Get The App

માનવ-ચોપગાંનો વસ્તી વિસ્ફોટ ! .

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
માનવ-ચોપગાંનો વસ્તી વિસ્ફોટ !                                     . 1 - image

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

કો ઈ પૌત્રે પૈસા ખાતર પોતાનાં દાદીમાની હત્યા કરી કે કોઈ વૃદ્ધ માતા-પિતાએ પુત્રના અસહ્ય ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો... આવા સમાચાર વાંચીને આપણને અરેરાટી થાય છે એથી ભગવાનનો પાડ માનો. કોઈની વ્યથા અનુભવવાની સંવેદના સાવ બૂઠી તો નથી થઈ ગઈ !

પરંતુ જાગૃત સમાજશાસ્ત્રીને એ વિચાર આવે છે કે - આવી 'બોલકી' ઘટનાઓ છાપે ચઢે છે એટલે આપણે નોંધ લઈએ છીએ, પણ ઘરે ઘરે, પરિવારે પરિવારે, વ્યક્તિગત સંબંધોમાં જે 'હત્યા વિનાની મૂંગી હત્યા' પ્રત્યેક ક્ષણે વધતી જાય છે એની નોંધ કેટલાક લેતા હશે ?

'અમ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં' કહીને નીસાસો નાખતા લાચાર લોકો આ લેખ વાંચીને કબૂલ કરશે કે જે ખૂનમાં લોહીનું ટીપું પણ દેખાય નહીં, જેનો પુરાવો ન જ મળે, જેની ફરિયાદ તમે પોલિસને તો નહીં, સગા દીકરા કે દીકરી કે સગાંવહાલાંને ન કરી શકો એવાં ક્ષણ પ્રતિક્ષણ થઈ રહેલાં ખૂનોની સંખ્યા અસંખ્ય રીતે વધતી રહી છે. તમે મહાનગરના રસ્તે પસાર થતાં માચિસનાં ખોખાં જેવા જે અસંખ્ય નિવાસસ્થાનો જોઈ રહ્યાં છો, એની દિવાલો જો બોલકી બને તો કદાચ સમાજમાં રૂડા રૂપાળા દેખાતા અસંખ્ય 'સજ્જનો' ને 'સન્નારીઓ' 'ધીમાં અને મૂંગાં' ખૂન માટે જવાબદાર સાબિત થાય.

હા, વિદેશોમાં વૃદ્ધો અને લાચારોને અલગ રહેવું પડે છે ત્યાં જુવાનો વડીલોની સંભાળ નથી રાખતા, વડીલોને એકલતા સતાવે છે એવું ખૂબ ખૂબ સાંભળીએ છીએ, પણ એક અત્યંત મહત્વની વાત આપણે કેમ સમજતા નથી કે ત્યાં આ બધું ખુલેઆમ આચરવામાં આવે છે. હાથીની માફક દેખાડવાના અને ચાવવાના અલગ દાંતો નથી. એમની પાસે હૈયાંની નાગી ભૌતિકતા છૂપાવવા સંસ્કૃતિ અને સભ્યતાના અંચળા નથી. મહોરાં નથી.

શેતાનિયત જ્યારે સંતત્વનું મહોરૃં પહેરે ત્યારે એમાંથી સડેલાં મડદાંની રોગિષ્ઠ દુર્ગંધ આવે છે.

પાપ આચરો, અણહક્કનું પચાવી પાડો, કોઈ પ્રતિભાશાળી વ્યક્તિની પ્રતિભા ઝૂંટવી ન શકાતી હોય તો પીઠ પાછળ કાવતરૃં ઘડીને એનું ચારિત્ર્ય-હનન કરો, એની ચાડી-ચુગલી કરીને એનો પતંગ કાપવા પ્રયાસ કરો ! શું આ બધાં 'ખૂન' નથી ? તમે હસતે મોઢે, કઠોર શબ્દો બોલ્યા વિના, ઝઘડો કર્યા વિના - દુષ્ટતા, ક્રૂરતા આચરો એટલે શું એ દુષ્ટતા 'સ્વીકાર્ય' બની જાય છે ? પ્રશ્નનો જવાબ છે : હા. આપણે સૌએ પરસ્પર આંખમીંચામણાં કરીને સ્વીકારેલી 'મૂલ્ય પદ્ધતિ' કહે છે : ખૂન કરો, પણ પૂરાવો છોડો નહીં. ચોરી કરો પણ પકડાવ નહીં. અન્યાય કરો પણ 'સિદ્ધાંત' કે 'પોલિસી'નું નામ ચઢાવી ને !

આપણી કુટુંબપ્રથા રહે કે ન રહે, પણ આપણે આપણી રોજિન્દી જિન્દગી જો એક 'માણસ' તરીકે જીવવી હશે તો આ 'ઉપયોગિતા-વાદ', 'ભૌતિકતાવાદ' આ 'જિસકી લાઠી ઉસકી ભેંસ' વાદ ને નંબર એકનો દુશ્મન માનવો પડશે. સીધું સાદું સત્ય એ છે કે સમાજમાં કે પરિવારમાં સાથે રહેવું અને પરસ્પર માટે 'જતું કરવાની' તૈયારી, અનિવાર્ય જરૂરત છે. આજે જે જોરાવર છે તે કાલે લાચાર અને નિર્બળ નહીં બને તેની કોઈ જ ખાતરી નથી, માત્ર આટલું વ્યવહારૂ સત્ય જે સમજે એ દુષ્ટતાભર્યા ભૌતિકતાવાદની અવ્યવહારૂતા સમજી શકશે. હૈયાંમાં માત્ર સ્વકીય- ઈન્દ્રિયતૃપ્તિ, સ્વાર્થી મોજમજાને સ્થાન આપનારી નવી પેઢી સાંસ્કૃતિક રીતે નવાં 'ચોપગાં'ને જન્મ આપશે, અને આ નવાં ચોપગાંનો વસ્તી વિસ્ફોટ - જીવનને ઝેર બનાવી નાખશે એટલું સમજવા હવે કેટલાં ધાર્મિક પ્રવચનોની જરૂર બાકી રહી છે ?