- હેસ્ટિંગ્સની આંખો ફરી એ ફોટાને અપલક જોવા લાગી. તેમને સમજાયું નહીં કે તે એ ફોટાને આમ સતત કેમ જોયા કરે છે?
- ગોચર-અગોચર-દેવેશ મહેતા
We are not just physical or mental beings, we are the awareness observing them.
આપણે માત્ર શરીર અને મન નથી, પણ તેમનું અવલોકન કરનારી ચેતના છીએ.
‘Reality is not outside us, it unflods within our awareness.
વાસ્તવિક્તા આપણી બહાર નથી, પણ આપણી જાગરૂકતાની અંદર પ્રગટ થાય છે.
‘When the mind becomes still, consciousness reveals its infinite depth.
જ્યારે મન શાંત થઇ જાય છે ત્યારે ચેતના એનું અનંત ઊંડાણ પ્રકટ
કરે છે.
‘The deeper you look within, the wider the universe appears.
જેટલા ઊંડાણથી તમે ભીતર જુઓ છો, એટલું જ વ્યાપક બ્રહ્માંડ દેખાવા લાગે છે.
‘The far side of consciousness is not a place, but a realization
'ચેતનાની પેલે પાર (ચેતનાની દૂરની બાજુ) કોઈ સ્થાન નથી, પણ એક અનુભૂતિ છે.'
‘Dreams are the language throush which consciousness speaks when the mind is asleep.
સ્વપ્નો તે ભાષા છે જેનાથી ચેતના બોલે છે, જ્યારે મન સૂઈ રહ્યું હોય છે.
*True vision arises when the inner eye opens in silence.
સાચી દ્રષ્ટિ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે અંદરની આંખ મૌનમાં
ખૂલે છે.
- ડેનિયલ કોહેન
(Daniel Cohen), The Far side of the consciousness.
પોપ્યુલર સાયન્સ, પેરાનોર્મલ ઇવેન્ટસ અને મીસ્ટરી પર અનેક વિખ્યાત પુસ્તકો લખનાર અમેરિકન લેખક ડેનિયલ કોહેને રહસ્યમય વિષયો પર સરળ અને રોચક શૈલીમાં લેખન કાર્ય કર્યું છે. ડેનિયલ કોહેને વિવિધ વિષયોને આવરી લેતા ૨૦૦ જેટલા પુસ્તકો લખ્યા છે. ્રી ખચિ જૈગી ર્ક ારી ર્બહજર્બૈેજહીજજ, The Far side of the consciousness, Masters of the Occult, In search of Ghosts, The Magic Art of Foreseeing the Future, Mysterious Disappearances, Creatures from UFOS- A clase Look at Close Encounters, The mysteries of Reincarnation એમના અન્ય વિખ્યાત પુસ્તકો છે.
ડેનિયલ કોહેન (૧૨-૩-૧૯૩૬- ૬-૫-૨૦૧૮) એક પ્રસિદ્ધ લેખક છે જેમના પુસ્તકોનો મુખ્ય વિષય માનવ ચેતના, પેરાનોર્મલ ઘટનાઓ, સ્વપ્નો, ઇન્દ્રિયાતીત જ્ઞાન દર્શન, પારલૌકિક સત્તા, પ્રેતાત્મા જગત અને રહસ્યમય અનુભવો છે. એમના લખાણમાં વિજ્ઞાન અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણનો અનોખો સમન્વય જોવા મળે છે જેનાથી એમના વાચકો તથ્યો સુધી જ નહીં, પણ અનુભૂતિ અને આત્મજાગરૂકતાના ઊંડાણ સુધી પહોંચવા પ્રેરિત થાય છે. ડેનિયલ કોહેને તેમના પુસ્તક ' ધ ફાર સાઇડ ઑફ ધ કોન્સિયનેસ'માં ડ્રીમ ક્લેરવોયન્સ (Dream Clairvoyance) પૂર્વાભાસ રૂપે સ્વપ્નમાં થતાં અતીન્દ્રિય દર્શનનો એક પ્રસંગ નિરૂપિત કર્યો છે.
ન્યૂયોર્કના હેસ્ટિંગ્સ વ્હાઇટના જીવનનો આ પ્રસંગ ચેતનાની પેલે પારના અનુભવનું અદ્ભુત વિસ્મયકારી નિરૂપણ કહે છે. મિસ્ટર હેસ્ટિંગ્સ એ નિષ્ણાત મિકેનિક હતા. ન્યૂયોર્ક ટાઈમ્સ વાંચવાની એમની રોજિંદી પ્રવૃત્તિ હતી. એકવાર તે ન્યૂયોર્ક ટાઈમ્સ વાંચી રહ્યા હતા ત્યારે તેમની નજર એક ફોટા પર પડી તેમની આંખો એ ફોટા પર સ્થિર થઇ ગઈ. પછી તેમણે તે ફોટો શેનો છે તે ધ્યાનથી વાંચ્યું. તે ફોટો મેટ્રોપોલિટન મ્યુઝિયમમાં રાખવામાં આવેલા એક પેન્ટિંગ (Painting) નો હતો જેનું નામ હતું - 'આઈલેન્ડ ઑફ ડેથ (Island of Death) એ શબ્દનો અર્થ થાય - મૃત્યુનો દ્વીપ. હેસ્ટિંગ્સની આંખો ફરી એ ફોટાને અપલક જોવા લાગી. તેમને સમજાયું નહીં કે તે એ ફોટાને આમ સતત કેમ જોયા કરે છે ? ફોટા પરથી તેમની આંખો હટી પછી તેમનું મન ઉદાસ અને શોકગ્રસ્ત થઇ ગયું.'
પછી તેમણે પોતાના કામમાં મન લગાડયું પણ થોડી થોડી વારે તેમનું મન અસ્થિર થઇ જતું એન પેલા ફોટાનો વિચાર કરવા લાગી જતું. પછી તો તેમણે ફરી પેલું પાનું ખોલ્યું અને કાતરથી એ ફોટો પેપરમાંથી કાપી લીધો અને પોતાના ટેબલ પર રાખેલા જાડા કાચની નીચે મૂકી દીધો જેથી તેને તે વારંવાર જોઈ શકે. તેને તે રોજ જોતા રહેતા. એક દિવસ તો તે મેટ્રોપોલિટન મ્યુઝિયમમાં જ પહોંચી ગયા. ત્યાં એ પેન્ટિંગની સામે ઊભા રહીને આંખનું મટકું પણ માર્યા વગર તેને જોતા રહ્યા. તેમને એનું કારણ પણ સમજાયું નહીં.
આ પેન્ટિંગ જોયા પછી તેમના મનમાં મૃત્યુ વિશે શોધ નિબંધ લખવાની ઇચ્છા થઈ. એ ઇચ્છા એવી પ્રબળ હતી કે તેને તે રોકી શક્યા નહીં. આ પહેલાં તેમણે ક્યારેય આ વિષય પર કશું લખ્યું નહોતું. આમેય તેમને લખવાનો કોઈ શોખ નહોતો. પણ કોઈ અંદરની પ્રેરણા તેમને આમ કરવા પ્રેરી રહી હતી. તેમણે કાગળોની થોકડી ઉઠાવી અને લખવા માંડયું. કોઈ અદ્રશ્ય શક્તિ તેમને લખાવતી હોય તેમ તે ઝડપથી લખતા જ ગયા. મૃત્યુ વિષયક એ થિસિસ પૂરો થયા બાદ જ્યારે તેમણે તે વાંચ્યો ત્યારે તેમને પોતાને જ નવાઈ લાગી કે તે તેમણે કેવી રીતે લખી કાઢ્યો ? આવું લખવાનું તેમની પાસે જ્ઞાન જ ક્યા હતું અને તેવી આવડત પણ ક્યાં હતી ? તેમણે કોઈ સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કર્યો નહોતો, કશાની નકલ કરી નહોતી, કોઇને કશું પૂછ્યું નહોતું કે એ વિશે કશું વિચાર્યું પણ નહોતું. તો બધું તેમની થકી લખાયું કઇ રીતે ? તેનો તેમની પોતાની પાસે પણ કોઈ જવાબ નહોતો.
તે મૃત્યુ વિષયક શોધ નિબંધ લખાયા બાદ થોડા સમયમાં જ તે નિદ્રાધીન થઇ ગયા. ઊંઘમાં તેમને એક વિચિત્ર સ્વપ્ન આવ્યું. તેમાં તેમણે જોયું કે મહેલ જેવું એક શાનદાર મકાન છે. એની બરાબર સામે એક રસ્તો છે જે એક બગીચા તરફ જાય છે. તે એ બગીચાના રસ્તા પર ચાલી રહ્યા છે. ત્યાં એમનો એક ગાઢ મિત્ર એ જ રસ્તા પર ચાલતો ચાલતો આવી પહોંચે છે. તે કશું બોલતો નથી. ચૂપચાપ તેની સાથે ચાલી રહ્યો છે. તેના મનમાં ગમગીની એ શોક છવાઈ ગયા છે એવું લાગે છે. તેની એવી સ્થિતિ જોઇને હોસ્ટિંગના મનમાં પણ એવી જ અનુભૂતિ થવા લાગે છે. ચાલતાં ચાલાતં તે બન્ને એક વિશાળ પ્રદેશની સીમા પર આવી પહોંચ્યા. હેસ્ટિંગ્સે સામે જોયું તો તેમની આંખો આગળ એક એવું દ્રશ્ય પ્રગટ થયું જે જોઇને તે ચોંકી ઉઠયા ! તે જગ્યા હતી - 'આઈલેન્ડ ઑફ ડેથ.'
પહેલાં ન્યૂયોર્ક ટાઈમ્સના ફોટોમાં જોયો હતો અને પછી મ્યુઝિયમમાં જઇને એની આર્ટ ગેલેરીમાં જોયું હતું તે આ નામનું પેન્ટિંગ. પેન્ટિંગમાં દોરાઈ હતી તે જગ્યા. તેમણે તેમના મિત્રને પૂછ્યું - આ કઇ જગ્યા છે તે તને ખબર છે ? તેણે શોક સંતપ્ત ભાવે કડવાશથી કહ્યું - 'હા મને ખબર છે. તે છે મૃત્યુનો ટાપુ. તે બન્ને જે જગ્યાએ આવી પહોંચ્યાં હતા તેની એક તરફ પ્રકાશ હતો અને બીજી તરફ અંધકાર. હેસ્ટિંગ્સ એક જગ્યાએ પહોંચી ચાલતા અટકી ગયા કેમ કે ત્યાં પ્રકાશ પૂરો થઇ જતો હતો. આગળ હતો ગાઢ અંધકાર. તેમનો મિત્ર આગળ ચાલવા લાગ્યો. બે-ચાર પળમાં તે અંધકારમાં ગરકાવ થઇ ગયો. ત્યાં સ્વપ્ન પૂરું થઇ ગયું. હેસ્ટિંગ્સ એકાએક નિદ્રામાંથી જાગી ગયા. તેમને સ્વપ્ન બરાબર યાદ રહી ગયું હતું. તેમણે તેની વિગતો તેમની ડાયરીમાં લખી. તેની તારીખ અને સમય પણ નોંધી લીધા.'
થોડા દિવસ બાદ તેમને પેલું સ્વપ્ન યાદ આવ્યું. એટલે તે મિત્રનું પણ સ્મરણ થયું. તેમણે તેને ટેલિગ્રામ કર્યો. ટેલિગ્રામનો તરત જવાબ આવ્યો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમના મિત્રનું થોડા દિવસ પહેલાં જ મરણ થઇ ગયું હતું. તેના મરણની તારીખ અને સમય વાંચીને તે ચોંકી ઉઠયા. તે એ જ તારીખ તથા સમય હતાં જે પેલા સ્વપ્ન બાદ તેમણે ડાયરીમાં નોંધ્યા હતા. તેમણે તેમના મિત્રને અંધકાર ભર્યા મૃત્યુના દ્વીપ તરફ જતો જોયો તે જ દિવસે અને સમયે તે સાચેસાચ મરણ પામ્યો હતો. હેસ્ટિગ્સને 'ડ્રીમ ક્લેરવોયન્સ' થયું. સ્વપ્નમાં મિત્રના મરણનો પૂર્વાભાસ થયો. તેનું અતીન્દ્રિય રીતે પૂર્વજ્ઞાન અને પૂર્વ દર્શન થઇ ગયું. આઈલેન્ડ ઑફ ડેથના પેન્ટિંગના ચિત્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ થયું, તેને જોયાથી અત્યંત શોકનો અનુભવ થયો. મૃત્યુ વિશે અજ્ઞાત શક્તિ થકી મહાનિબંધ લખાવાઈ ગયો. આ બધું અનાયાસે ના બને. તેમની ચેતનાએ નિદ્રાની સ્થિતિમાં તેમનું મન વિશ્રાંતિભર્યું અને શાંતિ હતું જ્યારે સ્વપ્ન દ્વારા અતીન્દ્રિય દર્શનથી નજીકના ભવિષ્યમાં આવનારા મિત્રના મૃત્યુનો પૂર્વાભાસ કરાવી દીધો. અન્દ્રિયાતીત સ્વપ્ન દર્શને બનનારી ઘટનાના અનેક સંકેતો આપી દીધા.


