Get The App

ચૈતસિક શક્તિ ધરાવતી મહિલાએ ડ્રીમ ક્લેરવોયન્સથી ઉકેલ્યો હત્યાનો ભેદ

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
ચૈતસિક શક્તિ ધરાવતી મહિલાએ ડ્રીમ ક્લેરવોયન્સથી ઉકેલ્યો હત્યાનો ભેદ 1 - image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- કોઇની ઘરની બહારના સ્થળે ખોવાઈ ગયેલી કોઈ વસ્તુ વિશે તેને પૂછવામાં આવે તો તે ક્યાં છે તેની સાચી માહિતી આપી દેતી. લોકો તેની શક્તિથી વિસ્મિત થતા

Intuition is not magic; it is the natural language of the soul.

અંર્તજ્ઞાન કોઈ જાદુ નથી, તે આત્માની સ્વાભાવિક ભાષા છે.'

- Dixie Yeterian 

(ડિક્સિ યેટેરિયન)

‘Intuition gives us outlooks and insights into what is not yet visible.

અંર્તજ્ઞાન આપણને તે બતાવે છે જે અત્યારે દેખાતું નથી.'

- Carl Jung (કાર્લ જુંગ)

‘The intuitive mind is a sacred gift and the ratinoal mind is a faithful servant.

અંર્તજ્ઞાનવાળુ મન પવિત્ર ઉપહાર છે અને તાર્કિક મન એનું વફાદાર સેવક છે.

- Albert Einstein 

(આલ્બર્ટ આઈનસ્ટાઇન)

અમેરિકન ચૈતસિક, ગૂઢવાદી મહિલા ડિક્સિ યેટેરિયન વિખ્યાત લેખિકા અને મીડિયા પર્સનાલિટી હતી. તેનો જન્મ વૉકર માઇન, કેલિફોર્નિયા ખાતે ૨૩ ઓગસ્ટ ૧૯૪૦માં એડના લિવેના અને ઇવાન બુરડિક જેમ્સના થકી થયો હતો. નાનપણથી જ તેનામાં અંત:પ્રેરણા, અંર્તજ્ઞાનની શક્તિ (Intuitive Power) પ્રગટ થઇ ગઈ હતી. તેણે યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાંથી મનોવિજ્ઞાનના વિષયમાં માસ્ટર ડીગ્રી મેળવી હતી. તેની અસાધારણ ચૈતસિક શક્તિનો ઉપયોગ તેણે ગુનાશોધન માટે કર્યો હતો એટલે તેને સાઇકિક ડિટેક્ટિવ તરીકે પણ બહુમાન પ્રાપ્ત થયેલું છે. કેસબુક ઑફ વ સાઇકિક ડિટેક્ટિવ (Casebook of A Psychic Detective) અને એક્સપ્લોરિંગ સાઇકિક રિયાલિટી (Exploring Psychic Reality) માં આ વિષયની સુંદર સોદાહરણ સમજૂતી આપી છે.

હાઉ આઈ કેમ ટુ ધીસ - એ ચાઈલ્ડ્સ અનસીન ગિફ્ટ (How I came to this a Child's Unseen Gift) માં પોતાના બાળપણનો આત્મવૃત્તાંત લખ્યો છે તે ૪ વર્ષની હતી તે વખતની એક ઘટનાનું નિરૂપણ કરતાં તે લખે છે - મારી શેરીમાં મારા ઘર પાસે મિસિસ ડુનલેપ (Dunlap)  રહેતા હતા તેમની દીકરીનું નામ એમી (Amy)  હતું. તેની પાસે એક સુંદર ઢીંગલી હતી. તે મને પણ બહુ ગમતી હતી. મેં મારી માતા એડનાને એવી ઢીંગલી મારા માટે લાવી આપવા પણ કહ્યું હતું. એક દિવસ એ ઢીંગલી ખોવાઈ ગઈ. મારા મનમાં તે ક્યાં છે તે દ્રશ્ય દેખાવા લાગ્યું. હું દોડીને તે ઢીંગલી શોધીને લઇ આવી. મારી પ્રશંસા થવાને બદલે નિંદા થઈ. એમીની માતા મિસિસ ડુનલેપે મેં એ ચોરીને ત્યાં સંતાડી હશે એવો આરોપ મૂક્યો. એ સિવાય મને એ ત્યાં છે એવી ખબર કેવી રીતે પડે ? મેં એ વાતનો વિરોધ કર્ય પણ તે વખતે કોઇએ એ માન્યું નહીં.' પછી ધીમે ધીમે લોકોન તેની શક્તિની ખબર પડવા લાગી. કોઇના ઘેર કોઇનો ફોન આવવાનો હોય કે કોઈ મળવા આવવાનું હોય તો તે તેના વિશે પહેલેથી કહી દેતી. કોઈનું સગા-સંબંધીનું મરણ થવાનું હોય, તેના સમાચાર આવવાના હોય તોય તેને ખબર પડી જતી અને તે તેના વિશે પહેલેથી કહી દેતી. કોઇની રસ્તામાં પડી ગયેલી કે ઘરની બહારના સ્થળે ખોવાઈ ગયેલી કોઈ વસ્તુ વિશે તેને પૂછવામાં આવે તો તે ક્યાં છે તેની સાચી માહિતી આપી દેતી. લોકો તેની શક્તિથી વિસ્મિત થતા.

ડિક્સિ યુવાનીમાં પ્રવેશી ત્યારે તેના લગ્ન બાળપણના મિત્ર વાહાન (vahan) સાથે થયા. તે એરો એન્જિનિયર હતો. પછી તે લોસ એન્જેલસ આવ્યાં. ત્યાં તેમને ત્રણ બાળકો થયાં. બે દીકરાઓ અને એક દીકરી. ડિક્સિને કેટલીકવાર ડ્રીમ-ક્લેરવોયન્સ પણ થતું. તેને સ્વપ્નમાં ભવિષ્યની ઘટનાનું પૂર્વજ્ઞાન થઇ જતું. એક રાત્રે આવું જ એક ખોફનાક સ્વપ્ન આવ્યું. ડિક્સિએ સ્વપ્નમાં લાકડાનું બનેલું એક મોટું ઝૂપડું જોયું. એક યુવાનને હાથમાં મશાલ રાખી અંધારામાં ચાલતો જોયો. તેની સાથે એક કિશોરી પણ હતી. તેને લઇને તે અંદર ગયો. પછી તેને અંદરના દ્રશ્યો દેખાવા લાગ્યા. કેટલાક શેતાનપંથી લોકો કોઇ વિધિ કરી રહેલા દેખાયા. જેના પર અગ્નિ પ્રજ્વલિત કરાયો હતો એવી વેદીની આસપાસ વર્તુળાકારે તે બેઠેલા હતા. તે વિચિત્ર અવાજો સાથે કોઈ શેતાનપંથી ગીત ગાઈ રહ્યા હતા. પેલી વેદીની બાજુમાં એક બીજી વેદી બનાવવામાં આવી હતી. તેના પર ચૌદ વર્ષની એક કિશોરીને નગ્ન અવસ્થામાં સુવડાવવામાં આવી હતી. તેના શરીર પર થોડી થોડી વારે પેલા શેતાનપંથીઓ કોઈ પ્રવાહીનો છંટકાવ કરતા હતા. તે કિશોરીના ચહેરા પર મશાલનો પ્રકાશ પડયો ત્યારે ડિક્સિને દેખાયું કે તે એ જ કિશોરી હતી જેને પેલો યુવક થોડીવાર પહેલાં અંદર લઇ ગયો હતો. તે યુવકે તેનો પોતાની ગર્લફ્રેન્ડ તરીકે પરિચય આપ્યો હતો અને તેનું નામ કેરન (karen) બતાવ્યું હતું. શેતાની વિધિ પૂરી થાય બાદ તે શેતાનપંથી સ્ત્રી-પુરુષો કેરન સાથે શારીરિક દુષ્કર્મ કરવા લાગે છે. કેરન જેમ તેમ કરીને ત્યાંથી ભાગે છે. કેરનને લઇને આવેલો તેનો બોયફ્રેન્ડ અને બીજા બે તેને પકડવા તેની પાછળ દોડે છે. ડિક્સિનું સ્વપ્ન ત્યાં પૂરું થઇ જાય છે.

થોડા દિવસ બાદ ડિક્સિને ફરી ડ્રીમ ક્લેરવોયન્સ થાય છે. તે એક દિવાસ્વપ્ન જુએ છે. તેમાં પેલું સ્વપ્ન તૂટી ગયું હતું ત્યાંથી આગળના દ્રશ્યો દેખાવા લાગે છે. કેરન ખુલ્લા રસ્તા પર ઝડપથી દોડી રહી છે. અચાનક તે પડી જાય છે. તેના પગનો ઘૂંટણ વળી જાય છે. તેનાથી બહુ દોડાતું નથી. તે તેના પગનું સેન્ડલ કાઢીને રસ્તા પર ફેંકી દે છે. ત્યાં ભૂરા રંગની એક સ્ટેશનવેગન આવીને ઊભી રહે છે. તેમાંથી પેલા ત્રણ તેનો પીછો કરી રહેલા પુરુષો બહાર નીકળે છે. તેમને જોઈ કેરન ફરી ઝડપથી દોડવા પ્રયત્ન કરે છે. પણ તે પાછી પડી જાય છે. પેલા લોકો તેને પકડીને તેમની સ્ટેશન વેગનમાં બેસાડી દે છે. ગાડી કિનારાના વિસ્તારની એક ગલીમાં દોડે છે અને એક રેન્ચ પાસે ઊભી રહે છે. બધા ગાડીમાંથી બહાર નીકળે છે. તે વખતે પણ કેરન ભાગવાનો પ્રયાસ કરે છે. તેનો બોયફ્રેન્ડ તેની પાછળ દોડે છે. તેને પકડી લે છે અને ચપ્પાના ઉપરાછાપરી ઘા કરી તેની હત્યા કરી નાંકે છે. તે વખતે રસ્તા પર કોઇને આવતાં જોઈ તેના મૃતદેહને ત્યાં જ છોડી ત્યાંથી ભાગી જાય છે.

સ્વપ્ન અને દેહાતીત અનુભૂતિ (out of Body Experience) માં જોયેલી કેપ્ટનની હત્યાની ઘટના વિશે ડિક્સિ પોતાના કુટુંબીઓ, મિત્રો, પરિચિતોને જણાવે છે. આ ડ્રીમ ક્લેરવોયન્સ છે એ સાચું પડશે એમ પણ કહે છે. પણ તે વાત ભૂલાઈ જાય છે. એક અઠવાડિયા પછી તે ઘટના બને છે. વર્તમાનપત્રમાં કેરનની હત્યાના સમાચાર આવે છે અને તેના ફોટા નીચે લખેલું હોય છે. 'હત્યા કરાયેલ આ કિશોરીને તમે ઓળખતા હો તો પોલીસને જણાવે ! ડિક્સિના મિત્રો તેને પોલીસ પાસે જવાનું કહે છે. ડિક્સિ પોલીસ પાસે જઇને પોતાના ડ્રીમ ક્લેરવોયન્સની વાત કરે છે. શરૂઆતમાં તો પોલીસ એમ માને છે કે તેમના અહેવાલને વાંચીને આ યુવતીએ અઠવાડિયા પહેલાં સ્વપ્નમાં જોયેલી વાત ઉપજાવી હશે પણ જ્યારે ડિક્સિ કહે છે - 'દોડતાં દોડતાં કેરનનો ઘૂંટણ વળી જાય છે. તેના પગનું એક સેન્ડલ ફેંકી દે છે.'' આ સાંભળી પોલીસ ચોંકી ઉઠે છે કેમ કે આ વાત તેમણે કોઇની આગળ જાહેર કરી જ નહોતી. ધીમે ધીમે તેમને ડિક્સિની ભૂતકાળની ઘટનાઓની જાણ થાય છે અને તેની ચૈતસિક શક્તિની ખબર પડે છે એટલે તેના માટે માન ઉપજે છે. તે પછી ગુનાશોધનના કાર્યમાં તેની વારંવાર મદદ પણ લે છે.

કેરનના મામલામાં વધારે મદદ કરવા પોલીસે માગણી કરી તેનાથી ડિક્સિ વધારે મુસીબતમાં મૂકાઈ. કેરનનો હત્યારો અને તેના શેતાનપંથી સાથીદારો તે ઓળખાઈ ન જાય તે માટે ડિક્સિની પાછળ પડયા. એક દિવસ ડિક્સિએ તેના ઘરની બહાર એ ભૂરી સ્ટેશન વેગન જોઈ જે કેરનની હત્યાના પૂર્વાભાસી સ્વપ્ન વખતે જોઈ હતી. તેના લેટર બોક્સમાંથી નનામો પત્ર મળ્યો તેમાં લખ્યું હતું - 'તેં પોલીસ પાસે જઇને ભૂલ કરી છે. કેરનના ખૂનને લગતી કે હત્યારાની કોઈ વિગત પોલીસને કે કોઇને પણ કહીશ નહીં. નહીંતર તારી પાંચ વર્ષની વ્હાલસોઈ નાની દીકરીને ગુમાવી દઈશ.' એક દિવસ તેની નાની દીકરી શેનોન (Shannon)  શાળાએ જતી હતી ત્યારે તેના અપહરણનો પ્રયાસ પણ કરાયો. પણ સદભાગ્યે તે બચી ગઈ.

ડિક્સિના વર્ણન પરથી પોલીસે એક રેન્ચ શોધી કાઢી. એ એ જ રેન્ચ હતી જ્યાં શેતાનપંથીઓએ કેરન જેવી અન્ય કિશોરીની લાશ દાટી હોય છે. ત્યાંના એક માણસ પર શક ગયો જે કેરનના હત્યારાનો સાથીદાર હતો. તેના આધારે તેની ધરપકડ કરવાની તૈયારી કરાય છે. પણ તે પહેલાં તો પેલા શેતાનપંથીઓ ડિક્સિને મારી નાંખવાની યોજના કરે છે. તે ડિક્સિના ઘેર પહોંચી જાય છે. તેના ઘરની બહાર બે વેદીઓ બનાવે છે. એક વેદી પર અગ્નિ પ્રગટાવી વિધિ કરે છે. પછી તેના ઘરનો દરવાજો તોડી અંદર આવે છે. ટેબલ નીચે સંતાઇ ગયેલી ડિક્સિને શોધી કાઢે છે. તેને ખેંચીને બહાર લઇ આવે છે. તે વાતો કરતા હતા તેના પરથી ડિક્સિને ખ્યાલ આવ્યો કે તે કેરનની જેમ તેને પણ નગ્ન અવસ્થામાં વેદી પર સુવડાવી કોઈ શૈતાની વિધિ કરી તેની સાથે શારીરિક દુષ્કર્મ કરી તેને મારી નાંખવા માંગતા હતા. તે આની શરૂઆત કરવા જતાં હતા તે જ વખતે બહાર પોલીસ ફાયરિંગનો અવાજ સંભળાય છે. કેરનનો હત્યારો ડિક્સિને લઇને ભાગવાનો પ્રયત્ન કરે છે પણ પોલીસના હાથમાં ઝડપાઈ જાય છે. પછી ખબર પડી કે તે શેતાનપંથી ગેન્ગે કેલિફોર્નિયામાં આ રીતે ૩૦ છોકરીઓની હત્યા કરી નાખી હતી. પોલીસ ડિટેક્ટિવ, ચૈતસિક ડિક્સિ યેટેરિયને તેની ક્લેરવોયન્ટ શક્તિથી ગુનાશોધન કાર્યમાં પોલીસને મદદ કરી હતી.