Get The App

ઓનલાઇન જુગાર કે સટ્ટાખોરીની આદતમાંથી છુટકારો કેવી રીતે મળે?!

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
ઓનલાઇન જુગાર કે સટ્ટાખોરીની આદતમાંથી છુટકારો કેવી રીતે મળે?! 1 - image

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- પૈસા કમાવાની લાલચથી શરૂ થયેલી વાત ગુમાવેલા પૈસા પાછા મેળવવાની જીદ સુધી પહોંચી જાય ત્યારે ઓનલાઇન ગેમિંગ, જુગાર કે સટ્ટો વધુ ગંભીર સમસ્યામાં બદલાતો જાય છે

આ પણી આજની વાતના સંદર્ભમાં એક વાર્તા કહું અને પછી મૂળ વાત. હિમાલયની તળેટીમાં એક ચમત્કારિક સરોવર હતું, જે એમાં ડૂબકી મારે તેનો ઉદ્ધાર થઈ જાય અને તે ઉચ્ચ કોટીમાં પરિવર્તિત થઈ જાય. પરંતુ, આ સરોવરમાં ડૂબકી લગાવવા સુધી પહોંચવું દુર્ગમ હતું અને તેથી માણસો એનાથી અજાણ હતા. એકવાર એક વ્યક્તિ હિમાલયની ખીણોમાં ભટકતો ભટકતો ત્યાં પહોંચી ગયો અને સફરનો થાક ઉતારવા સરોવરમાં ડૂબકી લગાવી બેઠો. સરોવરમાં ડૂબકી મારતા જ એની કાયાપલટ થઈ અને એ દૈવી સ્વરૂપમાં બદલાઈ ગયો! દૂર એક ઝાડ પર બેઠેલું વાંદરાનું જોડું આ ઘટના જોઈ રહ્યું હતું. તેમણે એકબીજા સામે જોયું, બંનેની આંખોમાં આશ્ચર્ય હતું. વાંદરીએ કહ્યું 'તમે જોયું?! આ સરોવરમાં ડૂબકી મારતા જ પેલો માણસ એકદમ બદલાઈ ગયો, તેજસ્વી સ્વરૂપમાં આવી ગયો!'

વાંદરો માથું ધુણાવતા બોલ્યો 'હા, હું પણ એ જોઈને તારી જેમ જ વિચારી રહ્યો છું'. બંનેની આંખોમાં એક તોફાની ચમક આવી અને બંનેએ દોટ મૂકી, ને માર્યો ભૂસકો સરોવરમાં! ચમત્કાર તો થવાનો જ હતો, બંને ક્ષણભરમાં મનુષ્ય થઈ ગયા, જાણે સુંદર રાજકુમાર-રાજકુમારી! બંને એકબીજાને જોઈને અને પોતાનું પ્રતિબિંબ સરોવરના પાણીમાં જોઈને અત્યંત રોમાંચિત થઈ ગયા. 'વાહ! આપણે મનુષ્ય તો થઈ ગયા પરંતુ પેલા મનુષ્ય જેવું દૈવીરૂપ મળે તો વધુ મજા આવી જાય. ચાલ, ફરી એકવાર ડૂબકી લગાવીએ' 

'ના ના, આપણે તો વર્ષોથી વાંદરા હતા અને આજે જ મનુષ્ય થયા છીએ, તો થોડા વર્ષો મનુષ્ય તરીકેની મજાઓ પણ કરી લઈએ ને'વાંદરીએ નકાર ભણતા કહ્યું. બંને વચ્ચે ઘણી ચર્ચા ચાલી અને એકબીજાની દલીલો ઉગ્ર બની. યુગલોના મતભેદો અને દલીલોની ઉગ્રતામાં ઘણીવાર સાથીઓ ના બોલવાનું બોલી બેસે કે ના કરવાનું કરી બેસે એવી રીતે મનુષ્ય બનેલા વાંદરાએ પાછી સરોવરમાં ડૂબકી મારી દીધી! ચમત્કાર તો નક્કી જ હતો પણ આ વખતે આશ્ચર્યજનક પણ હતો, મનુષ્ય બનેલો વાંદરો પાછો વાંદરો જ બની બેઠો! 'લે, મારું માન્યું હોત તો આપણે મનુષ્ય તરીકે મજા કરત પણ હવે એ શક્ય નથી' યુવતી બની ગયેલી વાંદરી ત્યાંથી જવા માંડી. 

'અરે ઊભી રહે, ફરી પાછો ડૂબકી લગાવીને મનુષ્ય થઈ આવુ' વાંદરાએ બૂમ પાડી. યુવતીએ સામી બૂમ લગાવીને કહ્યું 'ફરી ડૂબકી મારતા પહેલા વિચારજે, આ સરોવર ચમત્કારિક છે અને એમાં આગળ શું થશે એની જાણકારી આપણને નથી' માને તો વાંદરો શેનો?! એણે તો ફરી ડૂબકી લગાવી અને ચમત્કાર - ગધેડાનો અવતાર! લો હવે ડાળે-ડાળે કૂદવાની, ફળો ખાવાની આઝાદી પણ ખતમ. યુવતી તો દેવ બની ગયેલા પુરુષની દાસી બનીને આગળ વધી ગઈ અને વાંદરો જુદી-જુદી શક્યતાઓ વિચારતો, જુદા-જુદા સમયે ડૂબકી મારતો ત્યાં જ એક ચક્કરમાં અટવાઈને રહી ગયો. 

મને આ વાર્તા ઓનલાઇન ગેમિંગ, ટ્રેડિંગ-ઇન્ટ્રા ડે, વિવિધ સટ્ટાબાજી વગેરેના વ્યસનના સંદર્ભમાં યાદ આવી છે. ચાર દાયકા દરમ્યાન મારા કન્સલ્ટિંગ રૂમમાં મેં આવા અનેક વ્યસનીઓની કબૂલાતો સાંભળી છે. સામાન્ય લાગતા આ ચહેરાઓ પાછળ વ્યસનના સામાન્ય છેતરામણીથી માંડીને વિનાશક ચહેરાઓ મેં જોયા છે. 'થોડું વધારે' મેળવી લેવાની લાલચથી શરૂ થયેલી યાત્રા ક્યારે'ય ના ભરાય તેવી ખાઈમાં ઉતરતી જોઈ છે, પછી એ સ્ટોક માર્કેટ હોય, કોમોડિટી કે ક્રિપ્ટો હોય, કિંમતી ધાતુઓ હોય, મોબાઇલ કે ઓનલાઇન ગેમ્સ હોય, ક્રિકેટ-ફૂટબોલનો સટ્ટો હોય કે પત્તા-કેસિનોનો જુગાર હોય! સામાન્ય લોકો માટે આ પૈસા કમાવાનો લોભ માત્ર હોઈ શકે પરંતુ હું માનું છું કે લોભ તો શરૂઆત છે પણ મૂળ વળગણ તો કમાયા પછી વધુ મેળવવાની ઘેલછા અને ગુમાવ્યા પછી બહાર નહીં નીકળી શકવાની મજબૂરીના કારણે હોય છે. પૈસા કમાવાની લાલચથી શરૂ થયેલી વાત ગુમાવેલા પૈસા પાછા મેળવવાની જીદ સુધી પહોંચી જાય ત્યારે ઓનલાઇન ગેમિંગ, જુગાર કે સટ્ટો વધુ ગંભીર સમસ્યામાં બદલાતો જાય છે. પૈસાના જુગાર સાથે સંકળાયેલી કોઈપણ પ્રવૃત્તિ વ્યસન બની જાય તેની પાછળનું આ તથ્ય છે. આ પ્રવૃત્તિઓમાં કમાનાર કરતા ગુમાવનારની વ્યસની બનવાની શક્યતાઓ અનેકગણી વધુ રહે છે એવું મારું તારણ છે. કારણ કે, આપણે પૈસાને જાણે-અજાણે આપણી આવડત કે ઓળખ સાથે જોડીને રાખીએ છીએ અને જ્યારે પૈસા ગુમાવી છીએ ત્યારે દોડ શરૂ થાય છે, ગુમાવેલા પૈસા પાછા મેળવવાની, આવડત સાબિત કરવાની, ગુમાવેલી ઓળખ પાછી પ્રાપ્ત કરવાની! રમત તરીકે શરૂ થયેલી બાબત હવે એક ખતરનાક પીછો(ચેઝ) બનતી જાય છે! નુકસાન સ્વીકારવું એ તો નિષ્ફળતા કે હાર સ્વીકાર્યા જેવું છે, પોતાની સેલ્ફ-ઇમેજને પડકાર છે, હવે ગુમાવેલું પાછું મેળવવું એ કોઈ ઉપલબ્ધિ નથી સેલ્ફ-ઇમેજ ટકાવી રાખવા માટેની મજબૂરી છે. હવે વ્યક્તિનો દાવ રમત પર નહીં પરંતુ પોતાના ગુમાવેલા પૈસા અને સેલ્ફ-ઇમેજ ઉપર લાગી રહ્યો હોય છે. સરવાળે ગણતરીઓ ઊંધી પડવાની અને નુકસાન વધવાની શક્યતાઓ વધતી જાય - પૈસા ડૂબવાનું ચકરડું જોરથી ફરવા માંડે અને સાથે ગુમાવેલું પાછું મેળવવાની 

ઘેલછા પણ! બસ એક છેતરામણી આશા, એક સબળો દાવ અને ગુમાયેલા પૈસા-ઈજ્જત-ઓળખ બધું પાછું!! આપણી વાર્તાના વાંદરાની જેમ ફરી ફરીને ડૂબકી... 

એક જમાનો હતો કે લોકોને આવો જુગાર રમવા સ્વયં જવું પડતું હતું પણ હવે તો ઘર બેઠા, હાથના અંગૂઠે સવલતો ઉપલબ્ધ છે પરિણામે સમસ્યા વધુ ગંભીર બની છે અને નુકસાની ઘણી મોટી થઈ ગઈ છે. ઓનલાઈન એપ્સના સ્માર્ટ અલ્ગોરિધમ્સે બાકી રહેલી કસર પણ પુરી કરી નાખી છે એટલે જ્યાં સુધી તળિયા ઝાટક ના થઈ જાય ત્યાં સુધી લૂંટાયે જ છૂટકો! 

મારી સારવાર દરમ્યાન અનેક વ્યસનીઓ અને તેમના સગાઓએ મને પૂછયું છે કે આમાંથી બહાર ક્યારે અવાય?! મેં હંમેશા કહ્યું છે કે જે ક્ષણે તમને એ સમજાઈ જાય કે ગુમાવેલા પૈસા ક્યારેય પાછા નહીં આવે ત્યારે! તમારે ગુજરી ગયેલા સ્વજનની જેમ ગુમાવેલા પૈસાનો શોક મનાવીને તેના માનસિક અંતિમ સંસ્કાર કરી લેવા જોઈએ.' મારા અનુભવમાં, ટર્નિંગ પોઈન્ટ ત્યારે જ આવે છે જ્યારે વ્યસની 'મારા પૈસા કેવી રીતે પાછા મેળવી શકું?' પૂછવાનું બંધ કરે છે અને આંખોમાં આંસુ સાથે પૂછવાનું શરૂ કરે કે 'હું મારું જીવન કેવી રીતે પાછું મેળવી શકું?' જીવનમાં દરેક વખતે ગુમાવેલું પાછું મેળવવાથી જ શાંતિ મળે એવું નથી હોતું, ક્યારેક એને જતું કરી દેવામાં વધુ શાંતિ મળતી હોય છે! 

પૂર્ણવિરામ:

ગુમાવેલું પાછું નથી મળતું પરંતુ જે ક્ષણે તેનો પીછો કરવાનો છોડી દો તે જ ક્ષણે શાંતિ ચોક્કસ પાછી મળે છે!