Shatdal

સ્લીપ પેરેલિસિસ: જ્યારે અજાણી શક્તિ છાતી પર ચડીને ગળું દબાવે છે

By GS Team
6 Oct 20264 mins read
સ્લીપ પેરેલિસિસ: જ્યારે અજાણી શક્તિ છાતી પર ચડીને ગળું દબાવે છે
  • સ્લીપ પેરેલિસિસ દરમિયાન ચારમાંથી ત્રણ માણસને શ્રાવ્ય, દૃશ્ય અથવા સ્પર્શ સંબંધિત ભ્રમ થઈ શકે છે. આ માત્ર ડરામણું સપનું નથી. વ્યક્તિને તે સમયે ખરેખર લાગતું હોય છે કે પોતે જાગે છે અને તેથી ભ્રમ પણ અતિ વાસ્તવિક અને ખોફનાક લાગે છે

ક લ્પના કરો. રાતના બે વાગ્યા છે. આંખ અચાનક ખુલે છે. રૂમ પરિચિત છે. એ જ પંખો, એ જ બારી, એ જ પથારી બધું દેખાય છે. તમે જાગી ગયા છો, એ તમને ખબર છે. પણ હાથ ઊંચો થતો નથી. પગ હલી શકતો નથી. મોઢામાંથી અવાજ નીકળતો નથી. અને એ જ ક્ષણે તમને લાગે છે કે રૂમમાં તમે એકલા નથી. કદાચ દરવાજા પાસે કોઈ ઊભું છે. કદાચ પલંગની બાજુમાં કાળી આકૃતિ છે. અથવા તમારી છાતી પર કોઈ બેઠું છે!
આ અનુભવને સ્લીપ પેરેલિસિસ અથવા ઊંઘનો લકવો કહેવામાં આવે છે. તે સામાન્ય રીતે નિદ્રામાં સરતી વખતે અથવા ઊંઘમાંથી જાગતા સમયે થાય છે. વ્યક્તિની ચેતના જાગી જાય છે, પરંતુ શરીર હજુ પણ આરઈએમ (રેપિડ આઇ મુવમેન્ટ) એટલે કે ઊંઘની એક ખાસ સ્થિતિમાં છે, જેમાં સ્નાયુઓ થોડા સમય માટે નિષ્ક્રિય રહે છે. સામાન્ય રીતે આ વ્યવસ્થા આપણને સપનામાં દોડતા, લાત મારતા કે હાથપગ હલાવતા અટકાવે છે. સ્લીપ પેરાલિસિસમાં જાણે મગજ અને શરીર થોડા સમય માટે એકબીજા સાથેનો તાલમેલ અથવા ટાઇમિંગ ગુમાવી બેસે છે.
સૌથી ભયાનક બાબત છે - હેલ્યુસિનેશન, ભ્રમ. એવી વસ્તુ દેખાવા કે સંભળાવાની અનુભૂતિ થવી જે વાસ્તવમાં ત્યાં હોય જ નહીં. એક અભ્યાસ મુજબ, સ્લીપ પેરેલિસિસના લગભગ ૭૫ ટકા કિસ્સામાં કોઈ ને કોઈ પ્રકારનું હેલ્યુસિનેશન થતું હોય છે. કોઈને રૂમમાં અજાણી વ્યક્તિ દેખાય છે, કોઈને પડછાયો કે કાળો ઓળો દેખાય છે, તો કોઈને પગલાં, અવાજ કે સ્પર્શનો અનુભવ થાય છે. કેટલાક લોકોને લાગે છે કે કોઈ તેમની છાતી પર બેઠું છે અથવા તેમનું ગળું દબાવી રહ્યું છે.
મનોરોગચિકિત્સક અને ઊંઘના નિષ્ણાત ડૉ. કારા બેગોટ સમજાવે છે કે સ્લીપ પેરેલિસિસ અનુભવતા લોકોમાંથી લગભગ ચારમાંથી ત્રણ વ્યક્તિને શ્રાવ્ય, દૃશ્ય અથવા સ્પર્શ સંબંધિત ભ્રમ થઈ શકે છે. એટલે આ માત્ર ડરામણું સપનું નથી. વ્યક્તિને તે સમયે ખરેખર જાગૃત હોવાનો અનુભવ થાય છે અને તેથી ભ્રમ પણ અતિ વાસ્તવિક લાગે છે.
ભૂત, અદ્રશ્ય
શક્તિ કે ભ્રમ?
પ્રશ્ન આ છે: શું ભૂત, ડાકણ કે કોઈ અદ્રશ્ય શક્તિ ખરેખર રૂમમાં આવી હતી? વિજ્ઞાનનો જવાબ અલગ છે. આરઈએમ ઊંઘમાં મગજ અત્યંત સક્રિય હોય છે અને સપનાં જીવંત હોય છે. સ્લીપ પેરાલિસિસમાં ચેતના જાગી જાય છે, પરંતુ આરઈએમ સાથે જોડાયેલી શરીરની નિષ્ક્રિયતા અને સપના જેવી માનસિક છબીઓ થોડા સમય સુધી ચાલુ રહી શકે છે. પરિણામે, મગજ રૂમમાં રહેલી વાસ્તવિક વસ્તુઓ - અંધારું, પડદો, ફનચર - સાથે પોતાની ભયભરી કલ્પનાઓની સેળભેળ થઈ જાય છે.
અન્ય એક મનોરોગચિકિત્સક અને ઊંઘના નિષ્ણાત આરઈએમ સ્લીપ વિશે કહે છે, 'ધ બ્રેઇન ઇઝ એસેન્શિયલી અવેક ડયુરિંગ આરઈએમ સ્લીપ, એન્ડ ધ બોડી ઇઝ પેરાલાઇઝ્ડ ઓન પર્પઝ.' એટલે કે, આરઈએમ ઊંઘ દરમિયાન મગજ લગભગ જાગૃત હોય છે, જ્યારે શરીર હેતુપૂર્વક નિષ્ક્રિય રહે છે. સ્લીપ પેરાલિસિસમાં જાણે આ બે સ્થિતિઓનું સામાન્ય જોડાણ થોડા સમય માટે બગડી જાય છે. મગજ કહે છે, 'હું જાગું છું', પણ શરીર કહે છે, 'ના, હું હજુ ઊંઘમાં છું.'
આ અનુભવ નવો નથી. સદીઓ પહેલાં લોકો પાસે આરઈએમ સ્લીપ, હેલ્યુસિનેશન કે નર્વસ સિસ્ટમ જેવી ભાષા નહોતી. તેમની પાસે પોતાના સમયની વાર્તાઓ હતી, થિયરીઓ હતી. ભારતીય લોકમાન્યતાઓમાં રાત્રે શરીર દબાઈ જવું, પ્રેતની હાજરી કે અદૃશ્ય શક્તિનો સ્પર્શ જેવી વાતો વિવિધ સ્વરૂપે જોવા મળે છે. અનુભૂતિ સાચો હતી, પણ પ્રશ્ન માત્ર એટલો છે કે શું આ અનુભૂતિ અસલી હતી?
આથી અલગ-અલગ સંસ્કૃતિઓમાં આ અનુભવને અલગ નામ અને અર્થ મળ્યા છે. યુરોપિયન લોકકથાઓમાં 'નાઇટ હેગ', કેટલાક પ્રદેશોમાં ડાકણ કે પ્રેત, તો બીજી જગ્યાએ દૈત્ય અથવા અદૃશ્ય આત્મા - આ બધું કદાચ એક જ માનવીય અનુભવને સમજાવવાના પ્રયાસો હોઈ શકે છે. સ્લીપ પેરેલિસિસનું અર્થઘટન સંસ્કૃતિ પ્રમાણે બદલાય છે.
સ્લીપ પેરેલિસિસ કોને થાય?
ઊંઘ ઓછી થવી, અનિયમિત ઊંઘ હોવી, ભારે તણાવ, ચિંતા અને કેટલીક ઊંઘ સંબંધિત સમસ્યાઓ સાથે સ્લીપ પેરેલિસિસનો સંબંધ છે. પીઠ પર સૂવાની સ્થિતિથી પણ કેટલાક લોકોમાં સ્લીપ પેરેલિસિસનું જોખમ વધે છે. વારંવાર સ્લીપ પેરાલિસિસ થતું હોય, દિવસ દરમિયાન અતિશય ઊંઘ આવતી હોય અથવા અચાનક ઊંઘ આવી જતી હોય, તો નાર્કોલેપ્સી જેવી સ્થિતિ તપાસવા માટે ડૉક્ટરની સલાહ લેવી યોગ્ય છે.
ગુડ ન્યુઝ એ છે કે સામાન્ય સ્લીપ પેરેલિસિસ મોટાભાગે જોખમી નથી. સામાન્ય રીતે આ અનુભવ થોડી સેકન્ડથી થોડી મિનિટોમાં જ પૂરો થઈ જતો હોય છે. તે દરમિયાન વ્યક્તિને એક વાત યાદ રાખવી મદદરૂપ થઈ શકે છે કે 'હું જાગૃત છું, મને જે ફીલ થઈ રહ્યું છે તે કાયમી નથી, મારું શરીર થોડા સમયમાં ફરી હલશે…' ધીમો શ્વાસ લેવો અને આંગળી કે પગની આંગળી જેવી નાની હિલચાલ કરવાનો પ્રયાસ પણ મદદ કરી શકે છે.
પરંતુ એક રહસ્ય હજુ બાકી રહે છે. શરીર અચળ, મગજ અર્ધું સ્વપ્નમાં અને ચેતના જાગૃત - આ ત્રણેયની વચ્ચેની એ થોડી ક્ષણો માણસને એવું કેમ દેખાડે છે કે કોઈ અજાણી, અદ્રશ્ય શક્તિ તેની પાસે ઊભી છે? સ્લીપ પેરાલિસિસનું સૌથી મોટું રહસ્ય આપણું મગજ છે, ભૂત નહીં!