Get The App

બુદ્ધિ કોઈ દુપટ્ટો કે શાલ છે ?! .

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
બુદ્ધિ કોઈ દુપટ્ટો કે શાલ છે ?!                                      . 1 - image

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

- બુદ્ધિને 'બાજુ' પર મૂકવાની વાત એટલે પાછલે દરવાજે બુદ્ધિનું મિથ્યાભિમાન કે ચરબી અકબંધ રાખવાની વાત. 

મો ઢેથી લેવાતા ખોરાક માટે તૈયાર પેકેટોનો જમાનો છેલ્લા લગભગ એકાદ દાયકાથી જોરમાં છે. થેપલાં ધારાવીની ઝુંપડપટ્ટીમાં તૈયાર થયાં હોય કે ટોસ્ટ-બ્રેડ માહિમ પાસેની ગંદી ચાલમાં તૈયાર થયા હોય, ઉપર ચકમકતું, બ્રાન્ડ મારેલું પ્લાસ્ટિકનું કવર લગાડો તો ગ્રાહકો તૈયાર છે. કેવા પ્રકારનો લોટ, કેવું તેલ વાપર્યાં છે, બનાવનારે સાબુથી હાથ સાફ કર્યા હશે કે નહીં એ ખુદા જાણે !

પરંતુ વૈચારિક, કહેવાતી આધ્યાત્મિક બાબતોમાં ''ફાસ્ટફૂડ'' ગળે ઉતારી જવાની આદત આપણે ત્યાં બહુ જૂની છે. ચિંતનની બ્રાન્ડ લગાડી જૂની ચાવી ચવાયેલી આત્મા-જીવ-સંયમ- પ્રેમ-પરમાત્મા- મોક્ષ-ધર્મની વાતો આમ તેમથી જોડી ''પ્લમ્બિંગ'', ''ફિટિંગ'', ''એસેમ્બલીંગ'' કરીને પધરાવી દો, પછી એ માલ તાજો છે, વાસી છે, અનુભૂતિની આગમાં પરિપકવ થયેલો છે કે નહીં એની પરવા કોણ કરે છે ? હાલત એ છે કે આવા ભેળસેળિયા 'બ્રાન્ડેડ' અને 'એસેમ્બલિંગ' કરેલા વૈચારિક ભૂંસાંથી ટેવાયેલા લોકોને ''તાજી'' અને ''ક્રાંતિકારી'' વાતોથી અપચો થાય છે.

આવી એક 'ફાસ્ટફૂડ' જેવી વાત અવારનવાર સાંભળતા મળે છે. એ વાત છે પ્રતીતિ અને હૃદયની વાત સમજવા બુદ્ધિ ને 'બાજુ' પર મૂકવી પડે ! મીરાં કે નરસૈયાને માણવા બુદ્ધિ બાજુ પર મૂકવી પડે !

''ફાસ્ટફૂડ'' જેમ બુદ્ધિને લગતું આ વિધાન મોટાભાગના ''સૂડો-આધ્યાત્મિકો'' અને બોલણિયાઓ કરતા રહે છે. ભલા માણસ ! બુદ્ધિ શું શાલદુપટ્ટો છે કે તમે તમારી ઈચ્છા કે સગવડ મુજબ ઠીક લાગે ત્યારે ચઢાવતા કે ઉતારતા રહો કે બુદ્ધિ તો - માણસની તમામ ઇન્દ્રિયો માફક ઈશ્વરે અર્પેલું એક અદ્ભૂત સાધન છે. બુદ્ધિનું રૂપાન્તર થાય, બુદ્ધિને ખતમ કરી ના શકાય. એક સગર્ભા માતા પોતાનાં આવનાર બાળકનાં કલ્યાણ માટે પોતાની ભાવતી વાનગી છોડે છે ત્યારે એ બુદ્ધિને ઉતારીને ફેંકી નથી દેતી, એ બુદ્ધિનું 'રૂપાન્તર' થઈ જાય છે.

રામકૃષ્ણ આશ્રમનાં વારાણસી કેન્દ્રની હોસ્પિટલમાં એક સન્યાસી હોસ્પિટલના ડીન તરીકે સેવા આપે છે. પોતાનાં સર્જરીનાં ક્ષેત્રમાં ટોચ પર પહોંચી, એમણે સન્યાસ લીધો. મુંબઈના જૈન પરિવારના આ નબીરાએ ધાર્યું હોત તો મુંબઈ કે વિદેશમાં પોતાની બુદ્ધિના વિનિયોગથી કરોડો જમા કર્યા હોત, પણ આજે એ સંપૂર્ણ વૈરાગ્યને રસ્તે પોતાની બુદ્ધિનો ઉપયોગ માનવસેવામાં યોજી રહ્યા છે, એ બુદ્ધિનું રૂપાન્તર છે, બુદ્ધિ 'બાજુ' પર મૂકવાની પ્રવૃત્તિ નથી.

બુદ્ધિને 'બાજુ' પર મૂકવાની વાત એટલે પાછલે દરવાજે બુદ્ધિનું મિથ્યાભિમાન કે ચરબી અકબંધ રાખવાની વાત. બુદ્ધિ બદલાઈ જાય પછી એને બાજૂ પર મૂકવાનું મિથ્યાભિમાન રહે જ નહીં. પછી બુદ્ધિની ઊર્ધ્વગતિ સહજ બની જાય.