Get The App

લેડી વીથ ધ લેમ્પ : સુજલા રોય .

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
લેડી વીથ ધ લેમ્પ : સુજલા રોય                             . 1 - image

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- ગરીબ બાળકોને સમજાય તે રીતે ભણાવવામાં જ આવતું નથી આથી બાળકો ભણતર છોડી દે છે અને કુમળી વયમાં ચરસ, ગાંજો કે દારૂનો નશો, ચોરી, ગુંડાગર્દી, સાયબર ક્રાઈમ વગેરે તરફ વળી જાય છે

ભા રતીય બંગાળી 'લેડી વીથ ધ લેમ્પ' એટલે સુજાલા રોય. જેણે 'લાઈટ અ લેમ્પ' એ યોજના હેઠળ, કલકત્તાની ડફા સ્લમ વિસ્તારના ગરીબ બાળકોને ભણાવવાની યોજના શરૂ કરી.

સુજાલા રોય વ્યવસાયે આઈટી પ્રોફેશનલ હતી. ઘણી સારી નોકરી કરી રહી હતી. સુજાલાને પોતાને ત્યાં કામ કરતી બાઈના દીકરાને ભણાવતા ભણાવતા, એ ખ્યાલ આવ્યો કે, ગરીબ આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના બાળકો, જે શાળાઓમાં ભણે છે. તેમના ભણતર અને વિષયના પુસ્તકો વિષે બહુ મોટું અંતર હોય છે. તેમને સમજાય તે રીતે ભણાવવામાં જ આવતું નથી આથી બાળકો ભણતર છોડી દે છે અને કુમળી વયમાં ચરસ, ગાંજો કે દારૂનો નશો, ચોરી કરવી, ગુંડાગર્દી કરવી, સાયબર ક્રાઈમ કરવો વગેરે તરફ વળી જાય છે. આવા બાળકોને શિક્ષણ આપવું જરૂરી છે એટલે તેણે કલકત્તાની સૌથી મોટી વસ્તી ડફા સ્લમ વિસ્તારમાં જઈ ભણાવવાનું નક્કી કર્યું.

ડફા એ પશ્ચિમ બંગાળના કલકત્તા શહેરમાં આવેલો મોટામાં મોટો સ્લમ-ઝૂંપડપટ્ટી વિસ્તાર છે. કદાચ એશિયાનો આ મોટો ઝૂંપડપટ્ટી વિસ્તાર છે. અહીં અત્યંત ગરીબીને કારણે ગંદકી ને પ્રદૂષણભર્યું વાતાવરણ હોય છે. આ કારણે બાળકો પણ રખડતા, નબળી શારીરિક પરિસ્થિતિમાં સબડતા હોય છે.

આવી વસ્તીના બાળકોને શિક્ષણ આપવાનું સુજાલા રોયે નક્કી કર્યું અને જન્મ થયો 'લાઈટ ધ લેમ્પ' યોજનાનો.

જ્યારે કોઈપણ વ્યક્તિ, જીવનમાં સંપૂર્ણપણે સેવા કરવાની ભેખ લે છે ત્યારે તેને 'સ્વ'નો ત્યાગ કરી, 'સર્વ' તરફ વળવું પડે છે. આ સેવાના જીવન સમીકરણને સુજાલા રોયે અપનાવ્યું અને આઈટી પ્રોફેશનલનો ધીકતો ધંધો છોડી, 'લાઈટ ધ લેમ્પ' યોજનાની શરૂઆત કરી.

સુજાલાએ રીક્ષા દ્વારા બાળકોને શિક્ષણ માટે પ્રચાર કરવાનો માર્ગ લીધો. રીક્ષા દ્વારા નાના ક્લાસથી શરૂઆત કરવાનો પ્રયાસ થયો.

બાળકો ભેગા પણ થવા માંડયા પરંતુ મૂળ શિક્ષણનો કોઈ દ્રષ્ટિકોણ નહીં અને શિસ્તનો સદંતર અભાવ હોવાને કારણે, સુજાલા ક્લાસમાં જતી તો બાળકો નકરી ચીસો પાડતાં. ભણાવવાનું તો બાજુ પર, પણ ક્લાસને કાબૂમાં રાખવો મુશ્કેલ પડતો આથી સુજાલાએ તેની સખીની મદદ લીધી. ઉપરાંત બાળકોને શિક્ષણ અંગેની તેમજ શિસ્તની સમજ આપવા લાગી.

બાળકો થોડા વ્યવસ્થિત થયા. ભણાવવાના ક્લાસરૂમમાં ભણાવવાનું તો શરૂ થયું પરંતુ બાળકોને અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ જેવા વિષયોમાં રસ પડતો નહિ. આથી આપેલું ઘરકામ કરતા નહિ, હાજરી નિયમિત રાખતા નહિ, અડધેથી ક્લાસરૂમ છોડી જતા રહેતા. આ કારણોસર સુજાલા માટે ભણાવવું ખૂબ મુશ્કેલ બની ગયું.

સુજાલા અને તેની સાથીદારે, તેમના માતા-પિતા વાલીઓને ભણતરનું મહત્વ સમજાવવા ભાષણો આપ્યા. પરંતુ ભેંસ આગળ ભાગવત જેને કાળા અક્ષરો ભેંસ બરાબર હતા, તેઓને મન શિક્ષણનું કંઈ મહત્વ જ નહતું.

સુજાલાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, 'આ બાળકો નાની ઓરડીમાં સાતથી આઠ જણ રહે, ગરીબીનો ભરડો, બે ટંક ખાવા પૂરતું ના મળતું હોય, મોટાભાગના સ્થળાંતર કરેલો મજૂર વર્ગ, આ લોકોના પોતાના જીવનના એટલા બધા પ્રશ્નો કે પોતાના બાળકોના ભણતર તરફ કેવી રીતે ધ્યાન આપે ? વળી તેમની માનસિકતા કે ભણતરથી શું ફાયદો થવાનો ! એવા વિચારો એટલે ખાસ ધ્યાન જ આપતા નહિ અને બાળકો રખડી ખાતા.

આમ અમારે ત્યાં ભણાવવું ખૂબ મુશ્કેલ અને પડકારરૂપ હતું. આથી હું થોડી નીરાશ થઈ અને મેં થોડો વખત ક્લાસ નિયમિત નહીં પરંતુ થોડા થોડા દિવસનો અંતરે ચાલુ રાખ્યા અને સીનીયર એજ્યુકેશનની વ્યક્તિઓનો અભિપ્રાય લેવાનું નક્કી કર્યું.'

સુજાલાએ પોતાના સીનીયરનો અભિપ્રાય લઈ આખો 'લાઈટ ધ લેમ્પ' પ્રોજેક્ટ નવેસરથી આયોજીત કર્યો.

જેમાં ફક્ત વિષયો જ ભણાવવાને બદલે આગળ થોડી રમતો રાખી. થોડી વાર્તાઓ વગેરે, તેમજ બીજી ઇતરપ્રવૃત્તિ રાખી અને પછી વિષયો ભણાવવાનું શરૂ કર્યું. થોડા સમય પછી એક એન.જી.ઓ. સંસ્થા પણ જોડાઈ. આથી તે લોકોએ આઈપેડ આપ્યા આથી ઇન્ટરનેટ, કોમ્પ્યુટર શીખવાડવાનું શરૂ કર્યું. હવે આ સ્લમની શાળા સંપૂર્ણ રીતે બાળકોને ભણાવવા માટે સજ્જ થઈ ગઈ. આ બાળકોની પ્રગતિ જોઈ અભણ વાલીઓએ પણ રસ લેવા માંડયો.

જે બાળકો, શિક્ષક આવતા ચીસો પાડતા હતા, તે હવે શાંતિથી પ્રવૃત્તિઓ કરી ભણવા લાગ્યા. 

હવે તેઓ ઘરકામ કરવા લાગ્યા છે, તેમજ આખો દિવસ શિસ્તમય પસાર કરવા લાગ્યા છે.

૨૦૦૯ થી શરૂ કરાયેલી સુજાલા રોયની 'લાઈટ ધ લેમ્પ' શિક્ષણ યોજનાને આજે લગભગ ૧૭ વર્ષ થઈ ચૂક્યા છે. ઘણા બાળકો ભણીને તૈયાર થઈ ગયા છે.

ખાસ સુજાલા રોય દાખલાઓ આપતા કહે છે, 'મમતા નામની સ્લમની વિદ્યાર્થીનીને તે અંગ્રેજી શીખવાડતી હતી. તે શીખતા શીખતા અંગ્રેજીને અન્ય વિષયો એટલા પાક્કા થઈ ગયા કે નિયમિત શાળામાં તે દાખલ થઈ અને ભણવા લાગી એટલું જ નહિ, આજે તે શાળામાં પાક્કું અંગ્રેજી બોલે છે અને અંગ્રેજી નાટકમાં પણ ભાગ લે છે. કોઈને ખ્યાલ ના આવે કે શરૂઆતમાં સ્લમની વિદ્યાર્થીની હતી.

બીજો દિનેશ નામનો વિદ્યાર્થી, તે લગભગ હાઈસ્કુલ જેટલું ભણ્યો, ભણવામાં ખૂબ હોંશિયાર, તેને સરકારી ઓફિસર બનવું હતું, પરંતુ શૈક્ષણિક કારકીર્દીની વચ્ચે તેના પિતાજીનું અવસાન થયું. આથી કુટુંબના ભરણપોષણની જવાબદારી તેના પર આવી પડી. આથી દિનેશે ભણવાનું છોડી દીધું. અને તેનું ભણવાનું સ્વપ્ન પડી ભાંગતાં, નીરાશામાં આવી ગયો. સુજાલાએ ખૂબ સમજાવી અને કામ સાથે ફરી ભણાવવાનું શરૂ કરાવ્યું. આજે દીનેશ સરકારી ઓફિસર તરીકે કામ કરે છે.'

આમ છેલ્લા થોડા વર્ષોમાં 'લાઈટ ધ લેમ્પ'ની યોજના બરાબર ચાલે છે. આજે રોજના સો બાળકો નિયમિત ભણે છે.

સુજાલાએ બીજા સ્લમ એરિયામાં પણ ભણાવવાનું શરૂ કર્યું છે. બીજા શિક્ષકો પણ જુદા જુદા વિષયો ભણાવવા જોડાયા છે.

'લાઈટ ધ લેમ્પ' સુજાલાનો શૈક્ષણિક પ્રકાશ, ચારે તરફ ફેલાઈ રહ્યો છે.