડ યુ ડેડી !'
દેસાઈ સ્તબ્ધ હતા.
'પણ એક દિવસ હું ત્યાંથી છટકીને નીકળી ગઈ ! એ પિંજરના ચોકીદાર તૈમૂરના પેટમાં મેં મટન કાપવાની છરી હૂલાવી દીધી હતી ! એ મારી પહેલી હત્યા હતી…'
'એ પછી મેં નક્કી કર્યું કે જેણે જેણે આ લોહીના વેપારમાં પોતાના હાથ રંગ્યા છે એ તમામને હું વીણીવીણીને ખતમ કરીશ ! એક પછી એક દરેકને શોધી શોધીને હું ખતમ કરતી ગઈ… પણ હવે હું થાકી ગઈ છું ! બસ, હવે મારે એક જ હત્યા કરવાની બાકી રહી છે !'
'કોની ?'
'તમારી…!'
કૃષ્ણાની આંખોમાં આગ અને આંસુ બન્ને સાથે સાથે છલકાઈ રહ્યા હતા. તેણે ટીપોય પર મૂકેલી રિવોલ્વર ફરી ઉઠાવી, થોડે દૂર જઈને તે ઉભી રહી. પછી સાવ સપાટ અવાજે બોલી ઃ 'ડેડી… હું તમને મારી આંખો સામે મરતા નહીં જોઈ શકું… એટલે હું આ ફ્લડ લાઇટ બંધ કરું છું.'
બીજી ક્ષણે ફ્લડ લાઇટ બંધ થઈ ગઈ!
અચાનક તીવ્ર પ્રકાશમાંથી ગાઢ અંધકાર છવાઈ જવાથી ઇન્સ્પેક્ટર દેસાઈની આંખો ઓલમોસ્ટ આંધળી થઈ ગઈ ! પરંતુ હવે મરવાનું જ છે, અને એ પણ સગી દિકરીના હાથે, તો આંખો ખુલ્લી રાખવાનો પણ શો અર્થ ?'
ઇન્સ્પેક્ટર દેસાઈએ આંખો બીડી દીધી. તે પૂતળું બનીને ખુરશી પર બેસી રહ્યા… એમની આંખોમાંથી છલકાતા આંસુ એમનો ચહેરો અને એમનું ખાખી શર્ટ ભીંજવી રહ્યાં હતાં.
એક મિનિટ… બે મિનિટ… પાંચ મિનિટ પસાર થવા છતાં ન તો પ્રકાશ થયો કે ન તો ગોળી છૂટી !
ઇન્સ્પેક્ટરે આંખો ખોલી ઊભા થઈને મોબાઇલની લાઇટ વડે ચારે બાજુ જોયું. પણ આખું ગોડાઉન ખાલી હતું…




