- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- તાજગી, નિર્ભયતાના મશાલચીઓને ''નકારાત્મક'' કહેનારાઓ દરેક જમાનામાં મોટી સંખ્યામાં રહ્યા છે
જે ને આપણે સ્વાતંત્ર્યવીર કહેતા આવ્યા છીએ એ વીર ભગતસિંહ અંગ્રેજોને મન ''ખૂની'' હતા. આજે પોતાને ''બૌદ્ધિક'' ગણાવવા માટે જેનાં નામનો, જેનાં સાહિત્યનો અનેક લોકો ''ફેશન'' તરીકે ઉપયોગ કરે છે. એ રજનીશજીની તડાફડી વાળી મૌલિક વાતોથી નાક ચઢાવવું એ એક જમાનામાં 'ફેશન' હતી ! તાજગી, નિર્ભયતાના મશાલચીઓને ''નકારાત્મક'' કહેનારાઓ દરેક જમાનામાં મોટી સંખ્યામાં રહ્યા છે કારણ કે લાંબા સમયનાં અંધારાંથી ટેવાયેલી એમની આંખોને અજવાળું પણ ''નકારાત્મક'' લાગે છે.
કોઈ ગામમાં મોટાભાગની દૂધની દુકાનોમાં ભેળસેળિયું દૂધ મળતું હોય એવી કલ્પના કરો. એ ગામમાં કોઈ માથાં ફરેલ જણ એક સસ્તાં અને નાનકડાં સાધનની દુકાન ખોલે : એવું સાધન કે જેમાં દૂધનું ટીપું નાખતાંવેંત જ દૂધની ભેળસેળ ખુલ્લી પડી જાય ! વિચાર કરો કે એફ બાજુ એ સાધનની એક નાનકડી દુકાન ને બીજી બાજુ ભેળસેળિયા દૂધની દુકાનોની જબરદસ્ત, પ્રભાવશાળી હારમાળા ! આ દુકાનવાળાઓ પેલા સાધન વેંચનાર જણને શો ઈલ્કાબ આપશે એ જાણો છો ? ''નકારાત્મક''નું લેબલએ સાધનના વેપારીને કપાળે લગાવી દેવાશે.
''નકારાત્મક''ની વ્યાખ્યા કોઈ ભૂંડ કે અળશિયાંને પૂછશો તો એ અંધારૃં, આત્મવંચનાને હકારાત્મકતા કહેશે, ને પ્રકાશને, આત્મપ્રતીતિને નકારાત્મકતા કહેશે. એક બાપ પોતાના પુત્રની ખૂબ પ્રગતિ ઈચ્છતો હોય, ને એ પુત્રના ગુણના સંકેત સાથે નિર્બળતા તરફ પણ ઈશારો કરે, તો બાપ નકારાત્મક કહેવાય કે હકારાત્મક ? જેને આજે આપણે અનુકંપાના અવતાર તરીકે પૂજીએ છીએ એ જિસસ એકવાર ચર્ચમાં વ્યાપેલા દંભ ને રોકવા દંડ લઈને ધસી ગયેલા. તમે જિસસની એ દંડધારી, ઉશ્કેરાયેલી, આક્રોશવાન મૂર્તિને નકારાત્મક કહેશો કે હકારાત્મક ? કવિ અખાને શું કહેશો ? પોતાના જમાનામાં હિન્દુઓમાં વ્યાપી રહેલા દંભ પ્રત્યે સ્પષ્ટ આંગળી ચીંધી, જ્ઞાતિવાદ, ધાર્મિક દંભને ચાબખા મારનારાને નકારાત્મક કહેશો કે હકારાત્મક ?
હકારાત્મકતા કે નકારાત્મકતાને હૈયાંના હેતુ સાથે સંબંધ છે, અને તમને તમાચો મારનાર, તમારા હાથમાં જે ભૂકો છે એ ''ગુટકો'' નથી ''ઝેર'' છે. એમ કહેનારનો હેતુ સમજવા માટે તમારી આંતરિક લાયકાત બહુ જરૂરી છે. કમનશીબી એવી છે કે, મોટાભાગે જો સમજ હોય તો વ્યક્તિ ''ગુટકો'' લેત જ નહીં. આત્મવંચનાનાં અંધારામાં રાચતી વ્યક્તિઓ પાસે સમજ હોત કે પોતે અંધારામાં છે, અંધારૃં જ નકારાત્મક છે, તો અજવાળાં ફેલારનારનો વિરોધ કરતે નહીં. અજવાળાનાં મશાલચીએ પોતાના હાથ બાળવાની ભવિતવ્યતા હોય છે.


