Get The App

સાન્તાક્લોઝના વેશમાં વિકૃત શેતાનમંડળી.....

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
સાન્તાક્લોઝના વેશમાં વિકૃત શેતાનમંડળી..... 1 - image

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- પોતાને સાન્તાક્લોઝના પ્રતિનિધિ ગણાવતા કેટલાક લોકો એ બાળકો પાસે એમના ઘરનું સરનામું માગી રહ્યા હતા

ડિ સેંબરનું છેલ્લું સપ્તાહ આવવાની તૈયારી હોય એવા દિવસોમાં દુનિયાભરમાં વસતા ઇસાઇ પરિવારોનાં બાળકો અનેરા ઉત્સાહથી થનગનતા હોય છે. એનું કારણ સાન્તાક્લોઝ નામનું એક લેજન્ડરી પાત્ર છે. આજે તો ખ્રિસ્તી ઉપરાંત આખી દુનિયાનાં બાળકોમાં સાન્તાક્લોઝ લોકપ્રિય ગણાય છે. ભારતમાં પણ મખમલ કે ઊનનાં લાલ વસ્ત્રો અને શંકુ આકારની ટોપી પહેરેલા સફેદ દૂધ જેવી દાઢીવાળા સાન્તા દાદા મોટા મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોર્સના દરવાજે ઊભા રહીને બાળકોનું મનોરંજન કરતાં હોય છે.  આ દિવ્ય પાત્ર ક્રિસમસની પૂર્વસંધ્યાએ બાળકોને ગમતી ભેટ આપવા પૃથ્વી પર પધારે છે એવી માન્યતા છે. ઇસુની છેક ચોથી સદીથી આ માન્યતા ચાલી આવે છે. 

ચોથી સદીમાં સંત નિકોલસ નામના એક સંત બાળકોમાં ખૂબ લોકપ્રિય હતા. એ ક્રિસમસની પૂર્વસંધ્યાએ બાળકોને, ખાસ કરીને ગરીબ વિસ્તારોમાં ફરીને ત્યાં વસતાં બાળકોને મનગમતી ભેટ આપતા. ત્યારથી સાન્તાક્લોઝની દંતકથા ચાલી આવે છે. હરણની એક વિશિષ્ટ પ્રજાતિ રેઇન્ડિયર સાન્તાક્લોઝના રથને બાહ્ય અવકાશમાં હાંકે છે એવી માન્યતા આ દંતકથા સાથે વણાયેલી છે. યૂરોપ અમેરિકાના મોલ્સ અને મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ બાળકો માટે ખાસ ગિફ્ટનું આયોજન પણ કરતાં હોય છે. 

૨૦૨૫ની ક્રિસમસ પર અમેરિકામાં એક ઘૃણાસ્પદ બનાવ બની ગયો. અમેરિકાના ન્યૂ જર્સી વિસ્તારમાં ગુજરાતીઓની બહુ મોટી વસતિ છે. સાથોસાથ અહીં દુનિયાભરના લોકો વસે છે. છેલ્લા થોડા સમયથી પોલીસ અને ગુપ્તચર વિભાગના બાતમીદારો એવી માહિતી લાવી રહ્યા હતા જેને કારણે પોલીસને ઉજાગરા થાય. સોશ્યલ મિડિયાનો છૂટથી વપરાશ કરતાં કેટલાંક બાળકો પર કોઇ આપત્તિ તોળાવાની હોય એવી માહિતી બાતમીદારો લાવ્યા હતા. સંવેદનશીલ વિસ્તારો ગણાય એવા સ્થળોએ પોલીસે ઇન્ટરનેટ અને અન્ય સોશ્યલ મિડિયા પર થઇ રહેલી ચેટ્સને આંતરવા માંડી.

થોડાક દિવસ ચેટ્સ આંતરવા છતાં કંઇ મળ્યું નહોતું. એક દિવસ ઓચિંતી એક એવી ચેટ આંતરી જેણે પોલીસને સાબદી કરી દીધી. કેટલાંક બાળકો સાન્તાક્લોઝ પાસે કંઇ ને કંઇ માગી રહ્યા હતા. સામા પક્ષે પોતાને સાન્તાક્લોઝના પ્રતિનિધિ ગણાવતા કેટલાક લોકો એ બાળકો પાસે એમના ઘરનું સરનામું માગી રહ્યા હતા. ઘરનું સરનામું આપવાની  ના પાડે એવા બાળકોને આ બનાવટી સાન્તાક્લોઝ ચોક્કસ સ્થળે આવવાનું આમંત્રણ આપતા હતા. એ સ્થળ શોધવામાં તકલીફ ન પડે એટલા માટે ગૂગલ મેપ પર લોકેશન આપતા હતા. અનુભવી પોલીસ અધિકારીઓને તરત ગંધ આવી ગઇ કે દાળમાં કંઇક કાળું છે. પોલીસે ઓપરેશન બેડ સાન્તા નામે એક ખાનગી યોજના ઘડી કાઢી. જે સ્થળની વાત હતી એની આસપાસ પોલીસે તરત સાદા વેશમાં ચપળ પોલીસ અધિકારીઓને હથિયાર સાથે ગોઠવી દીધા.

પૂર્વસંધ્યાએ સંબંધિત સ્થળે થોડાક લોકો આવ્યા. ત્યાં એકલદોકલ બાળક કે અપેક્ષા મુજબના થોડાંક બાળકોને જોયા નહીં એટલે આ લોકોએ મોબાઇલ ફોનના વ્હોટ્સ એપ પર સંદેશા મોકલવાની શરૂઆત કરી. એ સાથે ચારે બાજુથી પોલીસે એ લોકોને ઘેરી લીધા. કુલ તેર જણની ધરપકડ કરી. આ તેરે તેર જણ કૂમળી વયનાં બાળકો સાથે સેક્સ માણવા આવ્યા હતા. આઘાતજનક વાત એ હતી કે આ તેરમાં એક સ્કૂલ શિક્ષક હતા, એક ટીનેજર્સના વ્યક્તિત્વ વિકાસ માટે કામ કરતા અનુભવી કાઉન્સેલર હતા. પકડાયેલા તેર જણમાં ૨૩ વર્ષના યુવાનથી માંડીને ૬૫ વર્ષના સિનિયર સિટિજનનો સમાવેશ હતો. વધુ આઘાતજનક વાત એ હતી કે આ તેરમાં બે ભારતીય હતા. એકનું નામ વેદાંત ખંડેલવાલ અને બીજો આકાશ શાહ ગુજરાતી છે. બાળકો સાથે સેક્સ માણવાનો શોખીન છે. આ તેરે તેરને પકડનારા પોલીસ અધિકારીઓની ધાક એવી છે કે લાલ આંખ કર્યા વિના કે જરા અમથીય મારપીટ કર્યા વિના તેરે તેર જણે પોતાના ઇરાદાના એકરાર કરી લીધા. બધાને કોર્ટમાં રજૂ કરાયા અને વિવિધ કલમો હેઠળ તેમની સામે આરોપો ઘડાયા. 

સંત નિકોલસ દ્વારા શરૂ થયેલી એક દિવ્ય મંગલ પરંપરાનો ગેરલાભ આધુનિક ટેક્નોલોજી દ્વારા લઇને કૂમળા બાળકોને ફસાવવા માગતા આ વિકૃત મનોરોગીઓ ઝડપાઇ ગયા. પોલીસ માને છે કે આમાંના કેટલાક પેડોફાઇલ એટલે કે બાળકોને ફસાવીને તેમના પર બળાત્કાર કરનારા રીઢા આરોપીઓ હશે.