Get The App

'મોસ્ટ વોન્ટેડ' મેન ઑફ રશિયા .

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
'મોસ્ટ વોન્ટેડ' મેન ઑફ રશિયા                              . 1 - image

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- દાયકાઓની પુટિનની રાજકીય કારકિર્દીમાં કાજળથી પણ કાળું કલંક લાગે એવું આ પુસ્તક છે.

જ રૂર પડયે દુનિયાનો ખૂણે ખૂણો તપાસી આવો, આ માણસ મને કોઇ પણ ભોગે જોઇએ, જીવતો યા મૂવો, ક્રોધભર્યા સ્વરે વ્લાદીમીર પુટિન બરાડયા. સામે ઊભેલા બધા ગુપ્તચર પૂતળા જેવા થઇ ગયા. પુટિન આટલા બધા ગુસ્સે તો ભાગ્યે જ થાય છે. આ માણસ પર એમનો ગુસ્સો એટલો બધો દેખાય છે કે પેલો સામે ઊભો હોય તો પુટિન એને ક્લોઝ્ડ રેંજથી ઠાર કરી દે, એમ મોટા ભાગના ગુપ્તચરો મનોમન વિચારી રહ્યા હતા.

એક તરફ યુક્રેન સાથે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, બીજી તરફ અમેરિકા અને ઇઝરાયેલનો શિકાર બનેલા ઇરાનને કેવી રીતે સહાય મોકલવી એનો વ્યૂહ ઘડવાનો છે અને ત્રીજી બાજુ આ ઇન્વેસ્ટિગેટિવ પત્રકારને પકડીને પતાવી દેવાનો છે. ત્રણ ત્રણ પાંખિયે પુટિન લડી રહ્યા છે. દેશ અને દુનિયામાં રૂઢિચુસ્ત અને પરિવારપ્રેમી હોવાનો દેખાવ કરતા વ્લાદીમીર પુટિનને આ માણસે વ્યભિચારી પુરવાર કર્યા છે. પત્ની અને સંતાનો હોવા છતાં પુટિને બીજી ડઝનબંધ મહિલાઓ સાથે લગ્નબાહ્ય સંબંધો રાખ્યા છે એટલું જ નહીં, અનૌરસ કહેવાય એવાં કેટલાંય સંતાનો પણ પેદા કર્યા છે, એવું આ માણસે એક પુસ્તકમાં પુરાવા સાથે પ્રગટ કર્યું છે. દાયકાઓની પુટિનની રાજકીય કારકિર્દીમાં કાજળથી પણ કાળું કલંક લાગે એવું આ પુસ્તક છે. હાલ એનો લેખક અત્યારે મોસ્ટ વોન્ટેડ ગુનેગાર છે.

આ ઇન્વેસ્ટીગેટિવ પત્રકારનું નામ છે રોમાન બેદાનીન. આશરે ૪૯ વર્ષનો આ પત્રકાર પ્રોએક્ટ (અંગ્રેજીમાં પ્રોજેક્ટ) નામના ખણખોદિયા સામયિકનો વડો તંત્રી છે. સાથોસાથ એજન્ત્સવો (અંગ્રેજીમાં એજન્સી) નામની ન્યૂઝ એજન્સીનો સંચાલક છે. ધીરજભેર વરસો સુધી જાતતપાસ કરીને એણે પુટિનના વ્યભિચારી જીવન વિશે એક પુસ્તક લખ્યું અને પ્રગટ કર્યું છે. આ પુસ્તકનું નામ છે ધ ઝાર ઇન પર્સન- હાઉ વ્લાદીમીર પુટિન ફૂલ્ડ અસ ઓલ. (એક વ્યક્તિ તરીકે ઝાર- વ્લાદીમીર પુટિને આપણને બધાંને શી રીતે મૂર્ખ બનાવ્યા). આ પુસ્તકમાં બેદાનીને ઓછામાં ઓછી બારેક મહિલા સાથેના પુટિનના સંબંધો પુરાવા સાથે રજૂ કર્યા છે. એ મહિલાઓમાં કેટલીક તો સગીર વયની બાલિકાઓ છે. દાખલા તરીકે આલિશા ખાર્શ્ચેવા. પુટિન ૫૮ વર્ષના હતા ત્યારે સામ્યવાદી પક્ષના કેલેન્ડર પર આલિશાની તસવીર પ્રગટ થઇ હતી. એ સમયે આલિશા માત્ર સત્તર વર્ષની નાદાન ટીનેજર હતી. પુટિને એને ભોળવીને એની સાથે સહશયન કર્યું. પુખ્ત થયા પછી આલિશાએ તદ્દન ટૂંકાં વસ્ત્રો પહેરીને એક બિલાડી સાથે ફોટો શૂટ કરાવ્યું જેમાં પુટિનનું નામ લીધા વિના આ બિલાડી મારી પાળેલી છે એવું કેપ્શન પ્રગટ કર્યું હતું. પુટિન સમસમી ગયા હતા પરંતુ ગાલે તમાચો મારીને ચૂપ રહ્યા હતા.

ઓલિમ્પિક્સ રમતોત્સવમાં વિજેતા નીવડેલી એક જિમ્નેસ્ટ સાથેના પુટિનના સંબંધો તો ખૂબ ગાજ્યા હતા. વધુ રસપ્રદ વાત તો એ હતી કે પુટિને આ જિમ્નેસ્ટની ત્રણ બહેનપણી સાથે પણ સંબંધો બાંધ્યા હતા. એથી પણ આગળ વધીને આ ચારે મહિલાને પોશ એરિયામાં મોંઘાદાટ ફ્લેટ્સ અને કાર ભેટ આપ્યાં હતાં જેથી પેલીઓ મોં બંધ રાખે.

સ્વેતલાના ક્રીવોનોગીખ નામની એક ગર્ભશ્રીમંત મહિલા સાથેના એના સંબંધોથી એક પુત્રી જન્મી હતી જે હાલ ૨૨ વર્ષની છે. લુઇઝા રોઝોલા નામની આ યુવતી હાલ રશિયા અને પેરિસ (ફ્રાન્સ) વચ્ચે અવરજવર કરે છે.

એક તબક્કે પુટિને સામ્યવાદી પક્ષમાં એની સાથે કામ કરતી અને પુટિન કરતાં ત્રીસેક વર્ષ નાની એવી એલિના કાબાએવા નામની મહિલા સાથે સંબંધ જોડયા હતા. આ સંબંધથી બે પુત્રો જન્મ્યા હતા. હાલ આ બંને છોકરા ટીનેજર છે અને પહેલીવાર કાલ્પનિક નામ સાથે એલિનાએ પુટિન અને પુત્રો સાથેનો ફોટોગ્રાફ જાહેરમાં મૂક્યો હતો. એની કેપ્શન એવી હતી કે આપણા પ્રજાપ્રિય રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુટિનને પણ અમે મળી ચૂક્યાં છીએ. અમે એમના પ્રશંસક છીએ.

આ તો માત્ર બે ત્રણ દાખલા આપ્યા. પુસ્તકમાં તો પુટિનના આવા ઢગલાબંધ છીનાળા રજૂ થયા છે. લેખકે કેટલીક મહિલાઓને સમજાવી-ફોસલાવીને પુટિન સાથેના એમના ફોટોગ્રાફ પણ આ પુસ્તકમાં પ્રગટ કર્યા છે. આમ આ પુસ્તક વિપુલ પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી ધરાવે છે. સ્વાભાવિક છે કે પુટિન રાતાપીળા થઇ ગયા. તેમણે દેશની રાષ્ટ્રીય ગુપ્તચર સંસ્થાના ટોચના જાસૂસોને મીટીંગમાં બોલાવીને કડક શબ્દોમાં આદેશ આપ્યો કે ગમે તે કરો, આ માણસને એટલે કે રોમન બેદાનીનને પકડી લાવો અથવા જ્યાં હોય ત્યાં ઠાર કરી દો. બીજીવાર કોઇ આવું  પુસ્તક લખવાની હિંમત ન કરે.