Get The App

ક્લાઉડ કીચન ક્વીન અંજુમ .

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
ક્લાઉડ કીચન ક્વીન અંજુમ                  . 1 - image

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- કોઈપણ મહિલા, પોતાના શોખને વ્યવસાયમાં, પરિવર્તીત કરી શકે છે

હૈ દ્રાબાદની નાઝ અંજુમને નાનપણથી રસોઇનો શોખ. આગળ જતા રસોઇનો શોખ, તેની પેશન બન્યો. તેણે સંજીવકપુરના કુકીંગ ક્લાસીસ કર્યા અને જુદી જુદી રેસીપીઓ બનાવવી તે તેની પેશન બની ગઈ. આથી જ્યારે તેને ટેક્સટાઇલ એન્જીનીયર હોવા છતાં એ કારકિર્દી છોડવી પડી, ત્યારે અંજુમે 'ક્લાઉડ કીચન' કરી, ૮૦ રૂ. થી શરૂ કરી વાનગીઓ બનાવવાનું શરૂ કર્યું, તે આજે આખા હૈદ્રાબાદમાં તેનું ક્લાઉડ કીચન અંજુમ ક્લાઉડ કીચન તરીકે જાણીતું છે અને તે મહિને, ૧ લાખ રૂ. કમાય છે, અને આશરે નાના મોટા થઇને પાર્ટીઓ સુધીના ૨૦,૦૦૦થી વધારે ઓર્ડરોને ક્લાઉડ કીચનની સેવા આપી ચૂકી છે.

આ માટે અંજુમની રસોઈ, ફુડ માટેની પેશન, કોઠાસૂઝ, ધગશ, અને સખત મહેનત અને પોતાના કાર્ય પ્રત્યેનું સમર્પણ નિમિત્ત બન્યા છે. નાઝ અંજુમની મૂળ કારકિર્દી ટેક્સટાઈલ એન્જીનીયરની હતી. પરંતુ પરણીને તે હૈદ્રાબાદ આવી. પોતાના નીજી કારણોસર તેને ટેક્સટાઇલ એન્જીનીયરની કારર્કિદી છોડવી પડી. અંજુમને નાનપણથી રસોઇનો શોખ હતો, તેણે સંજીવકપુરના કુકીંગ ક્લાસ ભરેલા એટલે આ બે વસ્તુઓ મિશ્રીત થતા, તે અવનવી વાનગીઓ બનાવતી અને અડોશપડોશમાં આપતી. બધાને તે ખૂબ ભાવતી અને અંજુમનની વાનગીઓના વખાણ થતા અને તેનું ફુડ તેના બિલ્ડીંગમાં ચર્ચાનો વિષય બન્યો.

આ બિલ્ડીંગમાં રહેતા અને નોકરી કરતા અપરણીત યુવાનોએ તેની પાસે જુદી જુદી કરી અને ગ્રેવીઓ લેવાનું શરૂ કર્યું. આ યુવાનોને તેના સ્વાદમાં એટલો રસ પડી ગયો કે, તેઓ ટિફીન અંજુમ બાંધે તેમ વિનંતી કરી, અને અંજુમે, તે વિનંતી મંજૂર રાખી. આમ અંજુમ ક્લાઉડ કીચનનો જન્મ થયો.

આ પરથી અંજુમે પોતાનું ક્લાઉડ કીચન કરીને ઓર્ડરો લેવાની શરૂઆત કરી. અંજુમની બીરીયાની પેશન હતી, આથી તેણીએ પ્રથમ રૂ. ૮૦માં જુદા જુદા શાકભાજી લઈ, બીરીયાની બનાવી અને પહેલો ઓર્ડર પૂરો કર્યો.

અંજુમે, નક્કી કર્યું હતું કે તે એકલી જ આ ઓર્ડરો લેશે અને તે પૂરા કરશે. તેણે પોતાના ક્લાઉડ કીચનની જાહેરાત ના આપી, પરંતુ ફેસબુક પર અને એકબીજા સાથેની માઉથ પબ્લીસીટીથી ઓર્ડરો મેળવવા માંડયા અને તે આ રસ્તે આગળ વધવા માંડી.

શરૂઆતમાં અંજુમ જાતે ઓર્ડર લઇ, ડીલીવરી આપવા જતી. પહેલો ઓર્ડર એને ઇફ્તીઆર પાર્ટીનો મળ્યો તેમાં તેણે બીરીયાની, દૂધીનો હલવો અને પનીરની સબજી બનાવી. જેના બહુ વખાણ થયા. અને બીજા ઓર્ડરો મળ્યા.

અંજુમન કહે છે, આ મારો પહેલો ઓર્ડર હતો. મેં ફક્ત ૮૦ રૂ. જ વાપર્યા હતા. પરંતુ મને મારી જાતમાં અને મારી રસોઈમાં વિશ્વાસ હતો કે હું ખૂબ સ્વાદિષ્ટ જ બનાવીશ અને બીરયાની બહુ વખાણી આથી મેં બીરીયાની પર ફોક્સ કરવાનું નક્કી કર્યું.

બિરીયાનીમાં વિવિધતા આપવા માંડી. મારું 'અંજુમ ક્લાઉડ કીચન'નું બીજું નામ 'બીરીયાની કીચન' પણ પડયું.

પરંતુ જેમ જેમ ઓર્ડરો વધતા ગયા તેમ તેમ મને સમજાયું કે, બિરીયાની ઉપરાંત પણ લોકો વિવિધ વાનગીઓ માગે છે. મારી પાસે રેસીપીના નવા આઈડીયાઝ, રસોઇનો હુન્નર અને કોઠાસૂઝ તો હતી જ, આથી મેં આ ઉપરાંત દહીંવડા, પકોડા, ડીર્ઝટ વગેરે આઈટમોમાં નવીનતા લાવવા માંડી ને મારા ઓર્ડર વધતા ગયા.

હવે ઓર્ડરો વધ્યા હતા અને ડીલીવરીઓ પણ વધી હતી. આથી અંજુમે બે ડીલીવરી બોય રાખ્યા, જે શાકભાજી કાપવામાં, ને અન્ય કામોમાં મદદ કરવા લાગ્યા. અંજુમે શાકભાજી અને અન્ય વસ્તુઓ લાવવાનું કામ પતિને સોંપ્યું કારણ કે તેને ઘરની રસોઈ અને અન્યકામ, તેમજ બે બાળકોના ઉછેરની જવાબદારી પણ હતી.

નાઝ અંજુમના જણાવ્યા પ્રમાણે તેનો દિવસ સવારના ૪.૩૦ વાગે શરૂ થાય છે. પ્રથમ તે ઘરના લોકોનો બ્રેકફાસ્ટ બનાવે, પછી રસોઇની તૈયારી કરે, પછી બાળકોને ઉઠાડી તેમનું કામ કરીને શાળા માટે તૈયાર કરે, પછી ઘરની રસોઈ બનાવે. ત્યાં સુધીમાં તેને મદદ કરતા યુવાનો આવી જાય. એટલે તેઓ શાકભાજી સમારી અન્ય તૈયારીઓ કરી બધું તૈયાર રાખે એટલે, અંજુમ બધા મસાલા કરી, ઓર્ડર પ્રમાણે બધી રસોઇની વાનગીઓ, ખાસ કરીને ટીફીન અને બીરીયાની વગેરેના જે છૂટક ઓર્ડરો હોય તે પ્રમાણે બનાવી, પેક કરી તૈયાર રાખે. એટલે બે યુવાનો ડીલીવરી કરી આવે.

બધું કામ બે વાગે પૂરું થાય. એક કલાક આરામ કરી અંજુમ, સાંજની તૈયારી કરે. સાંજના પાર્ટીના ઓર્ડર લે છે લગભગ અઠવાડીયાની ૪ પાર્ટીના ઓર્ડરો લે છે. જેમાં સુપ અને સ્ટાર્ટરથી ડેઝર્ટ સુધીની વાનગીઓ આપે છે. જેમાં વિવિધતા કરતી રહે છે. અંજુમના જણાવ્યા પ્રમાણે તે બીરીયાની સ્પેશીયાલીસ્ટ છે.

 તેની બીરીયાની વેજ કે નોનવેજ ૧૮૦૦ રૂ. કીલો હોય છે, છતાં લોકોની માગ જબરજસ્ત હોય છે. આ ઉપરાંત શિયાળામાં તલના લાડુ, અંજરીપંજરીના લાડુ, ગુંદરના લાડુ વગેરેની માંગ વધારે હોય છે.

આજે અંજુમનું ક્લાઉડ કીચન ચરમસીમા પર છે. હૈદ્રાબાદમાં ક્લાઉડ કીચન કરનાર તે પ્રથમ મહિલા છે. (ક્લાઉડ કીચન એટલે જ્યાં બેસીને જમવાની વ્યવસ્થા હોય, પરંતુ ફક્ત ઘરમાં થતી રસોઈ તૈયાર થાય તે ઓર્ડર પ્રમાણે લઇ જવાની હોય)

નાઝ અંજુમ એકલી બીઝનેઝ પ્રીનર નથી. કોવીડ લોકડાઉનમાં ભલે ધંધો ઓછો થયો હતો પરંતુ અંજુમ ક્લાઉડ ડાઉન કીચન એક દિવસ પણ બંધ રહ્યું ન હતું. અંજુમે સરકારની પરવાનગી લીધી, અને સવાર સાંજ થઇ તેણી ૫૦૦ લગભગને દિવસ રાત જમાડતી હતી.

અંજુમ મહિલા અને યુવતીઓને સલાહ આપે છે કે, રસોઇ બનાવવી તે એક આગવી કળા છે. ખાવા કે જમવાના રસથી તમે રસોઈ ના બનાવો. તમારા મનથી અને પ્રેમથી ૧૦૦% સમર્પણ આપો તો જરૂર એ સ્વાદિષ્ટ બનશે જ. કોઈપણ યુગ હોય કે કોઈપણ દેશની વાનગી હોય, બનાવનારનું સમર્પણ અને સંપૂર્ણ પ્રયત્ન જ જરૂરી છે. કારણ કે કોઈપણ વાનગીનો સ્વાદ જરૂરી છે નહિ કે બહારનું ડેકોરેશન.