- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- લાગણી અને બુદ્ધિ બંને પુષ્કળ તાકતવર છે અને તમારે આ બંને તાકાત એકબીજાથી વિરુદ્ધ નહીં પણ એક જ દિશામાં કામ કરે એવી કળામાં પારંગત થવાનું છે.
મેં અવારનવાર લખ્યું છે કે આપણે આપણા વિચારોનું પરિણામ છીએ. આ વિચારોને આધારે આપણે કરેલી પસંદગીઓ દ્વારા આપણું જીવન ઘડાય છે. તમારા વિચારો મચડીને કે પ્રભાવિત કરીને અન્ય કોઇ તમારા જીવન માટે પસંદગીકાર ના બની જાય એ માટે તમારે સતર્ક રહેવું પડે. જો ના રહ્યા તો, ઈચ્છા મુજબનું ના જીવ્યાનો અફસોસ સમય સમય પર તમને કોરી ખાતો રહેશે. વિચારો તમારું ઘડતર કરે છે અને જીવનને આકાર આપે છે, પરંતુ આ વિચારોને તમારી બુધ્ધિ અને લાગણીઓ આકાર આપે છે. આ બંને તમારા વિચારોને બળ અને દિશા આપતા મુખ્ય પરિબળો છે. જ્યાં લાગણી અને બુધ્ધિ વચ્ચે સમન્વય છે ત્યાં વિચારોમાં સ્થિરતા, સ્પષ્ટતા અને દ્રઢતા હોય છે. પરંતુ, જયાં લાગણી અને બુધ્ધિ વચ્ચે વિખવાદ છે ત્યાં વિચારોમાં અસ્થિરતા, મૂંઝવણ અને નબળાઈ હોય છે. ગત સપ્તાહે હું વાત કરતો હતો કે વિચારોની કે મનની સ્વસ્થતામાં આ જોડીની મુખ્ય ભૂમિકા છે, જ્યાં આ બંને વચ્ચે સુમેળ છે ત્યાં મન શાંત, સુખી અને સ્વસ્થ છે. જ્યાં આ બંને વચ્ચે સંઘર્ષ છે ત્યાં મન અશાંત, દુખી અને અસ્વસ્થ છે. વાસ્તવમાં તમારા મનની સ્થિતિનું સંતુલન જાળવવા કે તમારા મૂડનું મેનેજમેન્ટ કરવા લાગણી અને બુદ્ધિ વચ્ચે તંદુરસ્તીનું વાતાવરણ જળવાવું જોઈએ. લવ અને લોજિક વચ્ચે ભાઈબંધી હોવી જોઈએ, જેટલી એમની ભાઈબંધી પાક્કી એટલી તમારી આંતરિક સ્થિરતા વધારે! ચાલો આજે આ ભાઈબંધીને પાક્કી કેવી રીતે કરવી તેની વાત કરીએ.
પહેલી વાત તો એ કરી દઉં કે મનની સ્થિરતાનો આધાર લાગણી અને બુધ્ધિના સંતુલન પર છે, આપણને બંનેની જરૂર છે અને તે પણ યોગ્ય પ્રમાણમાં. બેમાંથી એકનો પણ અતિરેક કે ઊણપ, મનને ઉચાટમાં રાખી શકે, અસ્વસ્થ કરી શકે. વાસ્તવમાં લાગણી અને બુધ્ધિ એકબીજાના પૂરક છે,વિરોધી નથી. બીજા અર્થમાં કહું તો એક જ રેખાના આ બે અંત્ય બિંદુઓ છે, આપણે મનની સ્થિરતા જાળવવા આ રેખામાં મધ્ય બિંદુની નજીક રહેવું પડે. લાગણી અને બુધ્ધિ વચ્ચે જેટલું સંતુલન વધારે તેટલા તમે મધ્ય બિંદુ તરફ અને તેટલું તમારું મન સ્થિર, શાંત.
હવે મઝાની વાત કહું, લાગણી અને બુધ્ધિ વચ્ચે મૈત્રી મજબૂત કરવી હોય તો બુધ્ધિને વહેતી રહેતી લાગણીઓને કાબૂમાં રાખતાં આવડવી જોઈએ અને લાગણીઓને તર્કબદ્ધ દલીલો કરતી બુધ્ધિને સમજાવતાં આવડવું જોઈએ. વહેતી રહેતી લાગણીઓ પર બુધ્ધિ કેવી રીતે કાબૂ ધરાવી શકે?! સહેલો અને જડતાભર્યો રસ્તો છે લાગણીઓને દબાવી દેવાનો, ભલે પછી ગમે ત્યારે વિસ્ફોટ થાય! અને, વિસ્ફોટ તો થવાનો કારણ કે મનમાં દબાયેલી લાગણીઓ કો'કની કો'ક રીતે વ્યક્ત તો થવાની જ. વાસ્તવમાં લાગણીઓને તેના સાચા સ્વરૂપમાં સ્વીકારવી અને સમજવી અત્યંત જરૂરી છે. બુધ્ધિ આ કામમાં તમને મદદ કરી શકે એમ હોય છે કારણ કે તેનું ઉદ્ગમસ્થાન શોધવાની અને તેનું પૃથ્થકરણ કરવાની ક્ષમતા એની પાસે છે. લાગણીઓનો પ્રતિભાવ ભલે તમે લાગણીઓથી જ આપો પણ એની સ્ટ્રેટેજી તો બુધ્ધિથી નક્કી કરવી પડે ને?! લાગણીઓને સમજ્યા વગર જ એનો પ્રતિભાવ આપો તો એ બધો ઉપરછલ્લો તમાશો થાય, બાકી ઊંડાણ તો પાક્કી તાર્કિક સમજણથી જ પેદા થાય છે. લાગણીઓના યોગ્ય સંચાલનની ક્ષમતાના માપ જેવો લાગણી આંક (ઈક્યુ - ઈમોશનલ ક્વોશન્ટ) પણ બુધ્ધિની મદદથી જ મજબૂત બનાવી શકાય છે.
તાર્કિક દલીલો કરતી રહેતી બુધ્ધિને લાગણીઓ કેવી રીતે સમજાવી શકે?! સાવ સાચી વાત તો એ છે કે બુધ્ધિને સમજાવવાનું લાગણીઓનું કામ નહીં, હા પરંતુ વ્યક્તિત્વમાં અમુક બાબતો વિકસાવવાથી વધુ પડતી તાર્કિકતાને વાળી શકાય છે જેમ કે, સર્જનાત્મકતા વિકસાવવી, પ્રેરણાદાયી પ્રવૃતિઓ કરવી, આંતરદ્રષ્ટિ કેળવવી, સંપર્કો બનાવવા વગેરે. આ બધી જ બાબતો બૌદ્ધિક છે પરંતુ લાગણીઓના સહકાર વગર તેમને કેળવી શકાય એમ નથી.
ચૂંટણીઓ દરમ્યાન બહુ ચગતું રહેતું 'ડબલ એન્જિન' આપણા મન પાસે પણ છે, લાગણી અને બુધ્ધિનું ડબલ એન્જિન, આ બંને આપણા મનને ચલાવે છે. આ બંને વચ્ચે સંતુલિત સમન્વય જળવાયેલો રહે અને વધુ મજબૂત બને એ માટે અમુક મહાવરા તમારે તમારા રુટિનમાં સમાવી લેવા જોઈએ. આ પૈકી સૌથી મહત્વનો મહાવરો છે 'માઇન્ડફુલનેસ', વર્તમાનમાં રહેવાની અને કોઈપણ બાબતને જજમેન્ટલ બન્યા વગર સાક્ષીભાવે જોવાની કળા. આ કળા તમને તમારા તર્ક અને લાગણીઓને તટસ્થ રીતે જોવાની રીત શીખવે છે. જેના કારણે કોઈપણ બાબત પ્રત્યે તમારો અભિગમ સંતુલિત થતો જાય છે. એવો જ બીજો મહાવરો છે તમારા ઇમોશનલ ટ્રિગર્સને ઓળખવાનો, કઈ બાબતો તમારી લાગણીઓ ભડકાવી શકે છે એ બુદ્ધિપૂર્વક સમજવું અત્યંત જરૂરી હોય છે. આ ટ્રિગર્સ સાથે કેવી રીતે કામ પાર પાડવું એ તમને તમારી બુધ્ધિ શીખવી શકે છે અને તમે વધુ સ્થિરતા કેળવી શકો છો. અન્ય લોકોની લાગણીઓ સમજવી અને તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખવી એ સરવાળે તમારી લાગણીઓને સંતુલિત કરતી બાબત છે. છેલ્લે મારે એક વાત ભારપૂર્વક એ કહેવી છે કે આપણા મનની રોજિંદી
મૂંઝવણો, અનિર્ણાયકતા, નાના-મોટા ઘર્ષણ વગેરે પાછળનું મૂળ કારણ લાગણી અને બુધ્ધિ વચ્ચેનો સંઘર્ષ છે. જો આ બે ઘટકોને સંતુલનમાં રાખીને જીવતા ના આવડયું તો જીવનમાં વિના કારણ ઉચાટ, ઉદાસી અને અસંતોષ રહેશે. લાગણી અને બુધ્ધિ બંને પુષ્કળ તાકતવર છે અને તમારે આ બંને તાકાત એકબીજાથી વિરુદ્ધ નહીં પણ એક જ દિશામાં કામ કરે એવી કળામાં પારંગત થવાનું છે.
પૂર્ણવિરામ
દિલ પાસે આવેગો છે, દિમાગ પાસે કારણો છે!


