Get The App

તમારું વજન કેમ વધે છે ? .

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
તમારું વજન કેમ વધે છે ?                         . 1 - image

- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર

- વ્યક્તિ-વ્યક્તિએ BMR અલગ હોવાને કારણે કેટલીક વ્યક્તિઓમાં વધુ ખાઈને પણ ઓછી ચરબી સંગ્રહીત થાય છે

આ ખા વિશ્વની વસ્તીના આશરે આઠ થી દસ ટકા વ્યક્તિઓ જાડાપણા કે મેદસ્વિતાથી ગ્રસ્ત છે. આ સમસ્યા સાથે જટીલ રોગોની લાં...બી વણઝાર ચાલી આવે છે. મેદોવૃધ્ધિનું કારણ છે એડીપોસ ટીશ્યૂમાં થતો ચરબીનો વધુ પડતો સંગ્રહ. આમ થવા પાછળના કારણોની ચર્ચા કરવી એટલા માટે ઉપયોગી થઈ રહેશે કે, સૌ પ્રથમ તો વ્યક્તિને પોતે મેદસ્વી કેમ છે એ માટેની સાચી માહિતી મળે અને બીજું એ કે, એ માટેના યોગ્ય ઉપચારની દિશા તરફ આગળ વધી શકાય. વજન વધવાના જવાબદાર કારણોની જાણકારી વગર શરૂ કરી દેવામાં આવતા ડાયટ-પ્લાન કે વ્યાયામ નુકસાન કરી ગંભીર પરિણામો લાવી શકે છે. આજે, વજન વધવાના કારણોની સમજ મેળવી એને ઘટાડવા માટેના ઉપચારદ્વાર ખોલીએ.

ઔદ્યોગીકરણ પછી સમાજ જીવનમાં આવેલા પરિવર્તનોને કારણે માણસના સાધન - સગવડ વધ્યા છે. જેને કારણે પરિશ્રમનો અભાવ રહેતાં જીવન બેઠાડું બન્યું છે. ટેલીવીઝન જેવા મનોરંજનના સાધનો હોય કે માહિતીપ્રદ કોમ્પ્યુટર. આ બધાને અંતે શારીરિક પરિશ્રમ ઘટયો છે. જેથી રોજબરોજની શારીરિક ઊર્જાના વપરાશમાં ઘટાડો થયો છે. આમ ચરબીનો વધુ સંચય થતાં માણસ મેદસ્વી બન્યો છે. સાથોસાથ આહારમાં જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ જેવી ઉપજો આહારશૈલીનો એક હિસ્સો બની ગઈ છે. જેથી આજના યુગનો માણસ તેલ, ઘી, માખણ, નમક અને ગળપણના અતિરેકવાળા ચટપટા ખાદ્યો લેવાની ટેવવશાત શરીરમાં વધુ ને વધુ ચરબીનો સંગ્રહ કરી રહ્યો છે.

 માતા-પિતા તરફથી વારસામાં મળતી મેદસ્વીતા એ એક મહત્વનું આનુવાંશિક કારણ છે. ક્યારેક મેદસ્વી વ્યકિતના સંતાનો જન્મથી જ વધારે વજન ધરાવતા હોય છે. આવી વ્યક્તિઓના એડીપોસ ટીશ્યૂમાં વધુ પડતી ચરબીનો સંગ્રહ થવો સ્વાભાવિક હોય છે. વારસામાં મળતી આવી મેદસ્વીતાના સંકેતો તેમના જીન્સ કોડ (GENES CODE) માં રહેલા હોય છે. એમના શરીરનું વલણ જ એવું હોય છે કે ગમે તે સંજોગોમાં તે મેદ ધારણ કરે છે. યુ.કે.માં થયેલા સંશોધન અનુસાર સાઇઠથી સિત્તેર ટકા મેદસ્વી લોકોના સંતાનોમાં જન્મથી જ ચરબીનું વધુ પડતું પ્રમાણ નોંધાયું છે.

વજન વધવા પાછળ માનસિક કારણો પણ મહત્વનો ભાગ ભજવતાં હોય છે. મનોગત સમસ્યાના ભાગરૂપે પ્રેમમાં નિષ્ફળતા, લગ્નજીવનનો અસંતોષ, વ્યવસાયિક તનાવ તથા ભાગદોડભર્યા જીવનની વ્યગ્રતા અને આ બધાના અંતે આવતી હતાશા - આ બધાને ઉર્મિજગત સાથે સીધો સંબંધ છે. મનની આવી વિક્ષિપ્ત અવસ્થામાં ઉર્મિજગત ઉત્તેજીત થવાથી ભૂખનું પ્રમાણ વધે છે અને જાણે-અજાણે વ્યકિતની ખાવાની વૃત્તિ પ્રબળ બને છે. આમ આહારના અતિરેકથી વ્યક્તિ મેદસ્વી બને છે. ડિપ્રેશન અને મેદસ્વીના વિષચક્રમાં ફસાયેલી વ્યક્તિ ડિપ્રેશનને કારણે વધુ ખાઈ વજન વધારે છે અને વજન વધવાથી વળી ડિપ્રેશનની ગર્તામાં સરી પડે છે. અમેરિકા જેવા દેશમાં મેદસ્વીતાને કારણે ડિપ્રેશનમાં રહેતી વ્યક્તિઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે.

હોર્મોન ઉત્પન્ન કરતી અંત:સ્ત્રાવી ગ્રંથીઓની વિફળતાને કારણે પેદા થતી રોગજન્ય સ્થિતિ વજન વધવાનું કારણ બનતી હોય છે. હાઇપોથાઈરોઇડીઝમને કારણે જીવનક્રિયાનો આંક મંદ પડવાથી વજન વધે છે. હાઇપોથાઈરોઇડીઝમ (ઈન્શ્યૂલીનનું પ્રમાણ વધી જવું) જેવી સ્થિતિમાં ભૂખ વધી જવાથી વ્યક્તિ વધુ ખાય છે અને પરિણામે મેદસ્વી બને છે. પિટયૂટરી ગ્રંથીની વિફળતા, હર્સ્યૂટિઝમ અને કશીંગ સિન્ડ્રોમ જેવી વિકૃતિઓ સાથે પણ વધુ પડતા વજનને સંબંધ છે. સ્ત્રીઓમાં યૌવનારંભ, સગર્ભાવસ્થા અને ઋતુસમાપ્તિ વખતે થતાં સેક્સ હોર્મોનના અસંતુલ અને પુરુષોમાં પચાસ વર્ષની આયુ પછી સેક્સ હોર્મોનની થતી ઉણપ વ્યક્તિને મેદસ્વી બનાવી શકે છે. શરીર પર દેખાતાં બાહ્ય લક્ષણો તથા રક્તમાં રહેલા હોર્મોનના પ્રમાણના પરિક્ષમોથી આ પ્રકારની રોગાવસ્થા વિષે જાણી શકાય છે. આવી પરિસ્થિતિને કારણે આવતી મેદસ્વીતા માટે ચિકિત્સકની સલાહ લેવી આવશ્યક છે.

બે જુદી જુદી વ્યક્તિઓને એક સરખો ખોરાક આપવામાં આવે અને એક સરખી ઉર્જાનો વપરાશ રાખવામાં આવે તો પણ બંને વ્યક્તિના શરીરમાં ચરબીનો સંગ્રહ થવાની માત્રા ભિન્ન-ભિન્ન હોય છે. એ એમના મ્સ્ઇ (બેસલ મેટાબોલીક રેટ) પર આધાર રાખે છે. વ્યક્તિ-વ્યક્તિએ મ્સ્ઇ અલગ હોવાને કારણે કેટલીક વ્યક્તિઓમાં વધુ ખાઈને પણ ઓછી ચરબી સંગ્રહીત થાય છે. તો કેટલીક વ્યક્તિઓ ઓછુ ખાઈને પણ વધુ ચરબીનો સંગ્રહ કરે છે.

અમૈથૂન, પ્રમાદીપણૂં, દિવસ દરમ્યાન લેવામાં આવતી ઊંઘ અને જલતત્વનો સંગ્રહ કરતી ઔષધીઓનું સેવન પણ વજન વધવાના કારણોમાંનું એક હોઈ શકે.

ઉપર જણાવેલા કારણોને સમજી, તમને કયું કારણ લાગુ પડે છે તે નક્કી કર્યા બાદ વજન ઘટાડવા માટે પ્રયત્નશીલ થવું યોગ્ય રહેશે.