- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- જીવનમાં માંગવું હોય તો શુભ વિચારો જ માંગો કારણ કે બાકી બધું જે કંઈ ઐશ્વર્ય છે એ તો સારા-શુભ વિચારોનું જ ફળ છે.
'ત મે કોલમના વિષયો ક્યાંથી લાવો છો?!' આવું મને ઘણા લોકોએ પૂછયું છે. હું એમને કહેતો હોંઉ છું કે વિષય મનમાં ગમે ત્યારે ઝબકે. તમે વાંચતા હોવ, જોતા હોવ, સાંભળતાં હોવ, વિચારતા હોવ કે ઘણીવાર ધ્યાનમાં બેઠા હોવ - વિચાર ઝબકે અને મગજમાં એક ગોઠવણ થઈ જાય તો વાત સર્જાઈ જાય. મને એક પ્રસિદ્ધ લેખકે કહ્યું હતું કે તેમના મોટાભાગના લેખોનું વિચાર બીજ તેમને ટોઇલેટ સીટ ઉપર બેઠા હોય ત્યારે મળ્યું છે, તેમના એટેચ્ડ બાથરૂમમાં નાનકડી ડાયરી અને પેન્સિલ હોય જ છે! મુદ્દાની વાત એટલી જ વિચાર ગમે ત્યાં, ગમે ત્યારે ફૂટે, એની પર ધ્યાન આપો તો એ વિસ્તરે અને ના આપો તો એ કરમાઈને વિલીન થઈ જાય. આમ તો આ ટચૂકડી વાત છે પરંતુ સાચા અર્થમાં સમજાઇ જાય તો જીવનમાં બહુ મોટા બદલાવ લાવી શકે. મારા મનમાં વિષય ટચૂકડી વાત તરીકે આવે છે અને પછી એના પર ચિંતન કરવાથી સર્જન થાય છે.
હમણાં મારી ગાડી રેડ સિગ્નલ પર ઉભી'તી, મારી નજર અઢી મિનિટના ટાઇમર પર સ્થિર હતી અને રેડિયો પર ગીત આવ્યું 'ગોલી માર ભેજે મેં, કે ભેજા શોર કરતા હૈ' આમ તો આ ગીત અનેકવાર સાંભળ્યું હશે પણ આ વખતે એવો સંયોગ થયો હશે કે મનમાં વિચાર ઝબક્યો, વાત તો જબરદસ્ત છે, ગોળી મારીને આત્મહત્યા કરનાર બધા જ ગોળી ભેજામાં જ મારે છે ને?! ક્યારે'ય એવું સાંભળ્યું છે કે હૃદયમાં ગોળી મારીને વ્યક્તિએ આત્મહત્યા કરી?! બાકી, મરી તો એમાં પણ જવાય જ ને?! લોકો પોતાના વિચારોથી જેટલા ત્રસ્ત હોય છે તેટલા બીજી કોઇ શારીરિક બાબતથી નથી હોતા અને ત્રાસ આપી શકે એવી અન્ય શારીરિક કે માનસિક બાબતોમાં પણ વિચારોનો ભાગ તો પાછો હોય છે જ! ટૂંકમાં, મગજમાં જો શોરબકોર હોય તો એ વિચારોનો જ હોય છે, અલબત્ત આ વિચારો ઉત્પન્ન થવા પાછળ લાગણીઓ, તર્ક, અનુભવો, સંજોગો, ઘટનાઓ વગેરે ઘણું બધું હોઈ શકે. આ બધું ભેગું થઈને ક્યારે'ક વિચારોમાં એવી ગડમથલ ઉભી કરી દે કે જેને કેટલીક વ્યક્તિઓ માટે નિયંત્રિત કરવી અશક્ય બની જાય અને વ્યક્તિ હતાશા, નિરાશા, ફ્રસ્ટ્રેશન કે ઉશ્કેરાટમાં આવીને મગજ શાંત કરવાના ચક્કરમાં જીવન શાંત કરી બેસે!
ભેજામાં ગોળી મારવાની વાતથી બીજી એક વાત એ મગજમાં આવે છે કે જીવનથી કંટાળેલ વ્યક્તિ વાસ્તવમાં મગજથી કંટાળેલી હોય છે, તેના વિચારો કે વૈચારિક પ્રતિક્રિયાઓથી કંટાળેલી હોય છે અને માટે જ લમણે બંદૂક તાકવાની હરકત તેણે કરવી પડે છે. જીવનમાં કોઇ બદલાવ લાવવો હોય તો શરૂઆત મગજથી એટલે કે મનથી કરવી પડે કારણ કે બધી ધમાલ-કોલાહલ ત્યાં જ છે. ત્યાં શાંતિ થતાં જ વિચારો, દ્રષ્ટિકોણ, સમજણ, અનુભૂતિ વગેરે બધુ જ બદલાઈ જાય છે. આમ પણ માનવ ઈતિહાસના સૌ પહેલા મનોવિજ્ઞાની એવા બુદ્ધ એમના ઉપદેશમાં કહેતા કે મન બધી જ પ્રવૃતિઓનું પુરોગામી છે, આ બધી પ્રવૃતિઓમાં મન સર્વોપરી છે અને બધું જ તેના દ્વારા છે - મનમાં બદલાવ લાવવો કેવી રીતે? મનમાં બદલાવ લાવવા માટે તેના મૂળભૂત ઘટકમાં ફેરફાર લાવવો જોઈએ અને એ મૂળભૂત ઘટક છે વિચાર. ફ્રેંચ ફિલોસોફર રેને ડેસકાર્ટનું પ્રસિધ્ધ સૂત્ર છે cogito, ergo sum - I think, therefore I am. વિચારો એ આપણા હોવાનું, આપણી હયાતીનું પ્રમાણ છે. જીવનમાં બદલાવ લાવવાની શરૂઆત આ વિચારોમાં બદલાવ લાવવાથી કરવી પડે. વ્યક્તિને ચોવીસ કલાકમાં સરેરાશ સાઇઠ હજાર વિચાર આવતા હોય છે પરંતુ એમાંથી નેવું ટકાથી પણ વધારે વિચારો એના એ જ અથવા એક જ પેટર્નમાં આવતા હોય છે. એકના એક વિચારો એક ચોક્કસ પ્રકારની કાર્યશૈલીમાં પરિણમતા હોય છે અને સરવાળે તમારી આદત બની જતા હોય છે. આ આદતો બીજું કંઈ નહીં પણ એક ચોક્કસ પ્રકારની વિચારશૈલી, વર્તન અને વ્યવહારની પેટર્ન છે જે સરવાળે તમારા ચારિત્ર્યને ઘડે છે. તમારું આ આચરણ સરવાળે તમારું ભાવિ નક્કી કરે છે. આ બધું ટૂંકું કરીને કહું તો તમારું ભાવિ બીજું કોઇ નહીં પણ તમારા વિચારો નક્કી કરે છે અને જીવનમાં તમને કોઇ નડતું હોય તો તમારા વિચારો જ તમને નડતા હોય છે. ગ્વેદમાં દશે દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત કરવાની પ્રાર્થના કંઈ એમ જ થોડી કહેવાઈ હશે?! જીવનમાં માંગવું હોય તો શુભ વિચારો જ માંગો કારણ કે બાકી બધું જે કંઈ ઐશ્વર્ય છે એ તો સારા-શુભ વિચારોનું જ ફળ છે. સારું, શાંત અને સમૃદ્ધ જીવવા માટે મનમાં વિચારોનો ટ્રાફિક યોગ્ય રીતે નિયંત્રિત થવો જોઈએ. મનનું તો કામ જ છે વિચારો પેદા કરવાનું. એ સારા-નરસા, સાચા-ખોટા, મોટા-નાના વિચારો પેદા કરતું જ રહે છે અને મનમાં આ વિચારો દોડતા જ રહેવાના, આપણે તેને મેનેજ કરવાની કળા શીખવાની છે. મન, સ્વભાવ, વ્યક્તિત્વ કે શરીરની બાયોકેમેસ્ટ્રીમાં ફેરફાર લાવવો હશે તો વિચારોને નિયંત્રિત કરતા શીખવું જ પડશે. આ માટે સૌથી મહત્વની વાત આપણા વિચારો પ્રત્યે જાગૃતિ કેળવવાની છે. હું શું વિચારું છું?! આ પ્રશ્નનો જવાબ દિવસમાં અનેકવાર મેળવવો પડશે અને તેની નોંધ રાખવી પડશે. આ નોંધ તમને તમારા વિચારો અને તેની શૈલી પ્રત્યે જાગૃત કરશે. આ જાગૃતિ તમારા વિચારો અને તેના થકી ઘડાતી તમારી માન્યતાઓ બદલવામાં તમને મદદરૂપ થશે. ભેજાંનો શોર બંધ કરવા ગોળી મરવાની જરૂર નથી, પોતાની જાત સાથે એક લોંગ ટર્મ કમિટમેન્ટ કરવાની જરૂર છે, આ માટે એક પાક્કો પ્રોગ્રામ ઘડવો પડે. આ વાત ફરી ક્યારેક...
પૂર્ણવિરામ :
અંદરના વિચારો બદલાય ત્યારે બહારનું જગત બદલાય છે!


