Get The App

જેનિફર મેડોર : જેણે 1-2 નહીં પણ 9 વખત કેન્સરને હરાવ્યું....!

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
જેનિફર મેડોર : જેણે 1-2 નહીં પણ 9 વખત કેન્સરને હરાવ્યું....! 1 - image

- સેલિબ્રેશન-ચિંતન બુચ

- નકારાત્મક વિચારો કેન્સર કરતા પણ વધારે ઘાતકી પુરવાર થતા હોય છે

- 4 ફેબુ્રઆરી 

- કેન્સર દિવસ 

'કે ન્સર ખૂબ જ મર્યાદિત શક્તિ ધરાવે છે... તે પ્રેમને પાંગળો બનાવી શકતું નથી.તે આશાને ધ્વસ્ત કરી શકતું નથી. તે વિશ્વાસને ડગાવી શકતું નથી. તે શાંતિને ડહોળાવી શકતું નથી. તે મિત્રતાને તોડવામાં નિષ્ફળ રહે છે. તે યાદોને કચડી શકતું નથી. તે હિંમતને હંફાવી શકતું નથી. તે આત્મા પર આક્રમણ કરી શકતું નથી. તે શાશ્વત જીવનને ચોરી શકતું નથી. તે આપણા જુસ્સા સામે જીતી શકતું નથી.'

'કેન્સર શું નથી કરી શકતું ?' તે અંગે એક અંગ્રેજીમાં અજ્ઞાાત કવિની રચનાનો આ ભાવાનુવાદ છે.  

કોઇ પણ વ્યક્તિ ૫૬ની છાતી ધરાવતો મિજાજ કેમ ના ધરાવતો હોય પણ   કેન્સર નામનો સાડા ત્રણ અક્ષરનો શબ્દ ત્રાટકે ત્યારે તેને ચોક્કસ થોડી ક્ષણો માટે તો હચમચાવી જ દે છે. કેન્સર એટલે જીવન કેન્સલ થવાનું કાઉન્ટ ડાઉન શરૂ  એમ અગાઉ માની લેવામાં આવતું. પરંતુ હવે આપણા મેડિકલ સાયન્સે ખૂબ જ પ્રગતિ સાધી છે અને તેના કારણે કેન્સર સામેનો જંગ જીતવામાં ખાસ્સી સરળતા રહે છે. કેન્સર સામેના યુદ્ધમાં જીતવા માટે ફક્ત સમયસર સારવાર કે દવા જ નહીં અન્ય કેટલાક પરિબળો પણ ખૂબ જ મહત્વની કામગીરી અદા કરે છે. જેમાં સૌથી મોટું પરિબળ હકારાત્મક મિજાજ છે. 'મને કેન્સર છે, હવે મારું જીવન પૂરું થઇ ગયું?'એવા નકારાત્મક વિચારો કેન્સર કરતા પણ વધારે ઘાતકી પુરવાર થતા હોય છે.  આજે એક એવી 'મર્દાની'ની વાત કરવાની છે જેમણે એક-બે કે ત્રણ નહીં પણ ૯ વખત કેન્સરને પરાસ્ત કરેલું છે. તેમનું નામ છે જેનિફર મેડોર. અમેરિકાની જેનિફર જ્યારે ચાર મહિનાની હતી ત્યારે જ વિલ્મ્સ ટયુમરનું નિદાન થયું. વિલ્મ્સ ટયુમર એ મુખ્યત્વે પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં જોવા મળતું કિડનીનું કેન્સર છે. આ કેન્સરના નિદાન બાદ જેનિફરની ડાબા ભાગની કિડની કાઢવામાં આવી. કેન્સર સામેના જંગની આ માત્ર શરૂઆત હતી. તે હજુ ૧૭ વર્ષની થઇ ત્યાં સુધી તેને એડ્રિનલ એટલે કે કિડની ઉપરની ગ્રંથી, સોફ્ટ ટિશ્યુ સાર્કોમા એટલે કે શરીરના નરમ તંતુઓમાં, મેલાનોમા એટલે કે ચામડીમાં ગંભીર પ્રકારનું અને બેઝલ સેલ કાસનોમા એટલે કે ચામડીમાં ધીમે-ધીમે વધતાં કેન્સરનું નિદાન થયું. આ કેન્સરને તેણે પરાજય પણ આપ્યો. પરંતુ વિવિધ પ્રકારના કેન્સર સામેના જંગની ખુશી મનાવે એ અગાઉ જ જેનિફરની માતાનું ફેફસાંના કેન્સરથી મોત થયું. હજુ તેણે પુખ્તવયનો ઉંબરો વટાવ્યો ત્યાં જ વધુ એક કેન્સરનું નિદાન થયું. પરંતુ આ કયા પ્રકારનું કેન્સર છે તે ડોક્ટરો માટે પણ શરૂઆતમાં કોયડા સમાન હતું. આખરે ડોક્ટર એવા નિષ્કર્ષ પર આવ્યા કે જેનિફરને જમણી એડ્રિનલ ગ્રંથીમાં ફિઓક્રોમોસાઇટોમા નામનું દુર્લભ ટયુમર છે. એટલું જ નહીં, તેની પાસે બાકી રહેલી એક કિડનીમાં ફરીથી રેનલ સેલ કાર્સિનોમા એટલે કે કિડનીનું કેન્સર પણ થયાનું સામે આવ્યું. આ બંને કેન્સર પર અલગ-અલગ બે સર્જરી કરવામાં આવી. તે આ કેન્સર સામેનો જંગ લડી રહી હતી ત્યારે માતા બાદ તેના પિતાએ પણ કેન્સર સામે જીવન ગુમાવ્યું. જેનિફરે તેની સોશિચલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, 'ડોક્ટર દ્વારા એમ કહેવામાં આવે કે તમને કેન્સર છે ત્યારે ચિંતાની સાથે જ શું મારે કિમોથેરાપી કરાવવી પડશે? શું મારે વાળ જતાં રહેશે? રેડિએશનથી બળતરા કે દુઃખાવો થશે ? શું મારે સર્જરી કરાવવી પડશે? સારવાર ચાલતી હશે ત્યારે હું કામ પર જઇ શકીશ? શું હું મારી અને મારા પરિવારની કાળજી રાખી શકીશ? શું મારા મૃત્યુનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે? મને કેન્સર છે તેવું મેં ડોક્ટરના મોંઢેથી એક-બે નહીં નવ વખત સાંભળેલું છે. સમજણી થઇ ત્યારે પહેલી વખત આ શબ્દો  કાને પડયા ત્યારે મારા માથે જાણે આભ તૂટી પડયું હતું. ગૂગલમાં સર્વાઇવિંગ શબ્દ લખશો તો વ્યાખ્યા મળશે કે કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ જીવતા રહેવા અથવા અસ્તિત્વ ટકાવી રાખવું. પરંતુ કેન્સર સામેના જંગમાં એક વાતનો અહેસાસ થયો કે સર્વાઇવિંગ કેન્સર  એટલે કે મારું હૃદય હજુ ધબકે છે, તબક્કાવાર મારી સારવાર સરસ રીતે થઇ રહી છે, તમારી પાસે વિવિધ વિકલ્પ છે અને સકારાત્મક પરિણામની અપેક્ષા રાખવાની છે. કેટલાક નિશાન ખૂબ ઉંડા હોય છે, કેટલાક અંદર ધરબાયેલા હોય છે. કેટલાક દરેક જોઇ શકે એવા હોય છે તો કેટલાક વ્યક્તિની અંદર છુપાયેલા હોય છે. આ નિશાન તમને તમારા ભૂતકાળની યાદ અપાવે છે. પીડાની એવી ક્ષણોની યાદ અપાવે છે જ્યારે તમને લાગે છે કે જાણે છેલ્લા શ્વાસ સુધી તે તમારી સાથે જ રહેશે. પરંતુ  આ નિશાન અન્ય કેટલાક પાસાં પણ બયાં કરે છે. તે તમારી લડવાની શક્તિ, મનની અંદર કેટલી તાકાત સંગ્રહાયેલી છે તે પણ દર્શાવી જાય છે. આવા દરેક યોદ્ધા પ્રત્યે મારો પ્રેમ અને આદર છે. આ ભીષણ યુદ્ધમાં કેટલાક જીતે છે તો કેટલાક હારી જાય છે. પરંતુ સ્વાસ્થ્યની લડાઇમાં સારી વાત એ છે કે જે લડે છે તે દરેક વિજેતા છે. 

તેમાં તમારી લડત મહત્વની છે. કેન્સર સામેની લડાઇ ના કેવળ શારિરીક બલ્કે માનસિક છે. કેટલીક લડાઇ જો આંતરિક હોય તો તેમાં વિજય મેળવવો ખૂબ જ કપરો બની જાય છે. પરંતુ મારી વાત હંમેશાં યાદ રાખજો આપણા દરેકની અંદર એક તાકાત છુપાયેલી હોય છે જેની ક્યારેય કચડી શકાતી નથી. શરીરમાં કંઇ પણ ખોટું જણાય તો શાહમૃગવૃત્તિ કેળવો નહીં. તમારી શરીરની અંદરની બિમારીને ત્યારે જ મારી શકાય છે જ્યારે તેનું સમયસર નિદાન થાય. કેન્સર સામેની લડાઇમાં મને ખૂબ સારી નોકરી અને જીવનસાથી પણ મળ્યો છે, અમારા બાળકો પણ છે. જીવનમાં શું તકલીફો અને સમસ્યા નડી તેના કરતાં શું સકારાત્મક થયું તે વિચારીએ તો તે એક પ્રકારનો બૂસ્ટર ડોઝ જ છે. જેઓ પણ કેન્સર સામે લડી રહ્યા છે તેમને મારી એક જ સલાહ છે કે તમારા પરિવારના સદસ્યો-મિત્રો સાથે સમય વિતાવો, તમે શું અનુભવી રહ્યા છો એ પણ તેમને કહેતા રહો. સકારાત્મક વિચાર જ કેન્સર સામેની લડાઇમાં મહત્ત્વની ચાવી છે. '

ટૂંકમાં કહેવામાં આવે તો, કાયમ કેન્સર એટલે (અથવા કોઈ રોગ એટલે) કેન્સલ નહિ. વિલ પાવર ભી બડી ચીજ હૈ. જબ તક હૈ સાંસ ,તબ તક હૈ આસ. ગ્લાસના નહિ.  સ્ટીલના બનવું. જીવવું ત્યાં સુધી લડવું. રડવું. તો ય લડવું. થાકવું. તો ય લડવું. હારવું. તો ય લડવું.  જીવન લડને કા નામ ! ચલતે રહો સુબહો શામ !