Get The App

UGCનું ઉઈ ઉઈ : ન્યાયને સ્થાને બદલો? થોટબેંકને બદલે વોટબેંક?

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
UGCનું ઉઈ ઉઈ : ન્યાયને સ્થાને બદલો? થોટબેંકને બદલે વોટબેંક? 1 - image

- અનાવૃત-જય વસાવડા

- સમાનતાના નામે નવી અસમાનતા કેવી રીતે માન્ય થાય? કોઈ પણ વર્ગને પહેલેથી અપરાધી માનો તો આખી ન્યાયપ્રક્રિયાનો અર્થ જ શું? 

'ભા રત એક એવો દેશ છે, જ્યાં પ્રગતિશીલ થવા માટે નહિ, પણ પછાત થવા માટે આંદોલન થયા કરે છે !'

ગુજરાતમાં સરખી રીતે ચાલતા આનંદીબહેન પટેલના શાસનનો કોઈ ફાયદા વિના ભોગ લેનાર પાટીદાર આંદોલનના ઉન્માદ સમયે આ લખ્યું હતું. હુંસાતુંસી, ઠોંસાબાજી, કાવાદાવા વગેરે તો આપણો સ્થાયી સ્વભાવ છે. જાતિ આધારિત વસતિ ગણતરી તો હવે થશે, પણ ઓબીસી ભારતના કુલ હિંદુ સમાજના ૫૦ થી ૫૫% હોવાનું અનુમાન છે. એસસીએસટી વળી અલગ. એમને થતો અન્યાય દૂર કરવા સ્ટેન્ડ અપ જેવી સ્કીમમાં ૨૯,૦૦૦ કરોડ જેવી રકમની ફાળવણી થયાના રિપોર્ટ્સ આવે છે, જો સાચા હોય તો હજુ જમીની હકીકત કહેવાય એવી સ્થિતિ સુધરતી કેમ નથી ? કારણ બધા જાણે છે. જાણી જોઈને આપણે ત્યાં પ્રજાને પછાત રાખી અંદરોઅંદર લડાવી દેતી સીસ્ટમ છે ! સુપ્રીમ કોર્ટ કહે તો પણ ક્રીમી લેયર એટલે જ દેખાડવામાં આવતા નથી !

વિચારવાવાળા દીર્ઘદ્રષ્ટા હતા ગાંધીજી. ભારતદેશની રગેરગ આ ડોસાએ પારખી લીધેલી. કેટલાય ભાદરવાના ભીંડાઓ એમની અધૂરી અક્કલથી કકળાટ કર્યા કરે છે કે જો જિન્નાહે પાકિસ્તાન ધર્મ આધારિત મુસ્લિમ રાષ્ટ્ર બનાવ્યું તો ભારત હિંદુ રાષ્ટ્ર કેમ ના બન્યું ? પણ હમણાં યુજીસીના ૧૩ જાન્યુઆરીએ તત્કાલ અમલમાં આવી ગયેલા નિયમો પછીની બબાલ જોતા ગાંધી સમજાય. 

ભારતમાં ૮૦% વસતિ જે હિંદુઓની છે, એમાં અડધાથી વધારે તો ઓબીસી છે ! ઉપરાંત એસસી એસટી ગણો તો મુસ્લિમોની હારોહાર ૨૦%માં માંડ સવર્ણો આવે ! આ જાતિવાદના મૂળિયાં ધર્મમાંથી આવ્યા અને ભારત હિન્દુ રાષ્ટ્ર થયું હોત તો તરત જ આ બબાલો શરુ થાત, કે અસલી હિંદુ કોણ. નંબર્સ ગેઈમ મુજબ રાષ્ટ્ર હોત. એમાં જે જ્ઞાતિ વધુ સંખ્યામાં હોત એ પણ દેશને પોતાનો કલેઈમ કરવા માટે પાછળ રાખી દે ! અલગ મતદાર મંડળની જેમ જ આ વિવાદો અને આફતોનો કરંડિયો ખોલવા જેવી વાત હતી કે નંબર જેના વધુ હોય એનું રાષ્ટ્ર બનાવી દો ! હિંદુ સંગઠ્ઠિત ધર્મ નથી. અહીં તો એવા પ્રજ્ઞા(?)ચક્ષુ પરમહંસો છે જે એક જ્ઞાતિ બ્રાહ્મણમાં પણ ઊંચા બ્રાહ્મણ ને નીચા બ્રાહ્મણના પૌરાણિક પોટલાં ખોલવા બેસે !

દેશ બધાને સાથે લઈને ચાલવાથી બને. કેવળ આંકડાનાં આધારે સર્વોપરિતા સાબિત કરવા જતા તો ઉલટું વિભાજન વધી જાય ! પણ આપણે ત્યાં દરેક ઊંચી જ્ઞાતિ બાય ડિફોલ્ટ બીજી પોતાનાથી નીચી જ્ઞાતિ શોધી જ લે છે, સરખામણી કરવા ! દલિતોમાં પણ કોણ વધુ ઊંચા ને કોણ નીચા એની હાઈઆર્કિ બની જતી હોય છે. સિલસિલા ખતમ થાય તો ને! નહિ થાય કારણ કે જ્ઞાતિઓ એ સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ ધરાવતા સમૂહને બદલે માણસના ઇગોનું એક્સ્ટેન્શન થઇ ગયું છે. બધા રાજકીય પક્ષો આમાં એક જ છે. કોઈ કશું ખુલીને ખોંખારો કહીને બોલશે નહિ. કારણ કે બધાને ઈલેકશન જીતવું છે, નેશન બનાવવાની તો વાતો થયા કરે. થોટ યાને વિચારમાં રસ નથી, વોટબેંક યાને મતદારમાં રસ છે !

એક રીતે જુઓ તો ઇતિહાસના હજારો વર્ષોમાં ભારતમાં કાયમ સવર્ણોએ જ રાજ કર્યું એવું નથી. રામાયણ મહાભારત તો ધાર્મિક સાહિત્ય છે. દસ્તાવેજી ઈતિહાસ છેલ્લા બે અઢી હજાર વર્ષનો જુઓ તો નંદ ને મૌર્ય ને ગુપ્ત ને કુષાણ ને ચોલ ને પલ્લવ ને ચાલુક્ય જેવા કંઈક પ્રભાવી વંશો છે જે બધા બ્રાહ્મણ કે ક્ષત્રિય નથી. અમુક બૌદ્ધ અને જૈન પણ છે. અમુક જેને આજે પછાત સમુદાયમાં મુકાય એ પણ છે. દક્ષિણ અને ઉત્તરની આર્ય દ્રવિડ વાળી ખાઈ પણ હજુ છે, ને સાઉથનું પોતાનું આગવું કલ્ચર છે. જેને અસુર કહી દેવામાં આવે છે એ પણ વનમાં રહેતી જનજાતિઓના નાયકો છે. ભારત સેંકડો વિરોધાભાસોને પોતાનામાં સમાવી આગળ ચાલતો દેશ છે. આઝાદી અગાઉ મોટા ભાગની મુખ્ય રાજકીય સત્તા પહેલા મુસ્લિમો અને પછી અંગ્રેજો પાસે રહી છે. 

પણ જેમ મધ્યયુગના ચર્ચની સત્તા સમાજ પર ચાલતી કે હજુ ઈરાન અફઘાનિસ્તાન જેવા અમુક ઇસ્લામિક દેશોમાં શરિયા મુજબ મુલ્લારાજ જનજીવનને ધાકમાં રાખે છે, એમ સાંસ્કૃતિક સ્તરે આપણે ત્યાં ક્યાંક ને ક્યાંક પુરોહિતવાદ વધતો ગયો. મહાવીર અને બુદ્ધ બેઉએ પોતપોતાની રીતે એની સામે જ ક્રાંતિ કરીને આગવા ચીલા ચાતરતા ધર્મો સ્થાપ્યા. આદિ શંકરાચાર્યે સનાતન ધર્મને એ અસર સામે જ નવેસરથી ગૂંથવાની કોશિશ કરી. કોઈ પોપ કે પયગમ્બર જેવા મુખ્ય ગુરુ કે મસીહાના ફરમાનો આખરી ગણી માનવાનો કોન્સેપ્ટ ભારતીય ઋષિઓના ઉપનિષદો દ્વારા પ્રવાહિત થતા ખુલ્લા વારસામાં નથી. આજે કોઈ શંકરાચાર્ય હિન્દુઓના માલિક નથી અને આમે એમની જુનવાણી વાતો ઘૂંટયા કરવા સિવાય કોઈ અસર નથી.

પણ આપણે વેદાંત વાંચવા સમજવા કરતા પુરાણો અને મનુસ્મૃતિની વ્યાખ્યાઓમાં વધુ ધ્યાન આપ્યું. એમાં જ આ વર્ણાશ્રમને ઈશ્વરીય આયોજન માનવાનું તૂત ઘુસી ગયું જેનું અંદરોઅંદર ભેદ પેદા કરતું ભૂત હજુ ધૂણ્યા જ કરે છે. વેદમાં જે આદિપુરુષની વાત છે એના મુખમાંથી બ્રાહ્મણ, હાથની ભુજાઓમાંથી ક્ષત્રિય, પેટમાંથી વૈશ્ય અને પગમાંથી શૂદ્ર પેદા થયા એવી વાતમાં પણ આ ઊંચા ને આ નીચા એવી શ્રેષ્ઠતાની વાત હતી જ નહિ. એ ઊંચનીચના ડીએનએ એટલા આપણી અંદર ઘુસી ગયા છે કે હજુ કાર્યક્રમોમાં સ્ટેજ પર બેસવા પડાપડી થાય. વીઆઈપીનું જમવાનું લગ્નમાં અલગ હોય. તાતા નેનો સામાન્ય વર્ગની ગાડી ગણાય એમાં કોઈ લે નહિ કારણ કે પોતે સામાન્ય છે, એવું જાહેર કર્યું હોય એમ લાગે ! શરીરમાં એક અંગ ઊંચું ને બીજું નીચું એવું કેવી રીતે હોય ? પગ કાપી નાખવા કોઈ રાજી થશે ? ગુણકર્મ વિભાજન એવી વાત પણ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની જેમ કાવ્યાત્મક હતીં કે જગતમાં મુખ્યત્વે ચાર પ્રકૃતિના લોકો જોવા મળે. અભ્યાસમાં રસ લેનારા, સાહસમાં રસ લેનારા, વેપારમાં રસ લેનારા અને શ્રમમાં રસ લેનારા. 

એવું નથી કે જન્મજાત આ વિભાગો છે ને એવું પણ નથી કે આ કોઈ વોટરટાઈટ ક્મ્પાર્ટમેન્ટ છે. કોઈ ઈલોન મસ્ક જેવામાં આ ચારે ગુણ એકસાથે જોવા મળે ! અદલાબદલી પણ થયા કરે. જન્મના જોરે કોઈને શ્રેષ્ઠ કે કનિષ્ઠ માની લેવા એ નરી ધાર્મિકતા છે. જેમાં તસુભાર તથ્ય નથી. હા, ઉછેર અને આસપાસના માહોલની અસર જરૂર આવે ને માતાપિતાના આનુવંશિક જીન્સ પણ આવે. નેચર પ્લસ નર્ચર. પણ એ તો હિરણ્યકશ્યપુને ત્યાં પ્રહલાદ પેદા થાય એવું બને, બનતું જ રહ્યું છે. રાતાતૂઇ જેવી ડિઝની એનિમેશન પણ એના પર બને છે જગતમાં. પણ આપણે આપણો અહં છોડવો નથી વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિવાદનો. અને એ ઓળખ એનો ભોગ બનેલા પણ પકડી રાખે છે. સામો સ્કોર કરવા માટે. 

યુજીસી યાને યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન જેની નીચે ૧૪,૦૦૦ જેટલી યુનિવર્સીટીઓ આવે ને ૫૨,૦૦૦ જેટલી કોલેજો આવે એણમાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સહમતી હશે એમ ૧૩ તારીખે લાગુ કરેલા અને સુપ્રીમે ડ્રાફ્ટમાં વિસંગતિ ને ભૂલોના મામલે હાલતુરત રોકેલા નિયમો ૨૦૧૨માં હતા જ. પણ રોહિત વેમુલા અને પાયલ તડવી જેવી આત્મહત્યાઓને લીધે જે કોર્ટ કેસ થયા એમાં એની સુધારણા માટે સંસદીય સમિતિ દિગ્વિજયસિંહના વડપણ નીચે બનેલી અને એમાં સૂચનો આવ્યા. જેમાં મુખ્ય ફેરફાર એ થયો કે અગાઉ જાતિસૂચક અપમાન કે ટિપ્પણી બાબતે એસસી એસટીને જ આવરી લેવાયેલા, એમાં હવે દિવ્યાંગ સાથે ઓબીસી પણ ઉમેરી દેવાયા. એક અંદાજ મુજબ એ વર્ગના વિદ્યાર્થીઓ સહુથી વધુ કેમ્પસમાં હોય. સાઠ ટકા પણ ઘણી વાર. 

એમાં સવર્ણોને થયું કે આ અન્યાય છે. કારણ કે એમની ફરિયાદ સાંભળતી સમતા યાને ઇક્વિટી કમિટીમાં પીડિત શોષિત વર્ગના પ્રતિનિધિ સ્પષ્ટ કરાયા પણ બીજા કોણ હશે એ અધ્યાહાર છે. ઈડબ્લ્યુએસ યાને ઇકોનોમિક વીકર સેક્શન જેમાં આર્થિક પછાત વર્ગ આવે, જે ગરીબ સવર્ણ પણ હોઈ શકે એનો ઉલ્લેખ ડ્રાફ્ટમાં એક જગ્યાએ છે, બીજી જગ્યાએ નથી ! સૌથી વિવાદાસ્પદ વાત એ છે કે જૂઠી ફરિયાદ બાબતે કોઈ કાર્યવાહી નહીં ! યાને કોઈ વ્યક્તિ ગમે તે આક્ષેપ કરી જાય, આધાર વિના હેશટેગમીટુવાળા નાટકની માફક પછી આરોપીએ પોતાને નિર્દોષ સાબિત કરવાના ! ત્યાં સુધી એને અપરાધી ગણીને એનું મેન્ટલ હેરેસમેન્ટ થઇ જાય તો એનું વળતર કશું નહિ !

આ તો ન્યાયના મૂળભૂત સિધ્ધાંતનો જ ભંગ છે ! એવું કહીને છટકી ના શકાય કે અન્ય કાયદાઓ તો છે કોર્ટ ને પોલીસ પાસે જવા માટે. એ તો જાતિગત ભેદભાવ માટે પણ બીજા કાયદાઓ ક્યાં નથી ? પણ ટ્રેક રેકોર્ડ એવું કહે છે કે એટ્રોસિટી હોય કે દહેજ હોય કે લગ્નના નામે રેપ કાર્ય જેવી ફરિયાદો હોય, મોટા ભાગની ખોટી નીવડે છે કે સમાધાન થઇ જાય છે. છતાં એ કરવાનો હક બેશક હોવો જોઈએ. સભ્ય સમાજમાં જાતિગત શું કોઈ પણ પ્રકારનું અપમાન કે ઠેકડી કે ગાળ દેવાનો કોઈને હક નથી. પણ એ કાયદાનું કવર દરેકને મળવું જોઈએ અને એમાં ખોટી ફરિયાદો બદલ દંડ કે સજાની જોગવાઈ હોવી જ જોઈએ. 

આપણે ત્યાં સવર્ણો પર પણ કોમેન્ટ થાય છે. કહેવતો છે. બાપુ પરના જોક હોય છે. બોડી 'બામણી'નું ખેતર સહજભાવે એક પેઢી પહેલા લખાતું. ઓછું હશે પણ છે. અને આમ પણ સંવિધાન ને ન્યાયનો પાયાનો સિધ્ધાંત એ છે કે એમાં અસમાનતા ના ચાલે. ભલે એક માણસ મતદાન કરવાનો હોય, પણ એને માટે પોલિંગ બૂથ ગીરની જેમ ઉભું કરવું પડે. એમ માનો કે સવર્ણો વિરુદ્ધ ભેદભાવની કોમેન્ટ નથી થતી. તો એની ફરિયાદો નહિ થાય. કે ખોટી કરશે તો એને પણ સજા એની ભોગવવી પડશે. પણ સમાનતાના નામે નવી અસમાનતા કેવી રીતે માન્ય થાય ? આ તો એવી રીતે કાયદા બન્યા છે કે જેમ કોઈ સ્ત્રી ફરિયાદ કરે તો પુરુષને ગુનેગાર માની જ લે છે ઘણા કે કોઈ અકસ્માત થાય એમાં ગાડીવાળનો વાંક ધારી જ લે છે, એમ સવર્ણ અપરાધી છે જ એમ માનીને નિયમ બનાવાયા છે. કોઈ પણ વર્ગને પહેલેથી અપરાધી માનો તો આખી ન્યાયપ્રક્રિયાનો અર્થ જ શું ? તો રાજકીય ભ્રષ્ટાચારના બધા આક્ષેપને આધાર વિના ગુનો ગણી લેવામાં આવે એમાં સંસદ ને વિધાનસભા ખાલી થઇ જાય ! હમણાં ગુજરી ગયેલા સુરેશ કલમાડી પર કરપ્શનના આરોપ લાગ્યા એમની કરિઅર પતિ ગઈ પણ દોઢ દસકે એ સાબિત તો થયા નહિ મરી ગયા ત્યાં સુધી !

કેવળ કુટુંબની વિરાસત ગણીને અજીત પવાર ગુજરી ગયાના ત્રણ દિવસમાં કોઈ રાજકીય લાયકાત કે એવી કાબેલિયત વિના એમના પત્ની ઉપમુખ્યમંત્રી બની જાય પ્રજા પર રાજ કરવા એવી વર્ષોથી ચાલી આવતી ઘટનાઓના ભેદ આપણને કોઠે પડી ગયા છે, જે દૂર કરવા કાયદા નથી બનતા. પણ ઓબીસીની વોટબેંકને ખુશ કરવા માટે નિયમ બનાવવામાં આવે છે. જેની એવી કોઈ માંગ પણ એ વર્ગની નથી. પણ એ બહાને સવર્ણો ઉશ્કેરાય એ જોઈ દલિતો ને અન્ય પછાતો દલીલબાજી કરે અને છેલ્લે જેમ વર્ગવિગ્રહ થાય એમ નેતાગીરીને મોકળું મેદાન મળે એમના નામે ! બાકી યુજીસીના તો શું ફાયર સેફ્ટીના કાયદાઓનું કેવું પાલન થાય છે એ આપણી નજર સામે છે. આમ સમિતિઓ કેટલી રચાશે ને કેવી કામગીરી કરશે એ ખાતરીથી કહી શકાય એમ નથી. કોઈ અધ્યાપક કે કોઈ વિદ્યાર્થી ખૂંચે એનો દાવ લેવા માટે દુરુપયોગ થઇ શકે ખરો ! લોકપાલની રચના આમ જ થયેલી ને ? શું ફરક પડયો ભ્રષ્ટાચારમાં આટલા વર્ષે એનાથી ?

ઈલેકશન કમિશને ફોર્મ નબર સેવનમાં પણ આવું જ શરુ કર્યું કે મતદારનું નામ કમી કરવાની અરજી કોઈ પણ કરે. મતદારે દોડીને સાબિત કરવાનું બધું. એ પણ એ ભણેલો ને જાગૃત હોય તો. પણ એની સામે ફરિયાદ કરનાર ખોટા પડે તો પણ કોઈ સજા નહિ ! સેન્સર બોર્ડ મનફાવે એમ એડલ્ટ સર્ટિ. આપીને પણ સીન કાપી નાખે એવી વાત થઇ આ તો ! એકાઉન્ટેબિલીટી શબ્દ જ આપણને પચતો નથી. ગપ્પા મારી કોઈની બદનક્ષી કરવી આપણને ગંભીર ગુનો નથી લાગતી. ન્યુઝ ચેનલો બેફામ પુષ્ટિ નથી કરતા કરીને ગેરકાયદેસર કોલ રેકોર્ડિંગ બતાવે કે કોઈ વિડીયો બનાવી ગાંધીજીને અંગ્રેજોના એજન્ટ કહી દે... કોઈ જવાબદારી ફિક્સ નહિ. નવા રોડમાં ખાડા પડે, પુલ કે ટાંકી તૂટે કોઈનું નામ ખબર ના પડે ! પ્રજાના વધુ પૈસા એના નામે ચવાઈ જાય !

હકીકત છે કે આપણે ત્યાં હજુ જ્ઞાતિવાદ છે. કહેવાતા સંતો અને નેતાઓ જ એને પોષે છે. ભેદભાવ ગામડામાં વધુ છે, હજુ પાણી કે ભોજન દલિતોના જુદા હોય કે ઘોડે ચડે તો પણ બબાલ થાય એવા સમાચારો આવ્યા જ કરે છે. પુજારી ચોક્કસ જ્ઞાતિના હોય ને સફાઈ કર્મચારી પણ ચોક્કસ જ્ઞાતિના !  આજની તારીખે કાયદાનું રક્ષણ છતાં ગમે તેવા શિક્ષિત કે ઉચ્ચ વર્ગના મોટા ભાગના લોકો પણ આ જ 'સિક' માનસિકતા ને લીધે લવ મેરેજ જેવી સાવ બેઝિક ચોઈસ પણ સહન નથી કરી શકતા ! જરાક ખોતરો એટલે મોટા ભાગના પ્રેમલગ્નના વિરોધી નીકળે,

 કારણ પોતાનો ઈગો ! હોમબાઉન્ડ જેવી ફિલ્મ નબળા સેકન્ડ હાફને લીધે પક્કડ ના જમાવી શકી પણ એમાં દલિત, મુસ્લિમ અને સ્ત્રી દરેકને જોવાની આપણી ભેદભરી સામાજિકતા સામે જ વિદ્રોની વેદના હતી. જેમાં એક દલિત પાત્ર કહે છે કે 'પોલીસની નોકરી પછી પણ મારી જાતિ કહું તો થાણામાં ઝાડુ લગાવશે મારી પાસે !' ધડક ટુ સાઉથની સરસ રિમેક હતી. પણ કેટલી ફિલ્મોમાં દલિત નાયક કે નાયિકા મુખ્યધારામાં હોય છે ? માટે આ બીમારી તો છે જ એની સામે વેક્સીન જોઈએ. 

પણ રોગનો મુકાબલો રોગ નથી. અન્યાય દૂર કરવાના નામે નવા અન્યાય શરુ કરો દેશ વિભાજીત જ રહે. કમનસીબે, ભક્ત નરસિંહ મહેતાને ગાળો દેનારા દલિતો પણ છે જે નાતબહાર થયા સામાજિક સમરસતા માટે ! વિનોદ કામ્બલી ખુદ કહે છે કે પોતાના અપલક્ષણ માટે એ બરબાદ થયો છતાં એને માટે સચિનને જવાબદાર ઠેરવનાર દલિતો પણ છે ! શાંતિનિકેતનના કુલપતિની યાદી ફેરવીને કહેવાય કે જુઓ આમાં દલિતો ક્યાં ને કેટલા ? તો ટાગોરની સંસ્થામાં જે આગળ આવ્યા એ મેરિટ બેઝ્ડ હતા કાસ્ટ બેઝ્ડ નહિ. એ એમની મહેનતથી ત્યાં પહોંચેલા નામો હોય છે. એમાંના ઘણા ગરીબ હોય છે. એમને પણ જાતભાતના ભેદભાવનો સામનો કરવો પડયો હોઈ શકે. દલિત હોવું ગુનો નથી ને બ્રાહ્મણ હોવું પણ અપરાધ નથી. બાબાસાહેબ આંબેડકર પણ બ્રાહ્મણો સાથે અંગત સંબંધ રાખીને જીવ્યા છે ને મહાત્મા ફૂલે ની મદદમાં પણ અમુક સુધારાવાદી બ્રાહ્મણો હતા. ખરાબ માનસિકતા સામે વિરોધ કરવા જતા સારા માણસો ખોવાઈ ના જાય, એ શિક્ષણનું લક્ષણ છે. આપણે ત્યાં તો સિંગલ હો તો વાંઢો કહી ચીડવનાર છે, કવિ થાવ તો ઘરમાંથી કાઢી મુકનાર છે. ટૂંકા કપડા પહેરો તો ગાળો દેનાર છે. કોઈ વિજ્ઞાનની વાત કરો તો આયુર્વેદવાળાને વાંધો પડી જાય છે. તમે કેરીના ભજીયાં ખાવ એમાં પણ કોઈને પ્રોબ્લેમ હોય છે. બધે ઓફેન્સીવ કહેવાય એવી કોમેન્ટ્સમાંથી કોઈ જુદી રીતે જીવવા મથતા નર કે નારીને પસાર થવું જ પડે છે એવું માંદલું દંભીસ્તાન છે. એમાં મૂંઝાઈને મરી ના જવાય. બમણા જોરથી જીવી લેવાય. 

એટલે આવા કાયદા બને એની સામે વિરોધ ના હોઈ શકે. પણ મુદ્દો એટલો જ છે કે અન્યાયનો જવાબ ન્યાય હોય. બદલો નહિ. અત્યારે અમારી સાથે આમ કરેલું તો તમારી સાથે તેમ કેમ ના કરીએ વાળી વાત બદલો છે. રિવેન્જ છે. એમાં જસ્ટીસ નથી. ઔરંગઝેબ આવો હતો ને ખીલજી તેવો હતો કહીને અત્યારના નિર્દોષ મુસ્લિમો સામે વગર વાંકે માત્ર ધર્મ અલગ હોવાથી રમખાણ કરવામાં આવે એવો બદલો ના ચાલે. એમાં ન્યાય નથી. એમ તમારા વડવાઓ મારી સાથે આવું કર્યું એટલે તમે નાલાયક છો ને વ્યક્તિગત એની ભરપાઈ કરો તો એ પણ એટલું જ ખોટું છે. ભૂતકાળના અન્યના ગુના માટેનો ન્યાય વર્તમાનમાં વસૂલ કરવા જતા જ ઇઝરાયેલ પેલેસ્ટાઈન હજુ સળગે છે. આપણે ભારતને તેજસ્વી જોવું છે, ભડકે બળતું નહિ ! ડિગ્નીટી ઓફ લેબર પશ્ચિમમાંથી સમજવાની જરૂર છે આપણે. જે શ્રમ કરે એ શૂદ્ર હોય તો બધાએ એવા શૂદ્ર કોઈ નાનમ વિના થવું જોઈએ !

ઝિંગ થિંગ 

ભારતમાં લોકોને પોતાની તરક્કી કરતા બીજાની તબાહીમાં વધુ રસ પડે છે !