Get The App

પારકાં નહિ, પોતાનાં પણ જોખમી બની શકે!

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
પારકાં નહિ, પોતાનાં પણ જોખમી બની શકે! 1 - image

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- પત્નીને તેઓ પ્રેમ કરે છે, દુનિયાની સર્વશ્રેષ્ઠસુંદરી સમજે છે. પરંતુ તે ભોળી હોવાથી તેનું વશીકરણ કરાય છે અને પછી...

જ યંતભાઈ સાથે થયેલી વાતચીત નીચે મુજબ વર્ણવી છે. 'મારી પત્ની પર કોઈએ મૂઠ મારી છે. એ બિચારી સાવ ભોળી અને નિર્દોષ છે, પણ લોકો એના પર મેલી વિદ્યા કરી એનો ઉપયોગ કરવા માંગે છે.'

'શા માટે ?'

'કારણ એ બહુ જ સુંદર છે.'

'પરંતુ લોકો એના સુધી પહોંચે કેવી રીતે ?'

'બહુ જ સહેલું છે... એ મારા મિત્રો, સગાં કે ઓળખીતા છે એટલે મને મળવાના બહાને ગમે ત્યારે મારે ઘેર આવી શકે છે. મેં તેમને રોકવા ઘણા પ્રયત્નો કર્યા પણ એમને રોકવા શક્ય નથી.'

'એવા કેટલા લોકો છે ?'

'પહેલાં તો એકાદ... બે લોકો જ હતા. તેમણે મારી પત્ની પર મેલી વિદ્યા અજમાવી અને તેમને વશમાં કરી લીધી.' 'તમને આની ખબર કેવી રીતે પડી ?'

'મારી પત્નીના વર્તન પરથી, એ લોકો માટે તે હોંશે... હોંશે પાણી લાવતી... ચા-નાસ્તાનો આગ્રહ કરતી... વારંવાર બોલાવતી. મને વાતમાં કંઈક ગરબડ લાગી એટલે મેં વોચ ગોઠવી, મારું અનુમાન સાચું નીકળ્યું.'

'એટલે તમારી પત્નીનું ચારિત્ર્ય શંકાસ્પદ છે ?'

ના... હરગીઝ નહીં... પરંતુ તેના પર વશીકરણ થાય છે તેથી તે લાચાર હોય છે. એ લોકો મારી ગેરહાજરીમાં આ બધું કરે છે.'

'તમારા ઘેર તમારાં પત્ની એકલાં જ રહે છે ?'

ના... અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. મારાં માતા-પિતા, ભાઈ-ભાભી બધાં સાથે રહે છે...'

'તો પછી તમારાં પત્નીનો કોઈ પણ વ્યક્તિ કઈ રીતે દુરુપયોગ કરે ?'

'કંઈ કહેવા જેવું નથી. આમાં બધાં જ સામેલ છે. બધાં મારી સાથે સંબંધ પણ એટલા માટે જ રાખે છે. જીવનમાં કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી. એનો ઉપયોગ કરવામાં બધાં જ એકબીજાને મદદ કરતા હોય તેમ લાગે છે...'

જયંતભાઈની વાત વિચિત્ર લાગે તેવી છે. તેમને પત્ની પર નહીં પણ તેમની સાથે સંપર્ક રાખતા તમામ પુરુષો પર તેમને શંકા છે. પત્ની રાખીને તેઓ ખૂબ પ્રેમ કરે છે. તે દુનિયાની સર્વશ્રે સુંદરી છે તેવું તેમનું માનવું છે. ભગવાને તેને રૂપ આપ્યું છે પણ બુદ્ધિ ઓછી આપી છે તેવું તેમને લાગે છે.

જયંતભાઈ અને રાખીબેનના લગ્નને દસ મહિના થયા છે. રાખીબેનને સારા દિવસો જાય છે. પરંતુ જયંતભાઈને લાગે છે કે કદાચ આ સંતાન તેમનું નથી, તેથી તેઓ ગર્ભપાત કરાવવા માંગે છે.

પત્ની રાખી પર મેલી વિદ્યા હોવાની વાત તેમણે સૌ પ્રથમ લગ્નના છ મહિના પછી કરી. આ વિશેની શંકા તેમને તેમના ખાસ મિત્ર જીગર પર ગઈ. બંને જણાં બાળપણના મિત્ર હતા અને કૌટુંબિક સભ્યો સાથેના સંબંધે પણ પ્રગાઢ હતા એટલે જીગરનું ઘરે આવવું જવું સ્વાભાવિક હતું. જયંતભાઈ પોતે પણ તેમની દરેક વાતમાં જીગરનો ઉલ્લેખ કરતા તેથી રાખીને એમ લાગ્યું કે પોતાના પતિના સુખ- દુઃખનો સાથી અને તમામ મુશ્કેલીમાંથી પતિને ઉગારનાર જીગર ખરેખર એક મહાન વ્યક્તિ છે. તે જીગરને પતિ જયંતભાઈ જેટલું જ માન આપવા લાગ્યાં. તેમને એમ લાગ્યું કે જીગર પ્રત્યે જેટલો આદરભાવ અને આત્મીયતા તે રાખશે તેટલું તેના પતિને વધારે ગમશે. અને થતું પણ એમ જ. જીગર અને પત્ની રાખી વચ્ચે નિકટતા વધી એમ જયંતભાઈ ખુશ થતા. તે પત્નીને એમ પણ કહેતા કે તેઓ તેના વગર રહી શકશે પણ જીગર વગર ક્યારેય નહીં. જીગર એક પડછાયાની જેમ નવપરિણીત યુગલ જયંત-રાખીની સાથે ને સાથે જ ફરતો.

ચાર-પાંચ મહિના તો આમ બરાબર ચાલ્યું. એકવાર રાખીએ જીગરને પૂછયું કે તમે જલદી જલદી એક સુંદર છોકરી શોધી અને પરણી જાવ એટલે મને પણ કંપની મળે.

જીગરે તેના સ્વભાવ પ્રમાણે જવાબ આપ્યો, 'ભાભી... તમારા જેવી જ કોઈ વ્યક્તિ મને મળે તો જ હું લગ્ન કરું... પરંતુ ભગવાન ક્યારેય બે વ્યક્તિ સરખી બનાવતો નથી... અને તમારી સાથે પાંચ મહિના વિતાવ્યા પછી હું ગમે તેવી વ્યક્તિ સાથે સેટ થઈ શકું નહીં.'

જયંતે કહ્યું, 'બોલ... પરણવું છે રાખી સાથે...? તું ખુશ થતો હોય તો હું એને છૂટી કરવા તૈયાર છું...'

 'તેં તો મારા દિલની વાત કરી દોસ્ત... પણ... રાખી... મને ક્યાં તારાથી ઓછું રાખે છે... જેમ ચાલે છે એમ ચાલવા દે ને ભાઈ...'

એ રાત્રે જયંતભાઈનું મન ચકરાવે ચડયું. તેમને થયું ''શું ચાલે છે?... શું રંધાઈ રહ્યું છે ? મારે શું ચાલવા દેવાનું છે ?... સાલું... મારી પાછળ જીગરિયો કોઈ ભયાનક ખેલ તો નથી ખેલતો ને ?'' તે રાત્રે તેમણે રાખીને કડક શબ્દોમાં કહ્યું હતું ઃ ''તું... સાવ ભોળી છે... પુરુષની નજર પારખતાં તને નથી આવડતું... જીગરિયાથી સંભાળજે... ચેતીને ચાલીશ તો જ બચી શકીશ... બાકી એને ભલભલીને વશમાં કરતાં આવડે છે...''

તમે જીગરભાઈ માટે આવું બોલો છો ? એ માણસને તમે આટલાં વર્ષોમાં ન ઓળખી શક્યાં પણ હું એને આઠ-દસ મહિનામાં નખશીખ ઓળખી શકી છું. એ તો દેવ છે દેવ...'

જયંતભાઈનું માથું ફરી ગયું. તેઓ સ્વગત બબડયા... ''મારો બેટો જીગરિયો આના માટે દેવ થઈ ગયો તો શું હું દાનવ ?... આટલા મહિનામાં એવી તો કેવી ઓળખ આપી એણે મારી રાખીને કે એને વશમાં કરી લીધી... મારી જ બૈરી આગળ મને કોડીનો કર્યો... નક્કી કોઈ મેલી વિદ્યા, તંત્ર વિદ્યા કે વશીકરણનો ઉપયોગ થયો છે. હવે માળાનું ધ્યાન રાખવું પડશે. વોચ ગોઠવવી પડશે અને એની વિદ્યાનું મારણ પણ કરવું પડશે.

ક્રમ મુજબ ત્યાર પછી જીગરભાઈ ઘેર આવ્યા. ભા...ભી... એમ બૂમ પાડી. જયંતભાઈ ઉપરના માળેથી સીડી અડધી ઊતર્યા અને રાખી તથા જીગર વચ્ચે શું રંધાય છે તે વોચ કરવા લાગ્યા. ક્રમ મુજબ રાખીએ જીગરને પાણી આપ્યું અને ધીમા અવાજે કહ્યું, 'એમને હું તમારી સાથે બોલું છું એ નથી ગમતું...' જીગરને જીગરવઢ ઘા લાગ્યો. બંને જણા વચ્ચે ગુસપુસ થઈ. કંઈક ઈશારા થયા ત્યાં જયંતભાઈ ટપક્યા અને કહ્યંા ઃ 'જીગરિયા... આ ધંધા અહીં રહેવા દે.. મારી રાખી મૂર્ખ છે પણ હું ચબરાક છું સમજ્યો ?'

બસ તે દિવસથી જીગરે આવવાનું બંધ કર્યું. જયંતભાઈના ઘરમાં લોકોને વાતની ખબર પડી પણ કોઈ કંઈ બોલ્યું નહીં. જયંતભાઈને લાગ્યું મારાવાલા બધાં જીગરિયા તરફી છે. તેમણે તાંત્રિકોની મદદ લીધી. રાખી પરનું વશીકરણ દૂર કરવા માટે રાખીને તાંત્રિકોએ ધુણાવી. કોઈએ એવું કહ્યું કે પત્ની સુંદર હોય તેના પતિએ મિત્રો જ નહીં પણ ઘરના લોકોથી પણ સંભાળવું. સાવ નજીકનો કોઈ પણ પુરુષ ગમે ત્યારે વશીકરણ કરી શકે.

જયંતભાઈની હરકતોથી કંટાળી રાખી પિયર ચાલી ગઈ. ભાઈ ભાભી, માતા-પિતા વગેરેએ જયંતને સમજાવ્યો... 'જીગર માટે તું આવું વિચારે છે ?' જીગરને બોલાવી બંને મિત્રો વચ્ચે ચોખવટ કરવાની કોશિશ કરી એટલે જયંતભાઈને લાગ્યું કે તાંત્રિકો, માંત્રિકો કે ભવિષ્ય નિદાન કરવાવાળા આપણને કંઈ ખોટું ઓછું કહે... નક્કી મારી ભાઈ... ભાભી... મા... બાપ બધા જીગરિયાના આ ખેલમાં સામેલ હોવા જોઈએ.

પત્ની પિયર ચાલી ગઈ એટલે કામ-ધંધે મૂકી જયંતભાઈ ત્યાં વોચ કરવા લાગ્યા અને વારંવાર પત્નીને સમજાવવા જવા લાગ્યા... જો રાખી... મને તારા પર શંકા નથી... પણ કોઈ વશીકરણ કરે પછી તારી સાથે તે ગમે તે કરી શકે. તને ભલે એ જીગરિયો દેવ જેવો લાગે... એની હરકત દાનવોથી પણ બદતર છે.''

ધીરે ધીરે જયંતભાઈએ ઘરનાં લોકો પર શંકા કરી ઘે૨ ખાવાપીવાનું બંધ કર્યું. તેમને ડર હતો કે આ લોકો ખાવાપીવામાં કંઈ મેળવીને આપી દે તો ? બસ... ત્યાર પછી જયંતભાઈએ રાખીબેન ગર્ભપાત કરાવે એવી માંગણી શરૂ કરી.

તમામ પ્રશ્નોના ટૂંકા અને સીધા જવાબ આપતા અને પત્ની સિવાયની દરેક બાબતમાં સામાન્ય વર્તન કરતા જયંતભાઈ શંકા રોગના શિકાર હતાં. પેરાનોઇડ જેલસી, પેરાનોઈયા, પેરાનોઇડ પર્સનાલીટી ડીસઓર્ડર અને પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા જેવા વિવિધ માનસિક રોગોમાં આવી શંકા થઈ શકે છે. આમાં વ્યક્તિ એના વિચારો પર એટલી અડગ હોય છે કે ગમે તેવી તાર્કિક દલીલો કે વાસ્તવિક પુરાવાઓથી એને સમજાવી શકાતી નથી. મૂઠ, વળગાડ, મેલીવિદ્યા... વગેરે સમજી તેને દૂર કરવા કરાતી વિધિ પણ આમાં કામ કરતી નથી. મગજમાં થતા રાસાયણિક ફેરફારો અને સમાજ અને સંસ્કૃતિમાં પ્રવર્તતી માન્યતા આને માટે જવાબદાર છે, જે મનોચિકિત્સાથી દૂર કરી શકાય છે.

વાર તહેવારે કરાતાં કુંડાળા, વિધિ કે સ્મશાન પૂજા વગેરેની ભરમારથી દૂર રહીએ એ વાત જયંતભાઈના કિસ્સામાંથી સહુ કોઈએ શીખવાની છે. હકીકતમાં મેલીવિદ્યાનું કોઈજ અસ્તિત્વ નથી. આ બધી મગજની ભ્રમણાઓ છે.

ન્યુરોગ્રાફઃ 

શંકા સામાન્ય સ્વભાવથી વિકૃતિ સુધી લોકોમાં વ્યાપકપણે ફેલાયેલી છે.