Shatdal

કાલથી પાક્કું! - માનવમનની સૌથી મોટી માયાજાળ...

By GS Team
18 Aug 20265 mins read
કાલથી પાક્કું! - માનવમનની સૌથી મોટી માયાજાળ...
  • તારી અને મારી વાત- હંસલ ભચેચ
  • બુદ્ધિ આપણને કહે છે કે શું સારું છે, પરંતુ આદત કહે છે કે એ ક્ષણે આપણે શું કરવાનું છે. બંને વચ્ચેનું આ ઘર્ષણ રોજિંદુ છે અને ઘણી વખત બુદ્ધિશાળી હોવા છતાં આપણે આદત પાસે હારી જઈએ છીએ.

'મ ને ખબર નથી' આ આજના સમયમાં ખૂબ હિંમત માંગી લે તેવી સ્વીકૃતિ છે, બધાને બધી જ ખબર છે અને જેને ખબર નથી હોતી તે પણ થોડી'ક જ મિનિટોમાં ગૂગલ-ચેટ જીપીટીના સહારે જ્ઞાતા થઈ જાય છે. ખાસ કરીને સ્વાસ્થ્યની બાબતમાં તો મને આવા જાણકારો રોજ મળતા રહે છે.
'ડૉક્ટર સાહેબ, તમે કહો છો એ બધું જ મને ખબર છે!' મારી પાસે આવતાં ઘણા લોકો આ વાક્ય બહુ આત્મવિશ્વાસથી કહે છે. 'વ્યાયામ કરવો જોઈએ, ઊંઘ પૂરી લેવી જોઈએ, મોબાઇલ ઓછો વાપરવો જોઈએ, બહારનું ખાવાનું ઓછું કરવું જોઈએ… બધું ખબર છે.'
હું પૂછું, 'તો પછી આમાનું કંઈ કરતા કેમ નથી?'
થોડી ક્ષણની શાંતિ છવાઈ જાય, પછી એક નિરાશાભર્યું સ્મિત આવે, 'એ જ તો પ્રોબ્લેમ છે!'
આપણી જિંદગીની ઘણી મુશ્કેલીઓ જ્ઞાનની અછતને કારણે નથી હોતી આપણા અભિગમ અને વ્યવહારને કારણે હોય છે. આપણને ખબર હોય છે કે શું સારું છે, શું ખરાબ છે અને શું કરવું જોઈએ છતાં, આપણે તે બાબતોને અવગણતા હોઈએ છીએ. 'જાણવું' અને 'અનુસરવું' કે 'વ્યવહારમાં ઉતારવું' વચ્ચે એક વિચિત્ર ખાઈ છે અને મજાની વાત એ છે કે આ ખાઈ ઘણી વખત બુદ્ધિશાળી માણસોમાં પણ એટલી જ ઊંડી હોય છે. કોઈ વ્યક્તિ આખો દિવસ આરોગ્ય વિશે વાંચે, ફિટનેસના વિડિયો જુએ, તંદુરસ્ત ઊંઘ પર પોડકાસ્ટ સાંભળે અને પછી આ બધા જ જ્ઞાન સાથે રાત્રે બે વાગ્યા સુધી મોબાઇલમાં રીલ્સ જોતી રહે! તેને ઊંઘનું મહત્વ ખબર છે, પરંતુ ઊંઘ કરતાં એક પછી એક જોવાતી રીલ્સ તેને વધારે આકર્ષક લાગે છે. મનોવિજ્ઞાન આને પ્રેઝન્ટ બાયસ' એટલે કે 'વર્તમાનનો મોહ', આપણું મગજ ભવિષ્યના મોટા ફાયદા કરતાં વર્તમાનના નાના સુખને વધુ મહત્વ આપે છે. આજે મજા કરોને, કાલ કોણે જોઈ છે? સવારે ૬ વાગ્યે વ્યાયામ કરવાથી વર્ષો પછી મળનારી તંદુરસ્તી કરતાં, અત્યારે પથારીની હૂંફ વધારે આકર્ષક લાગે છે. સલાડ ખાવાથી ભવિષ્યમાં ફાયદો જણાશે, પણ સામે પડેલા ગરમાગરમ ગાંઠિયા તો અત્યારે જ આનંદ આપે છે. ધ્યાન કરવાથી મન શાંત થશે, પણ હાલ ઇન્સ્ટાગ્રામનું નોટિફિકેશન આવ્યું છે તેનું શું?! સો વાતની એક વાત, આપણે ભવિષ્યના લાભ કરતાં વર્તમાનના આનંદને વધારે મૂલ્ય આપીએ છીએ. અને કોવિડ પછી તો આ મૂલ્ય ખુબ જ વધી ગયું છે! આજની મજા માટે કાલનો લાભ અભરાઈએ ચઢાવીને આપણે કહીએ છીએ, 'કાલથી પાક્કું શરૂ કરીશ.' આ 'કાલથી' એ માનવમનની સૌથી સફળ કળાઓમાંની એક છે!
આપણી બધી જ અસ્વસ્થ ટેવોનો દોષ માત્ર 'પ્રેઝન્ટ બાયસ'ને આપી ના શકીએ, ઘણી અસ્વસ્થ આદતો પાછળ એક આખું ચક્કર કામ કરે છે જેને મનોવિજ્ઞાન 'હેબિટ લૂપ' કહે છે. પહેલા ટ્રિગર આવે, પછી આપણે કોઈ ચોક્કસ વર્તન કરીએ, અને અંતે મગજને વળતર મળે. જ્યારે આ ચક્કર મજબૂત થાય ત્યારે તેમાં તલબ-ક્રેવિંગ ઉમેરાય અને પછી તો ટ્રિગરની પણ જરૂર નહીં.
તણાવ થયો - મોબાઇલમાં રીલ્સ જોવા માંડયા - થોડા સમય માટે મન હળવું થયું - વગર તણાવે પણ રીલ્સ જોવા મન લલચાવા માંડયું!
એકલતા લાગી - કોઈને મેસેજ કરવાને બદલે ઓનલાઇન શોપિંગમાં ડૂબ્યા - મનને ઉત્તેજના અનુભવાઈ - મન વારંવાર ત્યાં આંટાફેરા કરવા માંડયું!
કંટાળો આવ્યો -કંઈક ખાધું - સ્વાદ અને આનંદ આવ્યો - મગજ ખુશ!
પછી, એક દિવસ એવો આવે કે આદત માત્ર આદત ના રહેતા તેમાં ઇચ્છા અને બીજું ઘણું જોડાઈ જાય! તમે કોઈ વ્યક્તિને સો વખત કહી શકો કે 'સિગારેટ નુકસાનકારક છે' અને તે આ નથી જાણતો હોતો એવું થોડું હોય છે? પરંતુ હવે સિગારેટ તેના માટે માત્ર નિકોટિન નથી. તે ચા, મિત્ર, તણાવ કે એકાંત સાથે પણ જોડાયેલી છે. એટલે તમે સિગારેટ સાથે નહીં, પરંતુ એક આખા 'હેબિટ લૂપ' સાથે કામ કરી રહ્યા છો.
આપણને ના સુધરવા દેવામાં 'પ્રેઝન્ટ બાયસ' અને 'હેબિટ લૂપ'નો એક ત્રીજો સાથી પણ છે - 'નેગેટિવ રિઇનફોર્સમેન્ટ'. દર વખતે આપણું કોઈ વર્તન આનંદ (પોઝિટિવ રિઇનફોર્સમેન્ટ) જ આપે એવું નથી હોતું, ઘણીવાર તે આપણને પીડા, દુ:ખ જેવી નકારાત્મક લાગણીઓથી થોડો સમય મુક્ત પણ કરતું હોય છે. જે વસ્તુથી સમસ્યા ઊભી થાય છે, એ જ વસ્તુ થોડા સમય માટે બીજી સમસ્યામાંથી રાહત આપે છે. મગજને તાત્કાલિક રાહત મળે છે અને તે વર્તન મજબૂત થાય છે. આને 'નેગેટિવ રિઇનફોર્સમેન્ટ' કહેવાય. દારૂ પીવાથી પીડાદાયક ભૂતકાળ કે એકલતા થોડો સમય ભુલાઈ જતી હોય તો લીવર જાય તેલ લેવા! એકલતા, કંટાળો કે તણાવથી થોડી ક્ષણ માટે ભાગવા માટે માણસ ઓનલાઈન શોપિંગ કે સતત મોબાઈલનો સહારો લે છે. મગજને તાત્કાલિક રાહત મળે છે, ભલે ભવિષ્યમાં શરીર કે પાકીટ ખાલી થઈ જાય.
બધું જ જાણતા હોવા છતાં વ્યવહારમાં ના અપનાવી શકવા પાછળ આ ત્રણ બાબતો તો કામ કરે છે પરંતુ સાથે સાથે એક બીજી વાત પણ સમજવા જેવી છે. ઘણીવાર જરૂરિયાત ખૂબ સાચી હોય છે પરંતુ તેને પુરી કરવાની રીત ખોટી હોય છે.
મેં એક દર્દીને પૂછયું, 'તમે રાત્રે મોબાઇલ કેમ જુઓ છો?'
'કારણ કે, ઊંઘ નથી આવતી'.
મેં પૂછયું, 'અને મોબાઇલ જોયા પછી?'
'તો પણ આવતી નથી એટલે તો તમારી પાસે આવ્યો છું'
સમસ્યા ઊંઘ નહીં આવવાની છે પરંતુ તેના માટે મોબાઇલ જોતા રહેવું એ તેનો ઉકેલ નથી.
આ બધી જ ચર્ચાનો નિષ્કર્ષ એ છે કે 'જાણવા' અને 'અપનાવવા કે જીવનમાં ઉતારવા' વચ્ચેની ખાઈ માત્ર 'આ ના કરાય' એટલું જ્ઞાન આપવાથી ના ભરી શકાય. એ માટે ચિંતન કરવું પડે, તેની સાથે સંકળાયેલ મનોવૈજ્ઞાનીક બાબતોનું આત્મ-વિશ્લેષણ કરવું પડે. મોટાભાગના લોકો આદત બદલવા માટે 'વિલપાવર' કે મનોબળ પર આધાર રાખે છે, પણ મન સાથે રોજ યુદ્ધ ન લડી શકાય. આદત બદલવાની સાચી શરૂઆત મનોબળથી નહીં, પણ સિસ્ટમ અને પરિસ્થિતિ બદલવાથી થાય છે. મનને રોજ 'કાબૂ કરવાની' નવી લડાઈ આપવાને બદલે અપનાવી શકાય એવી નાની-સરળ રીત આપો. કોઈપણ બાબતનું રૂટિન બનાવવું - રોજ નિયત સમયે ચાલવા જઈશ, ભલે પછી પાંચ મિનિટ માટે કે ખાલી શૂઝ પહેરીને કાઢી લઈશ, પણ રૂટિન નહીં તૂટવા દઉં! રાત્રે ફોન મારો હાથ પહોંચે તેનાથી ઘણો દૂર રાખીશ. ઘરમાં જંક ફૂડના પડીકા રાખીશ જ નહીં…
બુદ્ધિ આપણને કહે છે કે શું સારું છે, પરંતુ આદત કહે છે કે એ ક્ષણે આપણે શું કરવાનું છે. બંને વચ્ચેનું આ ઘર્ષણ રોજિંદુ છે અને ઘણી વખત બુદ્ધિશાળી હોવા છતાં આપણે આદત પાસે હારી જઈએ છીએ. આદત હંમેશા વર્તમાનની મજા પર જીવે છે, એટલે, જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા માટે વર્તમાનમાં થોડી અસુવિધા સ્વીકારીને સિસ્ટમ બદલવાની જરૂર છે.
પૂર્ણવિરામ
કોઈપણ બાબતની ખબર હોવી એ માત્ર જાણકારી છે, પરંતુ એ જાણકારીને જીવનમાં ઉતારીને જીવવું એ જ ખરી સમજદારી છે.