- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
સારિકાના ઘરમાં બીમારીનું વિષચક્ર ચાલે છે. તે અચાનક બેભાન થઇ જાય છે. તેની મમ્મીને હાર્ટની તકલીફ થાય છે, પપ્પાનો ડાયાબીટીસ વધે છે અને ભાઇનું બારમાનું વાંચવામાં મન નથી લાગતું. શું પરિવારને કોઇની નજર લાગી ગઇ કે પછી ઘરમાં વાસ્તુશાસ્ત્રનું ઉલ્લંઘન થયું ?
''ડૉ. સાહેબ... મારી ખીલતી કળી જેવી, નટખટ ચંચળ અને સદાય હસતી-રમતી આ સારિકાને શું થઇ ગયું ? કોઇપણ સમયે કોઇપણ જગ્યાએ સારિકા અચાનક બેભાન થઇને પડી જાય છે... કેટલાયે સ્પેશ્યાલીસ્ટોને બતાવ્યું, લેબોરેટરી તપાસો કરાવી, ફોટાઓ પડાવ્યા પણ કોઇ નિદાન જ થતું નથી. એના પર અખતરા થતા જાય છે અને એનું દર્દ વધતું જાય છે !! બિચારીનું ભવિષ્ય શું ? એક તો જુવાનજોધ અને પાછી છોકરીની જાત'' આટલું બોલતાં બોલતાં તો દેવયાનીબેન ધુ્રસકે ને ધુ્રસકે રડવા માંડયાં.
પુત્રીની બીમારીથી પરેશાન પત્નીને છાના રાખતાં રમેશભાઇએ કહ્યું ''ડૉકટર સાહેબ અમારી લાડલી દીકરીનું દુઃખ અમારાથી જોવાતું નથી. એની મમ્મી તો બિચારી રડી, રડીને દિવસો કાઢે છે. ઘણીવાર તો ઘરમાં રાંધેલાં ધાન પણ પડયાં રહે છે. એને ચિંતામાં ને ચિંતામાં એક હાર્ટ એટેક પણ આવી ગયો. અને આ બંનેની ફીકરમાં મારો ડાયાબીટીસ પણ વધી રહ્યો છે. અને બિચારા વિશ્રુતનું દુઃખ જોવાય તેમ નથી. ઘરમાં આવી બીમારીઓને કારણે એનું બારમા ધોરણનું વાંચવામાં મન જ નથી ચોંટતું. અરે..રે.. અમારૃં આખું ઘર બરબાદ થઇ ગયું. હવે તો સારિકાની નહીં આખા ઘરની દવા કરો સાહેબ...'' આટલું બોલી રમેશભાઇને ગળે ડૂમો ભરાઇ આવ્યો એટલે એ પણ અટક્યા.
બે-રૂમ રસોડાના ફ્લેટમાં રહેતા મધ્યમવર્ગીય પરિવારના ૬૦ વારના ફ્લેટમાં ઓગણીસ વર્ષની સારિકા બે-ભાન થઇને ચત્તીપાટ પડી હતી. સહાનુભૂતિ દર્શાવવા સોસાયટીના લોકોની અવરજવર ભારે હતી. ઘરની બહાર જુદી જુદી જગ્યાએ સોસાયટીમાં લોકો ટોળે વળ્યાં હતાં.
સારિકાને છેલ્લા ત્રણ મહિનાથી અચાનક બેભાન થઇ જવાના વારંવાર હુમલાઓ આવતા હતા. સંખ્યાબંધ તપાસોના રીપોર્ટ નોર્મલ આવતા હતા. નિષ્ણાતોની જહેમત છતાં પણ સારિકાની બીમારી વધતી જતી હતી. લોકોના કહેવાથી ભૂવા-ભોપાળાં પણ કરાવ્યાં હતાં. તંત્ર, મંત્ર, જડીબુટ્ટી, શિરોધારા... વગેરેના પ્રયોગો છતાં પણ કોઇ પરિણામ ન આવતા લોકો કહેવા લાગ્યા હતાં કે સારિકાના રોગનું કોઇ પણ ડૉકટર નિદાન જ કરી શકતા નથી ! સારિકાના રોગ પર ગુગલ.કોમને પણ હંફાવે એવી થીઅરીઓ સોસાયટીમાં ચાલતી હતી.
નાનકડા ફ્લેટમાં એકઠા થયેલા બધાંયે પરોપકારી અને દયાવાન જીવોને એ ફ્લેટ ખાલી કરી, બિચ્ચારા બાપડા એ પરિવાર પર થોડી કૃપા કરવાની વિનંતી કરી દેવયાનીબહેન અને રમેશભાઇ તથા વિશ્રુત સાથે થોડી વિગતે ચર્ચા કરી. ચર્ચાને અંતે એટલું સમજાયું કે સારિકાની બીમારીનું કારણ દેવયાનીબેન હતાં જ્યારે દેવયાનીબેનની બીમારીનું કારણ સારિકાની બીમારી હતી. પત્ની અને પુત્રી બન્ને બીમાર છે એટલે રમેશભાઇ પણ બીમાર પડી જાય છે અને ઘરમાં બધાંની આવી પરિસ્થિતિ જોઇને અવાચક બની ગયેલો વિશ્રુત પણ વિક્ષુબ્ધ બની ગયો હતો અને તેનો બારમાનો અભ્યાસ બગડતો હતો એટલે સારિકા, દેવયાનીબેન અને રમેશભાઇ ત્રણેયની બીમારી વધારે ગંભીર સ્વરૂપ ધારણ કરતી હતી. આમ આ પરિવારમાં કોઇ એક વ્યક્તિ બીજી વ્યક્તિની બીમારીનું કારણ અને પરિણામ બન્ને હતાં.
સારિકા કહે છે કે ''બિચ્ચારી.. મમ્મીની તબિયત સારી નથી રહેતી એની મને મોટી ચિંતા છે. એનું શરીર ઉતરતું જાય છે, એકાએક છાતીમાં દુખાવો ઉપડે છે. હાર્ટએટેક પણ આવી ગયો છે. બિચારી મમ્મીને આટલી નાની ઉંમરમાં આ શું થઇ ગયું ? કાલે સવારે હું પરણીને સાસરે જઇશ પછી એનું કોણ ?'''
આવી ચિંતા સારિકાને પરેશાન કરે છે. મમ્મી પ્રત્યેની અનહદ લાગણી દયાભાવમાં ફેરવાય છે એટલે જ મમ્મીની દયા ખાતાં ખાતાં સારિકા ચિંતિત થઇ જાય છે. હતાશ થઇ જાય છે અને વારંવાર બેભાન પણ થઇ જાય છે.
સારિકાને બેહોશીના હુમલાઓ વારંવાર આવવાથી દેવયાનીબેનની બીમારી વધે છે. કારણ તેઓ ''મારી ફુલ જેવી કોમળ દીકરીને આ શું થઇ ગયું.. બિચ્ચારીની ઉંમર કેટલી નાની છે ? એના ભવિષ્યનું શું ?'' એવું વિચારી રડયા કરે છે. તેઓ હતાશ રહે છે એટલે તેમનો છાતીનો દુઃખાવો વધે છે. એટલે ''બિચ્ચારી મમ્મીને હાર્ટ એટેક તો નહીં આવી જાય ને ? એવી સારિકાની ચિંતા વધે છે અને ચિંતા વધતાં તે એકાએક બેભાન થઇને પડી જાય છે. અને સારિકાને બેભાન થયેલી જોઇને દેવયાનીબેન વધારે રડે છે, વધારે બીમાર પડે છે.''
અહીં ગૂઢ રહસ્ય એ હતું કે પહેલા સારિકા બીમાર પડી કે દેવયાનીબેન ? આ રહસ્ય ઉકેલવાની કોશિષ એટલે વધારે ગુંચવાડો ઊભો કરવો. આના કરતાં પહેલાં મરઘી કે પહેલાં ઈંડું એનો ઉકેલ ખરેખર સહેલો હોઇ શકે.
સારિકા અને દેવયાનીબેનની બીમારીમાં સહાનુભૂતિ દાખવવાની રહી ગઇ હોય તેમ રમેશભાઇ પણ આ બન્નેની ભયાનક બીમારીની ચિંતા કરવા લાગે છે. ''અરેરે... મારી દેવયાની અને સારિકાને
આવી તે કેવી બીમારી લાગુ પડી ગઇ ?... મારા કુટુંબને કોઇની નજર લાગી ગઇ. બિચારી.. સારિકાનું ભવિષ્ય શું ? દીકરીની પીડા મારાથી કેમ જોવાશે ? બિચ્ચારી દેવયાનીને આ ઉંમરે આવા દિવસોનો સામનો કરવો પડયો ?'' આ ચિંતામાં ને ચિંતામાં રમેશભાઇનો ડાયાબીટીસ વધે છે અને તેમનો ડાયાબીટીસ વધે છે એટલે સારિકા અને દેવયાનીબેન માટે ચિંતાનો વિષય બને છે. બિચ્ચારા.. પપ્પાની... બિચ્ચારા પતિની ચિંતા કરતાં કરતાં સારિકા અને દેવયાનીબેનની બીમારી વધે છે.
ઘરના ત્રણેય સભ્યોની બીમારી જોઇને બારમા ધોરણમાં આવેલા વિશ્રુતને સમજાતું નથી કે બારમા ધોરણના અભ્યાસને મહત્વ આપવું કે બહેન તથા મમ્મીની બીમારીને ?
શરૂઆતમાં તો વિશ્રુત ઘરના સભ્યોની બીમારીને ખાસ મહત્વ નહોતો આપતો પરંતુ એક દિવસ સારિકા બેહોશ થઇને પડી છતાંય વિશ્રુત ટયુશનમાં જતો હતો એટલે બાજુવાળા સુનંદાબેને ટકોર કરી કે ''અલ્યા.. બેન મરવા પડી છે અને તારે ટયુશને જવું છે ?'' એટલે વિશ્રુતને એવું લાગ્યું કે પોતે લાગણીવિહીન છે એવું બધા માનશે તો ?
લોકો એને લાગણીશૂન્ય ન ગણે એટલા માટે વિશ્રુત પણ બહેન અને મમ્મીની બીમારી પરત્વે વધારે ધ્યાન આપે છે. વધારે સહાનુભૂતિ ધરાવે છે અને વધારે દયાભાવ રાખતો થઇ જાય છે. આમ બીજાઓ પ્રત્યે દયાભાવ રાખીને એ પણ હતાશ થઇ જાય છે. વાંચવામાંથી એકાગ્રતા ગુમાવી બેસે છે અને તેનો અભ્યાસ બગડતો જાય છે.
વિશ્રુતનો અભ્યાસ બગડતો જોઇને ''બિચ્ચારો.. વિશ્રુત... કેટલો હોંશિયાર.. દિવસ-રાત એક કરીને ભણતો.. હવે તેની કેરીયરનું શું ? ભવિષ્યનું શું ?''
એવું વિચારી સારિકા, દેવયાનીબેન અને રમેશભાઇની ચિંતા વધે છે, એટલે બીમારી પણ વધે છે.
આમ સારિકાના ઘરમાં બીમારીનું વિષચક્ર ચાલ્યા કરે છે. આ ચક્ર સુદર્શન ચક્રથી પણ વધારે ખતરનાક છે. એટલે જ આ ચક્રને તોડવા મથતા તમામ નિષ્ણાતો નિષ્ફળ ગયા હતા. એટલું જ નહીં પણ તેમની તજજ્ઞાતા વિશે આ પરિવારમાં અનેક પ્રશ્નાર્થ ચિન્હો મૂકતા ગયા હતા.
વિશ્રુતની જેમ બીજાઓની સમસ્યાને ગંભીરતાપૂર્વક ન લેવાથી અપરાધભાવના ઊભી થાય છે અને ગંભીરતાથી લીધા પછી ઊભો થયો દયાભાવ તેને પણ હતાશ બનાવે છે.
કોઇપણ વ્યક્તિ, સમૂહ કે પદાર્થ વિશે દાખવેલી દયા તમને હતાશ કરી શકે છે.
જુનું ઘર ખાલી કરતાં વ્યક્તિના મનમાં જન્મતી કરૂણાની લાગણી. એક મૃતપ્રાય થતા જતા સુંદર શહેર, ક્યારેક મળી જતા જૂના સાથીઓ, પાળેલા કૂતરા પ્રત્યેનો દયાભાવ, હોસ્પિટલમાં કોઇની બીમારી જોઇને ઉપજતો દયાભાવ, કૌટુંબિક ત્રાસ સહન કરતી વ્યક્તિને જોઇને કે કોઇનું દુઃખ જોઇને પેદા થતો દયાભાવ તમને હતાશ બનાવી શકે છે. આ બધું સ્વાભાવિક છે પણ એની વધારે માત્રા બીજાઓ પ્રત્યેના દયાભાવને કારણે તમારી હતાશામાં પરિણમી શકે છે.
સારિકા, દેવયાનીબેનનો કિસ્સો બીજાઓની દયા ખાવાથી તમે કેટલા ઉદાસ બની શકો છો એનું જીવંત ઉદાહરણ છે. આમાં તમે તો ઉદાસ થાવ છો જ પણ સામેની વ્યક્તિને અસહાયતાની અનુભૂતિ કરાવી તમે તેને વધારે ઉદાસ કરો છો. આત્મનિંદા, જાત પ્રત્યેનો દયાભાવ અને બીજાઓ પ્રત્યેનો દયાભાવ ડીપ્રેશનનો ચેપ વધારે છે. અને આ વિષચક્ર ચાલ્યા જ કરે છે.
ન્યુરોગ્રાફ :
બીજાઓ પ્રત્યે દયાભાવ હોવો એ મનુષ્યની સામાન્ય લાગણી છે પણ આનો અતિરેક હતાશાની ગર્તામાં ધકેલે છે.


