Get The App

વોલ્ટ-ફાસ : ગુલાંટ .

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
વોલ્ટ-ફાસ : ગુલાંટ                                               . 1 - image

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- સાચા જીવનથી દૂર નીકળી ગયા છીએ અને વળી પાછું તેની નજીક પહોંચવું એ જ સાચી સ્થિતિ છે

મારશે ગુલાંટ ક્યારે ?

 સ્થિર ક્યારે એ થશે !

આપણાથી હોય ક્યારે 

ઓળખાયેલો પતંગ !                                                                               

હાથમાં રહી જાય છે જે ડોર, 

એ છે જીંદગી !

સૂચવે છે એ જ સૌને હર 

કપાયેલો પતંગ...

-રિષભ મહેતા

પા કિસ્તાને ગુલાંટ મારી. બાંગ્લાદેશના સપોર્ટમાં ભારત સામેની મેચનો બોયકોટ કરવાની જાહેરાત કરી ચૂક્યું હતું. પણ પછી ફેરવી તોળ્યું. કહ્યું કે રમીશું. અને ત્યારે 'કેરાલા કૌમુદી'ના સમાચારનું શીર્ષક હતું : 'પાક ડઝ અ વોલ્ટ-ફાસ. ઇન્ડિયા-પાક મેચ બેક ઓન ધ ટ્રેક'. અને પછી રમ્યા. અને હાર્યા. બૂરી રીતે હાર્યા. ગુલાંટ  તો મારી પણ ગડથોલિયું ખાઈ ગયા! સમજી લેવું જોઈતું હતું કે 'સ્કાય' સામે ના ટકાય. પતંગ તો કપાયો. ડોર હાથમાં રહી ગઈ. છ મહિના પહેલા દુબઈમાં એશિયા કપની મેચમાં આપણે પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હસ્તધૂનન કરવાની ના પાડી તે પછી એક અન્ય ક્વોલિફાઇંગ મેચમાં મેચ રેફરી એન્ડ્રુ પાયક્રોફ્ટને બદલવા માટે પાકિસ્તાને ત્રાગું કર્યું હતું. બદલો ને બદલો, નહીંતર અમે નહીં રમીએ. પોતાના ખેલાડીઓને કહ્યું'તું કે હોટલમાં જ રહેજો. પણ પછીથી યુ ટર્ન લીધો. હા પાડી. અને ખેલાડીઓ મેદાન પર એક કલાક મોડા તો મોડા પણ પહોંચ્યા હતા. 'ન્યૂઝ-૧૮'એ ત્યારે લખ્યું હતું કે 'પાકિસ્તાન્સ વોલ્ટ-ફાસ : આફ્ટર થ્રેટનિંગ ટૂ પુલ આઉટ ફ્રોમ ધ એશિયાકપ, ટીમ હેડ્સ ટૂ ગ્રાઉન્ડ'. પાકિસ્તાન માટે કહેવું અને કરવું વચ્ચે અંતર કાયમ હોય છે. જ્યારે કોઈ કાંઈ કહે, પણ કરે એનાથી સાવ ઊલટું, ભૂમિતિની ભાષામાં એ ૧૮૦ ડિગ્રી ફરી જાય ત્યારે એણે વોલ્ટ-ફાસ (ર્પનાી-કચબી) કર્યું એમ કહેવાય. ના, ઉચ્ચાર 'ફેસ' નથી. અને આપણે શબ્દની વાત કહેવાની છે. 

ગુજરાતી લેક્સિકન અનુસાર 'વોલ્ટ-ફાસ' એટલે ગુલાંટ (ખાવી તે), પલટો, પરિવર્તન, દલીલ, અભિપ્રાય, વિચાર, ઇ.માં આકસ્મિક અને મૂળગત પલટો. કોઈ આવું કરે ત્યારે લોકોને આશ્ચર્ય તો થાય. પ્રશ્ન પણ થાય કે આવું કેમ કર્યું? ઇંગ્લિશ ભાષામાં સમાનાર્થી શબ્દ યુ-ટર્ન પણ છે. રસ્તા પર ઇંગ્લિશ અક્ષર 'યુ'ની જેમ વાહનને વાળીને ઊલટી દિશામાં જઈએ તે યુ-ટર્ન. એક રૂપક તરીકે આ શબ્દ પણ વૈચારિક ગુલાંટ માટે વપરાય છે. યુ-ટર્ન ઉપરાંત આજના શબ્દ વૉલ્ટ-ફાસના સમાનાર્થી શબ્દો છે : અબાઉટ ટર્ન, ટર્ન અરાઉન્ડ, અબાઉટ ફેસ, ચેઇન્જ ઓફ હાર્ટ, ફ્લિપફ્લોપ, રીવર્સલ. વૉલ્ટ-ફાસમાં મૂળ લેટિન શબ્દ 'વોલ્વર' એટલે ગોળ લપેટવું, પલટી મારવું. 'વોલ્ટા' એટલે ફરવું. અને 'ફાસિયા' એટલે ચહેરો. એની પરથી ઇટાલિયન શબ્દ 'વોલ્ટા-ફાસિયા' એટલે ચહેરાને વિરુદ્ધ દિશામાં ફેરવવો તે. આ એનો શબ્દાર્થ. અહીં જે પલટો છે, એ તાત્કાલિક છે અને સંપૂર્ણ છે. સાવ ઊલટફેર. વિચારધારા સાવ જ બદલાઈ જાય, પદ્ધતિ પણ બદલાય. વોલ્ટ-ફાસ શબ્દ આમ તો તટસ્થ છે. પણ નકારાત્મક શબ્દ તરીકે વધારે વપરાય છે. ખાસ કરીને જાહેર જીવનમાં કે રાજકારણમાં આ શબ્દ વિસંગતતા, તકવાદ અને સિદ્ધાંત સાથે બાંધછોડ કરતા નેતાઓ  માટે વપરાય છે. અહીં ગુલાંટ મારનારને ગુલાંટ મારવાથી થનાર ફાયદો દેખાતો હોય છે. આપને બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારની રાજકીય ગુલાંટ યાદ હશે. સત્તા જાળવી રાખવા પહેલાં બીજેપી સાથે, પછી બીજેપી વિરોધીઓ સાથે ગઠબંધન અને પછી ફરી પાછું બીજેપી સાથે હમ-સાથ-સાથ- હૈ-નું એલાન. અને ત્યારે 'ધ હિન્દુ'એ નીતિશ કુમારને 'અંકલ વોલ્ટ-ફાસ'ની ઉપમા આપી હતી. પણ આ શબ્દ હકારાત્મક કલેવર પણ ધરાવે છે. દા.ત. એપલ અને માઈક્રોસોફ્ટ વચ્ચે ગળાકાપ સ્પર્ધા હતી. એપલે જો ટકવું હોય તો માઈક્રોસોફ્ટને હરાવવું પડે. પણ સને ૧૯૯૭માં  સ્ટીવ જોબ્સે પોતાનો કોર્પોરેટ વિચાર સાવ બદલ્યો. પ્રતિસ્પર્ધી માઈક્રોસોફ્ટ સાથે ૧૫ કરોડ ડોલર્સની પાર્ટનરશિપ કરી. એપલ આર્થિક પાયમાલીમાંથી બચી ગયું અને આઈફોન યુગની શરૂઆત શક્ય બની. દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાએ પણ પોતાની હિંસાત્મક ચળવળ છોડી શાંતિ મંત્રણાનો માર્ગ અપનાવ્યો અને દક્ષિણ આફ્રિકામાંથી રંગભેદ ગયો. ગુલાંટ મારવાથી કાંઈ સારું થાય તો ગુલાંટ મારવી ઇચ્છનીય છે. 

પણ સાહેબ, હું સારા માટે પણ જો ગુલાંટ મારું તો મારે દુનિયાને કહેવું શું? એનો ય રસ્તો છે. કહેવું કે હું ખોટો તો નહોતો પણ... નવી જાણકારી, સંજોગ અને સાંપ્રત સ્થિતિનો તલસ્પર્શી અભ્યાસ કર્યા બાદ હું મારો અભિગમ બદલી રહ્યો છું, જેથી સારું પરિણામ મળી શકે. અને લોકોને ફાયદો થાય. હું તો લોકો માટે જ આ કરી રહ્યો છું. મારું ધ્યેય હજી પણ એ જ છે. આ તો માત્ર બહેતર રસ્તો અખત્યાર કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ તો પોતાના નિર્ણયો વારંવાર બદલાતા જ રહે છે. ઘડીમાં ટેરિફના દર વધારે અને પછી ઘટાડે. ઈરાનને કહે કે જા, શાંતિવાર્તા માટે ૧૪ દિવસ આપ્યા અને પછી બોમ્બમારો કરે. કાંઈ ભરોસો નહીં. રાજકીય અભ્યાસુઓ એને 'મેડ મેન થીયરી' કહે છે. એ તો ગાંડો છે. એનો સ્વભાવ જ એવો છે. એ કાંઈ પણ કરી શકે. ટ્રમ્પને વોલ્ટ-ફાસમાં મજા આવે છે. 

જો કે આજની વાત પાકિસ્તાન ક્રિકેટની ગુલાંટની છે. આ કેવી રીતે થયું? વાત જાણે એમ છે કે પાકિસ્તાનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવે આસમાને ચઢયા. એક જુવાને ભર બજારે એલાન કર્યુંં કે જ્યાં સુધી ભાવ ઘટે નહીં ત્યાં સુધી એ ઉપવાસ કરશે. આખરે લોકોની ગરિમા તો જળવાવી જોઈએને? ઉપવાસના જોશમાં સવારની સાંજ પડી. બજારમાં ખાણીપીણીની રેંકડીમાં તંગડી કબાબ ભૂંજાઈ રહ્યું હતું. એની સુગંધમાં જુવાનનો જોશ પીગળી ગયો. એણે ફેરવી તોળ્યું. કહ્યું કે એ ઉપવાસ છોડશે. કારણ કે આ ગરીબ રેંકડીવાળાને પણ બાળબચ્ચાં છે, એને પણ કાંઈ કમાણી તો થવી જોઈએ ને? અને એટલે એનો વિચાર કરીને હું મારા ઉપવાસ છોડું છું. આ વોલ્ટ-ફાસ કરનાર યુવાનનું નામ સલમાન અલી આગા હોવાની એક અફવા છે. તમે શું માનો છો? 

શબ્દશેષ

'ખોટે રસ્તે છો? તો પાછા ફરો.' 

- તુર્કી કહેવત