- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
જે છોડને ઢોરઢાંખર ચરી જાય, જે રોપાને હવા કે વાવાઝોડાંના જોકા સહેલાઈથી ઉખેડી નાખી શકે એને સલામતી બક્ષવા માટે આજુબાજુ વાડની જરૂર પડે, પણ જેનાં મૂળ સાબૂત હોય એને વાડાની જરૂર ખરી ? મહાપુરુષોના વિચારો કાળ કે ભૂગોળ ને પેલે પાર પણ આજે નક્કર, સચોટ અને પ્રસ્તુત લાગે છે એ કોને કારણે ? જડતાભર્યા ઘેટાં છાપ-અનુસરણ, કટ્ટરતા કે અંધક્રૂર ઝનૂન ને કારણે કે મહાપુરુષોની અંતર્નિહિત વૈચારિક સત્યની તાકાતને કારણે ? શું મહાપુરૂષોના વિચારો રાજકારણીઓ માફક રૂઢીચુસ્ત વફાદારો, જ્ઞાતિવાદ, કટ્ટર સંસ્થાકરણના ઓશીંગણ હતા ? અને જો એમ હોય તો વધારે વંદનીય કોણ ? કટ્ટરતાની કિલ્લેબંધી કે મહાપુરુષોના મૌલિક વિચારો ? મહાપુરુષો શું એટલા નિર્બળ હતા કે એમને ટકી રહેવા માટે જ્ઞાતિ કે ટ્રેડયુનિયન જેવાં જડબેસલાક બંધારણની જરૂર પડે ?
એક ભારે મહત્ત્વની વાત બાબત આંખો ખુલી જાય તે ભલભલાં ચુસ્ત કહેવાતાં 'ધાર્મિક' સંગઠનોના પગ નીચેથી પાટિયું ખસી જાય. એ વાત આ છે : વિજ્ઞાનની શોધ જે રીતે અન્યને ઉપયોગી થાય છે એ રીતે અધ્યાત્મ ક્ષેત્રની શોધ અન્યને ઉપયોગી થઈ શકતી નથી. મહાવીર બુદ્ધ, શ્રીકૃષ્ણ, રમણ મહર્ષિથી માંડીને ઓશો રજનીશ સુધીનાની શોધ ભલેને શબ્દ દેહે સચવાઈ હોય, અન્ય સાધક માટે એ શોધ તો જ ઝળહળે જો એ શોધ એણે પોતીકી યાત્રાનાં શિખર રૂપે પ્રાપ્ત કરી હોય. એક પર્વતારોહકની પેઠે અધ્યાત્મયાજ્ઞાના પથિકે પોતાનાં પગથિયાં પોતે જાતે ઉભાં કરવાં પડે છે. આ એવાં શિખરે પહોંચવાની યાત્રા છે જેમાં પગથિયાં નથી, વધુ સ્પષ્ટ કહો તો એ 'પાથલેસ પાથ' છે, જેમાં રસ્તો છે જ નહીં. તમારે રસ્તો ઉભો કરવાનો છે. ના, મહાવીર, બુદ્ધ, કૃષ્ણ કે કોઈની કમાણી તમને કામ ના આવે.
કોઈકે કરેલી આધ્યાત્મિક કમાણીની બેંક ઉભી કરીને એનાં વ્યાજ પર આયખું વીતવવાની ભયંકર જૂઠી ભ્રમણામાંથી 'ધાર્મિક સંગઠન'ના ખોખલા વિચારનો જન્મ થયો. આ વિચારને સમગ્ર વિશ્વમાં અગણિત ગ્રાહકો મળ્યા. શા માટે ના મળે ? વૈચારિક સંઘર્ષ વિના, બાપદાદાની કમાણીને આધારે વ્યાજને આધારે, બાપદાદાએ જમાવેલી 'બ્રાન્ડ ઇમેજ'ને આધારે જલસા કરવા કોને ન ગમે ?
શાળા જીવનમાં સંસ્કૃત પાઠયપુસ્તકનો અનુવાદ ગાઈડમાંથી બેઠો ગોખી મારી, પરીક્ષા પૂરતા ઉચ્ચ ગુણાંક મેળવનારા શૂરવીરો ને હકીકતમાં સંસ્કૃતનાં બે કે ત્રણ વાક્યોના અનુવાદ પણ ન આવડે, કારણકે ગાઈડની મદદ વિના અનુવાદ કરવાનું પ્રભુત્વ મેળવવાતો સખત પુરુષાર્થ કરવો પડે. છતાં આ બંદાઓ 'સંસ્કૃતમાં પ્રથમ વર્ગ મેળવ્યો'ની જાત-છેતરપિડીં ઉભી કરી શકે ! બસ મહાપુરુષોના આધ્યાત્મિક નિષ્કર્ષોને આધારે બાહ્ય શિસ્તનાં ચોકઠાં પર પ્રભુત્વ મેળવનારાઓ એટલે આવા 'ગાઈડ-વીરો' ! અધ્યાત્મની દિશામાં એક માત્ર પગલું પણ માંડવાની ઓખાત ન હોય એવા નમૂનાઓ બાહ્ય રૂઢીચુસ્તતાની વફાદારીને આધારે 'ધાર્મિક' હોવાની ભ્રમણામાં રાચતા રહે ! વાડા, રૂઢીચુસ્તતા, કટ્ટરવાદની જરૂર નિર્બળ અને પાયા વગરના માણસોને રહે છે. કાળને જીતનારા વિચારોને કટ્ટરતાની હરગીજ જરૂર પડતી નથી. ઉપનિષદ્ અને ગીતાનાં સત્યો કઈ 'બ્રાન્ડ-વ્યવસ્થા' ને આશ્રયે ટક્યાં છે ?
તમે જે વાડા કે સંપ્રદાય કે સંગઠનની 'બ્રાન્ડ'ના નશામાં ઝૂમી રહ્યા છો, એ સંગઠન એ કહેવાતા ધર્મના મૂળભૂત બારાખડી જેવા સિદ્ધાંતો એ સંપ્રદાયના સ્થાપક તરીકે જેનું નામ જપતાં તમે થાકતા નથી, એ સ્થાપકના મૂળભૂત સીધાસાદા વિચારોથી તમારી કટ્ટરતા અને તમારા 'ધર્મચુસ્તો' કેટલી હદે દૂર ચાલ્યા ગયા છો એ કદી વિચાર્યું છે ? કોઈક તો જાગો !


