- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- રીફોર્મ જો ન હોય તો બંધિયાર પાણીની જેમ આપણે ગંધાઈ જઈએ. રીફોર્મ એટલે જરૂરી છે
આતમનો મારગ પ્રથમ તો
દેહનો ભાંગીને ભૂકો કરે છે
અને પછી તેને નવી તાજગીથી બેઠો કરે છે.
જેના પાયામાં ખજાનો દટાયો છે
તે મકાનને પહેલાં તો જમીનદોસ્ત કરવામાં આવે છે અને પછી
એ ખજાનાથી એનું નવનિર્માણ કરવામાં આવે છે!
- રૂમી(અનુ : વસંત પરીખ)
'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના સમાચારનું શીર્ષક હતું : બજેટ ૨૦૨૬ : રીફોર્મ એક્સપ્રેસ ટેઇક્સ કર્તવ્ય પથ. કર્તવ્ય પથ પર રીફોર્મ એક્સપ્રેસ ચલ પડી હૈ! 'એક્સપ્રેસ' એટલે ભાવનાઓ કે વિચારોને શબ્દ, કાર્ય કે સંકેતથી વ્યક્ત કરવા. યાત્રા માટે ફાસ્ટ કે ડાયરેક્ટ પરિવહન સેવાને પણ એક્સપ્રેસ કહે છે. કર્તવ્ય સંસ્કૃત શબ્દ છે. એ માત્ર 'ડયુટી' નથી. 'કૃ' એટલે કરવું અને 'તવ્ય' એટલે અનિવાર્યતા. ત્રણ કર્તવ્યો : વિકાસ જાળવી રાખવો, ક્ષમતા અને આંકાક્ષાઓનું નિર્માણ કરવું અને વ્યાપક પહોંચ અને સહભાગિતા સુનિશ્ચિત કરવી. અમેરિકામાં શ્રમિક હક આંદોલનના પુરસ્કર્તા મધર જોન્સ માનતા કે રીફોર્મ એ યાત્રા છે, મંજિલ નથી. આમ લાગે સારું કે આપણે રીફોર્મ એક્સપ્રેસ ટ્રેનમાં બેસી ગયા છે અને વિકસિત ભારત ૨૦૪૭ સુધી ગંતવ્યસ્થાન પર પહોંચવાનું છે. પણ શું થશે એ રામ જાણે. અથવા જાણે જી રામ જીકી! તઈં શું?! શ્રધ્ધા રાખો. છૂટકા જ નહીં હૈ.
રીફોર્મ (ઇીર્કસિ) મૂળ લેટિન શબ્દ 'રીફોર્મિન' પરથી આવ્યો છે. 'રી' એટલે ફરી અને 'ફોર્મ' એટલે આકાર, કદ, દેખાવ, સ્થિતિ. ગ્રીક શબ્દ 'મોર્ફ' એટલે બાહ્ય દેખાવ, સૌંદર્ય. ૧૪મી સદીથી આ શબ્દ ઇંગ્લિશ ભાષામાં દાખલ થયો છે. પુન : નિર્માણ કે રૂપાંતરણ એનો અર્થ પણ એ નક્કી કે આ રૂપાંતરણ, આ બદલાવ બહેતર જ હોવો જોઈએ. શક્તિમાં, તંદુરસ્તીમાં, મજબૂતીમાં પહેલાં કરતા સારી સ્થિતિ આવે તો જ આ રીફોર્મ. એ ચેઇન્જ જે ચેઇન્જ ફોર બેટર જ હોય. પહેલાં હોય એ કરતા ખરાબ સ્થિતિ થાય તો એ સેટબક કહેવાય.
ગુજરાતી લેક્સિકન અનુસાર 'રીફોર્મ' એટલે સુધારવું, સુધરવું, સુધારો, સુધારણા, દુરસ્તી, દોષ દૂર કરવો, અનિષ્ટ નાબૂદ કરવું, નવેસર તૈયાર કરવું, નવનિર્માણ કરવું, મરામત કરવી, રાજકારણમાં અનિષ્ટો દૂર કરવાં તે, કાયદાના ખરડામાં કરાતો સુધારો. રીફોર્મના ય પ્રકાર હોય. એ પૈકી એક છે રાજકીય રીફોર્મ. દાખલા તરીકે આ દેશમાં દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાયા કરે છે. હવે પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને આસામની ચૂંટણી આવશે. ગુજરાતમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી આવશે. દેશની બધી ચૂંટણીઓ એક સાથે થતી નથી. ખોટા ખર્ચા થાય છે. જો કે અમે તો એવું માનીએ છીએ કે ચૂંટણી ટાણે જ લોકોના કામ થાય છે. બધી ચૂંટણી એક સાથે પાંચ વર્ષે થાય તો તો નેતા ચૂંટાયા પછી દર્શન જ ન દે! પણ એ જવા દો. હવે રીફોર્મ આવી રહ્યું છે કે બધી ચૂંટણી એકસાથે જ યોજાશે. ચૂંટણી પાછળ રાજકીય પક્ષને પણ ખર્ચા થાય. હું બિલ્ડર કે ઉદ્યોગપતિ હોઉં તો ચૂંટણીફંડમાં પૈસા આપું અને પછી એનો ફાયદો ય મેળવું. આ માટે પણ એક રીફોર્મ આવ્યું હતું. પણ સુપ્રીમ કોર્ટે કયા દાનવીરે કયા પક્ષને કેટલું દાન આપ્યું- એની વિગત જાહેર કરવા કહ્યું. આમ રીફોર્મનું પણ રીફોર્મ થઇ ગયું! સત્તાનું વિકેન્દ્રીકરણ અને બંધારણીય સુધારા પણ રાજકીય રીફોર્મ છે. બીજું રીફોર્મ વહીવટી છે. વહીવટી ખર્ચ ઘટાડવો અને ઉત્કૃષ્ટ સેવા આપવી એ માટે સરકાર ચિંતિત હોય એ સ્વાભાવિક છે. હવે કમ્પ્યુટરનો ઉપયોગ કરી સરકારી સેવા છેવાડાનાં માનવી સુધી પહોંચે છે કે કેમ?- એ માટે ઘણાં વહીવટી સુધારા થયા છે. મેવા આપ્યા વિના સેવા એટલે કે લાંચ આપ્યા વિના કોઈ પણ સરકારી કામ જ ન થાય- એવી સ્થિતિ સુધારવા અનેક વહીવટી રીફોર્મ થઈ રહ્યા છે પણ તેમ છતાં વહીવટ(!) તો થઈ જ જાય છે એવા સમાચાર છાપામાં આવતા રહે છે. કેટલાંક રીફોર્મ સામાજિક હોય છે. સામાજિક સમરસતા લાવવી. આરોગ્ય કે શિક્ષણના રીફોર્મ આ કેટેગરીમાં આવે છે. એક રીફોર્મ ઈકોનોમિક પણ છે. ટ્રમ્પને છીંક આવે એમાં આપણને શરદી સળેખમ થઈ જાય એ ન ચાલે. આત્મનિર્ભર અને સ્વદેશી શબ્દો બજેટનો હાર્દ છે. શ્રમિકોના કાયદામાં બદલાવ પણ ઈકોનોમિક રીફોર્મનો હિસ્સો છે. આપણે ધારીએ એ બધું જ થશે એવું જો કે હોતું નથી. પણ રીફોર્મ જો ન હોય તો બંધિયાર પાણીની જેમ આપણે ગંધાઈ જઈએ. રીફોર્મ એટલે જરૂરી છે. સુધારણાનો બીજો રસ્તો આંદોલન છે. અશ્વેત લોકોના હક માટે ચળવળકર્તા માલ્કમ એક્સ કહે છે કે રીફોર્મ એવા લોકો માટે છે જેને સરકારી કનેકશન છે. લોકોએ તો આમૂલ પરિવર્તન અથવા ક્રાંતિનો રાહ અપનાવવો જોઈએ. વાત સાચી તો છે. સરકાર સાંભળે, સુધરે અને લોકોની સ્થિતિ સુધારે ત્યાં સુધી રીફોર્મ ચાલે, નહીં તો રીવોલ્યુશન.
મને ઘણાં કહે છે કે સ્વભાવ સુધારો. પણ નથી હું સુધરતો, નથી મારો સ્વભાવ સુધરતો. આમાં નવનિર્માણ શી રીતે થાય? માનસિક તણાવ વધતો જાય છે. સુખ દુ:ખ આવતા જતાં રહે છે. પૈસા આવે છે, જાય છે. સંબંધનું પણ એવું જ છે. એક માત્ર આ ચિરસ્થાયી માનસિક તણાવ જ છે, જે જાલિમ રીતે વફાદાર છે. મને છોડતો નથી. જીવનમાં જો કૈંક સારું થાય તો પેલો ગાલિબવાળો સ્ટ્રેસ આવી જાય. મુજ તક કબ ઉનકી બજ્મમેં આતા થાય દૌરે જામ, સાકીને કુછ મીલા ન દિયા હો શરાબમેં.. હું સુધરવાની કોશિશ કરું છું પણ હમ અંગ્રેજોકે જમાનેકે જેલરવાળી ફીલિંગ સતત સતાવે છે. આપણે આપણી જાત માટે અલબત્ત આ એક જ રીફોર્મ કરવા કોશિશ કરવાની જરૂર છે. સ્વભાવ સુધારો. એ સ્વયં રીફોર્મ છે. હું નથી કહેતો, વિખ્યાત વિચારક હેવ્રી ડેવિડ થોરો આવું કહી ગયા હતા. થોરો અમને થોડો થોડો સમજાય તો છે.
શબ્દશેષ :
'જીવનમાં રીફોર્મ લાવવા માટે કોઈ રીમોટ કંટ્રોલ નથી. જાતે ઊઠો અને જાતને બદલો.'
- અજ્ઞાત


