Get The App

એક્લેમ્પસિઆ : સગર્ભાવસ્થાની સમસ્યા

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
એક્લેમ્પસિઆ : સગર્ભાવસ્થાની સમસ્યા 1 - image

- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર

- જેમના ખોરાકમાં સેલ્યુલોઝનું પ્રમાણ ઓછું હોય છે એમને એક્લેમ્પસિઆ થવાની શક્યતા રહેલી છે

સ ગર્ભાવસ્થા દરમ્યાન કિડનીના રોગો કે શરીરમાં ચેપ (ઇન્ફેકશન) કરનારા વિષાણુઓની ઝેરી અસરોને કારણે સ્ત્રીઓ જીવલેણ માંદગીનો ભોગ બનતી હોય છે. એક્લેમ્પસિઆ નામનો આ રોગ ધીમે ધીમે ક્રમિક તબક્કાથી આગળ વધતો હોય છે. હાથ-પગ અને ચહેરા પર સોજા દેખાઈ રોગની શરૂઆત થાય છે. સગર્ભાવસ્થા દરમ્યાન બ્લડપ્રેશર વધીને ૧૪૦/૯૦ જેટલું ઊંચું જાય તો એ રોગપૂર્વે બીજું મહત્ત્વનું લક્ષણ છે. બ્લેડપ્રેશર વધવાની સાથે માથાનો દુ:ખાવો, ચક્કર, ઉબકા, ઉલટી, અનિદ્રા, અશક્તિ, ગભરામણ જેવાં લક્ષણો દેખાય છે. વાત આટલેથી અટકતી નથી. સગર્ભાનું વજન એકાએક વધવા માંડે છે. પ્રતિદિન સો ગ્રામથી વધું વધતું વજન એ આ રોગાવસ્થાનું ત્રીજું મહત્ત્વનું પૂર્વલક્ષણ છે. આ સાથે લેબોરેટરીના પરિક્ષણોમાં પેશાબમાં આલ્બ્યુમીનનું પ્રમાણ વધેલું જોવા મળે છે. જો આવી અવસ્થા લાંબો સમય રહે અને તકેદારી રાખવામાં ન આવે તો ખેંચના ઉગ્ર હુમલા આવવાની શરૂઆત થાય છે. આવા હુમલા દરમ્યાન ગર્ભિણીઓ થોડી મિનિટો માટે બેભાન થઇ જાય છે. ફરી પાછી ભાનમાં આવે છે અને થોડો સમય જતાં ફરી ખેંચનો હુમલો આવે છે. એક ખેંચથી બીજી ખેંચના હુમલા દરમ્યાન જો દર્દી ભાનમાં ન આવે, શરીરનું તાપમાન એક સો એકની ઉપર પહોંચી જાય, ઝાડા પેશાબ પરનું નિયંત્રણ જતું રહે તો કોમામાં સરી પડવા જેવી ગંભીર શક્યતા રહેલી છે. રોગાવસ્થાનો અંતિમ તબક્કો મૃત્યુસૂચક હોય છે. શરૂઆતમાં દેખાતા સામાન્ય લક્ષણો પ્રત્યેની બેદરકારી અને પોષણનો અભાવ - એ રોગને ઉગ્ર અવસ્થા સુધી લઇ જવા માટે મુખ્ય કારણ બનતા હોય છે. આમ ન થાય એ સારુ નીચેની બાબતો ધ્યાનમાં રાખવી આવશ્યક છે. (૧) શરીરમાં કોઈપણ પ્રકારના ચેપ (ઇન્ફેકશન)ની અવસ્થા હોય, શરદી, ઉધરસ કે વાયરલ ઇન્ફેકશન જેવી સિઝનલ સમસ્યા હોય તો એનો યોગ્ય ઉપચાર કર્યા પછી જ ગર્ભધારણ માટે પ્રયત્ન કરવો.

(૨) સગર્ભાવસ્થા દરમ્યાન શરીર પર સોજા દેખાય કે બ્લડપ્રેશર ઊંચું રહેતું હોય તો ખોરાકમાં નમકના પ્રમાણને ઘટાડવું. (૩) રોજીંદા ખોરાકમાં પ્રોટીનનું પર્યાપ્ત પ્રમાણ રોગનિવારણ માટે અગત્યનું પરિબળ બને છે. સગર્ભાવસ્થા દરમ્યાન માતાના શરીરમાં નવા જીવની રચના થાય છે. ગર્ભ બંધારણ માટે જરૂરી બધાં જ પોષક દ્રવ્યો અને ખાસ કરીને એમિનો એસિડ (પ્રોટીનનું એકમ) માતાના રક્ત થકી બાળકને પોષણરૂપે મળે છે. માતાના ખોરાકમાં પ્રોટીનનું પર્યાપ્ત પ્રમાણ રોગપ્રતિકારક શક્તિ વધારી બાળકના શરીરની માંસપેશીના બંધારણમાં મહત્વનો ભાગ ભજવે છે. ગર્ભકાળ દરમ્યાન પેશાબ વાટે આલ્બ્યુમીન જેવાં પ્રોટીનનો વ્યય થતો હોય ત્યારે પ્રોટીનવાળો યુક્તાહાર લેવો ફરજિયાત છે. શાકાહારીઓ માટે ખોરાક સાથે એક મુઠ્ઠી ફણગાવીને બાફેલા મગ અને દિવસ દરમ્યાન ઓછાંમાં ઓછું બે ગ્લાસ દૂધ રોજીંદા ક્રમે લેવું આવશ્યક છે. (૪) વિટામીન 'મ્૧દ ની અછત એક્લેમ્પસિઆ થવા પાછળનું અન્ય મહત્વનું કારણ છે. હાથછડના ચોખા, દૂધ, લીલોતરી - શાકભાજીમાં એનું સારું એવું પ્રમાણ છે. ભોજન સાથે ફળ-ફળાદિનો ઉપયોગ નિત્ય કરવો જોઇએ. ફળો ભોજનની શરૂઆતમાં લેવા જોઇએ. (૫) આહારના દ્રષ્ટિકોણે સેલ્યુલોઝવાળા ખોરાકની ઘણી અગત્યતા છે. ઘઉંના ફાડા, ભીંડા, કોબી અને ભાજીમાં સારા પ્રમાણમાં સેલ્યુલોઝ છે. જેમના ખોરાકમાં સેલ્યુલોઝનું પ્રમાણ ઓછું હોય છે એમને એક્લેમ્પસિઆ થવાની શક્યતા રહેલી છે. દક્ષિણ ભારતમાં આ રોગનું પ્રમાણ વધારે હોવાનું કારણ પૉલિશ કરેલા ચોખા અને મેંદાનો વધુ પડતો વપરાશ છે. જ્યારે ઇન્ડોનેશિયા જેવાં દેશમાં હાથછડના ચોખાનો જ વપરાશ હોવાથી રોગનું પ્રમાણ ન્યૂનતમ છે.

સગર્ભાવસ્થા દરમ્યાન લોહ, કેલ્શિયમ અને વિટામીન્સના યુક્તાહારથી મહ્દઅંશે રોગાવસ્થા નીવારી શકાય છે. આ સાથે ચરબી, ગળપણ અને નમકના પ્રમાણને ઘટાડવાથી સારો ફાયદો થાય છે.

(૬) દર્દીને સંપૂર્ણ આરામ આપવો જરૂરી છે. સામાન્ય રીતે, બહુ પ્રકાશ ન આવતો હોય એવો ડાર્ક રૂમ, વધુ પડતી ઠંડી કે ગરમી ન હોય એવું તાપમાન આ રોગાવસ્થાના દર્દી માટે સાનુકુળ હોય છે.

ઉપર જણાવેલા ... મુદ્દા સાથે તબીબી સલાહ લેવી આવશ્યક છે.