- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
- લાંબેગાળે ધીમે-ધીમે વજન ઘટાડવામાં સ્વાસ્થ્યનો શ્રેય રહેલો છે. ક્રેશ ડાયટ સ્વાસ્થ્યને અચૂક નુકસાન કરે છે
શ રીરના વજનને માપસર રાખી સ્વસ્થ રહેવું કોને નથી ગમતું ? વધુ પડતાં વજન સાથે જોડાયેલા હાઈબ્લડપ્રેશર, હૃદયરોગ, ડાયાબીટીસ અને ડિપ્રેશન વિશે તમે સભાન છો. એટલે જ તો વજન ઘટાડવા પ્રયત્નશીલ થાવ છો. તો ક્યારેક સુડોળ કે આકર્ષક દેખાવવા તમે વજન ઘટાડવાનો સંકલ્પ કરો છો. આ સારી બાબત છે.
પણ એ માટે ઝડપથી વધુ વજન ઘટાડી દેવાની ઘેલછામાં પોષણ-આહારશાસ્ત્રના નિયમોથી વિપરીત ક્રેશ ડાયટ કે સદંતર ભોજન ત્યાગી દેવા સુધીના અખતરા પોતાની જાત પર અજમાવો છો. તો ક્યારેક ઉપવાસ-એકટાણાને વજન ઘટાડવાનો કોઈ કીમિયો બનાવી દો છો. પ્રયોગવીર ભાઈઓ અને બહેનો, આમ કરતાં પહેલાં અટકો, લાંબા સમય સુધી જ્યારે તમે ખોરાક ત્યાગો છો અથવા તો પોષણના અભાવયુક્ત આહાર લો છો ત્યારે તમે શરીરની મૂળભૂત જીવનક્રિયા (સ્ઈ્છમ્ર્ંન્ૈંભ છભ્ૈંફૈં્રૂ) માં કેટલી મુશ્કેલી ઊભી કરો છો ? અન્નત્યાગથી શરીરમાં સર્જાતી સમસ્યાઓ વિશે તમને જાણકારી છે ?
બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીમાં થયેલાં અભ્યાસો અનુસાર ભૂખમરાને કારણે શરીરમાં ઊભી થતી ક્રમિક રોગાવસ્થાની સૂચિ પર નજર નાખી જુઓ. (૧) સૌથી પહેલાં તો કોષમાં રહેલાં મહત્વના કોષરસ ઘટવા માંડે છે અને ડીહાયડ્રેશનની સ્થિતિ સર્જાય છે. (૨) શરીરમાં શર્કરાના અભાવમાં રક્તચાપ (બ્લડપ્રેશર) ઘટવા માંડે અને મહત્વનાં અવયવોને લોહી ઓછું પહોંચે છે. (૩) પ્રોટીન અને એમાંથી નીપજતા એમિનોએસિડની અનુપસ્થિતિથી નવા કોષો બનવામાં અડચણ ઊભી થાય છે અને માંસપેશીઓ નબળી થાય છે. (૪) કેલ્શીયમ, મેગ્નેશીયમ અને ફોસ્ફરસ જેવા અગત્યના ખનીજો શરીરને ન મળવાથી હાડકાં નબળાં પડે છે. (૫) વિટામીન્સ જેવા જીવનપ્રદ તત્વોની ઉણપથી વિકાસક્રમ ખોરવાય છે.
આ બધી ઘટનાના પરિણામ સ્વરૂપ શરીરની રોગપ્રતિકાર શક્તિ ઘટી જાય છે અને શરીરને જાત-જાતના ચેપ (ઈન્ફેકશન) લાગવાની શક્યતા વધી જાય છે. અને આમ ક્રમશ: ચેતાતંત્ર મંદ પડે છે, નાડીની ગતિવિધિ ધીમી પડે છે, હૃદયની કામગીરી નબળી પડે છે, આંતરડા ખોરાકનું પચન કરવાની કાર્યક્ષમતા ગુમાવી બેસે છે અને શરીર ક્ષીણ થતું જાય છે.
વિશેષ કરીને જ્યારે પહેલેથી જ રોગોની અવસ્થા હોય, ત્યારે કરવામાં આવતાં ઉપવાસ કે ક્રેશ ડાયટ કેટલાં ચિંતાજનક પરિણામ લાવી શકે છે ? સૌથી પહેલાં ડાયાબીટીસના દર્દીઓ વિશે વાત કરીએ તો, રોગાવસ્થાને કારણે લેવામાં આવતી દવાઓ રક્તમાં રહેલી શર્કરા-ગ્લુકોઝના પ્રમાણને નિયંત્રિત કરતી હોય છે. દવાઓ લેવાની ચાલુ હોય અને વળી ઉપરથી કરવામાં આવતાં ઉપવાસ જોખમી થઈ પડે છે. કારણ, શરીરને રોજબરોજના કામકાજ માટે જેટલી માત્રામાં ગ્લુકોઝની જરૂર પડતી હોય છે, તે પણ ઘટી જાય છે. ગ્લુકોઝ આપણાં શરીરમાં શક્તિ માટેનો સ્તોત્ર છે. તેની અવેજીમાં આંખે અંધારા આવી અશક્તિ વર્તાય છે. ક્યારેક ચેતાતંત્ર નિષ્ક્રિય થવાથી બેશુદ્ધ થઈ કોમામાં સરી પડવા જેવી
ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. હાઈબ્લડપ્રેશરના દર્દીઓ જ્યારે દવા ચાલુ હોય અને આહાર ત્યાગી દેતાં હોય છે ત્યારે સોડિયમ જેવા મહત્વના ક્ષારનું પ્રમાણ ઘટવાથી લોહીનું દબાણ એકદમ ઘટી જાય છે. આવા સમયે વ્યક્તિને પોતાના શરીર પર નિયંત્રણ ન રહેતાં વાહન ચલાવતી વખતે પણ માણસો ચક્કર આવવાથી પડી જતાં હોય છે અને અકસ્માતનો ભોગ બનતાં હોય છે. ઋતુસમાપ્તિ (મેનોપોઝ)નો સમય ચાલતો હોય, થાઈરોઇડ કે અન્ય અંત:સ્રાવી ગ્રંથીઓની વિફળતા હોય અને હૃદય કે કિડનીને લગતાં રોગો હોય ત્યારે તબીબી સલાહ વગર વજન ઘટાડવું હિતાવહ નથી.
લાંબા સમયના ઉપવાસો પછી શરીરના વિવિધ ભાગોમાં ઘર કરી જતાં દુ:ખાવા, હાથે-પગે રહેતા સોજા, કામ કરવાની અશક્તિ, ધુ્રજારી, આંખોમાં આવતી ઝાંખપ, અરુચિ, થોડુંક ખાવાથી થતું અપચન અને પેટમાં ચૂંક, વારંવાર જઈ જતા ઝાડા, ચામડી સૂકી પડી જવી, નિંદ્રાનાશ તેમજ હતાશા-નિરાશા જેવા મનોગત લક્ષણો જેવી ફરિયાદો સાંભળવા મળે છે.
અને અંતે, વજન ઘટાડવા માટે ઉત્સુક પ્રયોગવીર ભાઈઓ અને બહેનો, લાંબેગાળે ધીમે-ધીમે વજન ઘટાડવામાં સ્વાસ્થ્યનો શ્રેય રહેલો છે. આહાર-પોષણના નિયમોનું ઉલ્લંઘન કરી થતાં આત્યંતિક ઉપવાસો - ક્રેશ ડાયટ સ્વાસ્થ્યને અચૂક નુકસાન કરે છે. જો-જો વજન ઘટાડવાની ઉતાવળમાં શરીરને હાનિ ન પહોંચાડી દેતા.


