Get The App

17 ધાતુઓનો સમૂહ ગણાતા રેર-અર્થ મિનરલ્સની વધતી જતી વૈશ્વિક હરીફાઇ

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
17 ધાતુઓનો સમૂહ ગણાતા રેર-અર્થ મિનરલ્સની વધતી જતી વૈશ્વિક હરીફાઇ 1 - image

- મીડ વીક- હસમુખ ગજજર

- આધુનિક ટેકનોલોજીનું એન્જીન ગણાતા રેર- અર્થ મિનરલ વિના ૨૧ મી સદીનો વિકાસ શકય નથી. યુક્રેન અને ગ્રીનલેન્ડમાં  અમેરિકાની રસ-રુચિનું કારણ રેર અર્થ મિનરલનો મોટો ભંડાર પણ છે

પૃ થ્વીના પોપડામાં સદીઓથી સચવાયેલા રેર અર્થ મિનરલની હાલમાં જરુર પડી છે એટલી કયારેય પડી નથી. આધુનિક ટેકનોલોજીનું એન્જીન ગણાતા રેર મિનરલ વિના ૨૧ મી સદીની આધુનિક ટેકનોલોજીનો વિકાસ અશકય છે. આથી જ તો છેલ્લા કેટલાક વર્ષોથી રેર અર્થ જીઓ પોલિટિકસનો એક હિસ્સો બની ગયા છે. ઇલેકટ્રોનિક મશીનરી,એઆઇ અને ડિજિટલ ઉપકરણોનું બજાર વિકસ્યું હોવાથી રેર અર્થ માટે ગળાકાપ સ્પર્ધા શરુ થઇ છે. પૃથ્વીના પોપડામાં ક્રસ્ટ,મેટલ અને કોર એમ ત્રણ પડો છે. આ પડોમાં ક્રસ્ટ કઠણ પથ્થરો અને ખનીજોનું બનેલુું છે જેમાંથી રેર અર્થ મિનરલ મળે છે. રેર અર્થ મિનરલ લેંથાનમ, સીરિયમ, પ્રસિયોડીમિયમ,  નિયોડિમિયમ, પ્રોમીથિયમ, સમરિયમ, યુરોપિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ, ડિસ્પોસિયમ, હોલ્મિયમ, એર્બિયમ, થુલિયમ, યટ્ટરબિયમ, અને લૂટીશિયમ ધાતુઓનો સમૂહ છે. આમાં લેંથેનાઇડ્સ સમુહના રેર અર્થ મિનરલ   ઉપરાંત  સ્કેન્ડિયમ અને ઇટ્રીયમનો સમાવેશ થાય છે. કુલ ૧૭ જેટલી ધાતુઓમાં  મોટા ભાગની હેવી ધાતુઓ છે. રેર અર્થ મિનરલનું  વર્ગીકરણ પરમાણુ ભારના આધારે થાય છે. ભારે તત્વો જુદા પાડવાની પ્રક્રિયા ખૂબજ જટિલ છે. ખાસ તો  મેગ્નેટ બનાવવા માટે જરુરી નિયોડિમિયમ અને પ્રેસોડિમિયમ જેવા તત્વો શોધવા વધુ મુશ્કેલ રહે છે. રેર અર્થ માંના કેટલાકનો ઉપયોગ શકિતશાળી ચુંબક  ( પરમેનેન્ટ મેગ્નેટ) મોબાઇલ સ્ક્રીન, લેપટોપ અને મેડિકલ ઉપકરણોમાં થાય છે.  સ્માર્ટફોન, પાતળી સ્ક્રીનવાળા ટીવી,  ડિજિટલ કેમેરા, એલઇડી લાઇટ, વિધૂત ચુંબકીય જનરટર અને લાઇડ સ્પીકરમાં પણ રેર અર્થ મિનરલની જરુર પડે છે. ફાઇટર પ્લેન, સબમરીન અને  ઇલેકિટ્રક ગાડીઓથી લઇને વિન્ડ ટર્બાઇનો માટે પણ રેર અર્થ આવશ્યક છે. રેર અર્થ મિનરલનો સીધો સાદો અર્થ દુર્લભ ખનીજ એવો થાય છે પરંતુ આ ખનીજ સાવ રેર છે એવું પણ નથી. પૃથ્વીના પોપડામાં ઓછા વત્તા પ્રમાણમાં લગભગ દરેક સ્થળે મળી આવે છે પરંતુ શુધ્ધ સ્વરુપે કાઢવા મુશ્કેલ છે. પ્રોસેસ કરવામાં ખૂબજ સમય અને નાણા ખર્ચવા પડતા હોવાથી આર્થિક રીતે પરવડે તેવું  ઉત્પાદન કરવું અઘરંે છે. રેર અર્થ પૃથ્વીના ક્રસ્ટમાં ર્ બીજા ખનીજો સાથે ભળેલા હોય છે આવી સ્થિતિમાં કોઇ એક સ્થળે વિશાળ ભંડાર મળવો મુશ્કેલ છેે. પહેલા રેર અર્થ મિનરલને ઓકસાઇડ સ્વરુપેથી કાઢવું ટેકનિકલી ખૂબ  પડકારજનક હતું.  રેર મિનરલને બાકી ખનીજોથી અલગ કરીને અશુધ્ધિઓ દૂર કરવાની પ્રક્રિયા જટિલ રહી હોવાથી જ રેર અર્થ મિનરલ ગણાય છે.

રેર અર્થ મિનરલને પ્રથમવાર ૧૯૪૦ના દશકામાં યુરેનિયમના ખનન દરમિયાન બાય પ્રોડકટ તરીકે પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.૧૯૬૦ના દશકામાં રંગીન ટીવીમાં પ્રથમવાર  રેર મિનરલનો બહોળો વ્યવસાયિક ઉપયોગ થયો હતો. ૧૯૫૦ના દાયકામાં રેયર અર્થ ને બાકી ખનીજોથી અલગ કરીને અશુધ્ધિઓ દૂર કરવાની પ્રક્રિયા વિકસિત કરવામાં અમેરિકી વૈજ્ઞાનિકો ખૂબ આગળ હતા. પર્યાવરણ સંબંધી નિયમો અને પ્રદૂષણના ડરથી યુરોપ અને અમેરિકા સહિત દુનિયાના મોટા ભાગના દેશો રેર અર્થ મિનરલના ઉત્પાદનથી દૂર રહયા હતા. રેયર અર્થને પ્રોસેસિંગમાં ખૂબજ ભારે રસાયણોનો ઉપયોગ થાય છે જેમાંથી નિકળતો ઝેરી કચરો માટી,પાણી અને હવાને દૂષિત કરી શકે છે. પ્રદૂષણ સંબંધી સમસ્યાના પગલે આ સેકટરને વિકસિત કરવામાં કાયદાકીય અવરોધો પણ હતા.  આનો લાભ ઉઠાવીને ચીને જોત જોતામાં ૧૯૮૦ના દાયકામાં રેર અર્થ મિનરલ ઇન્ડસ્ટ્રીઝ પર કબ્જો જમાવવાની શરુઆત કરી હતી. ઓછું રોકાણ, પર્યાવરણ સંબંધી નબળા નિયમો, સસ્તું લેબર વર્ક અને સરકારી મદદનો પણ મોટો ફાળો હતો. ૨૦૦૦ સુધીમાં ચીને રેર અર્થ મિનરલના વૈૈશ્વિક બજારમાં ૯૫ ટકા જેટલો હિસ્સો મેળવી લીધો હતો. આજે દુનિયામાં જેટલું ખનન થાય છે તેમાંનું ૬૦ ટકા ચીનમાં થાય છે. રિફાઇન્ડ પ્રોડકશન અને રેયર અર્થ મેગ્નેટ ઉત્પાદનમાં ચીનની ભાગીદારી ૯૦ ટકા જેટલી છે. ચીનના ઉત્તર ભાગમાં બાયન ઓબો નામની રેર અર્થ મિનરલની ખાણ છે. આ ખાણ  દુનિયામાં કોઇ પણ મોટા ભંડાર કરતા અનેક ગણી મોટી છે. બાયન ઓબોમાં ચુંબક બનાવવામાં ઉપયોગી તમામ રેયર અર્થ મિનરલ પર્યાપ્ત પ્રમાણમાં  મળે છે. ચીન દુનિયામાં રેર અર્થ મિનરલનો ઉત્પાદક અને નિકાસકાર દેશ છે. ખનન થયા પછી આ રેર અર્થ ધાતુ તત્વોને અલગ કરીને ઉપયોગી સ્વરુપમાં લાવવા એક ખાસ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે જેને રિફાઇનિંગ કહેવામાં આવે છે આ કામ દુનિયામાં મુખ્યત્વે ચીનમાં જ વધારે થાય છે. ચીન માત્ર રેર અર્થ ધાતુઓની નિકાસ કરે છે એટલું જ નહી ચુંબકનો પણ ખૂબ મોટો ઉત્પાદક દેશ છે. યુએસ જિયોલોજિકલ સર્વેનું માનવું છે કે પૃથ્વી પર અંદાજે ૧૧૦ મિલિયન મેટ્રિક ટન રેર અર્થનો ભંડાર છે જેમાંથી ૪૪ મિલિયન ટન એકલા ચીન પાસે જ છે. છેલ્લા એક થી દોઢ દાયકામાં રેર અર્થ મિનરલની માંગ સતત વધતી જાય છે. 

રેર અર્થ યા તો તેનાથી બનતા રેર અર્થ મેગનેટ ની જીવન જરુરી ચીજવસ્તુઓમાં અઢળક જરુર બને છે. આઇફોન, વોશિંગ મશીન ,ઇલેકિટ્રક ગાડીઓ, મિસાઇલ, રડાર સિસ્ટમ, લેજર અને તેલની રિફાઇનરીઓ માટે રેર અર્થ મિનરલની પુરતી ઉપલબ્ધતા ના હોયતો સપ્લાય ચેન અટકી જાય છે. નિયૉડિયમ-આર્યન-બોરોન મિશ્ર ધાતુમાંથી વિશ્વના સૌથી શકિતશાળી ગણાતા ચુંબક બને છે. પ્રેસિયોડીમિયમનો ઉપયોગ મેગ્નેશિયમ સાથે મિશ્રધાતુના સ્વરુપે ઉચ્ચ ક્ષમતા ધરાવતી ધાતુઓના નિર્માણ માટે થાય છે. આ ધાતુનો ઉપયોગ વિમાનના એન્જીન તેમજ ફાયબર ઓપ્ટિકસમાં એક એમ્પલીફાયર તરીકે થાય છે. ૧૯૭૦ના દસકામાં સમેરિયમ-કોબાલ્ટ ચુંબકોએ કમ્પ્યૂટર ડિસ્ક ડ્રાઇવ,હેડફોન અને સ્પીકર સહિત સેંકડો વસ્તુઓના લઘુકરણને શકય બનાવ્યું હતું. ટર્બિયમ ફલેટ સ્ક્રીન અને ફલોરોસેંટ બલ્બમાં જોવા મળે છે. નિયોડિમિયમ-આયરન-બોરોન મેગ્નેટ સાથે મેળ કરવાથી ટેરેબિયમ હાઇબ્રિડ અને ઇલેકિટ્રક વાહનોના એન્જીનને ઉચ્ચ તાપમાન પર કુશળતાપૂર્વક કાર્ય કરવામાં સક્ષમ બનાવે છે.  દુર્લભ પૃથ્વી તત્વોમાં સૈરિયમ સૌથી પ્રચુર માત્રામાં મળી આવે છે. સીરિયમ ઓકસાઇડનો ઉપયોગ કાંચ બનાવવાની પ્રક્રિયામાં કાંચને રંગહીન કરવામાં થાય છે.લેંથનમ ઉચ્ચ પ્રકારના કેમેરા લેંસ,દૂરબીન,માઇક્રોસ્કોપ,રાઇફલ સ્કોપ અને બાયનોકયૂલર માટે વિશેષ પ્રકારના કાંચ નિર્માણમાં વપરાય છે. લેંથનમ નિકલ-મેટલ હાઇડ્રાઇડ રિચાર્જબલ બેટરીઓ પણ બને છે. યટ્રીયમ ટેલિવિઝન સ્ક્રીન પરના લાલ રંગ ઉપરાંત ફાઇટર પ્લેન અને રૉકેટ એન્જીનોને અત્યંત ગરમી સહન કરવામાં મદદ કરે છે.ગેડોલીનિયમ મેડિકલ ક્ષેત્રમાં એમઆરઆઇ સ્કેનિંગ સિસ્ટમમાં કોન્ટ્રાસ્ટ એજન્ટ તરીકે ઉપયોગી છે જેથી કરીને છબીની સ્પષ્ટતામાં 

વધારો થાય છે.ગેડોલીનિયમ પરમાણુ રિએકટરોમાં પણ મહત્વની ભૂમિકા નિભાવે છે.યુરોપિયમ આધુનિક પ્રકાશ અને ખાસ તો ડિસ્પ્લે ટેકનીકમાં ખપ ધરાવે છે. ડિસ્પ્રોસિયમ પોતાની ઉષ્મા સ્થિરતા અને ચુંબકીય શકિત માટે જાણીતું છે. હાઇબ્રિડ અને ઇલેકિટ્રક વાહનોની ડ્રાઇવ મોટરોમાં બળપૂર્વક  ચુંબકીય  ક્ષેત્ર વધારવા તથા વિન્ડ ટર્બાઇનોમાં કામ લાગે છે. 

 ગત વર્ષ એપ્રિલ મહિનામાં ચીને પોતાના રેર અર્થ મિનરલની નિકાસ પર નિયંત્રણ મુકયું ત્યારે અનેક કાર ઉત્પાદકોએ પોતાનું ઉત્પાદન રોકવાની ફરજ પડી હતી. રેર અર્થ મિનરલ પર ચીનના આધિપત્યથી પશ્ચિમી દેશોને ચિંતા થાય છે. ચીન ભવિષ્યમાં નિકાસ અટકાવીને નાક દબાવે એવો ભય રહે છે. ભવિષ્યમાં ચીન પર નિર્ભર રહેવું ના પડે તે માટે અમેરિકા અને યુરોપિય સંઘે તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. યુરોપિય સંઘને ૮૦ થી ૧૦૦ ટકા રેર અર્થ મિનરલની  ચીન નિકાસ કરે છે. રેર અર્થ મિનરલની વૈકલ્પિક સપ્લાય ચેન વિકસિત કરવા માટે અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં  કેટલીક નવી પરિયોજનાઓ ચાલી રહી છે. કેટલાક વર્ષોમાં અમેરિકા અને  યુરોપીય સંઘ જરુરી ધાતુઓ માટે ખુદ પર નિર્ભર રહેવા પ્રયાસરત છે. ૨૦૨૪માં યુરોપીય સંઘે  ક્રિટિકલ રો મટેરિયલ્સ એકટ હસ્તાક્ષર કર્યા હતા. આ કાનુન હેઠળ ૨૦૩૦ સુધીમાં યુરોપીય સંઘે સ્વબળે  જરુરી ધાતુઓનું ઉત્પાદન કરવા પર ભાર મુકયો હતો. અમેરિકાના સંરક્ષણ  મંત્રાલયે ૨૦૨૦થી ઘરેલું કંપનીઓમાં ભારે મૂડી રોકાણ શરુ કર્યું છે.૨૦૨૭ સુધીમાં માઇન ટુ મેગ્નેટ (ખનન થી ચુંબક) સુધીની સપ્લાય ચેનની પ્રક્રિયા અમેરિકામાં થાય તેવો હેતું છે. આફ્રિકા,એશિયા, લેટિન અમેરિકા અને  ઓસ્ટ્રેલિયામાં પણ રેર અર્થ મિનરલના ઉત્પાદન એકમો શરુ થયા છે. આ પ્રયત્નો છતાં  રેર અર્થ બાબતે  હજુ પણ ચીનનું કેટલાક વર્ષો સુધી વર્ચસ્વ જળવાઇ રહેવાનું અનુમાન છે. ભારત પાસે  વિશ્વના કુલ ૬ ટકા જેટલો રેર અર્થનો ભંડાર છે. ખાસ કરીને તટિય ક્ષેત્રોમાં રેર અર્થ મિનરલ મળે છે પરંતુ પ્રોસેસિંગની ખામીના  કારણે ચીન પાસેથી મોટા પાયે આયાત પર નિર્ભર રહે છે. યુક્રેન અને ગ્રીનલેન્ડમાં  અમેરિકાની રસ રુચિનું કારણ રેર અર્થ મિનરલનો ખૂબ મોટો ભંડાર હોવાનું  પણ માનવામાં આવે છે. આવનારા સમયમાં રેર અર્થ મિનરલની વધુને વધુ જરુરીયાત પડવાની છે ત્યારે  વિશ્વમાં ભૂ રાજનીતિક સ્પર્ધા અને સંઘર્ષ અતિ તીવ્ર બને તો નવાઇ નથી.