Shatdal

શિશુનો શ્રેષ્ઠ આહાર : માતાનું દૂધ

By GS Team
28 Jul 20262 mins read
શિશુનો શ્રેષ્ઠ આહાર : માતાનું દૂધ
  • માર્ગી
  • કોલોસ્ટ્રમ એન્ટીબોડીઝથી ભરપૂર હોઈ નવજાત શિશુને અનેક પ્રકારના ઇન્ફેક્શન્સ સામે રક્ષણ આપે છે

જ ન્મથી લઈ આશરે બે વર્ષ સુધી (ગર્ભાવસ્થા સહિત)નો સમય - તે બાળના સમગ્ર જીવનના આરોગ્યનો પાયો ગણાય છે. કારણ કે, આ ગાળો સૌથી ઝડપી ક્રમિક વિકાસનો તબક્કો છે.
આ સમયમાં મળેલું યોગ્ય પોષણ એ બાળકને સારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મળેલી કીમતી ભેટ છે.
Nutrition અને ફૂડ વેલ્યુના આધારે શિશુના આહારને બે મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવ્યો છે.
(૧) જન્મથી ૬ મહિના સુધીનો ઓન્લી બ્રેસ્ટ ફીડીંગ (માત્ર માતાનું દૂધ)
(૨) ૬ થી ૧૨ મહિના સુધી માતાનું દૂધ ચાલુ રાખી, યોગ્ય કોમ્પ્લીમેન્ટરી ફીડીંગ (પૂરક આહાર)
બાળકના જન્મ સાથે આરંભનું જે ધાવણ હોય છે તેને કોલોસ્ટ્રમ કહેવાય છે. આ ઘટ્ટ પીળા રંગનું ધાવણ ડીલીવરી પછી શરૂઆતના થોડાક દિવસ બ્રેસ્ટમાં બને છે. આને 'ફર્સ્ટ વેક્સીન' અને 'લિક્વિડ ગોલ્ડ' તરીકે પણ ઓળખાય છે. કારણ કે એ બાળકની ઇમ્યુન સિસ્ટમ અને ન્યૂટ્રિશન માટે બેસ્ટ ખોરાકની યાદીમાં પહેલા સ્થાને આવે છે.
આ કોલોસ્ટ્રમ એન્ટીબોડીઝથી ભરપૂર હોઈ નવજાત શિશુને અનેક પ્રકારના ઇન્ફેક્શન્સ સામે રક્ષણ આપે છે. એમાં રહેલાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ, મીનરલ્સ અને ફેટ શિશુ માટે પચવામાં સહેલાં છે. આ કોલોસ્ટ્રમ શિશુ માટે રેચક એટલે કે પેટ સાફ લાવવાનું પણ કામ કરે છે, તથા નવજાત શિશુને થતા જોન્ડીસની સંભાવના અને જોખમ ઘટાડે છે.
કોલોસ્ટ્રમ પછી આવતાં ધાવણને ટ્રાન્સમીશનલ મિલ્ક કહેવાય છે જે આશરે ૧૫ થી ૧૭ દિવસ સુધી આવે છે. આ કોલોસ્ટ્રમના પ્રમાણમાં ઓછું ઘટ્ટ હોય છે. આ તબક્કા પછી આવતા બ્રેસ્ટ મીલ્કને મેચ્યોર મીલ્ક કહેવાય છે. આમાં ૦.૮% થી ૧% જરૂરી એવું પ્રોટીન હોય છે. ઉપરાંત વિટામીન એ, ઈ કે બી કોમ્પ્લેક્સ તથા ખૂબ ઓછી માત્રામાં વિટામીન ડી, સાથે કેલ્શિયમ ફોસ્ફરસ, ઝીંક, આયોડિન,મેગ્નેશિયમ અને અલ્પ માત્રામાં આયર્ન હોય છે. ખાસ કરીને ઇમ્યુનિટી વધારે એવા આઈજીએ-એન્ટીબોડીઝ, એન્ઝાઈમ્સ, હોર્મોન્સ, ગ્રોથ ફેક્ટર્સ (આ ગ્રોથ ફેક્ટર બાળકના સમગ્ર વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે), એચએમઓ - હ્યુમન મિલ્ક ઓલિગોસેકરાઈડ્સ (જે શિશુનું પાચન નિયમિત બ્રેસ્ટ ફિડીંગ કરાવવાથી બાળકમાં ઝાડા, શ્વસનમાર્ગના ચેપ, કાનના ચેપ અને અન્ય ચેપી રોગોનું જોખમ ઘટે છે.
ઉપરાંત શિશુના હાડકાં, દ્રષ્ટિ અને મગજના વિકાસ માટે માતાનું દૂધ ખૂબ જ લાભદાયક છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) અને યુનિસેફની બાળ આરોગ્ય માર્ગદર્શિકાઓ અનુસાર પહેલાં ૬ મહિના માત્ર માતાનું દૂધ અને ત્યારબાદ યોગ્ય પૂરક આહાર સાથે શક્ય હોય તો બે વર્ષ સુધી માતાનું દૂધ ચાલુ રાખવાની ભલામણ કરવામાં આવી છે.
બ્રેસ્ટ ફિડીંગથી માતા-બાળકનું ઇમોશનલ બોન્ડીંગ વધુ મજબૂત બને છે. આટઆટલા ફાયદા અને ગુણો માતાના દૂધમાં હોઈ, તે બાળક માટે સંપૂર્ણ આહાર છે અને અમૃત સમાન છે.
હવે પછીના લેખમાં શિશુને માતાના દૂધ સાથે અપાતા કોમ્પ્લીમેન્ટરી ફીડીંગ (પૂરક આહાર) વિષે જાણીશું.