Get The App

રાત વીતી ગઈ ને ચાંદનીનો ખ્યાલ પણ ન આવ્યો!

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
રાત વીતી ગઈ ને ચાંદનીનો ખ્યાલ પણ ન આવ્યો! 1 - image

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

પૂ ર્ણિમાની રાત્રે કવિ નૌકાવિહાર કરવા નીકળ્યા. નૌકામાં એક નાનકડી ઝૂંપડી બનાવી હતી. એમાં બેસી મીણબત્તીઓના સહારે કવિ પ્રકૃતિ સૌંદર્ય પર લખાયેલું પુસ્તક વાંચતા હતાં. રાત વધતી જતી હતી. નૌકા પાણીમાં સરતી જતી હતી અને કવિ પુસ્તકનાં પાનાં ઉથલાવ્યે જતા હતા.

પ્રકૃતિ સૌંદર્યનું પુસ્તક વાંચવામાં અડધી રાત વીતી ગઈ. કવિએ જરા આરામ કરાવનો વિચાર કર્યો.

મીણબત્તીઓ બુઝાવી દીધી અને નૌકામાં સહેજ પગ લાંબા કરીને આરામ કરવા લાગ્યા.

મીણબત્તી બુઝાઈ જતાં કવિ હૃદયને એક જુદો જ અનુભવ થયો. ઝૂંપડીના બારણામાંથી ચાંદનીનો પ્રકાશ રેલાવા લાગ્યો. એની બારીમાંથી પ્રકાશ આવવા લાગ્યો. ઝૂંપડીનાં નાનાં નાનાં કાણાંઓમાંથી પ્રકાશ અંદર આવતો હતો.

આથી ઝૂંપડી ચાંદનીના રૂપેરી પ્રકાશથી હસી ઊઠી. કવિનું હૈયું આ અનુપમ સૌંદર્ય જોઈને ઝૂમી ઊઠયું.

એવામાં એકાએક કવિના મનમાં એક વિચાર જાગ્યો. એમને થયું કે આટલી લાંબી રાત વીતી ગયા છતાં મને ચાંદનીનો ખ્યાલ ન આવ્યો !

આટલો બધો વખત મેં મીણબત્તી સાથે પસાર કર્યો. આ અડધી રાત મેં સાચે જ ગુમાવી દીધી. બહાર શીતળ ચાંદનીનો આવો આહલાદક પ્રકાશ રેલાતો હતો અને પોતે મીણબત્તી પાસે બેસી રહ્યો !

ક્યાં ચંદ્રનું અનુપમ તેજ ! અને ક્યાં આ નાનકડી મીણબત્તીઓની ફિક્કી રોશની !

આ ઘટના પરથી કવિ વધુ ઊંડો વિચાર કરવા લાગી ગયા. સમસ્ત જગતમાં ઇશ્વરની ચાંદની રેલાય છે. માણસ મીણબત્તીના સહારે મોટા 

ભાગનું જીવન જીવતો રહે છે. આવી રીતે જીવનારને જીવનનું માત્ર અર્ધસત્ય મળે છે. કવિ એથીય ઊંડા વિચારમાં પડયા. એમને થયું કે જેમ મીણબત્તીના પ્રકાશમાં અડધી રાત ઓછી થઇ ગઈ એમ મારું જીવન કોઈ નાના અહંકારને કારણે વ્યર્થ પસાર થતું નથી ને !

અને સાચે જ માનવી જીવનમાં પ્રકાશ પામવાની પૂરી શક્યતા હોય છતાં કોઇને કોઈ અહમ્ની મીણબત્તી આગળ બેસી રહેતો હોય છે.

કોઇકને અડધી રાત વીતી ગયા પછી આનો ખ્યાલ આવે છે. વળી કોઇને આખી જિંદગી પૂરી થાય તો પણ બહાર રેલાતા પ્રકાશનો કોઈ સંકેત મળતો નથી.