Get The App

આ શું કર્યું મમ્મી? .

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
આ શું કર્યું મમ્મી?                                            . 1 - image

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- મોનાની શાળામાં ખબર પડતાં તેની બહેનપણીઓએ પણ મજાક ઉડાવી.

સી.વી. આર્ટ્સ કોલેજની કેન્ટીનમાં ફાઇનલ યર બી.એ.ની છોકરીઓ ચ્હા કોફી પીતાં મજાક મસ્તી કરી રહી હતી.

'મનીષા, તારે ડાઈપર બદલવાની પ્રેક્ટિસ કરવાની છે, ખબર છે ને.' માનુનીએ જોરદાર ઠહાકો લગાવતા વાત શરૂ કરી.

'શું વાત કરે છે ? અત્યારથી મનીષા માં બનવાની છે કે શું ?' તેની બીજી બહેનપણી હસતાં હસતાં બોલી.

'ના ના, એ પોતે નહીં, તેની મા પ્રેગ્નન્ટ છે, કાલે રાત્રે જ મને તેના પાડોશી પાસેથી જાણવા મળ્યું.' માનુનીએ તાલી દેતાં કહ્યું.

'શું વાત કરે છે ? બેટીને પરણાવવાની ઉંમરે મા પ્રેગ્નેન્ટ બની ?' બધાએ જોરથી હસતાં હસતાં તાળીઓ પાડી. અવાજ સાંભળી મનિષાનો બોયફ્રેંડ મિહિર પણ આવી ગયો. તેણે આખી વાત સાંભળી અને મનીષા સામે પ્રશ્નાર્થ દ્રષ્ટિથી જોઈ ચિડાઈને જતો રહ્યો.

મનીષા શરમથી પાણી પાણી થઈ ગઈ. તેને તેના માતાપિતા ઉપર સખત ગુસ્સો આવ્યો, પછીના પીરિયડમાં તેનું મન ગુસ્સાથી ભરેલું હોવાથી કંઈ જ  ધ્યાન ના આપ્યું.

ઘેર જતાં વેંત તેણે મમ્મીને બૂમ પાડી. 'મમ્મી, તમે આ ઉંમરે શું કર્યું ? દીકરા માટે છેક બેંતાલીસ વરસે પ્રેગ્નન્ટ થઈ, તે ખબર નથી પડતી. આજે કોલેજમાં મારી બહુ જ બેઈજ્જતી થઈ, તમને બંનેને અમારા ભવિષ્યનો કોઈ વિચાર ના આવ્યો ? મોના પણ બારમાં ધોરણમાં આવી ગઈ છે, અને ઘરમાં ઘોડિયું બંધાય તો કેવુ લાગે ?  હવે અમે બંને તારી સાથે વાત નહીં કરીએ.' કહેતા મનીષા રડવા જેવી થઈ ગઈ. 

'ના, બેટા ના, અમારી દીકરાની કોઈ ઇચ્છા નહોતી. અમે સાવધાની પણ રાખી હતી, પણ અંદર કોન્ડોમ ફાટી જાય તો શું કરવું ?' માતા માધવીબેને શરમાતા શરમાતા પોતાની દીકરી આગળ સાચી વાત રજૂ કરી. 

'ખબર પડી કે તરત અમે ડોકટર પાસે એબોર્શન માટે ગયા હતા, પણ વધારે મહિના થઈ ગયા હોવાથી મારી જિંદગીનું જોખમ હતું, તેથી અમારે ના છુટકે વિચારીને પ્રેગ્નન્સી ચાલુ રાખવી પડી.' કહેતા માધવીબેન પણ રડમસ થઈ ગયા.

મોનાની શાળામાં ખબર પડતાં તેની બહેનપણીઓએ પણ મજાક ઉડાવી.

સાંજે નોકરીથી થાક્યા પાક્યા મનોજભાઇ ઘેર આવ્યા, માધવીબેને આખી વાત કરીને બંને બહેનોના ગુસ્સાની વાત કરી.

મનોજભાઇ વિચારમાં પડી ગયા, રાત્રે જમતી વખતે તેમણે મોના અને મનીષાને સમજાવતા બધી વાત છૂટા હૈયે કરી, 'જો બેટા, તમને મમ્મીએ બધુ સમજાવેલ છે, અમને દીકરાની કોઈ ઈચ્છા જ નહોતી, હવે તમે જ નક્કી કરો, તમને તમારી મમ્મીની જિંદગી વહાલી છે કે બે-ત્રણ માણસોની મજાક. લોકો તો વાતો કર્યા કરે, આમ ખોટા ગુસ્સાનો કોઈ મતલબ જ નથી.'

બંને બહેનો ગુસ્સે થઈને ઘૃણાપૂર્વક નીચે જોતી રહી. 'આ ઉંમરે આટલું ગંદુ કામ કરતાં શરમાતાં નથી.' મનીષા વિચારી રહી હતી. 'પ્રેગ્નન્સી અટકાવી ગર્ભપાતમાં મમ્મીની જિંદગીનું જોખમ છે, પણ પહેલાથી વિચારવું તો જોઈએ ને !'

બીજા દિવસે મોના તેની સ્કૂલમાં મજાક મશ્કરી સહન કરતી રહી, વાત બધે ફેલાઈ ગઈ હતી.

બંને બહેનો શૂન્યમનસ્ક ગ્લાનિપૂર્વક વિચારતી રહી અને તેમણે ખાવાપીવાનો બહિષ્કાર કરી, માતાપિતા સાથે બોલવાનું બંધ કરી દીધું.

માધવીબેન અને મનોજભાઇ દ્વિઘામાં મુકાઇ ગયા. એક દિવસ ખાધાપીધા વગર પસાર થઈ ગયો.

બીજા દિવસે બંને બહેનો તેમના ફેમિલી ડોક્ટર પાઠક સાહેબ પહોંચી. બંનેને જોઈ ડોકટરે પૂછયું, 'બંનેને શું થયું ? બતાવવા આવ્યા છો ?'

મનીષાએ ઘૃણાથી પૂછયું, 'ડોક્ટર અંકલ, અમારાં મમ્મી પપ્પાને આ ઉંમરે ગંદુ કામ કરતાં શરમ નથી આવતી,. તમે ગર્ભપાતની ના કેમ પાડી ?'

તે બંનેને તો માબાપ બેંતાલીસ વરસની ઉંમરે પણ ઘરડાં લાગતાં હતા, તેથી તેમને સગર્ભા થવાનું કામ જ ગંદુ લાગતું હતું.

ડોક્ટર તેમની વાતની ગંભીરતા અને ગુસ્સો સમજી ગયા. તેમણે સમજાવતા કહ્યું, 'જો બેટા, તમારા મમ્મી પપ્પા પરણેલા છે, સમજુ છે, દીકરા માટે નહીં પણ અનાયાસે ગર્ભ રહી ગયો છે, હવે ઓપરેશનમાં તમારા મમ્મીની જાનનું જોખમ છે, તેથી મેં જ ના પાડી અને પ્રેગ્નન્સી ચાલુ રાખવાની સલાહ આપી છે.'

બંને બહેનો વિચારમાં પડી ગઈ. ઘરે પહોંચીને એક રૂમમાં બંધ થઈ ગઈ. ન કાઇં ખવાપીવાનું કે ન કાઇં બોલવાનું.

એક દિવસ પૂરો થઈ ગયો. માધવીબેન અને મનોજભાઇ દુ:ખી થઈ ગયા, કરવું શું ? માધવીબેનને પણ ખોરાક ગળે ઉતરે કઈ રીતે ? રાત પડી ગઈ, ખાવાનું લઈ નબળા પડી ગયેલા માધવીબેન બંને દીકરીને મનાવવા ગયા, બંને દીકરીઓ બે દિવસથી ખાધાપીધા વગર હતી, એટલે માધવીબેને બન્ને દીકરીઓને ભાવતા સમોસા અને કચોરી બનાવ્યા હતા.

પ્રેગ્નન્સી અને નબળાઈને લીધે માધવીબેનને ચક્કર આવવાથી પડી ગયા. ડીશમાંથી ગરમ સમોસા અને કચોરી વેરાઈ ગયા.

'અરેરે ! અમો માંબાપને તિરસ્કારી નકારી રહ્યા છીએ, પણ માં તો અમારી તબિયત માટે અમને પસંદનું ખાવાનું લઈને આવી તેમાં પડી ગઈ. કુદરતી બીના માટે બંનેને દોષ કઈ રીતે દઈ શકાય ?' વિચારીને મનીષા માને મદદ કરવા દોડી, મોના પણ મમ્મીને ઊભી કરવા લાગી.

'અમને માફ કરી દે મમ્મી, અમે લોકોના બહેકાવામાં અને મજાકને લીધે ખોટા રસ્તે ચડી ગયા હતા. આમાં તમારો કોઈ દોષ જ નથી.' કહેતા મનીષા રડી પડી. 

માધવીબેનની આંખમાંથી હર્ષના અશ્રુ વહેવા લાગ્યા. મનોજભાઇ પણ આ સાંભળી ખુશ થઈ ગયા. બંને દીકરીઓને ખરા દિલનો પસ્તાવો થતાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. 

બંને દીકરીઓ સગર્ભા માતાની દિલથી સંભાળ લેવા માંડી. તેના આરામ અને ખોરાકનું બરાબર ધ્યાન રાખી દિલથી સેવા કરી.

પૂરા દિવસે માધવીબેને તંદુરસ્ત બાબાને જન્મ દીધો. લોકોને જે કહેવું હોય તે કહે પણ બંને બહેનો તો મોડે મોડે પણ રાખડીનો બાંધનારો ભાઈલો પામી ખુશખુશાલ બની ગઈ.

માધવીબેન અને મનોજભાઈની આંખોમાં હર્ષના આંસુ રોકાતા નહોતા.