Get The App

દેવ ડી.નો ઇમોશનલ અત્યાચાર : પેશન, ઑબ્સેશન, સેલ્ફ ડિસ્ટ્રક્શન, સેલ્ફ રિકન્સ્ટ્રક્શન!

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
દેવ ડી.નો ઇમોશનલ અત્યાચાર : પેશન, ઑબ્સેશન, સેલ્ફ ડિસ્ટ્રક્શન, સેલ્ફ રિકન્સ્ટ્રક્શન! 1 - image

- અનાવૃત-જય વસાવડા

- કોઈ પણ પ્રેમમાં ક્યારેય બાહ્ય સમસ્યા હોતી જ નથી. લવમાં ખળભળવાનું કારણ અંદરથી જ આવતું હોય છે! શરીરના ઘા જેટલી ઝડપથી હૃદયના જખ્મો રુઝાતા નથી!

ટા ઈટેનિકની દુર્ઘટના તો ફિલ્મને લીધે અમર થઇ ગઈ. પણ એ ખબર છે કે ૭૩% સ્ત્રીઓ ઓન બોર્ડ હતી એ લાઈફ બોટ ઓછી હોવા છતાં એમાં બચી ગઈ, પણ માત્ર ૧૯% પુરુષો જ બચી શક્યા ! રિચ, પાવરફૂલ, મોભાદાર, વગદાર પુરુષો હતા, જેમણે ફર્સ્ટ ક્લાસ કેબિનો બૂક કરાવેલી. કટોકટીમાં એ ક્લાસનો ભૂક્કો બોલી ગયો પણ જેન્ડર રૂલ રહ્યો : વિમેન એન્ડ ચિલ્ડ્રન ફર્સ્ટ. મોટા ભાગના પુરુષોએ એ ગરવાઇથી ચૂપચાપ ડૂબતા જહાજમાં ઉભા રહીને ફરિયાદ વિના સ્વીકારી મોતને મીઠું કરી લીધું ! જે સ્ત્રીઓ માટે પોતે કુરબાની આપી છે, એ એમને ઓળખે છે કે યાદ કરશે કે એને લાયક પણ છે એવી દલીલો વગર ! કોઈ કેમેરા નહોતો, કોઈ લાઈક્સ કે તાળીઓ નહોતી, કોઈ વળતર નહોતું છતાં પણ. ઈતિહાસ સાક્ષી છે કે પરસેવો પાડી પુરુષ ગમે તે બનાવે, ભોગ દેવામાં પણ એણે તો બાળક ના હોય તો આગળ છાતી કાઢીને ઉભવું પડે. રોઈને ભાગી જાય તો જગત નમાલો કહે કે મર્દ થઇ ઉભો રહે તો વધેરી નાખે ! પણ નુકસાની પહેલા પુરુષોના ભાગે આવે. છતાં સ્ત્રીઓને રીડ એન્ડ લીડ ના કરી શકો, મતલબ એમને વાંચી એટલે સમજી ના શકો અને એમને દોરવીને (બળપૂર્વક માલિકી જમાવવાની વાત નથી) પોતાની તરફ ખેંચી ના શકો તો તમારી જિંદગીની નાવડી પણ હાલકડોલક જ થવા લાગે ને મોટે ભાગે જો તમને સરખો સપોર્ટ ના મળે કે તમેં ખુદને સાંભળી ના શકો તો બરબાદ થઈને ડૂબી જ જાવ. ને એમાં કોઈ વીરગતિ સમજી ફૂલ પણ ના ચડાવે. કાંટા ભોંકે કટાક્ષના !

***

(૧) બસમાં એક દેખીતી રીતે જ છેલબટાઉ લાગતો, 'સ્પોઈલ્ડ બ્રાટ' જેવો એક છોકરો નશાખોર હાલતમાં એક ઘરડા-ડોશીની બાજુમાં ગોઠવાઈ જાય છે. એ યુવક જિંદગીના ભયાનક વળાંક પરથી તાજો ગબડીને બસમાં બેઠો છે. એના મનમાં ટ્રોમાના ટૅરર ટ્રેમર્સ છે. ત્યાં રાબેતા મુજબ પેલા માજી ભારતીય સંસ્કારોની શિખામણના ટોપલા વગર ઓળખાણે ઠાલવવાના શરૂ કરી દે છે. ઇન્ડિયનનેસની ઓળખાણ જેમ જલેબી-ભજિયાં, મોર-વાઘ, તાજમહેલ-તિરુપતિ બાલાજી વગેરે હોય, એમ આ પણ છે -પૂછયા વગર, અંગત સંબંધ વગર સતત બીજા પર 'જજમેન્ટલ' થઈને એમનો વાંક બતાવી, શિખામણો આપ્યા કરવાની, એમણે કેમ વર્તવું જોઈએ એની ઠપકા સાથે વડીલશાહી સલાહો આપ્યા કરવાની બૂરી આદત .

પેલો યુવક ભયંકર ટૅન્શનમાં છે. એ કશું બોલતો નથી, કચકચિયણ માજીના હાથમાંથી ટિકિટ ઝૂંટવીને ચૂપચાપ ખાઈ જાય છે! ટિકિટ ચેકર આવે છે અને સ્તબ્ધ ડોશીમાને પૂછે છે 'ટિકિટ?' માજી ઉવાચ 'ટિકિટ તો યે ખા ગયા!'

(૨) એ ટીનએજ ગર્લ ઉંમરના ઢોળાવ પર લપસી પડે છે. બૉયફ્રેન્ડ સાથેની પર્સનલ મસ્તીનો પબ્લિક એસએમએસ બની જાય છે. વાત ગામમાં જ નહીં, દેશમાં ચર્ચાઈ જાય છે. એનો બાપ એ એમએમએસ જુએ છે, ત્યારે છોકરી એટલું જ પૂછે છે 'તમે તમારી દીકરીનો આવો મલ્ટિમીડિયા મૅસેજ આખો જોયો?' બાપ આપઘાત કરે છે. મા તરછોડે છે. દોસ્તો મોં ફેરવે છે. સગાસંબંધીઓ ગાળો આપે છે. છોકરી હડધૂત થઈને દર-બ-દરની ઠોકરો ખાય છે. પણ મનથી મજબૂત છે. પરિસ્થિતિ સ્વીકારી એમાંથી આવડે તેવો અને મળે તેવો માર્ગ શોધી જરાય ઈમોશનલ બન્યા વિના પ્રોફેશનલી દેહ-વ્યાપારનો માર્ગ  શોધી લે છે. ભણે પણ છે. અને એક વખત એટલું જ કહે છે : એ એમએમએસ પ્રાઇવેટ હતો. એ કોઈ ચૅનલ પર બતાવાયો નહોતો. પોલીસે એના પર બેન મૂક્યો હતો. છતાં અડધા દેશે ડાઉનલોડ કરીને મોબાઈલમાં એ વારંવાર જોયો. એ એમની પાસે આવ્યો કેવી રીતે? કારણ કે, એમને એ જોવો હતો. અને, ધરાઈને જોઈને મને બધાએ પેટ ભરીને ગાળો આપી. પે કોલ્ડ મી એ સ્લટ (ચરિત્રહીન), નાઉ હુ ઇઝ સ્લટ?

તમે આસપાસ પ્રેમભગ્ન દેવદાસ તો ઘણા જોયા હશે, પણ એવી જ સ્થિતિમાં તડપતી રાહ જોતી જાતનું ખંડેર બનાવી નાખતી 'દેવદાસી, કેટલી જોઈ?

(૩) એ ગાંવ કી ગોરી છે, પણ ગમાર છોરી નથી. શહેર કરતાં ગામડામાં વધુ સેક્સ્યુઆલિટી હોય છે, એનો સબૂત છે. બચપણના સાથી સાથે સાઇબરકાફેમાં જઈને ચૅટિંગ પણ કરે છે. દરેક નોર્મલ યુવતીની માફક એનેય જવાની અને જોબનની ભરતી ચડે છે. પોતાના બૉયફ્રેન્ડની જીદને તાબે થઈને એ પોતાનો ન્યૂડ ફોટો પણ એને મોકલાવે છે. વિદેશથી પાડોશી છોકરો પોતાની છમ્મકછલ્લોને મળવા પાછો આવે છે, ત્યારે પણ એની સેક્સ્યુઅલ અન્ડરકરન્ટ વાળી 'દેશી મસ્તી' ચાલુ રહે છે. છોકરો કહે છે, 'મારાથી જીરવાતું નથી.'. છોકરી મુંહફટ છે, કહે છે 'આગ લાગી છે ને, સારું એ તો, પછી વધુ મજા આવશે!' પણ એના આ મનના માણીગરને એ છોકરીનો જૂનો દોસ્ત ચાવી ચડાવે છે. છોકરી ખાસ રજાઈ-ગાદલું સાઇકલ પર ભરાવીને ખેતરે જાય છે. એનેય માત્ર આત્મા નથી, ભર્યુંભાદર્યુંં શરીર છે. પુરુષને તરસ લાગે તો ભામિનીને પણ ભૂખ લાગતી હોય છે. એના આવેગોની પતંગ બરાબર ચગેલી હોય છે, પણ હજુ તો એ મોનિકા (લ્યુવેન્સ્કી) બનીને મેનકા બનવા જાય ત્યાં જ શંકાશીલ અને પોતે વર્જિન ન હોય તો પણ વર્જિન ગર્લની અપેક્ષા રાખતો છોકરો એને તરછોડે છે. જાણે દૂધપાક દાઝી જાય છે.

અપમાન ફક્ત પ્યારનું જ નથી થયું, પ્યાસનું પણ થયું છે. નરની માફક માદા પણ મેટિંગ હીટમાં હોટ બનીને અતૃપ્ત રહેવાથી ધૂંધવાય છે. જંગલિયત એની આંખોમાં અને ચહેરા પર દેખાય છે, વાત માંગાની આવે છે, એ ઘરમાં બીજું કંઈ કરી નથી શકતી, પણ દોડીને જોર જોરથી વગર કારણે ડંકીનો હાથો હલાવે છે. જાણે એનું ઓર્ગેઝમ એમાં સમાયેલું હોય!

***

બ્રિલિયન્ટ. બોલ્ડ. બ્લાસ્ટિંગ. બ્લડી બેડ.

આ છે અનુરાગ કશ્યપની 'દેવ ડી'. શરદબાબુની 'દેવદાસ'નું વધુ એક નહીં, સર્વશ્રેષ્ઠ એવું સાંપ્રત વર્ઝન. જિનિયસ પણ આમ બ્રેક ના રાખવાને કારણે સાઈડટ્રેક થઇ ગયેલા રાઇટર-ડિરેક્ટર અનુરાગ કશ્યપ ('સત્યા', 'કૌન'ના લેખક, 'બ્લૅક ફ્રાઈડે', 'નો સ્મોકિંગ'ના દિગ્દર્શક થઇ વાસેપુર કે મુક્કાબાઝ પહેલા એમણે દેવ ડી બનાવેલી. ) યુરોપિયન સિનેમાને ટક્કર મારે એવી કાફકાશાઈ, ઈમેજિનેટિવ, ઇનોવેટિવ ફિલ્મો માટે જાણીતા છે. મૂળ ૨૦૦૬ના ફૂટબૉલ વર્લ્ડ કપની મચ જોવા દોસ્ત અભય દેઓલ સાથે બેઠા હતા, અને બોરિંગ મચ દરમિયાન અભયે એમને અમેરિકાની એક સ્ટ્રિપર ક્લબની ડાન્સર અને એક શરાબીની વન સાઈડેડ લવસ્ટોરી સંભળાવી, અને છેલ્લે કહ્યું- આ દેવદાસનું આધુનિકીકરણ હતું અને સર્જાઈ 'દેવ ડી.! પરફેક્ટ ઇમૉશનલ - અત્યાચાર!

એ ૨૦૦૯ની ફિલ્મ હમણાં રિ રિલીઝ થઇ. શું કામ એ રહસ્ય છે, પબ્લિસિટી એટલી થઇ નથી કે દોડીને લોકો થિયેટર લૈલા મજનૂ કે સનમ તેરી કસમની માફક ફરી છલકાવી દે. અભય, માહી કે કલ્કિ કોઈની માર્કેટ આજે રહી નથી. અનુરાગ પણ એક્ટિંગ કરવા લાગ્યા છે વધારે. પણ હિન્દી સિનેમાની એ એક આગવી અને મહત્વપૂર્ણ ફિલ્મ હતી. રિલીઝ થઇ ત્યારે એણે યોગ્ય રીતે જ ધ્યાન ખેંચેલું રેબેલ જનરેશનનું. એ વખતે એના પર લખેલું પણ આ કોલમમાં નહોતું મૂકી શકાયું. તો આ ફરી આવી એ બહાને વો ભૂલી દાસ્તાં ફિર યાદ આ ગઈ ને ધૂળ ખંખેરી એ જુના લેખની ! વાંચો આગળ. 

***

'દેવ ડી.' નેચરલી નવી બૉટલમાં જૂનો શરાબ (શ્લેષ અભિપ્રેત જ હોય ને!) છે, પણ દારૂ જેમ જૂનો બને એમ વધુ માદક બને છે, અને આ તો બૉટલ પણ ડિઝાઈનર છે. શરાબની ફલેવર પણ એના મૉડર્ન યુથના મિજાજ, મોજમજા, માથાકૂટના કૉકટેલથી બદલાવવામાં આવી છે. એ દેવદાસની મૂળ વાતથી દસ ડગલાં આગળ જાય છે. છતાં ભણસાલીની ફિલ્મથી ઊલટું - દેવદાસનું મૂળ પાત્રાલેખન અને એનું દર્દ અકબંધ રાખીને! અહીં બંગાળી વાર્તાનું પંજાબીકરણ થઈ ગયું છે. પારો પરમીન્દર છે. દેવદાસ દેવ ધિલ્લોન છે. ચંદા (ચંદ્રમુખી ઉર્ફે લીની) અડધી જ ભારતીય છે. જોકે, મૂળ દેવદાસની માફક જ અહીં બંને સ્ત્રીપાત્રો નાયક કરતાં માનસિક રીતે વધુ મજબૂત, વધુ પ્રેકટિકલ દર્શાવાયા છે. એ બંને નારીઓ પોતાની લાઇફની ટ્રેજિક ઈમોશન્સ ભૂલીને ફટાફટ કંઈ બન્યું જ ન હોય, એમ મૂવ ઑન થઈ જાય છે, પણ પુરુષ બિચારો સ્વાર્થી, અભિમાની, વાસનાંધ હોવાની ગાળો ખાઈને પણ બરબાદ થતો થતો પ્રેમનું પૂછડું પકડીને ભાગતો - અથડાતો રહે છે! (તમે આસપાસ પ્રેમભગ્ન દેવદાસ તો ઘણા જોયા હશે, પણ એવી જ સ્થિતિમાં તડપતી, રાહ જોતી, જાતનું ખંડેર બનાવી નાખતી 'દેવદાસી' કેટલી જોઈ?)

પિસ ઇઝ દેવ ડી. ઑફ ટ્વેન્ટી ફર્સ્ટ સૈન્ચ્યુરી ફૉર યુ. વાઈલ્ડ. ક્રેઝી. ડિપ્રેસિંગ, સેક્સ્યુઅલી રોમૅન્ટિક. ઇગોઇસ્ટિક. અનુરાગે નોઇડા-ગુડગાંવના વલ્ગર પૈસાની ચરબીથી ફાટફાટ થતાં એનઆરઆઈ પંજાબી કુટુંબોના માહોલનું બરાબર ડિસેક્શન કરી નાખ્યું છે. દેવદાસ ભદ્રલોકમાંથી હશે. દેવ ડી. બમ્બયા ભાષામાં કહીએ તો સાઉથ બૉમ્બેની, અમદાવાદીમાં કહીએ તો સૅટેલાઇટની પ્રૉડક્ટ છે. દેવદાસ અહીં દિવ્ય, પ્લૅટોનિક પ્રેમ નથી કરતો. એનો પ્રેમ શારીરિક છે, વાસ્તવિક છે. પથ્થરની કાળમીંઢ શિલા પર ધોધમાર ઝડપે અફળાતા પાણીમાંથી ઊડતી બુંદો જેવો! એમાં જબરદસ્ત ડાર્કનૅસ છે. અંધારાના ઓછાયા છે. અહીં ચુન્નીલાલ શરાબી દોસ્ત નથી. તકવાદી, ઑપર્ચ્યુનિસ્ટ, બિઝનેસ માઇન્ડેડ દલાલ છે. રાતના પણ કાળાં ચશ્માં પહેરીને ફરે તેવો, નાક કપાવીને પણ સોદાબાજી કરી આવે તેવો જ!

અને દેવદાસની કહાનીમાં ઇમ્પૉર્ટન્ટ એવું બાપ-બેટાનું રિલેશન સરસ રીતે ટ્વિસ્ટ થયું છે. હિલારિયસ કહેવાય એવા રમૂજી સીનમાં કિશોર દેવદાસ બાપને 'સત્તુ' (નામ સતપાલસિંહ) કહીને બોલાવે છે. ડાઈનિંગ ટેબલ ઉપર ખિજવાયેલા બાપને કહે છે, 'કયું? દાદીમાં ભી આપ કો સત્તુ કહ કે બુલાતી હૈ!' બાપુજી ફરમાવે છે 'વો મેરી માં હૈ', અરોગન્ટ અને કાતરજબાન વાળો દેવ વળતો પ્રહાર કરે છે 'લેકિન મેરી માં ભી આપકો સત્તુ કહેતી હૈ!' બાપ તત્કાળ એને ઘરમાંથી લંડન ભણવા મોકલી દે છે!

પણ આ બાપ લવસ્ટોરીનો વિલન નથી. એ તો પારોને પુત્રવધૂ બનાવવા તત્પર છે! 'હરીભરી' છોકરીને બદલે વાંસડા જેવી છોકરીઓ ગમે, એવા છોકરાના આધુનિક 'પશ્ચિમી' ટેસ્ટની ટીકા કરે છે. સાથે બેસીને વ્હિસ્કી-વાડકા પીએ છે. દેવ પ્રત્યે એને વણકહી લાગણી છે. બગડેલો, ઉદ્ધત અને પોતાની સામે જ શિંગડા ભરાવતો હોવા છતાં એને એ વહાલો છે. દેવના તમામ ઇમોશનલ અત્યાચાર એ સહે છે. બેકાર પડયા રહેતા, કશા કામમાં ચિત્ત ન ચોંટતું હોય એવા છોકરાને એ પૈસા મોકલાવે છે, ગાડી પણ અપાવે છે. દેવની બધી જ મન ફાવે એમ જીવવાની આઝાદીનું એ અદ્રશ્ય સુરક્ષા કવચ છે. દેવની જ નાદાનીને લીધે એક વખત બાપની આર્થિક મદદનું 'કવર' હટી જાય છે, પછી દેવને ખરેખર જિંદગી જોખમકારક લાગે છે, એ પૂરેપૂરો એકલો, સંપૂર્ણ દિશાહીન થઈ જાય છે!

પણ અહીં અનુરાગ શરદબાબુનેય ચૅલેન્જ કરે છે. 'દેવ ડી.'ની પારો કે ચંદ્રમુખી - બંને સમાજનાં બંધનો મુજબ જીવે છે, પણ કોઈ પુરુષનું પગલૂછણિયું નથી! પારો કંઈ બીજવરને પરણીને પસ્તાતી નથી. એને દેવ માટે ચોક્કસ લાગણી છે, પણ એય જીદી, અકડુ છે.

 દેવનાં કપડાં ધોઈને, એની સાથે સૂવા તૈયાર થઈને પણ એ એને પ્રેમ કરતી નથી, ઊલટું સ્ત્રી સહજ સ્વભાવ મુજબ ઝેરીલો ડંખ આપીને ચાલતી થાય છે. દેવથી આ વાસ્તવિકતા જીરવાતી જ નથી કે પારો ચાલી ગઈ. પણ ચંદ્રમુખીય તેને સપોર્ટ આપતી હોવા છતાં રોકડું પરખાવી દે છે કે 'વાંક તારો, ભૂલ તારી... પારો તને મળેલી હતી, તું સાચવી-જાળવી ન શક્યો. હવે બાળકની જેમ રોવાનું બંધ કર!' દેવને ખ્યાલ આવે છે કે પ્રેમ કરતાંય ગુમાવવાની ભૂલોનો ગિલ્ટ એને વધુ પીડે છે.

એકવીસમી સદીનાં દરેક યુવક-યુવતી પોતાનું પ્રતિબિંબ જેમાં જોઈ શકે તેવી 'દેવ ડી.'માં ટૅકનિકલી ઘણી મૌલિકતા હતી.. દેવ જ્યારે પ્રેમમાં ગુલતાન હોય છે ત્યારે કમેરા ખુલ્લા ખેતરોમાં ફરે છે. માનસિક રીતે દેવ જ્યારે પ્રેમભંગની વેદનામાં હોય છે ત્યારે અફલાતૂન ગ્રાફિટીવાળા બંધ કમરાઓમાં જ કમેરા રહે છે! મેલોડી વગરનું ભૂલાઈ જાય એવું મ્યુઝિક વધુ આપવાને કારણે આજે બોલીવુડમાંથી ફેંકાઈ ગયેલા અમિત ત્રિવેદીનું અનકન્વેન્શનલ પણ ટચી મ્યુઝિક પાટણના પટોળાંની જેમ તાણાવાણા માફક આ ફિલ્મમાં ગૂંથાઈ ગયેલું. અભય દેઓલ અત્યાર સુધીનો શ્રેષ્ઠતમ દેવદાસ લાગેલો. 'લિવિંગ લાસવેગાસ'ના નિકોલસ કેજ, 'મુકદ્દર કા સિંકદર'ના અભિતાભ, શાહરુખ, દિલીપકુમાર, સાયગલ, પ્રસેનજીત તમામથી ફાર સુપિરિયર! કારણ કે એનું કેરેકેટર વધુ કામ્પ્લેક્સ છે. કાયરતા, ઈગો, એરોગન્સ, હ્યુમર, સેક્સ, પેઈન, રોમાન્સ તમામ શેડ્સવાળું! પણ 'દેવ ડી.'ની સૌથી ઉત્તમ બાબત એનો ક્લાઈમેક્સ હતો. 

એક જમાનામાં 'દેવદાસ'ની અસરથી આપઘાત કરતા યુવકોને રોકવા ગોવિંદ સરૈયાએ 'સરસ્વતીચંદ્ર' બનાવીને લલકારવું પડયું હતું 'છોડ દે સારી દુનિયા કિસી કે લિયે, વો મુનાસિબ નહીં આદમી કે લિયે' અને પ્રેમભંગ યુવાનોને જિંદગીની નવી શરૂઆતનો મૅસેજ આપ્યો હતો. 'દેવ ડી.' પણ અંતે દેવદાસને પારોના દાસમાંથી પોતાની જિંદગીનો દેવ બનાવે છે. એક તબક્કે એ વધુ નીચે ન જઈ શકતાં ઉપર ઊઠે છે. પોતાના જીવનનો, ભૂલોનો, જે ગુમાવ્યું છે તેનો સ્વીકાર કરી શકે છે. અને 'દેવ ડી.' વધુ એક વખત આપણને યાદ અપાવે છે કે કોઈ પણ પ્રેમમાં ક્યારેય બાહ્ય સમસ્યા હોતી જ નથી. લવમાં ખળભળવાનું કારણ અંદરથી જ આવતું હોય છે! શરીરના ઘા જેટલી ઝડપથી હૃદયના જખ્મો રુઝાતા નથી!

પણ જે મુકદ્દર ક સિકંદર કે શાહરુખના દેવદાસ કશામાં નહોતો, પણ જે મેસેજ સુધીર મિશ્રાએ ૨૦૧૮માં રાહુલ ભટ્ટને લઈને બનાવેલી પોલીટીકલ 'દાસ દેવ-માં 'દેવ ડી' પછી ઘૂંટાયેલો એ આજે મહત્વનો છે. પ્રેમ પહેલી નજરનો હોય તો પણ જીવન તરફ બીજી નજર નાખવી જોઈએ. પ્રેમમાં ઘાયલ થઈને ઘાતક ના બનાય, નક્કર બનાય. પ્રેમની નિષ્ફળતા જિંદગી બરબાદ કરવાનું લાયસન્સ નથી. એમાં તડપીને તાપ સહન કર્યો હોય, કોઈના કઠોર દિલની હિમવર્ષામાં ઠૂઠવાઈ ગયા હો, મગજ ને શરીરથી ખાલી થઈને તોબા પોકારી ગયા હો, પણ આપઘાત એ ઉકેલ નથી. આક્રોશથી કોઈને મારી નાખવા એ પણ ઉપચાર નથી. બેઉમાં સમસ્યા ખતમ નથી થતી. એનો ઈલાજ છે  સેલ્ફ હિલીંગ. આપણે કોઈને લાખ પ્રયત્ને પણ પસંદ નથી પડતા તો એમને પડતા મુકીને એક દિવસે ધૂળ ખંખેરી, બેઠા થઈને આપણને જે પસંદ લાખ ધુત્કારવા છતાં કરે એમના સહારે આગળ વધી જવું. વધુ સુખ તમે જેને પ્રેમ કરો એની સાથે રહેવામાં નથી. એમાં તો ચાકરી છે. તમને જે પ્રેમ કરતા હોય (અલબત્ત તમે એને થોડાક પણ ગમાડતા હો તો ને ત્યારે જ ) એને સેકન્ડ ચાન્સ આપવામાં છે, જે તમારી આગમાં બાગ બનાવી શકશે !

ઝિંગ થિંગ 

'પ્રેમ જવાબ છે, પણ તમે જવાબની રાહ જોતા હો એ દરમિયાન સેક્સ કેટલાક અઘરા સવાલો ઊભા કરે છે!' 

(વૂડી એલન)