- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- જ્યોર્જ ઓર્વેલ આજથી બાવન વર્ષ પહેલા કહી ગયા હતા કે 'વોર ઇઝ પીસ'. વ્યંગ હતો આ
शांति की दुकानें खोली हैं
फाखतार्एं कहां की भोली हैं
- मोहम्मद अलवी
ટ્ર મ્પે શાંતિની દુકાન ખોલી છે. ડાવોસ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં તેઓએ ગાઝાના પુનર્વસન માટે 'બોર્ડ ઓફ પીસ' સ્થાપના કરી. પણ એ બોર્ડનું કાર્યક્ષેત્ર ગાઝા પૂરતું મર્યાદિત નથી. ભવિષ્યમાં દુનિયામાં જ્યાં ક્યાંય પણ અશાંતિ થાય ત્યાં ચંચુપાત કરી શકાય, એવી જોગવાઈ એમાં છે. ટ્રમ્પ એ બોર્ડના સુવાંગ કર્તાહર્તા સમાહર્તા છે. પાકિસ્તાન એમાં જોડાયું છે. આમંત્રણ તો છે પણ ભારતે મગનું નામ મરી પાડયુ નથી. ભારતના ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું: 'ભારત શાંતિનું દૂત રહ્યું છે, અમારી તો પરંપરા છે સમસ્ત સૃષ્ટિમાં શાંતિની પ્રાર્થના કરવી'. અને સમાચાર એ પણ છે કે ઓક્સફોર્ડ ચિલ્ડ્રન ડિક્સનરીએ 'પીસ' શબ્દને વર્ષ ૨૦૨૫નો વર્ડ ઓફ ધ યર તરીકે જાહેર કર્યો છે. ત્રણ શબ્દો- '૬૭', 'એઆઈ' અને 'પીસ'- સ્પર્ધામાં હતા. ૬ થી ૧૪ વર્ષની વયનાં બાળકોએ મતદાન કરીને પીસ શબ્દને જીતાડયો. બાળકો દેશ અને દુનિયાનું ભવિષ્ય છે. 'પીસ' શબ્દ એટલે પણ ચર્ચાવો જોઈએ. વૈશ્વિક સંદર્ભમાં 'પીસ' શબ્દ સમાચારોમાં વારંવાર વાગોળાઇ રહ્યો છે, વગોવાઈ રહ્યો છે.
ગુજરાતી લેક્સિકન અનુસાર 'પીસ' એટલે શાંતિ, શાંતતા, યુદ્ધનિવૃત્તિ, અવ્યવસ્થા વિનાની સ્થિતિ, સુલેહ, સંધિ, સલાહસંપ, સુમેળ, સ્વસ્થતા, નિરાંત, જંપ. 'એટ પીસ વિથ ધ વર્લ્ડ' (At peace with the world) મુહાવરો છે. દુનિયાભરમાં અનેક સંઘર્ષ છે, સ્થિતિ તણાવપૂર્ણ છે. એની અવળી અસર આપણી પર પડે છે. કાજી દુબલે ક્યૂં, તો કે સારે ગાંવકી ફિકર.. અને બીજી તરફ જગતકાજી ટ્રમ્પ છે, જે રોજ નવું ગતકડું કરતા જાય છે. 'એટ પીસ વિથ ધ વર્લ્ડ' ત્યારે કહેવાય જ્યારે કોઈ વ્યક્તિ ભાવનાત્મક રૂપે શાંત હોય. પરિતૃપ્ત હોય, જીવને સંતોષ હોય, સામંજસ્ય હોય, સંવાદિતતા હોય- આંતરિક પણ અને અન્યો સાથેના સંબંધમાં પણ. અને સાહેબ, ઝાઝી ફિકર નહીં કરવાની. ફિકરકી ફાકી કરે ઉસકા નામ... માણસ.
દુનિયાનું ભાઈ એવું જ હોય. આપણે બેફિકર રહીએ તો ઠીક. ઠાકર કરે તે ઠીક. એક વાર એક ગામડાંનો માણસ ધર્મગુરુ પાસે ગયો. બોલ્યો કે 'ગુરુજી, શાંતિ મળે એનો ઉપાય બતાવો. ઘર નાનું છે, બાળકો ચાર છે અને પત્ની કજિયો કર્યા કરે છે. ઘડીય જંપ નથી.' ગુરુએ પૂછયું:'તારી પાસે કોઈ પાલતૂ પ્રાણી છે?' ' જી મહારાજ, એક ગાય, બે બકરી અને ઘણાં બધાં મરઘાં'. ગુરુએ સલાહ આપી કે 'બધાં મરઘાં ઘરમાં લઇ લે!' ગુરુ કહે એટલે માનવું પડે. પણ બીજા જ દિવસે એ ગુરુ પાસે પાછો ગયો. 'ગુરુજી, આ મરઘાંઓએ ત્રાસ કરી નાખ્યો છે. ઊડાઊડ કરે છે. જ્યાં ત્યાં ચરકે છે. અમે હેરાન હેરાન થઇ ગયા. તો ગુરુએ કહ્યું: 'હવે બે બકરીને અંદર લઈ લે'. અને પરિસ્થિતિ બગડી. બકરી અગત્યનાં કાગળો ચાવી ગઈ. ત્રીજા દિવસે ગુરુ વદ્યા: 'હવે ગાયમાતાને અંદર લઇ લે'. અને પછી તો ઘર પાંજરાપોળ જેવું થઇ ગયું. ચોથા દિવસે ગુરુએ કહ્યું: 'હવે મરઘાં બહાર લઈ લે'. હાશ! થોડી રાહત થઇ ગઈ. પછી ક્રમશ: બકરીઓ અને ગાય પણ બહાર લેવાનું કહ્યું. અને.... આહાહા! ઘરમાં બધા જ ખુશખુશાલ. બાળકો શાંતિથી રમવા લાગ્યા. પત્ની પણ પ્રેમાળ બની ગઈ. એટ પીસ વિથ ધ વર્લ્ડ-ની શરૂઆત ત્યારે થાય છે જ્યારે દ્રષ્ટિકોણ બદલાય છે. તમે કહેશો કે આ તો પલાયનવાદ છે. આવી શાંતિ શી કામની? તમારી વાત સાચી છે. પણ સાહેબ, મુહાવરાનો મતલબ આ જ છે. આપણે રહ્યાં કોમન મેન. રોજ રોજના બખડજંતરમાં તાર તાર થઇએ તે પહેલાં સુકૂન મળે તેવી જોગવાઈ તો કરવી જ રહી. શાંતિના પાંચ સ્તર હોય છે. પહેલું સ્તર આંતરિક શાંતિ. વર્તમાનમાં રહેવું. કોઈ પણ પૂર્વગ્રહ વગર, વિચારો કે નિર્ણયોેને સારા કે ખરાબ ગણ્યાં વગર, સચેત રહેવું. મન શાંત અને સ્થિર હશે તો સુખ મળશે. પછીનું સ્તર છે સામાજિક શાંતિ. કુટુંબ અને સમાજમાં તણાવ ન સર્જાય અને તકરાર થાય તો ઉકેલ ઝટ આવે, એવી તજવીજ કરવી. જતું કરવું. ત્રીજુ સ્તર રાજકીય કે દેશમાં શાંતિ. કાયદો અને વ્યવસ્થા, ન્યાયપારાયણતા, માનવ હક્કો પ્રસ્થાપિત કરવા તે અને અસરકારક સરકાર. ચોથું સ્તર પર્યાવરણ શાંતિ. કુદરતનો સમાગમ શાંતિનો દ્યોતક છે. આપણે પર્યાવરણ જાળવીએ. કમસે કમ નુકસાન તો ન જ કરીએ. અને પાંચમી શાંતિ વૈશ્વિક ફલક પર છે. યુદ્ધ અને આંતકવાદના મુદ્દાઓ છે. કુનેહ અને મુત્સદ્દીગીરી જોઈએ. કોમન મેન શું કરી શકે? એવા નેતા ચૂંટે જે વૈશ્વિક સ્તરે શાંતિ બહાલ કરી શકે.
જ્યોર્જ ઓર્વેલ આજથી બાવન વર્ષ પહેલા કહી ગયા હતા કે 'વોર ઇઝ પીસ'. વ્યંગ હતો આ. એટલે એમ કે લોકો તો જ એકસૂત્રથી બંધાયેલા રહે, જો યુદ્ધ જેવી સ્થિતિ સતત રહે. યુદ્ધ સમયે દેશની એકતાની વાત આવે તો સરકારની વાત માનવી જ પડે. એક શબ્દ 'ડબલથિન્ક' પણ છે. એનો અર્થ થાય એવી બે વાત જે એકબીજાથી વિપરીત હોય, પણ બન્ને સાચી હોવાનું પ્રસ્થાપિત કરવામાં આવે. મેં અનેક યુદ્ધો અટકાવ્યા એટલે નોબેલ પીસ પ્રાઈઝ મને જ મળવું જોઈએ અને બળપૂર્વક તો બળપૂર્વક પણ હું ગ્રીનલેન્ડને તો લઈને જ જંપીશ. આ ડબલથિન્ક છે.
સાંપ્રત સ્થિતિમાં શાંતિ દુર્લભ છે. પણ હા, વિકટ સ્થિતિમાં આપણે અંદરથી શાંત રહીએ એ એટ પીસ વિથ ધ વર્લ્ડ છે, એવું કહી શકાય. દુનિયામાં નહીં તો કમ સે કમ દિલમાં શાંતિ રહે એટલે ભયો ભયો! બગાવતી સૂર કરતા શાંત સૂર સારા.
શબ્દ શેષ
'શાંતિ યુદ્ધ કરતા વધારે અઘરી છે.'
- એરિસ્ટોટલ
(फाखतार्एं : કબૂતર, પારેવું - શાંતિ, પવિત્રતા અને માસૂમિયતનું પ્રતીક)


