- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- કન્ફ્યુશિયસ, મિસરની પ્રસિદ્ધ રાણી ક્લિયોપેટ્રા, રોમન સામ્રાજ્યના મહાન સેનાપતિ જુલિયસ સિઝર, ગ્રીક મહાન તત્ત્વચિંતક સોક્રેટિસ, સોક્રેટિસના શિષ્ય પ્લેટો, મહાન વિજેતા એલેકઝાન્ડર ધ ગ્રેટ જેવા મહાપુરુષોના આત્માઓ પણ તેમના સંપર્કમાં રહેતા હતા
‘I have never claimed credit for my achievements, the Eight ghosts (Brownies) have guided me.
મેં મારી ઉપલબ્ધિઓનું શ્રેય ક્યારેય મારી જાતને આપ્યું નથી. આઠ પ્રેતાત્માઓએ મને માર્ગદર્શન આપ્યું છે.
‘I am only the instrument through which the messages comes.
હું તો માત્ર એક માધ્યમ છું જેના થકી સંદેશાઓ આવે છે.'
‘ The Eight know the future better than we who live in present.
તે આઠ પ્રેતાત્માઓ ભવિષ્યને વર્તમાનમાં જીવનારા આપણા કરતાં વધારે સારું જાણે છે.'
‘I simply obey the guidance given to me by eight Brownies.
હું માત્ર આઠ આત્માઓ દ્વારા અપાયેલા માર્ગદર્શનનું પાલન
કરું છું.'
‘They come to me in silence and impress their thoughts upon my mind.
તે (આત્માઓ) મારી પાસે શાંતિ હોય ત્યારે આવે છે અને પોતાના વિચાર મારા મન ઉપર અંકિત
કરી દે છે.
- Arthur Edward stilwell (આર્થર એડવર્ડ સ્ટિલવેલ)
અમેરિકાના એક પ્રસિદ્ધ રેલમાર્ગ નિર્માતા અને પોર્ટ આર્થરના સંસ્થાપક આર્થર એડવર્ડ સ્ટિલવેલની જીવનકથા અત્યંત દિલચસ્પ, રોચક અને રોમાંચક છે. કેમ કે તેમણે એવો દાવો કર્યો હતો કે તેમના બધા મોટા વ્યાવસાયિક નિર્ણયો જેમાં રેલમાર્ગોનું નિર્માણ અને પોર્ટ આર્થરની સ્થાપના પણ સમાવિષ્ટ છે, તેમને પ્રેતાત્માઓ દ્વારા મળેલા નિર્દેશો દ્વારા લેવાયેલા હતા. આ આત્માઓ/પ્રેતાત્માઓને તે બ્રાઉનિઝ (Brownies) કે નાઇટલી એડવાઇઝર્સ (Nightly Advisors) કહેતા હતા.
આર્થર સ્ટિલવેલે ૧૯૨૨ના એક ન્યૂયોર્ક ટાઈમ્સના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એમના દ્વારા અમલમાં મૂકાયેલી બધી એન્જિનિયરીંગ યોજનાઓ એવા એન્જિનિયર પાસેથી આવી હતી જેમનું ઘણા સમય પહેલાં મરણ થઈ ચૂક્યું હતું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેમણે અનેક કવિતાઓ અને ગીતોની ધૂનો પણ લખી હતી, જે તેમને મૃત કવિઓ અને સંગીતકારો દ્વારા લખાવવામાં આવી હતી. તેમને મદદ કરનારા મુખ્ય પ્રેતાત્માઓ આઠ હતા. તેમ છતાં અવારનવાર બીજા ઘણા આત્માઓ સાથે પણ તેમનો સંપર્ક થતો રહેતો હતો. જે મુખ્ય આઠ પ્રેતાત્માઓ હતા તેમાં ત્રણ એન્જિનિયરોના, એક અર્થશાસ્ત્રીનો, એક લેખકનો અને એક કવિનો આત્મા હતા. એવું પણ કહેવાય છે કે ચીનના મહાન તત્ત્વચિંતક કન્ફ્યુશિયસ, મિસરની પ્રસિદ્ધ રાણી ક્લિયોપેટ્રા, રોમન સામ્રાજ્યના મહાન સેનાપતિ જુલિયસ સિઝર, ગ્રીક મહાન તત્ત્વચિંતક સોક્રેટિસ, સોક્રેટિસના શિષ્ય પ્લેટો, મહાન વિજેતા એલેકઝાન્ડર ધ ગ્રેટ જેવા મહાપુરુષોના આત્માઓ પણ તેમના સંપર્કમાં રહેતા હતા. સ્ટિલવેલ આ બધાને Corps of Spirits કહેતા હતા.
સ્ટિલવેલના બાળપણથી જ પ્રેતાત્માઓ તેમનો સંપર્ક કરતા હતા. તે વખતે તે તંદ્રામાં ઊતરી જતા અને તે પ્રેતાત્માઓ તેમની સાથે વાતચીત કરતા હતા. તે ૧૪ વર્ષની ઉંમરના હતા ત્યારે એક દિવસ એક પ્રેતાત્માએ એમને કહ્યું - જેની વુડ (Jennie Wood) નામની એક યુવતી સાથે તારા લગ્ન થશે. તેમણે કહ્યું - મારા ધ્યાનમાં આ નામની કોઈ છોકરી નથી. પેલા પ્રેતાત્માએ કહ્યું - 'અત્યારે ભલે તું આ નામની કોઈ છોકરીને ઓળખતો ન હોય, પણ ચાર વર્ષ પછી અચાનક તેની સાથે મુલાકાત અને ઓળખાણ થશે. તમે બન્ને એકબીજાને ગમી જશો અને પ્રેમમાં પડીને લગ્ન કરી લેશો.' હકીકતમાં તેવું જ થયું.
તે ૧૯ વર્ષના હતા ત્યારે એક દિવસ ચર્ચમાં તેમની મુલાકાત એક સુંદર યુવતી સાથે થઈ. બન્ને વચ્ચે જાણે પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ (Love at first sight) થઇ ગયો. જ્યારે સ્ટિલવેલે તેનું નામ પૂછ્યું અને તેણે કહ્યું - જેની વુડ. તે સાથે તેના મસ્તિષ્કમાં પેલા આત્માએ ચાર વર્ષ પહેલાં ભાખેલી ભવિષ્યવાણીની વાત ચમકી ગઇ. તેણે જે નામ આપ્યું હતું તે જ નામ જેની વુડ પછી ખૂબ જલદીથી તેમના લગ્ન થઈ ગયા.
આર્થર અને જેની પ્રેતાત્માઓના નિર્દેશ અનુસાર ન્યૂયોર્કથી કેન્સાસ સિટી આવ્યા. પ્રેતાત્માઓએ તેમને રેલમાર્ગ બનાવવાનો આદેશ આપ્યો અને તે માટે માર્ગદર્શન પણ આપ્યું. તેમણે કેન્સાસ સિટી સબઅર્બન બેલ્ટ રેલવેનું નિર્માણ શરૂ કર્યું. સ્ટિલવેલ જેનીને કહેતા - આ આત્માઓ જ્યારે ઇચ્છે ત્યારે મને માર્ગદર્શન આપવા આવી પહોંચે છે. આ નિર્માણને લગતા સચોટ પ્લાન, એના નકશા, બાંધકામ, આર્થિક વ્યવહારો આ બધું એ આઠ પ્રેતાત્માઓ જ કરાવે છે. હું કાગળ અને પેન્સિલ લઇને બેસી જઉં છું. એ આત્માઓ મારા શરીરમાં પ્રવેશી મારા વિચારો પર સવાર થઇ મને બધું લખાવા કે દોરાવા લાગે છે.
એક રાત્રે આર્થર તંદ્રામાં હતો ત્યારે પેલા આત્મા પ્રગટ થયા અને તેમને આદેશ આપ્યો કેન્સાસથી મેક્સિકો સુધી રેલવે લાઈન બનાવ. આ વિલક્ષણ યોજના છે. આ યોજના સફળ થશે એટલે પશ્ચિમ અમેરિકન ખેડૂતોનો મેક્સિકોની ખાડીના બંદરો સાથે સીધો સંપર્ક જોડાઈ જશે. પછી તેમણે આ આત્માઓ સાથે આ યોજના વિશે વધારે વાતચીત ન કરી. તેમણે રેલવે લાઈનને ગાલવેસ્ટન બંદર પર લઇ જઇને ત્યાં પૂરી કરવાની યોજના કરી. પછી તેને લગતું કામકાજ ધમધોકાર ચાલુ કરી દીધું. થોડા સમય પછી પેલા પ્રેતાત્માઓ પુન: પ્રકટ થયા અને તેમને કહ્યું - રેલવે લાઈનને ગાલવેસ્ટન સુધી લઇ જઈશ નહીં. આર્થરે પોતાની મૂંઝવણ રજૂ કરતાં કહ્યું - આ શક્ય જ નથી લાગતું.હું રેલવે લાઈનને ગાલવેસ્ટશન સિવાય બીજે ક્યાં લઇ જઇ શકું ? મારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. કેમ કે ત્યાં બીજું કોઈ બંદર જ નથી.
તે પ્રેતાત્માઓએ તેમને આદેશ આપતાં કહ્યું તું તારા નામથી બીજું નવું બંદર બનાવી દે. સ્ટિલવેલે કહ્યું પણ ગાલવેસ્ટન માટે ત્યાંના વેપારીઓ સાથે ધંધાકીય લેવડદેવડો, આર્થિક વ્યવહારો થઇ ગયા છે, આમ કરવામાં મને નુકસાન થશે. એ સાંભળ્યા પછી તે આત્માઓએ કહ્યું - ગાલવેસ્ટનનું ભાવિ ધૂંધળું છે. તે પાયમાલ થઇ જવાનું છે. તારે ત્યાં રેલવે લાઈન પૂરી કરવાની નથી. તેમણે તેમને તંદ્રાવસ્થામાં ભયંકર સમુદ્રી ઝંઝાવતથી એ શહેરને નષ્ટ થઇ જતું બતાવ્યું. એટલે સ્ટિલવેલે એની યોજના બદલી કાઢી. તેમણે રેલવે લાન ગાલવેસ્ટન (Galveston) ને બદલે સબીન સરોવર (Sabine Lake) તરફ વાળી દીધી. ત્યાં તેમણે ૧૮૯૫-૯૭માં પોર્ટ આર્થર શહેર અને પોર્ટ આર્થર નામનું બંદર પ્રસ્થાપિત કર્યું. તેનું નિર્માણ કાર્ય પૂરું થયું તેના થોડા સમય બાદ ૮ સપ્ટેમ્બર ૧૯૦૦ના રોજ અમેરિકન ઇતિહાસનું સૌથી ઘાતક હરિકેન (Hurricane) આવ્યું. આ ભીષણ શ્રેણી ૪ના સામુદ્રી તોફાને ટેકસાસના સમૃદ્ધ દ્વીપ ગાલવેસટનને લગભગ પૂરેપૂરું નષ્ટ કરી નાંખ્યું. તે વખતે સમુદ્રનું સ્તર ૯થી ૧૫ ફૂટ વધી ગયું હતું જેનાથી આખો દ્વીપ પાણીમાં ડૂબી ગયો હતો. તેમાં લગભગ ૮૦૦૦થી ૧૨૦૦૦ જેટલા લોકો મરણ પામ્યા હોવાનું કહેવાય છે.
આર્થર સ્ટિલવેલે તેમની કારકિર્દી દરમિયાન વિભિન્ન પ્રકારની ૪૧ કંપનીઓનું ગઠન કર્યું. તેમણે તેમના જીવનકાળમાં ૨,૩૦૦ માઇલ (૩,૭૦૦ કિ.મી.) થી વધુ રેલમાર્ગ બનાવવાનું, પોર્ટ આર્થર અને ૪૦થી વધારે શહેરોની સ્થાપના કરવાનું શ્રેય આપવામાં આવે છે. જો કે તેમણે તેમની ઉપલબ્ધિઓનું શ્રેય તેમના પોતાના માથે લીધું થી, પણ તે પ્રેતાત્માઓના માર્ગદર્શનથી થયું હોવાનું દર્શાવ્યું છે. Live and Grow Young (લિવ એન્ડ ગ્રો યન્ગ) નામના ૧૯૨૧માં પ્રકાશિત થયેલા તેમના પુસ્તકમાં આર્થર સ્ટિલવેલે સ્પષ્ટ રૂપે સ્વીકાર કર્યો છે કે તે બાળપણથી જ પ્રેતાત્માોના સંપર્કમાં હતાં અને એમના નિર્દેશો પ્રમાણે જ રેલ માર્ગો અને પોર્ટ આર્થરને સુરક્ષિત સ્થાને વસાવ્યું હતું. I Had a Hunch (આઈ હેડ એ હન્ચ) નામના ૧૯૨૭માં પ્રકાશિત થયેલા પુસ્તકમાં તેમણે પોતાને થયેલા અંતર્જ્ઞાન (hunches) ની વાતો જણાવી છે. પ્રેતાત્માઓના સંદેશા, અંતર્જ્ઞાન, અંત:પ્રેરણા તેમના જીવનમાં સફળતા અને સિદ્ધિ મેળવવા કેટલા મદદરૂપ બન્યા છે તેના ઉદાહરણો આપ્યા છે. The Lost Art of Living નામના તેમના પુસ્તકમાં તેમણે જીવન જીવવાના તાત્ત્વિક અને આધ્યાત્મિક પાસાઓ પર પોતાના વિચારો પ્રસ્તુત કર્યા છે.
૨૧ ઓક્ટોબર ૧૮૫૯માં ન્યૂયોર્કમાં જન્મેલા આર્થર સ્ટિલવેલનું પક્ષાઘાતના હુમલા પછી ૨૬ સપ્ટેમ્બર ૧૯૨૮માં ૬૮ વર્ષની ઉંમરે મરણ થઇ ગયું હતું. તેના બે અઠવાડિયા બાદ પતિનો વિયોગ સહન ન થવાથી તેમની પત્ની જેનીએ ન્યૂયોર્કના તેના એપાર્ટમેન્ટના બારમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. બન્નેના અંતિમ સંસ્કાર કરાયાહતા પણ રહસ્યમય રીતે તેમના હાડકાં અને રાખ (ashes) ગાયબ થઇ ગયા હતા.


