એકલતાના કારાવાસમાં કલાનું શ્રેષ્ઠ સર્જન !
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વામાવિશ્વ - અનુરાધા દેરાસરી
- જીવનનો અદમ્ય જુસ્સો અને પરિસ્થિતિની સ્વીકૃતિ, ભણતર, તાલીમ અને જીવનની ગ્લેમરસ દુનિયાને પાર કરી જાય છે
કો ઈપણ મહિલા માટે, વર્ષો સુધી નકારાત્મક વાતાવરણમાં રહી, જીવનનો જુસ્સો ટકાવી રાખવો અઘરો છે. એટલું ઓછું હોય તેમ, એ નકારાત્મક વાતાવરણના દર્દને, સર્જનાત્મક કલામાં ફેરવવું લગભગ અશક્ય છે. આ વાત કદાચ કાલ્પનીક લાગે પરંતુ છત્તીસગઢ રાજ્યની એક નાના ગામ પુષ્પતારાની ગ્રામીણ મહિલાએ આ વાત પૂરવાર કરી બતાવી.
૧૫ વર્ષનો એકાંતવાસ ભોગવી, તેણે પોતાનો જુસ્સો ટકાવી રાખ્યો એટલું જ નહિ પરંતુ એકલતાના દર્દને લોકકલાની સર્જનાત્મકતામાં ફેરવ્યું. આ ગ્રામીણ સ્ત્રીનું નામ સોનાબાઈ રાજવર. જે ગામની તળપદી સ્ત્રી હતી, જેની પાસે કોઈ કલાની તાલીમ ન હતી કે તેણે કોઈ માર્ગદર્શન લીધું ન હતું.
સોનાબાઈ રાજવરનો જન્મ છત્તીસગઢના નાના ગામ પુષ્પતારામાં અત્યંત ગરીબ અને પછાતકોમમાં થયો હતો. એક નાની રૂમમાં ૧૬ ભાઈઓ બહેનો અને વડીલવર્ગ સાથે રહેતો. ગરીબીની છત્રછાયામાં ઉછરતી સોનાબાઈનો શિક્ષણના અક્ષરો સાથે તો મેળાપ જ ક્યાંથી થાય ? ચૌદવર્ષની ઉંમર થતા, પછાતવર્ગની જ્ઞાતિઓની જેમ સોનાબાઈને પરણાવી દેવામાં આવી.
પતિ દસથી પંદર વર્ષ મોટો. અતિ શંકાશીલ અને ઈર્ષાળુ. શરૂઆતમાં સોનાબાઈને સંતાન ન થવાને કારણે કૌટુંમ્બિક બહિષકૃત કરવામાં આવી. પરંતુ 'રામ રાખે તેને કોણ ચાખે' એ કહેવત મુજબ સોનાબાઈએ દીકરાને જન્મ આપ્યો. ઈર્ષાળુ અને રોગીષ્ઠ પતિને સૃદ્રઢ દેહસૌષ્ઠવ ધરાવતી પત્નીની ઈર્ષ્યા આવી અને સોનાબાઈને તેના ઘરમાં કેદ કર્યા. જે ઘરમાં એક પણ બારી હતી નહિ. સોનાબાઈને બહારની દુનિયા, કોઈપણ વ્યક્તિથી અલિપ્ત કરવામાં આવી. સોનાબાઈએ કોઈની સાથે બોલવાનું નહિ, કોઈને મળવાનું નહિ તે અને તેમનો દીકરો. દીકરાની સંભાળ, પહોંચાડાતી સામગ્રીમાંથી રસોઈ બનાવવાની અને ઘરની સફાઈ કરવાની, બસ એ જ એનું કામ.
એકલતાનો કારાવાસ એક નાના ઘરમાં.
હવે જ શરૂ થાય છે, સોનાબાઈની અકલપ્ય કહાની.
સોનાબાઈને તેના પતિએ એક નહિ, બે નહિ, ત્રણ નહિ… પૂરા પંદર વર્ષ ઘરમાં પૂરી રાખી. બહારની દુનિયા સાથે પૂરેપૂરો સંપર્ક તૂટી ગયો. સોનાબાઈ અને તેનો દીકરો એકલા.
આ એકલતાને સોનાબાઈએ દર્દ તરીકે ના લીધું પણ કઈ હતી તેની આંતરિક શક્તિ ? આપણને વિચાર કરતા કરી મૂકે. તેની આંતરિક શક્તિ હતી, કોઈપણ પરિસ્થિતિની જીવનમાં સ્વીકૃતિ અને તે સ્વીકારી રસ્તો કાઢવો. હારી ના જવું.
સમય જતાં દીકરો મોટો થયો, તેની પાસે રમવાના રમકડાં ન હતાં. સોનાબાઈએ આ પરિસ્થિતિને નીરાશામાં ના પલ્ટી, પરંતુ પોતાનું સર્જનાત્મક માનસ કામે લગાડયું. સોનાબાઈ વિચારતા આસપાસ જોતા હતાં, ત્યાં તેને રૂમની દિવાલ દેખાઈ.
છત્તીસગઢના ગ્રામ્ય અમુક ઘરોની દીવાલો થોડા સમય પહેલા ગેરુ, કાંપવાળી માટી, ચૂનો વગેરેની બનેલી હતી. તરત જ સોનાબાઈના મનમાં વિચારની વીજળી ઝબૂકી. તેમણે દીવાલ ખોતરી, કાંપ, ગેરુ થોડા બહાર કાઢ્યા અને તેમાંથી પોતાના દીકરા માટે થોડા પશુ ને પક્ષીઓના રમકડાં બનાવ્યાં. દીકરો આનંદથી રમવા લાગ્યો. સોનાબાઈને તો તેમની એકદંડીયા ઘરમાં, એકલતામાં જુસ્સો વધારવાનો અને આગળ વધવાનો રસ્તો મળ્યો. આ પછી તેમણે પોતાની કલા અને સર્જનાત્મક માનસ કામે લગાડયું. જોતજોતામાં સોનાબાઈએ પશુ, પક્ષીઓ, ફૂલો, પાંદડાઓ અને નાના માનવનાં રમકડાથી એક રૂમ ભરી દીધો. તેમના દીકરા સામે રમકડાનો ઢગલો થઈ ગયો. માટી અને કલ્પનામાંથી અદ્ભુત કારીગરી ઉપસી આવી.
એક અભણ સ્ત્રી જેને કોઈ દુનિયાદારીનું જ્ઞાન નથી, કોઈ તાલીમ નથી, માર્ગદર્શન નથી, ટેકનોલોજી કે કોર્પોરેટ વર્લ્ડનું જ્ઞાન નથી, ગ્લેમર કે ચંકાચાંદ સાથે કોઈ લેવાદેવા નથી. તેની કેવી સ્વીકૃતિ એકલતાની અને જુસ્સાભેર નીયતીને જવાબ.
આટલેથી સોનાબાઈની લોકકલા અટકી નહિ, આતો શરૂઆત હતી. આ પછી તેમણે ભીંત ચિત્રો બનાવવાનું નક્કી કર્યું, પરંતુ તે માટે રંગો ક્યાંથી લાવે. ફરી કલ્પના શક્તિ અને કલાશક્તિના ઘોડા દોડાવ્યા. ઘરના મસાલાઓ, ફળીયાના કૂવામાંથી મળતા ક્ષારો અને જડીબુટ્ટીઓ મહિનાઓ સુધી ખાંડીને રંગો બનાવ્યા. પછી તેમણે ઉખાડેલી ભીંતો તેમજ અન્ય પર ચૂનાથી પહેલા રંગી તેના ઉપર ફૂલો, પાંદડા, પશુઓ, પક્ષીઓના ભીંતચિત્રો બનાવ્યાં, તેમાં જાતે બનાવેલા રંગો પૂર્યા. ઘરની સાવરણીમાંથી પીંછીઓ બનાવી. ક્યાંક વચ્ચે વચ્ચે માનવ આકૃતિઓ, પક્ષીઓ, ગેરુને માટીનાં બનાવેલા મૂક્યાં.
જોતજોતામાં એકલતાના કાળા રંગે રંગાયેલી ઘરની દીવાલો રંગબેરંગી, ભીંત ચિત્રોથી જીવનના કલા અને જુસ્સાનાં રંગોથી રંગીન બની ચમકવા લાગી.
ત્યાં ઉનાળો આવ્યો. ભલે બારી ન હતી, પણ છાપરા અને દીવાલો, તેમજ થાંભલાઓની તીરાડોમાંથી એટલી ગરમી આવવા માંડી કે ઘરનું તાપમાન ૪૫ ડીગ્રી સેન્ટીગ્રેડ ઉપર જવા લાગ્યું. આ બળબળતા તાપ માટે સોનાબાઈએ બહુ ગરમી છે, એસી નથી, કુલર નથી, (આ સાધનોનું તો જ્ઞાન જ ન હતું), આપણા જેવી બૂમો ના પાડી. આ માટે પણ તેમનાં કલાકૃત અને જુસ્સાવાળા માનસે રસ્તો શોધ્યો.
આંગણામાં પડેલા વાંસની સળીઓ અને અન્ય વૃક્ષોની સાંઠકડીઓ લાવી, તેમને ગોળાકાર આપી, એકમેકમાં ભરાવી જાળીઓ બનાવી, જેના પર દીવાલમાંથી નીકળતા ગેરુ અને માટીનું લીંપણ કર્યું અને પછી ચૂનાથી રંગી. જોતજોતામાં વાંસ ને માટીની જાળીઓની અદ્ભુત કલાત્મક ડીઝાઈનવાળી જાળીઓ
તૈયાર થઈ ગઈ. આ જાળીઓમાં તેમણે વચ્ચે વચ્ચે માટીમાંથી બનાવેલા મોર, પોપટ અને ચકલીઓના રમકડા મૂક્યા. આમ અદ્ભૂત કલાકારીગરીવાળી જાળીઓ તેમણે બારી પર, થાંભલાઓ પર, તીરાડો પર જ્યાંથી ગરમી આવતી હતી ત્યાં મૂકી. જોતજોતામાં આ જાળીની માટી ગરમી શોષી લેતી અને હવાની અવરજવર પણ થતી.
સોનાબાઈનું ઘર એકલતાના અંધકારમાંથી વિવિધ કલા સર્જનથી તેજવંતુ મ્યુઝીમ જેવું બની ગયું. અદ્ભૂત જીવન સ્પીરીટ, આટલી બધી કલાકારીગીરી છતાં કોઈ પ્રસિદ્ધિ માટેની ઝંખના નહિ, કોઈ પ્રચાર નહિ.
ઈશ્વરને ત્યાં દેર છે પરંતુ અંધેર નથી.
૧૯૮૩માં ભારતીયભવન રીસર્ચના એક ગુ્રપ દ્વારા સોનાબાઈના ઘરનું સુશોભન, ભીંતચિત્રો, કલાત્મક જાળીઓ, માટીનાં રમકડાંને શીલ્પોની જાણકારી મળી. તેમણે જાહેરમાં છત્તીસગઢમાં સોનાબાઈએ રચેલી અદ્ભૂત લોક કારીગરી અને તેમની ૧૫ વર્ષની એકલતાની માહિતી દુનિયા સમક્ષ મૂકી.
જોતજોતામાં રાજ્યમાં, ભારતમાં અને વિશ્વમાં સોનાબાઈની ૧૫ વર્ષની એકલતામાંથી જન્મેલી અદ્ભૂત કલાકારીગરીની વાત ફેલાઈ, અને તેમને પ્રસિદ્ધિ મળી.
આજે તેમનું એ એકલતાનું ઘરમાંથી બનેલું હાઉસ મ્યુઝીયમ અને અન્ય કલાકૃતિઓ છત્તીસગઢની મોટામાં મોટી આર્ટ ગેલેરીમાં મોજુદ છે.
આજે સોનાબાઈ દુનિયામાં નથી, પરંતુ દરેક ભારતીય મહિલા માટે પ્રેરણાની સુગંધ મૂકી ગયા છે.




