- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- રીલેશનશીપ ઓ.સી.ડી.ના શિકાર ઘણા યુવક યુવતીઓ હોય છે. આમાંથી બહાર આવી શકાય છે. જરૂર છે આને એક સ્વભાવ નહીં પણ રોગ તરીકે સ્વીકારવાની
નિ શાની સમસ્યા છે ''ઓવર થીંકીંગ'' તેને વારંવાર વિચાર આવે છે કે તેના પતિ નિલયને કોઈક છોકરી સાથે લફરૃં તો નહીં હોય ને?''
પતિ નિલય પોતાને પૂરેપૂરો વફાદાર છે એની આમ તો નિશાને ગળા સુધી ખાત્રી હતી. કારણ નિશા અને નિલયની મૈત્રી બાલ્યાવસ્થાથી હતી. કોલેજમાં તે પ્રેમ સંબંધોમાં ફેરવાઈ ગઈ. લગ્ન પૂર્વેના સાત વર્ષના રોમાન્સ પછી તેમના લગ્નને પણ સાત વર્ષ થયાં હતાં અને તેમને પાંચ વર્ષનો એક પુત્ર પણ છે. નિશાને એ પણ ખબર છે કે નિલયે ક્યારેય તેના સિવાય બીજી કોઈ પણ છોકરી સાથે વાત સુધ્ધાં નથી કરી પછી મિત્રતા કે સંબંધ રાખવાની તો વાત જ ક્યાંથી આવે?
છતાં પણ નિશાને વારંવાર એ વિચાર આવતા હતા કે દિવસ દરમ્યાન મોટે ભાગે નિલય ઘરની બહાર રહે છે. કોણ જાણે કેટલાયે લોકોને મળતા હશે. ત્યાં એ કોની જોડે શું કરતા હશે? નિલયને બહાર કોઈની જોડે લફરૃં તો નહીં હોય ને?
પોતાની શંકાનું સમાધાન કરવા નિલય રાત્રે ઘેર આવે ત્યારે નિશા તેના ખીસ્સાં ફંફોસતી, તેનો મોબાઈલ ફોન ચેક કરતી, ઈનકમીંગ આઉટગોઈંગ કોલ, વ્હોટ્સ એપ મેસેજીસ, ફેઈસ બુક, ઈન્સ્ટા લાઈક્સ કમેન્ટ્સ ઈમેઈલ બધું જ ચેક કરતી. નિશા પાસે નિલયના બધા જ પાસવર્ડ હતા. તે નિલયની દરેક મુવમેન્ટ પર બાજ નજર રાખી શકતી હતી. નિલયની તમામ વસ્તુને ચકાસણી કર્યા પછી જ્યારે નિશાને કોઈ પુરાવા મળતા નથી ત્યારે તેની ચિંતા અને શંકા ગાયબ થઈ જાય છે. એને ભરોસો બેસી જાય છે કે નિલયને કોઈ સાથે ચક્કર નથી એટલે 'માય..બેબી માય બચ્ચા... આઈ.. લવ-યુ. યુ આર માઈન ઓન્લી...' એમ કહેતી ચોંટી પડે છે.
પરંતુ નિલયની તેના પ્રત્યેની વફાદારીનો નિશાનો ભરોસો લાંબો ચાલતો નથી. ફરી પાછા તેની શંકા શરૂ થઈ જાય છે કે નિલયનું કોઈ સાથે ચક્કર તો નથી ને?
પતિ-પત્ની બન્ને સાથે બહાર જતા હોય ત્યારે નિલયની નજર જો કોઈ સુંદર સ્ત્રી પર પડે તો તરત જ નિશા પૂછી બેસે 'શું તમે એકબીજાને પહેલાથી ઓળખો છો? તમે બન્ને પહેલાં ક્યાંય મળ્યા છો?' નિલય ઘસીને ના પાડે છે એટલે નિશા તરત પૂછે છે કે ''તો પછી એને જોઈને તમે આટલા બધા ખુશ કેમ થયા?''
નિલય જે દિવસે સારા કપડાં પહેરી સહેજ તૈયાર થઈને ઓફીસે કે ફીલ્ડવર્ક માટે જાય તો નિશાને શંકા થાય કે ચોક્કસ એ કોઈ છોકરીને ઈમ્પ્રેસ કરવાની કોશિષ કરે છે. બસ પછી પત્યું દિવસમાં વારંવાર તે નિલયને ફોન કરીને પૂછયા જ કરે ''તું ક્યાં છે? શું કરે છે? કોની સાથે છે એ વીડીયો કોલીંગ કરી મને જણાવ.'' નિલય વિડીયો કોલીંગ કરી લોકેશન, કઈ વ્યક્તિઓ સાથે છે વગેરેની ડીટેઇલ્સ બતાવે છે. ત્યારે નિશાને થોડો સમય રાહત જરૂર થાય છે પણ ફરી પાછો એ સો મણનો સવાલ સામે આવીને ઊભો રહે છે કે ''નિલયને ક્યાંક કોઈક છોકરી સાથે લફરૃં તો નહીં હોય ને?''
નિશાને કોણ જાણે કેમ એવું લાગ્યા કરે છે કે નિલય એને ઓછો સમય આપે છે. હકીકતમાં તો નિલય સાંજે છ વાગ્યે આવે છે અને શનિ-રવિ સાથે જ હોય છે. નિલય કંપનીનો સેલ્સ મેનેજર છે એટલે એને બહાર ગામ ટુરીંગ પણ કરવું પડે છે. છતાં પણ નિલય નિશાને પૂરતો સમય આપે છે. પણ નિશાને ફરિયાદ છે. બન્ને જણાં ડ્રોઇંગ રૂમમાં બેઠાં હોય અને કોઈનો ફોન કે મેસેજ આવે તો નિશાને એમ જ લાગે કે એની હાજરીમાં જ એની જાણ બહાર નિલય કોઈકની સાથે ઈલુ ઈલું કરી રહ્યો છે. બસ પછી તો એ નિલયનો ફોન ચેક કરે છે અને બન્ને વચ્ચે ઝઘડા શરૂ થાય છે. ક્યારેક તો રજાનો આખો દિવસ ઝઘડવામાં જ જતો રહે છે.
નિલય બને ત્યાં સુધી સ્વભાવ શાંત રાખીને નિશાને સમજાવે છે. તેની પ્રત્યેક શંકાનું સમાધાન પણ કરે છે. નિલયની વાતો નિશા માની પણ લે છે. એમ પણ કહે છે કે તે નાહકની શંકા કરે છે. તેને ખબર નથી પડતી કે તેનાથી આવું કેમ થઈ જાય છે.
ધીરે ધીરે નિલય નિશાની હરકતોથી કંટાળી જાય છે. તે શક્ય હોય તો છાતી ફાડીને તેના દિલમાં નિશા અને માત્ર નિશા જ છે એવું બતાવવા તૈયાર છે. ગમે તેવી અગ્ની પરીક્ષા આપવામાં તેને કોઈ જ વાંધો નથી. પણ આની કોઈક મર્યાદા ચોક્કસ હોવી જોઈએ. ક્યાં સુધી એ અગ્નિ પરીક્ષા આપ્યા કરશે?
નિશાની શંકાથી ત્રસ્ત નિલય તેને થેરપી માટે જ્યારે લાવે છે ત્યારે બન્નેની વાત સાંભળી સ્પષ્ટપણે તેમને સમજાવાય છે કે નિશા ક્રેઝી નથી. તેને નિલયમાં પૂરો વિશ્વાસ છે. છતાં પણ નિશાને નિલય પર શંકાના વિચારો આવે છે તે ઓવર થીકીંગનું કારણ છે. નિશાનો ''રીલેશનશીપ ઓબ્સેસીવ કમ્પલ્સીવ ડીસઓર્ડર'' પોતાના જીવનસાથીની વફાદારીની ખાતરી હોવા છતાં તેના પર શંકાના વિચાર આવવા એ મગજના ન્યુરોટ્રાન્સમીટર નામના કેમીકલ્સની ખામીને કારણે થાય છે. આ પ્રકારના વિચારો કેટલીક દવાઓ અને સપોર્ટીવ સાયકોથેરપીથી દૂર કરી શકાય.
પોતાના જીવનસાથી પ્રત્યે શંકા રોગના બીજા પણ ઘણા કારણો હોય છે, જેમાં 'પેરાનોઈડ જેલસી'
'પેરેનોઈડ પર્સનાલીટી ડીસઓર્ડર', ડીપ્રેશન કે પછી પેરાનોઈયા કે પેરાનોઈડ સ્ક્રીજોફ્રેનિયા પણ હોઈ શકે છે.
સંબંધોની સનકમાં આર.ઓ.સી.ડી. એટલે કે રીલેશનશીપ ઓ.સી.ડી.ના શિકાર ઘણા યુવક યુવતીઓ હોય છે. આમાંથી બહાર આવી શકાય છે. જરૂર છે આને એક સ્વભાવ નહીં પણ રોગ તરીકે સ્વીકારવાની.
નિશા અને નિલય આજે મેઈડ ફોર ઈચ અધરની જેમ રહે છે. નિશા હવે નિલય પર કોઈ શંકા કરતી નથી. બન્ને જણાનું દામ્પત્ય જીવન સુખમય રહે તેવી મનોકામનાઓ.
ન્યુરોગ્રાફ :
વિશ્વાસ સંબંધોનો શ્વાસ છે.


