Get The App

બાંગ્લાદેશ : જમાતે ઇસ્લામીનો પરાજય, રહેમાનનો ઉદય ભારત માટે કેવો રહેશે?

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશ : જમાતે ઇસ્લામીનો પરાજય, રહેમાનનો ઉદય ભારત માટે કેવો રહેશે? 1 - image

- મીડ વીક- હસમુખ ગજજર

- ભૂતકાળમાં ખાલિદા ઝિયાના શાસનમાં ભારત સાથેના સંબંધો મધૂરા રહયા ન હતા. હવે સ્વ ખાલિદા ઝિયાના પુત્ર  તારિક રહેમાન ચૂંટણી પરિણામોમાં સર્વેસર્વા બનીને ઉભરી આવ્યા છે

તા જેતરમાં બાંગ્લાદેશની સંસદીય ચૂંટણીના પરિણામોમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી) લાંબા સમય પછી સત્તામાં પાછી ફરી છે. છેલ્લા બે દાયકાથી બાંગ્લાદેશમાં શેખ હસીનાના નેતૃત્વમાં અવામી લીગનો દબદબો રહેવાથી બીએનપી પાર્ટી હાંસિયામાં ધકેલાઇ ગઇ હતી. સમયનું ચક્ર એવું બદલાયું  કે  શેખ હસીના અને તેમના અવામી લીગ પક્ષની કફોડી સ્થિતિ થઇ છે. બીએનપીના બેગમ ખાલિદા ઝિયા અને અવામી લીગના શેખ હસીનાની રાજકિય દુશ્મની 'બેટલ ઓફ બેગમ' તરીકે ઓળખાતી હતી.૩૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ખાલિદા ઝિયાનું લાંબી માંદગી બાદ અવસાન થયું જયારે શેખ હસીના છેલ્લા દોઢ વર્ષથી ભારતમાં રાજયાશ્રય ગાળી રહયા છે. ૪૦ વર્ષ પછી બાંગ્લાદેશની રાજનીતિ બે બેગમોની ગેરહાજરીમાં આગળ વધી રહી છે. શેખ હસીનાના અવામી લીગને ચૂંટણીમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો તેનો ભરપૂર લાભ બીએનપીને મળ્યો છે. અવામી લીગના સમર્થકો અને મતદારોએ વર્ષો જુની કટ્ટરપંથી જમાતે ઇસ્લામી અને શેખ હસીનાના તખ્તાપલટ પછી નવી રચાયેલી નેશનલ સિટીઝન પાર્ટી (એનસીપી) ના સ્થાને બીએનપીને સાથ આપ્યો છે. બીએનપી અને તેના સાથી પક્ષોને ૨૯૯ માંથી ૨૧૨ બેઠકોની જંગી બહુમતિ મળી છે. ચૂંટણી યોજાય તેના માત્ર દોઢ મહિના પહેલા અને કુલ ૧૭ વર્ષ પછી બીએનપીના તારિક રહેમાને લંડનથી આવીને  ઢાકાની ધરતી પર પગ મુકીને બીમાર રહેતા માતા ખાલિદા ઝિયાની રાજકિય વિરાસત સંભાળી લીધી હતી. લાખો લોકોએ રસ્તા પર આવીને રહેમાનનું ઉમળકાભર્યુ સ્વાગત કર્યુ હતું. સ્વાગત કર્યુ એટલું જ નહી ખોબલેને ખોબલે મત મળવાથી બાંગ્લાદેશના સર્વેસર્વા તરીકે ઉભરી આવ્યા છે.  ૨૦૦૬માં તારિક રહેમાન પર માતા ખાલિદા ઝિયાના રાજમાં સમાંતર સરકાર ચલાવીને મળતિયાઓને લાભ અપાવવાના સંગીન આરોપ હતા. ૨૦ મિલિયન ડોલરનું મની લોન્ડ્રીંગ અને ઝિયા ચેરિટેબલ ટ્રસ્ટમાં ૨.૧ કરોડ ટકા ( બાંગ્લાદેશની કરન્સી) દુરોપયોગનો પણ ખટલો ચાલ્યો હતો. ૨૦૦૮માં ખાલિદા ઝિયાને જેલમાંથી મુકત કરાયા  જયારે તારિકને ફરી બાંગ્લાદેશના રાજકારણમાં ડખલ નહી કરવાની શરત સાથે દેશ નિકાલ કરવામાં આવ્યા હતા.

તારિક રહેમાન વિદેશમાં રહીને છેલ્લા કેટલાક વર્ષોથી  સોશિયલ મીડિયાના માધ્યમથી બાંગ્લાદેશની રાજકિય પ્રવૃતિમાં સક્રિય રહેતા હતા.ઇન્ટરનેટ વીડિયોના માધ્યમથી પોતાના ચૂસ્ત સમર્થકોને સંબોધન કરતા હતા. સરકાર વિરોધી પ્રદર્શનો પછી શેખ હસીનાએ સત્તામાંથી ઉતરી જવું પડયું અને ત્યાર પછીના રાજકીય ઘટનાક્રમો રહેમાન માટે વરદાનરુપ સાબીત થયા છે. માતા ખાલિદા ઝિયાનું અવસાન થતા રહેમાનને ચૂંટણીમાં સહાનુભૂતિ મળી બીજું કે મુખ્ય રાજકીય પક્ષ અવામી લીગ પર પ્રતિબંધના પગલે ચૂંટણી ભાગ ન લઇ શકતા રહેમાનને મોકળું મેદાન મળી ગયું હતું. ઉલ્લેખનીય છે કે ૧૫ ઓગસ્ટ ૨૦૨૪માં બાંગ્લાદેશમાં નોકરીઓમાં અનામતના મુદ્વે વિધાર્થીઓનું ઉગ્ર આંદોલન વ્યાપક હિંસામાં ફેરવાઇ જતા મજબૂત ગણાતા વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામુ આપીને ભારતમાં આશરો લેવાની ફરજ પડી હતી. બાંગ્લાદેશમાં નવેસરથી જનાદેશ લેવામાં ન આવે ત્યાં સુધી  શાંતિ નોબેલ પારિતોષિક વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં અંતરિમ સરકારની રચના કરવામાં આવી હતી. આ વચગાળાની સરકારના દોઢ વર્ષના સમયગાળા દરમિયાન બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ માથું ઉચકયું હતું. લઘુમતિ હિંદુઓ પર વધતો જતો અત્યાચાર ચિંતાનો વિષય બન્યો હતો. બાંગ્લાદેશની સરહદ નજીકનો ભારતનો સિલીગુડી કોરિડોર  સંરક્ષણની દ્વષ્ટીએ ખૂબ મહત્વનો છે.આ કોરિડોર અરુણાચલ પ્રદેશ,અસમ, મણીપુર,મેઘાલય, મિઝોરમ, નાગાલેંડ,સિક્કિમ અને ત્રિપુરાને ભારત સાથે જોડે છે.પશ્ચિમ બંગાળના ઉત્તરી ભાગમાં દાર્જીલિંગ અને જલપાઇગુડીની આસપાસ આવેલા નોર્થ ઇસ્ટને જોડતા ૬૦ કિમી લાંબા અને ૨૧ કિમી પહોળા ભાગને ચિકન નેક પણ કહેવામાં આવે છે. ચિકન નેક પાસે બાંગ્લાદેશ અને નેપાળની સરહદ પણ અડે છે. ભૂટાન અને ચીન પણ વધારે દૂર નથી. સિકિકમ, તિબેટની ચુંબી વેલી અને ભૂટાનના ડોકલામ ટ્રાઇ જંકશનની પણ નજીક છે.અહીંયાથી રાષ્ટ્રીય રાજમાર્ગ અને રેલવે લાઇન પૂર્વોત્તરી રાજયો સુધી લઇ જાય છે. આ ક્ષેત્ર પૂર્વોત્તરમાં સૈન્ય સરંજામ અને સૈન્યની ગોઠવણ માટે મહત્વનું છે. બાંગ્લાદેશમાં અરાજકતા અને કટ્ટરપંથી તત્વોએ ઉપાડો લીધો ત્યારે આ ચિકનનેકની સુરક્ષાની ચર્ચા ઉઠી હતી. બાંગ્લાદેશની અંતરિમ સરકારના સંચાલક યુનુસ મોહમ્મદ ચીનના પ્રવાસે ગયા ત્યારે ભારતના નોર્થ ઇસ્ટની વાત કરી હતી કે આ એક લેંડ લોકડ છે. ચીનને મૂડી રોકાણ માટે આકર્ષવા માટે યુનુસના વિવાદાસ્પદ ઉચ્ચારણને ભારતે ખૂબ ગંભીરતાથી લીધું હતું. જમાતે ઇસ્લામી જેવા રાજકિય પક્ષોના સમર્થકોએ બાંગ્લાદેશમાં કટ્ટરતા ફેલાવીને કાળો કેર વરતાવ્યો હતો. જમાતે ઇસ્લામી એક એવું ધાર્મિક અને રાજકીય સંગઠન જેને ૧૯૭૧માં બાંગ્લાદેશની આઝાદીનો પણ વિરોધ કર્યો હતો.પાકિસ્તાન અને ચીન જેવા દેશો જમાતે ઇસ્લામી  સત્તાના સૂત્રો સંભાળે તે જોવા આતૂર હતા પરંતુ આ કટ્ટરપંથીઓનો પરાજય થયો છે. શેખ હસીના સરકાર વિરુધના બળવા પછી રચાયેલા વિધાર્થી પક્ષ (એનસીપી) અને જમાતે ઇસ્લામી સહિતના પક્ષોને મળીને કુલ માત્ર ૭૭ બેઠકો મળી છે.

જમાતે ઇસ્લામી જેવા કટ્ટરપંથી રાજકિય પક્ષોનું સત્તામાં આવવું ભારત માટે જોખમી હતું. કટ્ટરવાદી પાકિસ્તાન તરફી પક્ષોના ગઠબંધને સત્તા સંભાળી હોતતો  ઉગ્રવાદ, સરહદી સુરક્ષા અને બાંગ્લાદેશી ઘૂસણખોરીની સમસ્યા વકરવાનો ડર હતો. એ રીતે જોઇએ તો બાંગ્લાદેશના લોકોએ જમાતે ઇસ્લામીના સ્થાને બીએનપીની પસંદ કરી જે ભારત માટે રાહતના શ્વાસ સમાન છે. બીએનપી એક અનુભવી, જવાબદાર અને કેડર ધરાવતો રાજકિય પક્ષ હોવાથી ભારત સાથે સુમેળભર્યા સંબંધો રાખી શકે છે.૧૯૮૧માં પતિ જનરલ ઝિયાઉર રહેમાનની હત્યા પછી બેગમ ખાલિદા ઝિયાએ પતિના બીએનપી (બાંગ્લાદેશ નેશનલ પાર્ટી) રાજકીય પક્ષની ધૂરા સંભાળી હતી. ૧૯૯૧માં બીએનપીના બેગમ ખાલિદા ઝિયાએ સત્તા સંભાળીને બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા.૧૯૯૬માં ખાલિદાનો પરાજય થતા અવામી લીગના સ્થાપક અને બંગબંધુ મુજીબુર રહેમાનની પુત્રી શેખ હસીનાએ પ્રથમવાર સત્તા સંભાળી હતી. ત્યાર બાદ ૨૦૦૧ થી ૨૦૦૬ સુધી ખાલિદા ઝિયાએ ફરી સત્તા સંભાળી હતી.ખાલિદા ઝિયાના શાસનમાં ભારત વિરોધી વલણ જોવા મળતું હતું.ભૂતકાળમાં ખાલિદા ઝિયાની બીએનપી સરકારના કાર્યકાળમાં પૂર્વોત્તરના ઉગ્રવાદી સંગઠનો માટે બાંગ્લાદેશ એક સુરક્ષિત શરણસ્થળી બની ગયો હતો. બીએનપીના શાસનમાં ભારત સાથેના સંબંધો કયારેય મધૂરા રહયા ન હતા. પ્રસંગોપાત ખાલિદા ઝિયા ભારત વિરોધી ઝેર ઓકવામાં કશું જ બાકી રાખતા ન હતા.આની સરખામણીમાં  બેગમ શેખ હસીનાના 

(૨૦૦૬ થી ૨૦૨૪) જેટલા લાંબા ચાલેલા શાસન દરમિયાન ભારત સાથે સારા સંબંધો રહયા હતા. 

નિષ્ણાતોનું માનવું છે કે બાંગ્લાદેશમાં જમાતે ઇસ્લામી શાસનથી વંચિત રહેતા ભારતે ભલે રાહતનો શ્વાસ લીધો હોય પરંતુ બીએનપીનું વલણ કેવું રહે છે તે મહત્વનું છે. ભારતમાં આશરો લઇ રહેલા  બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુધ વિદ્રોહ અને દેશદ્રોહને લગતા અદાલતી કેસોમાં આજીવન કેદથી માંડીને ફાંસીની સજા થઇ છે. સત્તાધારી બીએનપી પાર્ટીના સંભવિત વડાપ્રધાન અથવા તો સત્તાના કેન્દ્રમાં રહેનારા તારિક રહેમાન  દાયકાઓ જુની રાજકીય દુશ્મનીનું વેર વાળવા માટે હસીનાના પ્રત્યાપર્ણની માંગણી તેજ કરી શકે છે. આમ પણ આ એક એવો મુદ્વો છે જેમાં બીએનપી જ નહી ચૂંટણીમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન નહી કરી શકેલી જમાતે ઇસ્લામી પણ એક મત ધરાવે છે.  અંતરિમ સરકારના વડા મોહમ્મદ યુનુસે પણ શેખ હસીનાને અપરાધી ગણીને બાંગ્લાદેશને સોંપવાની માંગણી કરેલી હતી. શેખ હસીનાની અવામી લીગ પાર્ટીના સમર્થકો હતાશ અને નિષ્ક્રિય જોવા મળે છે. મૂળ મતદારો બીએનપી કે અન્ય પાર્ટીઓમાં શિફટ થઇ ગયા છે.શેખ હસીનાએ જે રાજકીય ચાલ રમીને વર્ષો સુધી વિરોધીઓને ચૂપ કરી દીધા હતા એવી જ ચાલ હવે તેમની સાથે રમાઇ છે. કેટલાક માને છે કે શેખ હસીનાના પ્રત્યાપર્ણ પ્રશ્નનો ઉકેલ ભારત -બાંગ્લાદેશના સંબંધો સાથે જોડાયેલો છે.એવી પણ શકયતા છે કે તારિક રહેમાન માત્ર શેખ હસીનાના મુદ્વાને જ ધ્યાનમાં રાખીને ભારત સાથેના સંબંધોને મૂલવશે નહી. ભારત સાથે તીસ્તા અને પધ્મા નદીના પાણીની વહેંચણી જેવા દાયકાઓ જુના મુદ્વાના સમાધાન સહિત દ્વી પક્ષીય સંબંધો મજબૂત બનાવવા પર ભાર મુકશે.સરહદે ઘૂસણખોરી કે કટ્ટરપંથીઓની પ્રવૃતિઓને વકરવા દેશે નહી. તારિક રહેમાને ચૂંટણી પહેલા પાડોશીઓ સાથેના સંબંધ સમાનતા, સહયોગ અને મિત્રતા પર આધારિત રહેવાની વાત કરી હતી.બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (બીએનપી) જમાતે ઇસ્લામીની સરખામણીમાં બહેતર તેમ છતાં શેખ હસીનાની અવામી લીગ જેટલી સ્થિતિ સ્થાપકતા કદાંચ જ ધરાવતી હશે.જમાતે ઇસ્લામી જેવા કટ્ટરપંથી પક્ષોને ભલે સફળતા ના મળી હોય પરંતુ પહેલાની સરખામણીમાં મજબૂત બન્યા છે. શેખ હસીનાના કાર્યકાળમાં વિપક્ષો જ ખતમ થઇ ગયા હતા પરંતુ બાંગ્લાદેશની નવી સરકારમાં જમાતે ઇસ્લામી મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી છે. જમાતે ઇસ્લામી બાંગ્લાદેશની નવી ચુંટાયેલી સરકાર પર પ્રેશર ઉભું કરી શકે છે. ચીન અને પાકિસ્તાનનો તેના પર પ્રભાવ હોવાથી ભારતે પોતાના સુરક્ષા હિતોને વિશેષ ધ્યાનમાં રાખવા પડશે.