- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- એણે થોડીવાર વિચાર કર્યો. પછી આખું કતલખાનું ખરીદી લીધું. એમાં રહેલા બે હજારથી વધુ કૂતરાને આઝાદ કરી નાખ્યા
આ પણી સુપ્રીમ કોર્ટે એક કેસ વિશે અભિપ્રાય ઉચ્ચારતાં આક્રોશભેર કહ્યું કે રઝળતા કૂતરાને ખવડાવવામાં માનવતા દેખાતી હોય એવા લોકોએ એ કૂતરાને પોતાને ઘેર લઇ જવા જોઇએ. સુપ્રીમ કોર્ટના આ શબ્દો સાંભળીને પશુપંખી માટે પ્રેમ ધરાવતા હજારો લોકો હર્ટ થયા હશે. પિપલ ફોર ધ એથીકલ ટ્રીટમેન્ટ આફ એનિમલ્સ (પેટા)ના સ્વયંસેવકોએ પણ હતાશા અનુભવી હતી. છેક રામાયણ મહાભારત કાળથી કૂતરો માનવમિત્ર ગણાતો આવ્યો છે. શિરડીના સાંઇબાબાથી માંડીને કચ્છના મેકરણદાદા સુધીના સંતોએ અપનાવેલા કૂતરા માટે આટલો બધો ગુસ્સો ? યૂરોપના જગપ્રસિદ્ધ આલ્પ્સ પર્વત પર આરોહણ કરવા ગયેલા અને બરફથી છવાયેલા પર્વતો પર હિમડંખ કે બીજા પ્રતિકૂળ હવામાનથી ફસાયેલા લોકોને શોધી કાઢવાનું અત્યંત મુશ્કેલ કામ સેંટ જ્હૉન તરીકે ઓળખાતા ખાસ કૂતરા કરે છે. તાજેતરમાં એક એવા શ્વાનપ્રેમીની વાત વાંચવામાં આવી કે દિલ અવાક થઇ ગયું. એ શ્વાનપ્રેમીની વાત અહીં આપની સાથે શેર કરી છે. દુનિયામાં ચીન કદાચ એક એવો દેશ છે જ્યાં કીડી-મંકોડા-કંસારી-વાંદાથી માંડીને જીવતા સર્પ અને કૂતરા રાંધીને ખાવામાં આવે છે. આજે પણ ચીનમાં રઝળતાં કૂતરાંને ખાસ કતલખાનામાં મોકલાય છે. ત્યાં અત્યંત ક્રૂર રીતે કૂતરાને મારી નાખીને એનું માંસ હૉટલોમાં વેચાતું અપાય છે. એ માંસની વાનગી લોકો હોંશે હોંશે ખાય છે. આવા ચીનના ઇશાન પ્રદેશમાં હેલોન નામનું નગર છે. ત્યાં એક સાહસિક ઉદ્યોગપતિ વસે છે. વાન યાંગ નામના આ ઉદ્યોગપતિનું લોખંડનું કારખાનું હતું. પૈસે ટકે એ ખૂબ સુખી માણસ ગણાતા. સરસ બંગલો અને કારના માલિક હતા. આ વાંગ યાને એક સરસ પીડીગ્રી કૂતરો પાળ્યો હતો.
૨૦૧૨ની આસપાસ અચાનક એક દિવસ આ કૂતરો ગૂમ થઇ ગયો. આખોય યાન પરિવાર ગમગીન થઇ ગયો. આ કૂતરો કાયદેસર રીતે સ્થાનિક તંત્રમાં નોંધાયેલો હતો. એના ગળામાં રજિસ્ટ્રેશન નંબર નોંધાયેલો બિલ્લો અને એની ઓળખની વિગતો પટ્ટામાં હતી. યાન પરિવારે ખૂબ શોધ ચલાવી. સ્થાનિક અખબારમાં પોતાના કૂતરાનો ફોટો આપીને જાહેરાત પણ છપાવી. જે કોઇ આ કૂતરો શોધી આપે એને ઇનામની પણ જાહેરાત કરેલી. પરંતુ ક્યાંય એમના કૂતરાનો પત્તો લાગ્યો નહીં. એક મિત્રના કહેવાથી વાંગ નજીકના કતલખાનામાં પણ જઇ આવ્યા. એમાં પણ નિષ્ફળતા મળી. જો કે કતલખાનામાં જે રીતે કૂતરાને મારી નખાતા એ જોઇને વાંગનું હૈયું કલ્પાંત કરી ઊઠયું. માણસના સૌથી વફાદાર દોસ્ત ગણાતા કૂતરા સાથે આવું પાશવી વર્તન ! એણે થોડીવાર વિચાર કર્યો. પછી આખું કતલખાનું ખરીદી લીધું. એમાં રહેલા બે હજારથી વધુ કૂતરાને આઝાદ કરી નાખ્યા. પરંતુ આટલા બધા કૂતરાને ખવડાવવા અને રાખવા માટે વિશાળ જગ્યા જોઇએ. વાંગનો પોતાના વિચારો પર કાબુ રહ્યો નહોતો. એણે પોતાના લોખંડના કારખાનામાં રહેલાં મોટાં મોટાં યંત્રો વેચી નાખ્યાં અને ખાલી પડેલી જગ્યામાં તેમજ કારખાનાના ગોદામોમાં શ્વાન આશ્રયસ્થાન બનાવી નાખ્યું. એના કુટુંબીજનોને લાગ્યું કે વાંગ પાગલ થઇ ગયો છે. એ લોકો એને છોડીને ચાલ્યા ગયા.
થોડા દિવસમાં વાંગ પાસેના નાણાં ખૂટયા. હવે આટલા બધા કૂતરાનું પેટ શી રીતે ભરવું ? એણે કારખાનાની જમીન વેચી નાખી. એ પછી પણ એને નાણાંની તંગીનો ભયંકર અનુભવ થવા લાગ્યો. સમયસર ખાવા નહીં મળતું હોવાના કારણે ઘણા કૂતરા એને છોડીને ચાલ્યા ગયા. એ પછી પણ આજે એની પાસે લગભગ બસો જેટલા કૂતરા છે. આ બસો કૂતરા સાથે એ રહે છે. સદ્ભાગ્યે એને કેટલાક સહૃદય દોસ્તો સહાય કરે છે. હવે બંગલો રહ્યો નથી. એક નાનકડું મકાન છે. એણે પોતાના નાનકડા મકાનની બહાર બોર્ડ માર્યું છે કે મને નાણાંની જરૂર નથી. મારા આશ્રયગૃહમાં જે કૂતરા રહે છે એમને ખવડાવવા જેટલી સહાય મને કરશો તો ગમશે. સ્થાનિક અખબારમાં અને ટીવી ચેનલ પર એના આશ્રયગૃહની વાતો રજૂ થઇ. એ પછી એને સહાય કરનારા આગળ આવતા થયા. જો કે એને સતત એવો ડર તો રહે જ છે કે ચીની પ્રજા કૂતરાની વાનગીઓ માણવા માટે ટેવાયેલી છે એટલે ક્યારેક મારી પાસેના કૂતરા પર પણ કોઇની મેલી નજર પડશે અને મારા કૂતરાને ઊપાડી જવાના પ્રયાસો થશે. એટલે એ લગભગ ચોવીસ કલાક જાગતો રહે છે. જો કે એની પાસેના મોટા ભાગના કૂતરા હવે એને ભરપુર
પ્રેમ કરે છે. વાંગને ઝોકું આવી જાય ત્યારે પણ કૂતરા જાતે ચોકી કરે છે. મકાનની ચારે બાજુ દિવાલ અને કાંટાળી વાડ બનાવી છે. હવે વાંગ અને કૂતરા એકમેક વિના જીવી શકે એમ નથી. એના શ્વાનપ્રેમની કથા ફેસબુક પર રજૂ થઇ ચૂકી છે. કદાચ તમે પણ ફેસબુક પર એના વિશે વાંચ્યું હશે. બીબીસીએ પણ એના વિશે એક નાનકડી વિડિયો સ્ટોરી બનાવેલી. આજે પૈસે ટકે એ ખુવાર થઇ ચૂક્યો છે પરંતુ એને નિયમિત ક્યાંકથી સહાય મળતી રહે છે.


