- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- આધુનિક સુખ સગવડતા સુવિધાને આયોજનબદ્ધ આંશિક જાકારો આપવો જોઈએ
बस के दुश्वार है
हर काम का आसां होना
- गालिब
એ ક જમાનો હતો. દરેક કામનું આસાન હોવું અઘરું હતું. પાણી ભરવા અને કપડાં ધોવા નદીએ જવું પડતું હતું. હવે નલ સે જલ અને વૉશિંગ મશીન આવી ગયા. જાત જાતના ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક સાધનો આવી ગયા. બળદગાડાંથી બસ અને રેલવેમાં સુપરસ્પીડ ટ્રેન આવી ગઈ. રોજની લાઈફ આસાન થઇ ગઈ. સુવિધા જ સુવિધા. તો પછી આ દુવિધા શાની છે? ભોગવ્યે રાખો. તઈં શું?
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક સમાચારનું શીર્ષક હતું : 'ઈન ૨૦૨૬, અ કેસ ફોર મોર ફ્રિક્શન'. ફ્રિક્શન (Friction) એટલે ઘર્ષણ. ઘર્ષણ એટલે એકબીજાની સાપેક્ષ ગતિ કરતા બે પદાર્થો વચ્ચે ઉત્પન્ન થતું એવું બળ, જે તેમની ગતિનો વિરોધ કરે છે. ગતિનો વિરોધ કરવો સારો નહીં. હેં ને? ફ્રિક્શન આમ તો સારી વાત ન કહેવાય. પણ ધારો કે ઘર્ષણ હોય જ નહીં તો? માચીસમાંથી કાઢેલી દીવાસળી સળગે જ નહીં. ચલતીકા નામ ગાડી-ની બ્રેક લાગે જ નહીં. ઘર્ષણ જરૂરી છે. આપણાં જીવનમાં સુવિધા વધી છે. સગવડતાની ભરમાર છે. તન મનને આરામ છે. મગજ કસવાની જરૂર ઓછી પડે છે. એમાંય આ એઆઈના આવ્યા પછી.. તો ભાઈ ભાઈ! સુવિધા એ સુખ નથી-એવું તત્વચિંતકો કહી ગયા છે. થોડી તકલીફ, થોડી અસુવિધા, થોડી અગવડ ભોગવવી સારી. ઠોઠ મન અને બેઠાડુ શરીર સારું નહીં. ફ્રિક્શન હોવું તો જોઈએ.
મેક્સિંગ (Maxxing) ઇન્ટરનેટનો તળપદો શબ્દ છે. કોઈ વિશેષ ગુણ કે ક્ષેત્રમાં ખુદને શ્રે બનાવવું તે. 'લૂકમેક્સિંગ' એટલે સારા દેખાવા માટે વ્યાયામ, વજન ઘટાડવું, મર્યાદિત પૌષ્ટિક આહાર અને ત્વચા સંભાળ વગેરે. 'મનીમેક્સિંગ' એટલે પૈસા યે પૈસા, નહીં કોઈ ઐસા, જૈસા યે પૈસા.. પૈસો મારો પરમેશ્વર 'ને હું પૈસાનો દાસ. જ્યારે મેક્સિંગને 'ફ્રિક્શન' સાથે જોડી દેવામાં આવ્યો ત્યારે એનો અર્થ થયો : એક તંદુરસ્ત અસુવિધા. આપણી જીવનશૈલીમાં જાણી જોઈને અગવડતા ઉમેરવાનો આ નવો ટ્રેન્ડ છે. ડિજિટલ ઓટોમેશન પ્રેરિત આધુનિક સુખસગવડતાની અસર તળે જીવન સુન્ન થઇ ગયું છે. કાંઈ ન કરવું, એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કાંઈ પણ યાદ હવે રહેતું નથી. પ્રાણપ્રિય પત્નીનો જન્મદિવસ યાદ રાખવા માટે પણ રીમાઈન્ડર સેટ કરવા પડે. આવું ને આવું ચાલ્યું તો પત્નીનું નામ પણ ભૂલાઈ જશે. એ ય એલેકસા કે સિરિને પૂછવું પડશે! ટેલ મી વ્હોટ ઇઝ ધ નેઈમ ઓફ માય કરન્ટ વાઈફ?!!
શબ્દ નવો છે પણ વાત નવી નથી. આજથી ત્રણેક દાયકા પહેલાં બાળકોનું અતિ ધ્યાન રાખે એવા હેલિકોપ્ટર પેરન્ટ્સ હતા. સતત બાળકોની ઉપર મંડરાતા રહે. બાળકોને તૈયાર કરવા, ટયુશન અને સ્કુલ મૂકવા લેવા જવા અને બધું જ હાથમાં ને હાથમાં. એનાથી એક પગથિયું આગળ 'લૉન મૉવર' પેરન્ટ્સ, જે બાળકનાં રસ્તામાં દરેક મુશ્કેલી પહેલેથી દૂર કરી નાખે. એ બાળકો મોટાં થયા અને હવે પરિસ્થિતિ વણસી છે, આઈ મીન, એથીય વધારે સુવિધાજનક થઇ ગઈ છે! દુનિયા આખી મોબાઈલ ફોનમાં અને ઉપરથી એઆઈ. આપણે કાંઈ નહીં કરવાનું. પેલા ફોટોગ્રાફરના તકિયાકલામ જેવું : તમે હસતું મોઢું રાખો, અમે સંભાળી લઈશું. આમાં માણસ ઘડાય શી રીતે? માટીનાં ઘડાંને ટીપીએ નહીં તો તકલાદી થઇ જાય. એટલે હવે ઘર્ષણ, અસુવિધા, અડચણ સામે ચાલીને વહોરી લેવા જરૂરી છે.
ફ્રિક્શનમેક્સિંગ આધુનિક જીવનશૈલીનો શબ્દ છે. બધી સગવડતા ત્યજી દેવાની વાત જો કે નથી. વૉશિંગ મશીન કાઢી નાંખી નદીએ કપડાં ધોવાની વાત નથી. ગાડીમાં ઓટોમેટિક ગિયરબોક્સ છે તો ગાડી વેચી નાંખવી, એવી સલાહ નથી. સ્માર્ટ ફોનના સ્થાને ડમ્બ ફોન ખરીદી લેવો- એવું પણ નથી. સ્ક્રીનટાઈમ સાવ ઓછો કરવો, એવું ય નથી. આવી ગયેલી અને આપણે જેનાથી ટેવાઈ ગયા છીએ, એવી સુવિધાથી વંચિત થઇ જવાની પેરવી પણ કરવાની નથી. પણ થોડી એવી વાત જેમાં આપણું મગજ કસાય, એવું કરવું. અલબત્ત, કોઈ ચોક્કસ -આટલું કરો, આટલું ન કરો- એવું ય નથી. દરેકે પોતે નક્કી કરવાનું છે કે હું જાતે કોઈ પણ સાધન સરંજામની દેખીતી મદદ વિના કયું કામ કરી શકું? દાખલા તરીકે, હું ફેમિલી સાથે પિકનિક માટે કારમાં નીકળું ત્યારે બાળકો પાસેથી ફોન ટેબ્લેટ લઇ લઉં અને કહું કે બહાર જુઓ અને તમે શું જોયું? એ પછી કહેજો. ઘરમાં માતા કે પત્ની જ શું કામ રાંધ રાંધ કરે? પહેલેથી છેલ્લે સુધી સરસ ભોજન, સાથે મળીને બનાવીએ. સ્વિગી કે ઝોમેટો શા માટે? કાંઈ ખરીદવું હોય તો બજારમાં જાઓ. જુઓ શું મળે છે? એનો ભાવ શું છે? ગુણવત્તા કેવી રીતે ચકાસી શકાય? કોઈ અજાણ્યા લોકો સાથે થોડી ઘણી વાતો પણ થાય. અને પેલું અમિતાભ બચ્ચનનું એ કયું પિક્ચર હતું, જેમાં ગીત હતું..ઇંતેહા હો ગઈ ઇન્તઝારકી....અરે ઊભા રહો ભાઈ, ગૂગલ કરવાનું છોડો, યાદ કરો. અમિતાભનાં તો બધા પિક્ચર્સ તમે જોયા છે. થોડી મગજમારી કરી લેવી. નહીં કરો તો મગજ બહેર મારી જશે. ખરીદી કરવા જાઓ તો ડિજિટલ પેમેન્ટ ટાળો. ખિસ્સામાંથી ચલણી નોટ્સ કાઢો, ગણો, ચૂકવો, બાકીનાં પૈસા પાછા લો. મિત્રોને મળવું છે? રૂબરૂ મળો. રૂહ-બ-રૂહ મળો. સોશિઅલ મીડિયા અનસોશિઅલ છે! ડિજિટલ ઉપવાસ કરી શકાય. જાણી જોઈને એક દિવસ ઓફલાઈન થઇ જાઓ, આઉટલાઈન થઇ જાઓ તો પણ વાંધો નથી!
આધુનિક સુખ સગવડતા સુવિધાને આયોજનબદ્ધ આંશિક જાકારો આપવો જોઈએ. જો તમારી ઉપર કોઈ આપત્તિ આવશે તો ઝડપથી બેઠાં થવાની શક્તિ તમને મળશે. તમે જાત મહેનત કરીને કશુંક કરશો તો અનન્ય આત્મસંતોષ મળશે. મોબાઈલ ફોનના વિષચક્રમાંથી બહાર નીકળશો તો માનસિક બીમારીથી દૂર રહેશો. ફ્રિક્શનમેક્સિંગ કરશો તો શાંતિ મળશે. કોઈ ઉતાવળ કે આવેગ વિના લેવાયેલો નિર્ણય ૨સાચો અને સારો હશે.
શબ્દશેષ
'અગવડ એ અજાણ્યો અવસર છે.' - કન્ફુશિયસ


