Get The App

આજના સંબંધોમાં જોડાણ કરતા થાક કેમ વધુ અનુભવાય છે?

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
આજના સંબંધોમાં જોડાણ કરતા થાક કેમ વધુ અનુભવાય છે? 1 - image

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- આજે આપણે સંબંધોમાં 'નિસ્વાર્થપણું' ગુમાવતા જઈએ છીએ.

ગ ત સપ્તાહે આપણે, એક સમયે આપણી સપોર્ટ સિસ્ટમ ગણાતા સંબંધો, આજે ભારરૂપ અને માનસિક રીતે થકવી નાખનારા કેમ બનતા જાય છે તે વિષયની વાત કરી રહ્યા હતા. ચાલો વાત આગળ વધારીએ.

'વોટ્સએપ પર તમને અકળાવનારી કોઈ એક બાબત કહો' મને એકવાર ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું. આમ તો વોટ્સએપ પર અકળાવનારી ઘણી બાબતો અને આદતો છે પણ એ વખતે તાત્કાલિક જવાબ સુઝ્યો 'મેસેજ કર્યા પછી તરત ના જોયો હોય કે જવાબ આપ્યો ના હોય તો પ્રશ્નાર્થ (?) મોકલવો' ઘણા લોકોને એવું હોય છે કે એ મેસેજ કરે કે તરત જ આપણે જોવો જોઈએ અને જો જોઈ લીધો તો તરત જવાબ આપવો જ જોઈએ, જો ના જોયો કે જવાબ ના આપ્યો તો થોડીક જ ક્ષણોમાં ફોલો-અપ મેસેજ તરીકે પ્રશ્નાર્થ- '??' ઠોકી દે. સામેવાળી વ્યક્તિ કોઈ કામમાં અટવાયેલી હોય કે એની પણ કોઈ પ્રાથમિકતા હોય એવું આ વ્યક્તિઓ કદાચ વિચારી જ નહીં શકતી હોય અને એમાં'ય જો તમે તેની સાથે રિલેશનશિપમાં હોવ તો તો આ ખૂબ મોટો ઇસ્યુ પણ બની જઈ શકે ! એક સમય હતો કે, ધીરજ અને અન્યનું વિચારવું એ કોઈપણ સંબંધના પ્રાથમિક ગુણધર્મો હતા. સમયની સાથે સંબંધોમાં વ્યક્તિઓની વિચારસરણી અને સમજ ઘણી બદલાઈ ગઈ છે. એક સમયે સાથીઓ સમજી-સ્વીકારી શકતા કે બીજી વ્યક્તિ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે, સાથી બોરિંગ કે ગુસ્સેલ છે, પ્રેમમાં સહનશીલતા કસોટીરૂપ છે વગેરે અને આજે ?! આજે જે સંબંધ 'ડોપામીન કિક' ના આપતો હોય, સતત આનંદ-ઉત્તેજનાની અનુભૂતિ ના કરાવતો હોય તેને બહુ ઝડપથી 'ટોક્સિક રિલેશનશિપ'નું લેબલ લગાવીને 'ડમ્પ' કરી દેવાનું ચલણ વધતું જાય છે. કમનસીબે આજે આપણે સંબંધોમાં 'નિસ્વાર્થપણું' ગુમાવતા જઈએ છીએ. જ્યારે, આપણી માનસિકતા, જાગ્રત કે અજાગ્રત સ્તરે, સતત હિસાબ માંડતી રહે છે કે સામેની વ્યક્તિમાંથી મને 'પૂરતું' મળી રહ્યું છે ?! ત્યારે, તમે એને પ્રેમ નથી કરતા, તમે તેનો ઉપભોગ કરી રહ્યા છો. આજે સંબંધોમાં 'પ્રેમ ઓછો અને ઉપભોગ વધુ'નું વલણ વિકસિત થઈ રહ્યું છે, સ્વાભાવિક છે કે ઉપભોગ કરીને એક તબક્કે થાકી જવાય છે અને ત્યારે સંબંધ ભારરૂપ લાગવા માંડે તો નવાઈ નહીં.

તમે ક્યારે'ય વિચાર્યું છે કે આપણે ત્યાં રેસ્ટોરાં કે કોફી-શોપ્સમાં પુષ્કળ ઘોંઘાટ કેમ હોય છે ?! જવાબમાં લાંબુ લિસ્ટ બની શકે તેની ના નહીં પરંતુ મનોચિકિત્સક તરીકે મારું એક તારણ એ છે કે બધાને બોલવું છે - કહેવું છે પરંતુ સાંભળવું કોઈને'ય નથી અને સરવાળે, શોરબકોર ! હવે રેસ્ટોરાં કે કોફી-શોપ્સમાં જાવ તો અવલોકન કરજો, બોલતા કે બોલવા તત્પર હોય એવા લોકો ઘણા જોવા મળશે પરંતુ રસથી સાંભળતા હોય તેવા લોકો ઘણા ઓછા નજરે પડશે. વાસ્તવમાં દરેકને પોતાની રજૂઆત કરવી છે, ચર્ચામાં પોતાનો મુદ્દો મૂકવો છે, પોતાનો કક્કો ખરો કરવો છે પરંતુ ગંભીરતાથી અન્યનો મુદ્દો સાંભળવો, વિચારવો કે સમજવો નથી ! હવે વિચારો કે આ જ માનસિકતા બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધમાં હોય ત્યારે શું થાય ?! વાતચીતમાં બંને માત્ર પોતાનો બોલવાનો વારો આવે તેની જ રાહ જોતા હોય અથવા સામેનાને અધવચ્ચે જ કાપી નાખતા હોય અને કદાચ સાંભળતા પણ હોય તો તે જવાબ આપવા માટે, સમજવા માટે નહીં ! આ સંજોગોમાં તેમની વચ્ચે સંવાદ નથી થઈ રહ્યો, માત્ર ઘોંઘાટ ચાલી રહ્યો છે. મેં એવા અનેક યુગલો જોયા છે કે જેમની સામાન્ય વાતચીત પણ બૂમ-બરાડા જેવી હોય, બંને એકબીજાને પોતાની વાત સમજાવવાની-મનાવવાની મથામણમાં હોય. વાસ્તવમાં, સામેનાની વાત સાંભળવાની કે સમજવાની માનસિક તૈયારી વગર માત્ર પોતાની વાત સમજાવવાનો અભિગમ સરવાળે સખત થકવી નાખનારો હોય છે. એક રીતે જોવા જઈએ તો આ લાગણીઓની રસ્સાખેંચ છે, બે'ય સાથીઓ મરણિયા બનીને ખેંચે અને અંતે થાકીને ઠુસ્સ...

સંબંધોને ભારરૂપ બનાવવામાં એક મહત્વનો ફાળો આપણી ઘટી રહેલી સહનશક્તિનો પણ છે. ખાસ કરીને લાગણીઓના મુદ્દે લોકો બહુ સંવેદનશીલ અને અસહિષ્ણુ થતા જઈ રહ્યાં છે, નાની નાની બાબતોમાં લોકો હર્ટ થઈ જાય છે. સંબંધોમાં લાગણીઓના મુદ્દે યુગલો સહન કરવાની વૃત્તિ અને શક્તિ, બંને ગુમાવતા જાય છે. વાસ્તવમાં, સંબંધમાં પડતી અગવડો વેઠવાની કે અનુકૂળતાના પ્રશ્નો સહન કરવાની લોકોની માનસિક તૈયારી અને ક્ષમતા બંને ઘટતી જાય છે. આનું એક પરિણામ એ આવ્યું છે કે નાની-અમથી ગેરસમજને આપણે મોટો દગો માની લઈએ છીએ, વ્યક્તિના મૂડને તેનું ચારિત્ર્ય સમજી લઈએ છીએ, મતભેદોને વિશ્વાસઘાત ગણી લઈએ છીએ અને સંબંધમાં એના ભારથી પીડાઈએ છીએ. 'ક્વીક કોમર્સ'ના જમાનામાં રિપેર કરવા માટેની ધીરજ અને સમજ કોનામાં છે ?! બસ રિપ્લેસ કરો અને આગળ વધો !

હવે પાયાનો પ્રશ્ન, જો સંબંધોમાં 'કંટાળો' વધી રહ્યો છે અને તે ભારરૂપ બની રહ્યા છે તો શું સંબંધોનું ભવિષ્ય ધૂંધળું છે ?! ના, આપણે સંબંધોમાં અભિગમ અને દિશા બદલવાની જરૂર છે. સંબંધોને સંખ્યા નહીં ગુણવત્તા વધારવાની જરૂર છે. સંબંધોનો વ્યાપ વધારવાને બદલે ઊંડાણ વધારવાની જરૂર છે. જે સંબંધ તમને થકવે છે તે મોટાભાગે છીછરો હોય છે. મારી સલાહ બહુ સાદી છે. ફોન બાજુ પર મૂકો. જે લોકો તમારી પરવા નથી કરતા તેમના માટે દેખાડો 

કરવાનું બંધ કરો. કોણે કોના માટે શું કર્યું તેનો હિસાબ ડાયરીમાંથી ફાડી નાખો. શબ્દોની વચ્ચેના મૌનને સાંભળો. અને સૌથી મહત્વનું, એકબીજા સાથે કંટાળો આવે તો પણ સાથે બેસી રહેવાની હિંમત કેળવો.

યાદ રાખજો, સંબંધોમાં ઊંડાણ તમને ઊર્જા આપે છે અને વ્યાપ-ફેલાવો તમને ભટકાવે છે. ઊંડાણની પસંદગી કરો.

પૂર્ણવિરામ :

સંબંધમાં સંપૂર્ણતા નહીં, સાથે રહેવાની ક્ષમતા પ્રેમને જીવંત રાખે છે... આજે જે સંબંધ 'ડોપામીન કિક'ના આપતો હોય, સતત આનંદ-ઉત્તેજનાની અનુભૂતિ ના કરાવતો હોય તેને બહુ ઝડપથી 'ટોક્સિક રિલેશનશિપ'નું લેબલ લગાવીને 'ડમ્પ' કરી દેવાનું ચલણ વધતું જાય છે. કમનસીબે આજે આપણે સંબંધોમાં 'નિસ્વાર્થપણું' ગુમાવતા જઈએ છીએ.