- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- ઉંમર વધતી જાય અને સંતાન લગ્ન કરવાનું ટાળે. પાત્રની પસંદગીમાં વધુ પડતા ચીકણાવેડા કરે તો તેને કોઈ માનસિક સમસ્યા હોઈ શકે છે તેવું પણ માતા-પિતાએ સમજવું પડે
બ ધું જ ખાલી ખાલી લાગે છે. ચાલીસ વર્ષ થયાં પણ જીવનમાં કોઈ પણ પ્રકારની સિદ્ધિ મેળવી નથી. ક્યારેક ભવિષ્યની ચિંતા થાય છે. ચોમેર અંધકાર દેખાતાં વિષાદની ઘેરી લાગણીમાં ગરકાવ થઈ જવાય છે. વાત વાતમાં ચિડાઈ જવાય છે. હતાશાની આ પળોમાં એક વિચાર મનને ચેતનવંતુ બનાવે છે -
''દુનિયાની અત્યંત સ્વરૂપવાન સ્ત્રી સાથે જ લગ્ન કરીશ... બધાં મોઢાંમાં આંગળાં નાખી જશે... યાર... દેવેન શું ચીજ લઈ આવ્યો છે!?''
અને દેવેન રમણલાલ શાહ મેરેજ બ્યૂરોમાં મોબાઇલ ડાયલ કરે છે. નેટ પર શાદી ડોટ કોમ જેવી વેબસાઈટો ખૂંદી વળે છે. તેમને પોતાની પણ એક વેબસાઈટ બનાવી છે. આ વર્ષે તો દેવેને લગ્ન કરવાં જ પડે તેમ છે.
લગ્ન કરવાં જ હોય તો દેવેન પાસે ઘણા વિકલ્પો છે. સિંગાપુરમાં પાંચ વર્ષથી જોબ કરતી રક્ષા વેબ કેમેરામાં રૂપાળી દેખાય છે. તેની ઊંચાઈ પાંચ ફૂટ છે. સ્થાયી નોકરી છે. ફોન પર વાત કરવામાં ભારે મીઠી છે.
લુધિયાણાની સુખવિંદર તો અલ્ટ્રામોર્ડન છે. બે વાર રૂબરૂ આવીને ડેટિંગ કરી ગઈ છે. પણ દેવેનને એના ચારિત્ર્ય પર શંકા જાય છે. આટલી સુંદર યુવતી સાડત્રીસ વર્ષ સુધી કુંવારી કેમ રહી?... શું એ ખરેખર કુંવારી હશે ખરી?
ચાલીસ વર્ષની સુલેખા કેનેડામાં સ્થાયી થઈ છે. યુ.એસ.એ.નો એચ-૧ વિઝા પણ મેળવી ચૂકી છે.
બત્રીસ વર્ષની રાધા છે સુંદર પણ રંગે શ્યામ છે. લિસ્ટ તો ઘણું લાંબું છે. હજી લાંબું થતું જાય છે, પણ દેવેન છેલ્લા પંદર વર્ષથી એક જ વિમાસણમાં છે કે,
''કોઈ એક છોકરી સાથે લગ્ન કર્યા પછી એનાથી સુંદર છોકરી મળતી હોય તો જીવનનું ધ્યેય નક્કી કર્યું છે તેનું શું? મનમાં વસવસો રહી જાય કે રૂપાળી મળતી હતી તો પણ સાવ આવીને પરણ્યો?... આવું થાય તો જીવન ઝેર જેવું બની જાય. સમાજમાં કોઈને મોં ન બતાવી શકાય. આના કરતાં તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવું સારું.''
દેવેનને તલાશ છે એક સુંદર પત્નીની. છોકરીની શોધમાં મોટાભાગનો સમય ફાળવતા અને પછી એની સાથે લગ્ન કરાય કે નહીં એનો નિર્ણય લેવામાં સતત માનસિક કસરત કર્યા કરતા દેવેને અનિયમિતતા અને કામમાં એકાગ્રતાના અભાવને કારણે ઘણી નોકરી પણ બદલવી પડી છે.
દેવેન એમ.બી.એ. થયો છે, પરંતુ આ ડિગ્રીથી તેને સંતોષ નથી. એચ.એસ.સી.માં થોડાક માર્ક્સ ઓછા આવ્યા અને તે ડોક્ટર બનતાં રહી ગયો. પોતાના મોટા ભાગના સ્કૂલના મિત્રો ડોક્ટર થયા. સ્પેશિયાલિસ્ટ થયા અને પોતે પાછળ રહી ગયો. આ વાતનો તેને ભારોભાર વસવસો છે. આ વિચારો હજી પણ તેનામાં આત્મવિશ્વાસનો અભાવ લાવી તેને લઘુતા અને હતાશામાં ધકેલી મૂકે છે. પોતાની આ લઘુતાની ક્ષતિપૂર્તિ માટે જ તેણે નક્કી કર્યું હતું કે સ્વરૂપવાન સ્ત્રીને પરણવું અને પરદેશ સ્થાયી થવું.
પરદેશ સ્થાયી થવાની વ્યવસ્થા મોટી બહેને કરી આપી હતી. દેવેનને ગ્રીનકાર્ડ મળી ગયું હતું.
પરંતુ પરદેશ જવું કે કેમ?
લગ્ન કરીને જવું કે લગ્ન કર્યા વગર જવું.
લગ્ન કરીને જાય તો પત્નીને પણ બે-ચાર મહિનામાં સાથે લઈ જવાય અને લગ્ન કર્યા વગર જાય તો બે-ચાર વર્ષ સુધી પત્ની ઇન્ડિયામાં જ રહે.
એટલે લગ્ન કરવા જરૂરી હતા.
પણ લગ્ન કરવાં કોની જોડે?
એક છોકરી સાથે નક્કી કરે અને એનાથી વધારે સુંદર છોકરી ભવિષ્યમાં મળે તો?...
જીવનના આખરી ધ્યેયમાં પણ નિષ્ફળતા જ ને?
પછી પોતે રહે એક જીવનમાં ધારેલું કશું જ ન મેળવી શકેલો, સતત સમાધાનો કરતો એક કમનસીબ, નિષ્ફળ, હારેલો, અધૂરો નકામો માણસ!?
બસ આ અનિર્ણાયકતાને કારણે જ દેવેને પંદર વર્ષ પહેલાં જાનકી સાથે સગાઈ કર્યા પછી પંદર દિવસમાં જ તોડી નાખી હતી. જાનકીને એ સમજાતું ન હતું કે તેના કયા વાંકની સજા તેને મળી? જીવનમાં એક જ પુરુષની કલ્પના કરાય એ વિચારોમાં પ્રતિબદ્ધ જાનકી માટે આ કારમો આઘાત હતો. વિવાહ વિચ્છેદનું કારણ જાણવા માંગતી જાનકીને દેવેને જણાવ્યું હતું કે, તેનો લગ્નનો નિર્ણય કૌટુંબિક દબાણને કારણે હતો. તેને આટલી ઉતાવળ ન હતી. કારણ કદાચ હજી તેને વધારે સુંદર છોકરી મળી પણ શકે છે. જો કે જાનકી ઘણી દેખાવડી અને નમણી હતી એટલે જ દેવેને એકસો છોકરી જોયા પછી તેને હા પાડેલી, પરંતુ સમસ્યા એ હતી કે તેનાથી પણ વધારે રૂપાળી છોકરી મળી શકતી હોય તો ખોટી ઉતાવળ શા માટે કરવી?
દેવેન જેટલો અનિશ્ચિત હતો તેટલી જ જાનકી ઇરાદાની પાકી હતી. તેણે નક્કી કરી નાખ્યું હતું કે પરણીશ તો દેવેનને જ. તેણે દેવેનને સ્પષ્ટ કહી દીધું હતું કે,
''મને પણ ઉતાવળ નથી. તું રૂપાળી છોકરીની શોધ ચાલુ રાખ, મન જ્યાં માને તેની જોડે લગ્ન કરી નાંખજે અને જો ન માને તો મારી પાસે આવી જજે. હું તારી રાહ જોઈશ. તારાં લગ્ન થશે પછી જ હું લગ્ન કરીશ.''
તે દિવસથી દેવેન અને જાનકી મિત્રો બની ગયા હતા. બંનેને એકબીજા સાથે વાત કર્યા વગર ચાલતું ન હતું. દેવેનને છોકરી અને નોકરી માટે પ્રોત્સાહિત કરતાં કરતાં જાનકી પોતે જ હતોત્સાહ થઈ ગઈ હતી. સંબંધો ઘસડાતા હતા. ક્યારેક મહિનાઓ સુધી તૂટી જતા હતા. જાનકીને લાગતું હતું કે તેને કંઈ સ્વમાન જેવું છે કે નહીં... શા માટે તે દેવેનને સહન કરી લે છે? પરંતુ થોડોક સમય જાનકી સાથે વાત ન થાય તો દેવેન બેચેન બની જતો. જીવન ખાલી ખાલી લાગતું. તે જાનકી પાસે દોડી જતો અને કહેતો ''બસ... દુનિયાની સૌથી સુંદર સ્ત્રી તું જ છે... ચાલ આપણે લગ્ન કરી લઈએ.''
જાનકી ખીલી ઊઠતી. બંને વચ્ચે મનામણાં થઈ જતાં... બંનેય એકબીજાને પેટ ભરીને પ્રેમ કરી લેતાં પણ ફરી પાછું લગ્ન કરવાની વાત આવે ત્યાં એ જ અનિર્ણાયકતા આવી જતી.
લગ્ન કરવાનો નિર્ણય લેવામાં વર્ષો કાઢી નાખતા. અનિર્ણાયકતાને કારણે નોકરીમાં સ્થિર ન થઈ શકતા ઘણા લોકો છે. વધારે સારું મળવાની ઝંખનાથી તેમનું મન કોઈ વાતમાં સ્થિર થઈ શકતું નથી તેથી અનિર્ણાયકતાને કારણે જિંદગી સ્થગિત થઈ જાય છે.
દેવેન મિત્રોની સરખામણીમાં પાછળ રહી ગયો છે એવું માને છે એટલે જ લઘુતાની ક્ષતિપૂર્તિ માટે તે સૌથી રૂપાળી પત્ની અને પરદેશમાં સ્થાયી થવું એ બે વિચારનો ઉપયોગ કરે છે. આનાથી તે લઘુતામાંથી બહાર આવી શકે છે પણ કોઈ નિર્ણય લઈ શકતો નથી. કારણ 'પોસ્ટ ડિસિઝનલ ડિસસેટિસ્ફેક્શન' નિર્ણય લીધા પછીના અસંતોષની કલ્પના તેને બેચેન કરી મૂકે છે અને પત્ની સુંદર નહીં પુરવાર થાય તો પોતે જીવનમાં નિષ્ફળ પુરવાર થશે તેવું માની અનિર્ણાયકતાનો શિકાર થઈ ગયો છે.
લાંબા સમયની અનિર્ણાયકતા વ્યક્તિને 'મૂડ ડિસ ઓર્ડર'નો શિકાર બનાવે છે. તેથી નિર્ણય લેવામાં વધારે વિલંબ થાય છે. નકારાત્મક વિચાર પ્રક્રિયા અને તેને કારણે મગજમાં થતાં રાસાયણિક ફેરફારો અને આ ફેરફારોને કારણે વધતા નકારાત્મક વિચારના વિષચક્રમાં વ્યક્તિ એવો ફસાય છે કે ગમે તેવી સાચી સલાહ તેને મગજમાં ઊતરી શકતી નથી. મગજના આ રસાયણોને બેલેન્સ કરી યોગ્ય સાયકોથેરપીથી અનિર્ણાયકતાને દૂર કરી શકાય છે અને વ્યક્તિ એક વાત સ્વીકારે છે કે લગ્નના દસ વર્ષ પછી ભલે પોતાને પાડોશીની પત્ની સારી લાગે અને એ વખતના લગ્ન કરવાના પોતાના ઉતાવળા નિર્ણય બદલ પસ્તાવો થાય. પણ પોતાની પત્નીમાં શું ખૂબીઓ છે એની ઇર્ષા પાડોશી પણ એટલી જ કરતો હોય છે.
હા... નિર્ણય લેતાં પહેલાં બધાં પાસાંનો વિચાર જરૂર કરવો પણ આખરે અમુક સમય મર્યાદામાં નિર્ણય તો લેવો જ પછી ભલે પાછળથી થોડું પસ્તાવું પડે. જિંદગીમાં જે જગ્યાએ હોઈએ ત્યાં સ્થગિત થવા કરતાં ધીમી ગતિએ પણ આગળ વધવું જરૂરી છે.
ન્યુરોગ્રાફ :
''માસ્ક ડીપ્રેશન'' એવા પ્રકારનું ડીપ્રેશન છે જેમાં વ્યક્તિની હતાશા વર્તન લક્ષી લક્ષણો કે શારીરિક લક્ષણોનો નકાબ પહેરી લે છે, જેથી ડીપ્રેશન હોવાની ખબર પડતી નથી.


