Get The App

શેરને માથે સવાશેર .

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
શેરને માથે સવાશેર                                   . 1 - image

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- 'પણ તેનો રસ કેમ ઉઠી ગયો, સંસાર જીવનમાંથી?' ખુશ્બુને નવાઈ લાગી.

'આ જે મારે કંપનીના કામે બોમ્બે જવું પડે તેમ છે, એટલે રાત રોકાવું પડશે, કાલે સાંજે આવીશ.' ભાવેશે પોતાની પત્ની ભાર્ગવીને કહ્યું.

ભાર્ગવી તેમના ઘરમંદિરમાં સવારના ચા-નાસ્તા પછી પૂજા કરી રહી હતી. તેણે સામે પુછયું 'રાતની ફ્લાઈટમાં પરત આવી જ જજેને ! ભાવેશ મને રાતનાં એકલા બીક લાગે છે.'

'પણ કામ બે દિવસનું છે. એટલે બોમ્બે રોકાવું જ પડશે. ગાડી હું અમદાવાદ એરપોર્ટ પર પાર્ક કરી દઈશ. એક નાઈટ એકલા સુતા ડર લાગે, તો બાજુમાંથી મંજુલામાસીને બોલાવી લેજે.' ભાવેશે સૂચનો આપતા કહ્યું.

'વાંધો નહીં, હું તમામ દરવાજા બંધ કરી, મોબાઈલ બાજુમાં રાખી સુઈ જઈશ. જો હું રાત્રે ફોન કરૂ તો તરત જ ઉપાડી લેજે.' ભાર્ગવીએ સામે જવાબ આપ્યો.

'ચોક્કસ ડાર્લિંગ, હું પણ મારી બાજુમાં જ મોબાઈલ રાખીશ' કહીને ભાવેશ ગાડી લઈને નીકળી ગયો. સેટેલાઈટનાં તેના બંગલામાંથી બહાર નીકળી એસ. જી. હાઈવે પર તેણે તેની સેક્રેટરી ખુશ્બુને મોબાઈલ જોડયો.

'ખુશ્બુ, તૈયાર છે ને, બે દિવસ સાથે રહેવાનું માંડ માંડ ગોઠવાઈ ગયું છે. ભાર્ગવીને મનાવીને આજ રાત્રે બહાર છું, એવી પરમીશન લઇ લીધી છે. કેટલા બધા વખત પછી બે દિવસ સાથે ગાળવા મળશે!!' ભાવેશ ખુશ થઈને ખુશ્બુને કહી રહ્યો હતો. બત્રીસ વરસની ખુશ્બુ દેખાવડી અને આકર્ષક હતી. તેની કમાણી ઉપર જ ઘર ચાલતું હોવાથી હજુ તેના લગ્ન થયા નહોતા. ભાવેશની ફેકટરીમાં ચાલીસ માણસોનો સ્ટાફ હતો, તેમાં ખુશ્બુનો દબદબો અલગ જ હતો.

ચાલીસ વરસનો ભાવેશ તેના પ્રત્યે આકર્ષાઈ ગયો હતો. સામાન્ય ક્લાર્ક તરીકે જોઈન થયેલી ખુશ્બુ ત્રણ વરસમાં તો આસીસ્ટન્ટ અને છેવટે મેનેજર બની ગઈ. પગાર પણ ભાવેશે બમણો કરી દીધો. ખુશ્બુ પણ ભાવેશથી ખુશ હતી, વાર તહેવારે જુદી જુદી ગિફ્ટો, કપડા અને દાગીના મળ્યા કરે તો કોને ના ગમે? બન્ને ભાવેશની ઓફિસમાં કલાકો સુધી બેસી રહી વાતો કર્યાં કરતા. અંતે બન્નેએ સાથે બહાર ફરવાનો પ્રોગ્રામ બનાવી કાઢયો.

એસ.જી. હાઇવેથી ખુશ્બુને પીકઅપ કરી ભાવેશની ગાડી ગાંધીનગર હાઇવે પર ગ્રીન રોયલ રીસોર્ટ તરફ દોડી રહી હતી. ભાવેશે બે દિવસ માટે રીસોર્ટ પર મિસ્ટર અને મિસીસ ભાવેશ કાપડીયાના નામથી સ્યુટ બુક કરાવેલ હતો.

પોતાનું આધારકાર્ડ આપી સ્યુટની ચાવી માટે ભાવેશે ચોપડામાં સાઈન કરી અને પોતાની મિસીસનું આઈડી પ્રુફ ભૂલી ગયાનો અફસોસ વ્યક્ત કર્યો. રજીસ્ટર કાઉન્ટરવાળાએ ફરી ભૂલી ન જાય તે સુચના આપી, સ્યુટની ચાવી આપી.

રૂમમાં પહોચી દરવાજો બંધ કરતા ભાવેશે ખુશ્બુને પોતાની બાહોમાં આલિંગનબધ્ધ કરી દીધી. 'ડીયર, હવે આપણે મેરેજ ક્યારે કરવા છે?' ખુશ્બુએ પુછયું.

'હું પણ મારી વાઈફ ભાર્ગવીથી કંટાળી ગયો છું. છેલ્લા ત્રણ વરસથી તે ભક્તિ, પુજા અને આરતીમાં એટલી મગ્ન બની ગઈ છે કે તેને લવ કે રોમાન્સ યાદ આવતા જ નથી. આખો દિવસ દર્શન અને પૂજામાં જ વ્યસ્ત રહે છે. હું છૂટાછેડાનું જ વિચારું છું.' ભાવેશે વધારે પ્યાર જતાવતાં ખુશ્બુને કહ્યું.

'તમારી વાઈફ ભાર્ગવી પહેલેથી જ ભગત છે ? એને સંસારમાં રસ જ નથી.' ખુશ્બુને નવાઈ લાગી 

'ના, ના, પહેલા તો અમારો સુખી સંસાર હતો. પણ છેલ્લા ત્રણ વરસથી જ તેનું વલણ બદલાઈ ગયું છે.'  ભાવેશ ગુસ્સે થતા બોલ્યો. 

'શું થયું હતું એ વખતે ?' ખુશ્બુએ નવાઈ પામતાં પુછયું.

'ત્રણ વરસ પહેલા ભાર્ગવી તેના કોલેજના કરોડપતિ ફ્રેન્ડ રૂપેશ રૂપાણીને મારી ઓળખાણ કરાવવા લાવી હતી. કરોડપતિ રૂપેશ ડ્રોઈંગરૂમમાં આવતા જ ઈમ્પોર્ટેડ મર્લબ્રો સીગરેટ પીવાનું શરૂ કર્યું હતું. તેની સ્મેલ બહુ જ સ્ટ્રોંગ અને ટીપીકલ હતી.' ભાવેશે નિરાશ થતાં કહ્યું.

'મને બન્નેનું વર્તન અજુગતું શંકાસ્પદ લાગતા, ભાર્ગવીને તેને મળવાની અને ઘરે બોલાવવાની જ મનાઈ ફરમાવી દીધી. ભાર્ગવીએ મારી સાથે ઝગડો કર્યો, બસ ત્યારથી 

તે ભક્તિમાં ચડી ગઈ. મારા માટે તેની પાસે ટાઇમ જ નથી, આવા લગ્નને શું કરવાના ?' ભાવેશે યાદ કરીને આખો ઈતિહાસ ખોલી દીધો. 

'પણ તેનો રસ કેમ ઉઠી ગયો, સંસાર જીવનમાંથી ?' ખુશ્બુને નવાઈ લાગી.

'એ જ તો ખબર પડતી નથી. પણ મને છૂટાછેડા મળી જાય એટલે બસ.' કહીને ભાવેશે આખો દિવસ અને આખી રાત ખુશ્બુ સાથે સંતુષ્ટ થાય, ત્યાં સુધી આનંદ કર્યો.

બીજા દિવસે વહેલી સાંજે બન્ને પોતપોતાને ઘરે જવા તૈયાર થઇ ગયા.

ખુશ્બુને એસ. જી. હાઈવે પર ઉતારી ગુડબાય કીસ કરી, ભાવેશ પોતાના બંગલે પહોચ્યો ત્યારે સાંજના સાડા સાત થઇ ગયા હતા. ભાર્ગવી સંધ્યાપુજા અને આરતી કરી રહી હતી.

'આવી ગયા બોમ્બેથી, કામ થઇ ગયું.' તેણે ભાવેશને જોઈ પુછયું.

'હા, બધું જ કામ સારી રીતે પતી ગયું છે.' ભાવેશ ખુશ થતા બોલ્યો. તેને પત્નીને બનાવીને કેટલો બધો આંનદ કર્યો, તેના જ વિચાર આવતા હતા. આવી સાવ રસ વગરની ડફોળ પત્નીથી તો છુટા થવું જ વધારે સારૂ.

તે બેગ મૂકી બેડરૂમમાં ગયો. બારણું ખોલતાં વેત જાણીતી માલબ્રો સિગારેટની વાસથી તેનું નાક ભરાઈ ગયું. તે ઉત્તેજીત થઇ બધું ફંફોસવા લાગ્યો, ત્યાં બેડ નીચેથી બે માલબ્રોના ઠુંઠા મળતાં તે સહેમી ગયો.

'મારી ગેરહાજરીમાં તેનો મિત્ર રૂપેશ રૂપાણી આખી રાત મજા કરી ગયો લાગે છે!' વિચારતાં તે ભાર્ગવી તરફ દોડયો.

'અહીં રાત્રે કોણ આવ્યું હતું ?' ભાવેશે ગુસ્સામાં કહ્યું. 

'કોઈ નહીં.' ભાર્ગવીએ શાંતિથી પ્રસાદ આપતા કહ્યુ.

'સાચું કહે, મને ખબર પડી ગઈ છે.' ભાવેશે તેને દબાવવા પાસો ફેક્યો.

'ડીયર, ગાંધીનગરની ગ્રીન રોયલ રીસોર્ટ રૂપેશની જ છે. તેના સી.સી.ટી.વી કેમેરામાં તું અને ખુશ્બુ રંગરેલીયા મનાવતા કેપ્ચર થઇ ગયા છો. વધારે કઈ કેહેવું છે !' ભાર્ગવીનો અવાજ ઉચો થઈ ગયો.

તેરી બી ચુપ ! મેરી બી ચુપ ! ભાવેશ શું જવાબ આપે?

લાસ્ટ સ્ટ્રોક : 

અનિતીના કામ કરનારાના પણ શેર માથે સવાશેર ગુરૂ  હોય છે, એ યાદ રહે.