Get The App

બહિષ્કારથી તો પ્રતિભા વધુ નીખરે .

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
બહિષ્કારથી તો પ્રતિભા વધુ નીખરે                            . 1 - image

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

- પ્રતિભા અને ચારેય બાજુથી પ્રગટ-અપ્રગટ તેજોદ્વેષ, પ્રતિભા અને તપસ્યા, આ બધાં 'પેકેજ ડીલ' છે

ક હેવાય છે કે ડાલામથ્થો વનરાજ નજીકમાં હોય, એનાં આગમનની તૈયારી હોય ત્યારે નાનકડાં પંખી-પશુ યા તો ચીસાચીસ કરી મૂકે છે અથવા તો કાનમાં વાગે એવું ભારે મૌન પાળે છે. તમે મોટાભાગના મૂઠી ઊંચેરા કે પ્રતિભાવંતની આત્મકથા કે ખરેખરી જિન્દગીના જાગૃત સાક્ષી બનવા માટે સદ્ભાગી હો તો અદલોઅદલ આવો જ સીનારિયો જોવા મળે છે.

નાનકડાં બિચારાં પશુપક્ષી ભલે વિચારતાં હોય કે આપણી ચીસાચીસ કે આપણું મૌન વનરાજને રોકશે, પણ એવું હરગીઝ બનતું નથી. પ્રતિભા અને મૌલિકતા ઈશ્વરદત્ત વરદાન છે. તમે કોઈ પ્રતિભાવંતને રોકવા જેટલા જોરથી પ્રયાસ કરો, એટલા જ જોરથી તમારાં હવાતિયાં છાપરે ચઢે છે, અને તમારાં હવાતિયાં પેલા પ્રતિભાશાળીને વધુ ઉજ્જ્વળ કરે છે, વધુ સ્પષ્ટ કરે છે. અહીં શાળાજીવનની એક ઘટના યાદ આવે છે. શાળાના વાર્ષિક મનોરંજન કાર્યક્રમમાં સમૂહગીત માટે કિશોરીઓને પસંદ કરવામાં આવે. બધી કિશોરીઓમાંથી એકાદ એટલી સુંદર હોય, રૂપે અને સૂરે બન્ને રીતે સુંદર હોય, એ છોકરી મોટા ભાગની અન્ય કન્યાઓ માટે ભારે ઈર્ષ્યાનું કેન્દ્ર હોય માત્ર કન્યાઓ શા માટે કેટલી શિક્ષિકાઓની આંખોમાંથી પણ છૂપી જલન ડોકિયાં કરતી હોય, પરિણામે સ્ટેજ પર પેલીને બને તેટલી ખૂણેખાંચરે બેસાડવામાં આવે, રખે પેલી છવાઈ જાય તો ?

પણ પરિણામ તદ્દન ઉલ્ટું આવે. સમગ્ર પ્રેક્ષક-શ્રોતાગણની નજરો પેલી ખૂણામાં ધરબાયેલી કન્યાને શોધી કાઢે !

આપણાં સમાજ જીવનમાં આ ઠંડું યુદ્ધ કોણ જાણે ક્યારથી ચાલ્યું આવે છે, ચાલે છે અને ચાલતું રહેશે ! પણ આ હાસ્યકથાની પરાકાષ્ઠા તરફ ધ્યાન ખેંચતું છે. વિડમ્બના એ છે કે તમે કોઈ મૂઠી ઊંચેરાના પ્રભાવથી ડરીને. એને રોકવા ફાંફાં મારો તો એ બધાં જ ફાંફાં પેલા પ્રતિભાવતને ''અન્ડરલાઇન'' કરે છે, વધુ સ્પષ્ટ કરે છે. આ કુદરતનો તમાચો છે, આ ઈશ્વરે મારેલી અડબોથ છે, જે ત્રાડ પાડીને કહે છે. ''મગતરાંઓ, હવે બસ કરો, આ જણ મારો પ્રતિનિધિ છે, તમારાં હવાતિયાં મારા ઉજાસને રોકી નહીં શકે.''

આવી પરિસ્થિતિમાં એવા દાખલાના નક્કર પુરાવા મોજૂદ છે કે જે વિદ્વાનને ઓક્સફર્ડ, હાર્વર્ડથી માંડીને અન્ય વૈશ્વિક વિદ્વાનોએ પોતાની પરિષદના અધ્યક્ષ તરીકે સ્વીકાર્યા હોય, એ જણથી, એ જણની હાજરી માત્રથી ગામના ઠેકેદારો ડરતા હોય !

પણ આ લોકો ડરે, આ લોકો તમને દૂર રાખવા કાવતરામાં મગ્ન રહે એ હકીકત જ તમારો ઝળહળતો વિજય સૂચવે છે.

પ્રતિભા અને એકલતા, પ્રતિભા અને ચારેય બાજુથી પ્રગટ-અપ્રગટ તેજોદ્વેષ, પ્રતિભા અને તપસ્યા, આ બધાં 'પેકેજ ડીલ' છે. તમારે આ સ્વીકારીને જ ચાલવું પડે. કુદરતની વ્યવસ્થા કમાલની છે. મગતરાંની બહુમતી અને તેજસ્વીની એકલતાના સામનામાં શુદ્ધ સુવર્ણ માફક તેજસ્વી વધારે તાકાતથી ઝળહળે છે, સ્પષ્ટ બની જાય છે.