- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
- શરીરનું વજન જેટલું વધારે એટલો સાંધા પરનો બોજો વધુ અને પરિણામ સ્વરૂપ સાંધાનો ઘસારો વધુ
વ જન ઘટાડવાની ઘેલછામાં પાયાની ભૂલો કરી શરીરને રોગોનું ઘર બનાવી બેસતાં ભાઈઓ અને બહેનોને નીચે જણાવેલા મુદ્દા પર નજર ફેરવી લેવાની ભલામણ કરૃં છું.
(૧) સૌ પ્રથમ, કસરત - વ્યાયામ કરવા માટે તમારા શરીરની ક્ષમતા-બળ અને શરીરમાં રહેલાં જીવનપ્રદ તત્વોની માત્રા વિશે જાણવું ઘટે. જે વ્યક્તિના શરીરમાં કેલ્શીયમ, ફોસ્ફરસ અને મેગ્નેશીઅમનું પ્રમાણ ઓછું હોય એ વ્યક્તિઓને રોજ એકધારી કસરતોથી કરોડરજ્જુના મણકા, ઘૂંટણની ઢાંકણી અને ખભાની સંધિઓમાં ઘસારો પહોંચવાથી સોજો આવી દુઃખાવો થઈ શકે છે. ક્યારેક કસરત દરમ્યાન આવતાં આઘાતથી ફેકચર્સ થવા સંભવી શકે છે.
(૨) શરીરનું વજન જેટલું વધારે એટલો સાંધા પરનો બોજો વધુ અને પરિણામ સ્વરૂપ સાંધાનો ઘસારો વધુ. આવી વ્યક્તિઓ માટે તરણ, સાયકલીંગ અને બેઠાં-બેઠાં કરવાના વ્યાયામથી શ્રેષ્ઠ કોઈ કસરત નથી.
(૩) રોજીંદા ક્રમે જેમના આહારમાં પ્રોટીનનું પ્રમાણ જરૂરિયાત કરતાં ઓછું હોય, તેવી વ્યક્તિઓના સ્નાયુઓની ફલેક્સીબીલીટી ઓછી હોય છે. આવી વ્યક્તિઓને સ્ટ્રેચીંગની કસરતો કરતી વખતે સ્નાયુ તાણમાં આવી ખેંચાઈ જવાથી સોજો, દુઃખાવો અને સાંધા ખસી જવા જેવી સમસ્યા ઊભી થાય છે.
(૪) વિટામીન 'મ્-૧૨, 'ભદ અને હિમોગ્લોબીનની જેમના શરીરમાં ઉણપ હોય એવી વ્યક્તિઓ વ્યાયામ દરમ્યાન જલ્દી થાકી જતી હોય છે. આમ છતાં પણ જો વ્યાયામ ચાલુ રાખવામાં આવે તો, શરીરના કોષોને ઓછો પ્રાણવાયુ મળવાથી ક્યારેક ચક્કર અને બેશુદ્ધિ જેવા પરિણામો આવી શકે છે.
(૫) હાઈબ્લડપ્રેશરવાળી વ્યક્તિઓ જ્યારે ઉગ્રતાથી વ્યાયામ કરે છે ત્યારે રક્તનું દબાણ વધવાથી નાની-સૂક્ષ્મ રક્તનલિકાઓ (કેપીલરી) તૂટવાથી હેમરેજ (રક્તસ્રાવ) થાય છે. તો ક્યારેક પેરાલીસીસ થવા જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.
વ્યાયામ દરમ્યાન નીચેની બાબતો ધ્યાનમાં રાખજો.
(૧) ઉપવાસ કે વજન ઘટાડવા માટેના ડાયટ-પ્રોગ્રામ ચાલતા હોય ત્યારે વધુ પડતો વ્યાયામ ન કરવો.
(૨) રોજ કોઈ એક જ અંગની કસરત કે વ્યાયામ ન કરવો. પહેલા દિવસે જે અવયવની કસરત કરી હોય તે અંગને બીજા દિવસે આરામ આપવો. ત્રીજા દિવસે ફરી તે અવયવની કસરત કરી શકાય. પ્રતિદિન એક જ પ્રકારનો વ્યાયામ ન કરવો.
(૩) વ્યાયામની શરૂઆત હળવી કસરતો, સ્ટ્રેચીંગ અને વોર્મઅપથી કરવી. ત્યારબાદ સાધનોના આધારે થતાં વ્યાયામ શરૂ કરવા. શ્વાસ રોકીને કદી વ્યાયામ કરવો નહિ.
(૪) ચાલતી કે દોડતી (જોગીંગ) વખતે સ્પોર્ટ શૂઝ પહેરવા આવશ્યક છે. એમ કરવાથી પગના સાંધાને આવતાં આઘાત નીવારી શકાય છે.
(૫) વ્યાયામ શાળાઓ અને જીમમાં વજન ઘટાડી દેવા માટે આકૃષ્ટ કરતાં સ્ટીમબાથ અને સોનાબાથના વધુ ઉપયોગથી ત્વચા, વૃષણ, સ્તન અને આંખ જેવા નાજુક અવયવોને નુકસાન થઈ શકે છે. આ ટાળવા સ્ટીમબાથ કે સોનાબાથ લેતી વખતે ઠંડુ પાણી પીવુ અને આવા નાજુક
અવયવોને ઠંડા પાણીમાં પલાળેલા વસ્ત્રથી ઢાંકી રાખવા.
(૬) વ્યાયામ દરમ્યાન પરસેવો વળવાથી ક્ષારિય તત્વોના નીકાલ સાથે ડીહાયડ્રેશન થતું હોય છે. જેનાથી વ્યાયામ દરમ્યાન જો અશક્તિ વર્તાય તો ગ્લુકોઝ તથા લીંબુનું પાણી લઈ શકાય.
(૭) પ્રાણાયામ અને યોગક્રિયા જાણકારની ઉપસ્થિતિમાં કરવા હિતાવહ છે. સ્વમેળે કરેલા પ્રયત્નોથી વાયુની અવસ્થા વિપરીત થઈ શકે છે. જેનાથી હેડકી, ઉધરસ, છીંકો, ભૂખનાશ, કાનની બહેરાશ, ભ્રમ કે મૂર્ચ્છા જેવી તકલીફો થઈ શકે છે.
(૮) યુવાવર્ગમાં શરીરને સુદ્રઢ અને કસીલુ બનાવવાના ઉન્માદમાં એનાબોલીક સ્ટીરોઈડ જેવી ઔષધિઓનો ઉપયોગ લાંબા સમય સુધી કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. થાકની હદ ઓળંગી કરવામાં આવતો વ્યાયામ મૂળભૂત જીવનશક્તિનો નાશ કરે છે. પોતાના બળાબળને ઓળખ્યા પછી જ વ્યાયામ કરવો યોગ્ય છે.


