Get The App

ઇજનેરી કૌશલ્યનો અજોડ નમૂનો .

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
ઇજનેરી કૌશલ્યનો અજોડ નમૂનો                           . 1 - image

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- સૌથી લાંબી અને સૌથી વધુ સગવડદાયક ટનલ નોર્વે, ચીન અને જાપાનમાં છે. વિશ્વના ટોચના એંજિનિયર્સ આ ટનલ્સને એંજિનયરીંગ માર્વેલ્સ સમી ગણાવે છે

વધી રહેલી વસતિ અને વધી રહેલા વાહન વ્યવહારના પગલે માણસ પહાડો કોરીને કે દરિયો પૂરીને બોગદાં બનાવતો થયો. એવાં બોગદાં (ટનલ) ઇજનેરી કૌશલ્યના અનેરા નમૂના જેવા બની રહેતાં હોય છે. આપણે ત્યાં મહાનગર મુંબઇમાં વરલી સી લીંક બની એ પછી અરબી સમુદ્ર કોરીને વરલીથી નરીમાન પોઇન્ટ સુધી જવાનો મોટરવે તૈયાર થયો. એજ રીતે હિમાચલ પ્રદેશમાં મનાલી અને કેતાંગને જોડતી નવ કિલોમીટર લાંબી ટનલ તૈયાર કરવામાં આવી. એને અટલ ટનલ નામ આપવામાં આવ્યું. ટનલ બનાવતી વખતે એમાં પ્રકાશ આયોજનની ખાસ વ્યવસ્થા કરવી જરૂરી બની રહેતી હોય છે. એવું ન થાય તો મોટરકાર  ચલાવનારા ઘડીવારમાં થાકી જાય, કંટાળી જાય. 

વિશ્વમાં ઠેર ઠેર આવી ટનલ છે. ઇજનેરી કલા કૌશલ્યની દ્રષ્ટિએ જોઇએ તો સૌથી લાંબી અને સૌથી વધુ સગવડદાયક ટનલ નોર્વે, ચીન અને જાપાનમાં છે. વિશ્વના ટોચના એંજિનિયર્સ આ ટનલ્સને એંજિનયરીંગ માર્વેલ્સ સમી ગણાવે છે. અહીં નોર્વેની ટનલની ઝલક આપવાનો પ્રયાસ કર્યો છે. કદની દ્રષ્ટિએ, સગવડની દ્રષ્ટિએ અને અન્ય બાબતોમાં આ ટનલ વિશ્વની સૌથી લાંબી ટનલ ગણાય છે. ૨૪.૫૧ કિલોમીટર લાંબી આ ટનલ બાંધવાની શરૂઆત ૧૯૯૫માં થયેલી. એનો અંદાજિત ખર્ચ એક અબજ એંસી લાખ નોર્વેજિયન ક્રોનર આંકવામાં આવેલો. એ બાંધનારી કંપનીને સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું હતું કે કોઇ પણ બહાને બાંધકામ વિલંબમાં નાખવાનું નથી. વિલંબ થશે તો કંપનીને સજા કરવામાં આવશે.

બરાબર પાંચ વર્ષમાં બાંધકામ પૂરું થયેલું. ૨૦૦૦ની સાલમાં આ ટનલ વાહન વ્યવહાર માટે કામ કરતી થઇ ગઇ. આજે પચીસ વર્ષ થયાં. આ ટનલ સરસ રીતે કાર્યરત છે. અગાઉ કહ્યું એમ આખીય ટનલમાં પ્રકાશ આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે મોટર લઇને જઇ રહેલા દરેકને પ્રફુલ્લિત રાખે. આ ટનલ બનાવવા માટે પચીસ લાખ  ક્યૂબીક મીટર જેટલો ડુંગર કોરવામાં આવેલો. આખીય ટનલમાં વેન્ટિલેશન અને ચોવીસે કલાક તાજી હવા વહેતી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ આ વિસ્તારમાં જોખમી પહાડો, શિયાળામાં છવાઇ રહેતું ધૂમ્મસ  અને એને પગલે પ્રવાસ ભયજનક બની રહેતો. અકસ્માતો અવારનવાર થતા. આ ટનલ બની ગયા પછી પ્રવાસ સુરક્ષિત અને આનંદદાયક બની રહ્યો છે. આ ટનલ લૈરડાલ અને ઓર્લેન્ડને જોડે છે.

આખીય ટનલને ચાર સેક્શનમાં વહેંચી દીધી છે. દર છ કિલોમીટરે ગુફા જેવા દેખાતા આરામગૃહ છે. કોઇને થોડીકવાર રોકાવું હોય, કુદરતી હાજત સંતોષવી હોય કે કૉફી પીવી હોય તો આ સ્થળે રોકાઇ શકે. ચોવીસ કિલોમીટર આ ટનલની ઝલક મેળવ્યા પછી બીજા ક્રમે આવે એ ચીનની તીઆનશાન શેંગલી ટનલ. આ ટનલ ઉત્તર અને દક્ષિણ ઝીનઝિયાંગને જોડે છે. ટનલ ૨૨.૧૩ કિલોમીટર લાંબી છે અને ચીનના તીઆનસાન પહાડને કોરીને બનાવવામાં આવી છે. અગાઉ ઝિનઝિયાંગના ઉત્તરથી દક્ષિણ તરફ જવા માટે કલાકો લાગી જતા. હવે ગણતરીની મિનિટોમાં આ પ્રવાસ પૂરો થઇ જાય છે. ચીનના આ પહાડ વિસ્તારમાં હિમાલયના બરફથી છવાયેલા પહાડો જેવી  ભયાનક ઠંડી હોય છે. હવામાન ગમે ત્યારે પલટાઇ જાય. પરિણામે મોટરનો પ્રવાસ ખરા અર્થમાં ભયજનક બની રહે. આ ટનલ બની ગયા પછી એ બધી મર્યાદાઓ વિસરાઇ ગઇ. આ ટનલને ઝાઝો સમય થયો નથી. ૨૦૨૫ના ડિસેંબરમાં એટલે કે ફક્ત બે અઢી મહિના પહેલાં આ ટનલ ખુલ્લી મૂકાઇ. અહીંથી રોજ હજારો વાહનો પસાર થાય  છે. વાહન વ્યવહાર ઝડપી બને એટલે વેપાર વાણિજ્યને પણ એનો લાભ મળે. નોર્વે પછી ચીને આવો વિક્રમ સ્થાપ્યો. અગાઉ ચીન આવી બે લાંબી ટનલ બનાવી ચૂક્યું હતું. એની ઝોંગ્નાનશાન ટનલ ૧૮.૪ કિલોમીટર લાંબી છે અને જીનપિંગશાન ટનલ૧૭.૫૪ કિલોમીટર લાંબી છે.