Get The App

ઈમ્યૂનિટી બૂસ્ટર 'લાલ ચા'ની રાણી મુઆની

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
ઈમ્યૂનિટી બૂસ્ટર 'લાલ ચા'ની રાણી મુઆની 1 - image

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- લાલ ચ્હા ઓર્ગેનીક ચ્હા છે જેમાં પોષક તત્ત્વોનું પ્રમાણ પણ હોય છે. ખાસ કરીને આર્યન (લોહ) તત્ત્વનું પ્રમાણ વધારે હોય છે જે દૂધ નાખ્યા વગર પીવાય છે અને તેને 'હાઈ ક્વોલીટી રેડ જંગલ ટી' કહેવાય છે

મી ઝોરમ આમ તો 'સેવનસીસ્ટર્સ' રાજ્યમાંનું એક સરહદે આવેલું રાજ્ય છે. જ્યાં હજી શિક્ષણનો નહિવત્ પ્રચાર છે, એટલે પહાડીપ્રજા એજ જૂનવાણી વિચારોમાં જીવે છે. જ્યાં ગરીબી, અંધશ્રધ્ધા અને જાતીયભેદના સામાજીક દૂષણો જોવા મળે છે. 'દીકરીને ખાસ શિક્ષણની જરૂર નથી હોતી', એવી ત્યાંની પ્રજાની માન્યતા છે. આવા વાતાવરણમાં અને સમાજમાં, 'લલથલામુઆની' નામની ૨૨ વર્ષની યુવતી, ભણી એટલું જ નહિ પરંતુ તેણે ચ્હાનો વેપાર શરૂ કર્યો અને ગામના ૩૦૦ ખેડૂતોને તેમાં સામેલ કરી આર્થિક રીતે પગભર કર્યાં.

'મુઆની' (ટૂંકુ નામ)ની વાત શરૂ થાય છે, નાના ગામ લીઝેનઝોથી. પહાડ પર વસેલું આ ગામ, જ્યાં લોકો અત્યંત જૂનવાણી વિચારના ગામની દીકરીઓ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ભણે અને પછી ગૃહકાર્ય સંભાળે અને ૧૫-૧૬ વર્ષની થતા પરણી જાય, આ તેમના જીવનનું અંત્યબિંદુ.

આ સામાજીક વાતાવરણમાં મુઆનીએ નાનપણથી નક્કી કરેલું કે, હું ખૂબ ભણીશ અને તે પણ કંઈક આગવું, જે શિક્ષણ મારો અને મારા ગામ લોકોનો વિકાસ કરે. આથી ગામની પ્રાથમિક શાળામાં ભણી, મુઆની આગળ સિક્કીમ ભણવા ગઈ.

પણ આતો ગરીબ ઘરની દીકરી, એટલે માતા-પિતા હાયર એજ્યુકેશનનો ખર્ચો કેવી રીતે ઉપાડી શકે ? એટલે મુઆનીએ ઘરેલું વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું. જેમાં વેસ્ટમાંથી બેસ્ટ કરી શકાય તેવી વસ્તુઓ તેણે લીધી. ઘરની બોટલો જેને પેન્ટ કરી, તેના પર શણગાર કરી, તેને વેચવા માંડી. ઉપરાંત મેટસ વગેરે વેચવા માંડી અને હાઈસ્કુલનો ખર્ચો પૂરો કરી બારમાં ધોરણ સુધી ભણી. આ દરમ્યાન, મુઆનીને વ્યાપાર વિષે ઘણું જ્ઞાાન મળ્યું. આથી તેણે બીબીએ (બેચલર ઓફ બીઝનેસ એડમીનીસ્ટ્રેશન) કરવાનું નક્કી કર્યું.

મુઆની જણાવે છે કે, 'મારી માતા, એક ઘેરથી બીજા ઘેર શાકભાજી વેચતી, આ દરમ્યાન તે કોઈપણ વ્યાપાર સારી રીતે કેવી રીતે થાય તે વિષે વાતો કરતી. આ માતાની વાતો સાંભળી, મને પહેલેથી વ્યાપાર માટેનો વિચાર આવતો. તેમાં મેં હાઈસ્કુલની ફી માટે થોડીક વસ્તુઓ વેચી અને મેં ઓન લાઇન મારકેટીંગ, બજારની વિગતો જાણી, તેને કારણે મને વ્યાપારના વ્યવસાયમાં રસ પડયો અને મેં બીબીએ કરવાનો નિર્ણય કર્યો.'

બીબીએની ફી માટે, મેં મારી વસ્તુઓને ઓન લાઇન મૂકી અને મારકેટીંગ શરૂ કર્યું. અહીં મને ઘણો અનુભવ મળ્યો, મેં બીબીએ પૂરું કર્યું અને હું મારા ગામ લીઝેનઝોથી પાછી આવી અને અહીં કોઈ વ્યાપાર કરવાનું નક્કી કર્યું.

કહેવાય છે ને, કે 'અનુભવ એ જગતનો સૌથી મોટો શિક્ષક છે.' મુઆનીને તેના નાનીનો અનુભવ કામ લાગ્યો. મુઆનીના નાની વાત વાતમાં હમેશાં કહેતા કે, 'પાસેના જંગલમાં થતી લાલ ચ્હા એ જુદી જાતની પણ ઉચ્ચ સુગંધવાળી અને સ્વાદવાળી હોય છે. જો તેનો યોગ્ય રીતે સાફ વગેરે કરી, પ્રોસેસ કરવામાં આવે તો સુંદર અને સુગંધીદાર ચ્હા બની શકે, જે ચ્હાના શોખીનો માટે ઉત્તમ પૂરવાર થાય.' મુઆનીને દાદીની આ વાત યાદ આવી. આથી તેણીએ આ ચ્હાનો વેપાર કરવાનું નક્કી કર્યું.

કોઈ દિવસ ચ્હાનો વેપાર તો કરેલો નહિ, પરંતુ ભણતર દરમ્યાન પહેલાં ઘરેલું વસ્તુઓનું પ્રત્યેથી વેચાણ અને પછી ઓન લાઇન મારકેટીંગ અને વેચાણ કરેલું, આથી વ્યાપારનો થોડો અનુભવ હતો અને બીબીએનું ભણતર, આ બેનો સમન્વય કરી મુઆનીએ 'ઈકોફેર' નામથી પોતાનું નાનું યુનિટ ઊભું કર્યું. આ સાથે એક-બે ખેડૂતોને આ પ્રોજેક્ટમાં સહભાગી બનાવ્યા. તેમના ખેતરમાં લાલ ચ્હા ઉગાડવાનો વિચાર આપ્યો અને તે વિચારને ખેડૂતો અનુસર્યા. મુઆનીએ પોતાની રીતે લાલ ચ્હાની પ્રોસેસ કરી, પેક કરી વેચી તો આ લાલ ચ્હા ખૂબ ઉપડી.

લાલ ચ્હા ઓરગેનીક ચ્હા છે જેમાં પોષક તત્ત્વોનું પ્રમાણ પણ હોય છે. ખાસ કરીને આર્યન (લોહ) તત્ત્વનું પ્રમાણ વધારે હોય છે જે દૂધ નાખ્યા 

વગર પીવાય છે અને તેને 'હાઈ ક્વોલીટી રેડ જંગલ ટી' કહેવાય છે.

મુઆનીએ આ ચ્હાની ઘરેલું રીતથી પ્રોડકશન ચાલુ કર્યું. શરૂઆતમાં જ તેના ૫૦૦ પેકેટ વેચાયા. ધીરે ધીરે આ ચ્હાનો વ્યાપાર વધતો ગયો. આ પ્રોજેક્ટને ત્રિપુરા સરકારનો પણ સાથ મળ્યો, આથી મુઆનીનો 'રેડ જંગલ ટી'નો વેપાર વધી ગયો અને વ્યવસાયિક રીતે વિકાસ પામવા માંડયો.

મુઆનીએ ધીરે ધીરે ખેડૂતોનો સાથ લેવા માંડયો, જે લોકો ખેતરમાં લાલ જંગલની ચ્હાનો પાક લેવા માંડયા. પહેલાં એક-બે ખેડૂતોથી શરૂઆત થઈ, પછી ત્રણને એમ એમ કરતા આ લાલ ચ્હાના પ્રોજેક્ટમાં ૩૦૦ ખેડૂતોની સંખ્યા આજના સમયમાં જોડાઈ છે. મુઆનીનો 'રેડ જંગલ ટી' પ્રોજેક્ટ એક વ્યવસ્થિત બીઝનેસ બની ચૂક્યો છે, જે 'ઈકોફેર' દ્વારા ચલાવવાય છે.

મુઆની કહે છે કે, 'આ પ્રોજેક્ટ ઘણી મહેનત માગી લે છે, તેમજ તેમાં ઘણી અડચણો પણ આવે છે.' મીઝારોમના ખેડૂત લોકોની સવાર જલ્દી શરૂ થાય છે. કારણ કે સવારનાં પાંચ સાડા પાંચ વાગે ખેતરમાં લાલ ચ્હાના પાન ચૂંટવા, મજૂરો આવી જાય છે. આથી ખેડૂતે અને મારે ત્યાં પહોંચી જવું પડે છે. પછી આખો દિવસ તેના પ્રોસેસીંગનું કામ ચાલે છે. એટલે સાંજ પડતાં ખેડૂતો, હું અને પ્રોસેસ કારીગરો થાકી જઈએ છીએ. આથી રાત પડતા સાત-આઠ વાગે વાળુ કરી સૂઈ જઈએ છીએ. આમ મીઝારોમમાં રાત ને સવાર વ્હેલી પડે છે.

મુઆની માટે સૌથી વધારે ગર્વની વાત તો એ છે કે વિશ્વમાં જ્યારે કોવીડનો પેનડેમીક ફેલાયો ત્યારે લગભગ ૨ વર્ષ ભલભલા ધંધાઓ ઠપ્પ થઈ ગયા હતા અને ભલભલા ખેડૂતો, વેપારીઓ અને અન્યની આર્થિક આવક બંધ થઈ ગઈ હતી અથવા ઓછી થઈ ગઈ હતી, ત્યારે આ મીઝોરમના ૩૦૦ ખેડૂતોની અને રેડ જંગલ ટી પ્રોસેસ કરતા કારીગરોની આવક બંધ થઈ ન હતી. 'રેડ જંગલ ટી'નું વેચાણ વધ્યું હોવાથી, આ સમયમાં તેની માંગ વધારે હતી.

હાલના સમયમાં મીઝોરમના નાગાલેન્ડ, આસામ તેમજ આસપાસના 'સેવન સીસર્ટસ' રાજ્યોમાં 'રેડ જંગલ ટી'ની માંગ વધારે છે. આ ઓરગેનીક ચ્હા એક પ્રસ્થાપિત વ્યવસાય તરીકે સ્થાપિત થઈ ચૂકી છે.

મુઆની આ 'રેડ જંગલ ટી'ને આખા ભારત દેશ તેમજ વિશ્વકક્ષાએ પ્રમોટ કરવા માગે છે.

કહેવાય છે ને કે, 'મન હોય તો જરૂર માળવે જવાય છે,' છે ને છે...